શું આપે અહીંની મુલાકાત લીધી છે?

                                        આજે કારતક સુદ ત્રીજ

આજનો સુવિચાર:- એકનું પણ ભલું થતું હોય તો તે કાર્ય કરો.

 

                         શું આપે અહીંની મુલાકાત લીધી છે?

 

ઘણીવાર આપણે વિચારતા હોઈએ છીએ કે થોડા સમય માટે ફરવા જવું તો ક્યાં જવું? વ્યસ્ત જીવનમાં જો થોડો સમય મળ્યો હોય તો એવા કયા સ્થળે જવું જ્યાં આરામ સાથે કુદરતને પણ મ્હાલી શકાય.

મુંબઈ નજીક વરસતા વરસાદમાં કે વગર વરસાદે પણ અદભૂત આનંદ આપે એવાં હિલ સ્ટેશનો આવેલાં છે જ્યાં વીક-ઍંડમાં મુલાકાત લઈ શકાય છે. એમાં મુખ્યત્વે માથેરાન, મહાબળેશ્વર, પંચગીની, લોનાવલા-ખંડાલા, ભંડારધારા, ભીમાશંકર, ઈગતપુરીનો સમાવેશ કરી શકાય.

માથેરાન:-

માથેરાનની ટોય ટ્રેન

માથેરાનની ટોય ટ્રેન

 

મુંબઈની નજીકનું એક સૌથી લોકપ્રિય હવાખાવાનું સ્થળ એટલે માથેરાન. પશ્ચિમી ઘાટમાં સમુદ્રની સપાટીથી 2636 ફૂટની ઊંચાઈ પર આવેલા માથેરાનમાં ગાઢ જંગલો આવેલાં છે જે પ્રવાસીઓ માટે વરદાનરૂપ છે. માથેરાનમાં મેલેટ સ્પ્રિંગ ઉપરાંત હાર્ટ પૉઈંટ, બૉમ્બે પોઈંટ તેમજ મંકી પોઈંટ સહેલાણીઓમાં જાણીતા સ્થળો છે. અહીં ફક્ત ઘોડાઓ અને હેંડ પુલ્ડ કાર્ટને જ પ્રવેશ મળે છે અન્ય કોઈ વાહનોને પ્રવેશ નથી. નેરળ માથેરાનનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે. માથેરાન અહીંથી ફક્ત 8 કિ.મી. દૂર છે.

મહાબળેશ્વર:-

મહાબળેશ્વરનું સૌંદર્ય

મહાબળેશ્વરનું સૌંદર્ય

પશ્ચિમી ઘાટનું સર્વાંગ સુંદર હિલ સ્ટેશન એટલે મહાબળેશ્વર. સમુદ્રની સપાટીથી આશરે 4500 ફૂટની ઊંચાઈ આવેલું આ હિલ સ્ટેશન મુંબઈની દક્ષિણે આવેલું છે. ઈ.સ. 1829માં બ્રિટિશરોએ તેના આરોગ્યપ્રદ વાતવરણ અને ચોખ્ખાઈથી પ્રેરાઈને અહીં હેલ્થ રિસોર્ટ તરીકે રચના તરીકે કરી હતી.

મહાબળેશ્વર આશરે 150 કિ.મી.નો બનેલો સુંદર હરિયાળો ઉચ્ચ પ્રદેશ છે. અહીંનો ઘાટરસ્તો સરળ હોવાથી અહીંનો પ્રવાસ મુશ્કેલ નથી. અહીં તમામ વર્ગને પરવડે એવાં ભાડાંની હોટલો છે. અહીં પહોંચવા સુગમ લક્ઝરી બસ મળી રહે છે.
મહાબળેશ્વરમાં આર્થર પૉઈંટ, બગદાદ પૉઈંટ, ગોલાની પૉઈંટ તથા કર્ણાટક પૉઈંટ જોવા જેવાં સ્થળો છે. અહીંના તમામ પૉઈંટ જોવા માટે બેથી ત્રણ દિવસ પૂરતા છે.

પંચગીની:-

પંચગીનીના ટેબલપૉઈંટથી સૂર્યાસ્તનું નયનરમ્ય દૃશ્ય

પંચગીનીના ટેબલપૉઈંટથી સૂર્યાસ્તનું નયનરમ્ય દૃશ્ય

પંચગીની એટલે ‘પાંચ જમીન’નો બનેલો પ્રદેશ. મહાબળેશ્વરથી ફક્ત 20 કિ.મી. અને મુંબઈથી 268 કિ.મી.ના અંતરે આવેલું પંચગીની સમુદ્રની સપાટીથી આશરે 4400 ફૂટની ઊંચાઈએ આવેલું છે. અહીં કમલગઢ ફૉર્ટ તેમજ ધૂમધામ વૉટર સ્પોર્ટસ જેવા કૉમ્લેક્સ આવેલાં છે જેની મુલાકાત લઈ શકાય છે. અન્ય સ્થળોમાં ટેબલ પૉઈંટ, પારસી પોઈંટ ઈત્યાદિનો સમાવેશ કરી શકાય.

