આજે આસો વદ એકાદશી
આજનો સુવિચાર:- ક્રોધની અગ્નિ પર પ્રેમનું પાની છાંટો તો જ શાંતિ સ્થાપિત થાય છે.
[અમેરિકા સ્થિત શ્રી રમેશભાઈ પટેલે [આકાશદીપ] પોતાની આ રચના મોકલાવી એ બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]
ઓલી દિવાળી
અગિયારશ બારશ ને તેરશ ચૌદશ
ખોળું દિવાળી તને વિસ્મયે ચોદિશ
થઈ અણજાણી કેમ તું લપાણી
ઓ અમારી મનગમતી દિવાળી
દીપ જલ્યા છે દ્વારે દ્વારે
ને સંતાડ્યા સ્નેહ અંધારે
શોભે સુસ્વાગતમ ઝૂલતું પ્યારે
ને લટકાવ્યાં છે તાળાં દ્વારે
ને પૂછો મને ક્યાં લપાણી?
ઓલી અમારી ઘરઘરની દિવાળી
સ્વચ્છ આંગણીયે દીપતી રંગોળી
પણ ભમું હું લઈ પરેશાની
નિર્મળ મનથી નથી આવકારા
ને શીદને તું ખોળે દાદાઇ દિવાળી
મેવા મીઠાઈના થાળ છે મોટા
ને દીઠા સબરસ અંતરે છેટા
મથું શોધવા એ કુટુમ્બ કબિલા
કરતા રહેતા સ્નેહ સરવાળા
ને હવે ના પૂછીશ ક્યાં છે દિવાળી?
સાચે જ તને અંતરથી ખોળું
દેવા અજવાળી ભાતે વધામણિ
રાહ જુએ તારી ફટાકડા ઝોલી
આવને મારી વહાલી દિવાળી
શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)
ૐ નમઃ શિવાય