મહ્હબળેશ્વર તથા પંચગીનીની મુલાકાતનો ઉત્તમ સમય મે, જુન મહિનાઓ છે. જોકે વરસાદ મ્હાલવો હોય તો આ સ્થળોની મુલાકાત લેવા જેવી છે.

લોનાવલા-ખંડાલા:-

લોનાવલા-ખંડાલા

લોનાવલા-ખંડાલા

મુંબઈની દક્ષિણ પૂર્વે 102 કિ.મી.નાં અંતરે આવેલા લોનાવલા મોટરના રસ્તે ફક્ત 2 કલાકમા પહોંચી શકાય છે. મુખ્યત્વે વરસાદની મોસમ મ્હાલવા સહેલાણીઓ ઉમટી પડે છે.
લોનાવલામાં બુશી ડૅમ, રેવુડ પાર્ક, ડ્યુક્સ નોઝ અને કાર્લા કેવ્ઝ જોવાલાયક છે. ખંડાલાના બટાટાવડા અને લોનાવલાની ચિકી પ્રખ્યાત છે. લોનાવલા મુંબઈ-પુણે હાઈ-વે પર હોવાથી ટ્રેન દ્વારા પણ પહોંચવાનું સુવિધાજનક છે.

ભંડારધારા:-

ભંડારધારા

ભંડારધારા

મુંબઈથી ઈશાનમાં 180 કિ.મી. દૂર આવેલું ભંડારધારા પરવરા નદીને કાંઠે આવેલું છે. સહ્યાદ્રિ પર્વતમાળાના સૌથી ઊંચી ટેકરી માઉંટ કળસુબાઈ નજીક આવેલું હોવાથી આ સ્થળ ત્રેકિંગ કરવા માટેનું આદર્શ સ્થળ મનાય છે. કુદરતની સુંદરતા મ્હાલવી હોય તો ભંડારધારા ઉત્તમ સ્થળ છે. અહીં આર્થર હિલ, રાંધા ફોલ્સ, અમ્બ્રેલા ફોલ્સ અને અગસ્ત્ય ઋષિ આશ્રમ જોવા જેવા છે. અહીંથી ઈગતપુરી ફક્ત 42 કિ.મી. દૂર છે.

ઈગતપુરી:-

ઈગતપુરી-મુમ્બઈ

ઈગતપુરી-મુમ્બઈ

મુંબઈને ઈશાન ખૂણે આવેલુ ઈગતપુરી હિલ સ્ટેશનની રાણી ગણાય છે. મુંબઈથી 138 કિ.મી. દૂર આવેલું ઈગતપુરી સ્મુદ્રની સપાટીથી 1900 ફૂટની ઊંચાઈ પર છે તેમજ સહ્યાદ્રિપર્વતમાળાથી ઘેરાયેલું છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર, નાના નાના પ્રાકૃતિક ધોધ અને જળરાશિથી ભરપૂર ઈગતપુરી નાનું પન બેનમૂન હવા ખાવાનું સ્થળ છે. મુંબઈથી કસારા ઘાટે ફક્ત 21/2 કલાકમાં પહોંચી શકાય છે.

ભીમાશંકર:-

ભીમાશંકરનું પવિત્ર મંદિર

ભીમાશંકરનું પવિત્ર મંદિર

નાસિક-પુણે હાઈ વેના રસ્તે 128 કિ.મી. દૂર આવેલું સહ્યાદ્રિ પર્વતમાળામાં આવેલું ભીમાશંકર પુરાણ પ્રસિદ્ધ 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે.

પૌરાણિક કથા મુજબ ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કરી અહીં મહાદેવજી વિશ્રામ કર્યો હતો. તે સમયના સૂર્યવંશી રાજા ભીમકની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ મહાદેવે તેમને દર્શન આપ્યા અને ત્યાં ભીમાશંકરના જ્યોતિર્લિંગ રૂપે સ્થિર થયા. આ જ્યોતિર્લિંગ પર બિલીપત્ર ધરાવવામાં નથી આવતા. અન્ય કથા મુજબ કુંભકર્ણના સંસર્ગથી કર્કટી નામની રાક્ષસીને ભીમ નામક પુત્ર થયો. ભીમ મોટો થઈ ભીમાસુર નામક રક્ષસ થયો. ઉગ્ર તપશ્ચર્યા કરી બ્રહ્માજી પાસે લોકવિજયનું વરદાન પ્રાપ્ત કરી ધર્મિક કાર્યોમાં અડચણો ઊભી કરવા લાગ્યો. તેના અત્યાચારો રોકવા શિવશક્તિએ પ્રગટ થઈ ભીસુરનો વધ કરી આ અપવિત્ર ભૂમિને પવિત્ર બનાવી તેથી તેનું નામ ભીમાશંકર પડ્યું.

 

                                            ૐ નમઃ શિવાય