હું ધર્મ બોલું છું

                             આજે કારતક સુદ પાંચમ [લાભ પાંચમ]  

 

આજનો સુવિચાર:- ધન કેવળ ભોગની વસ્તુ નથી, તેનાથી યશ અને કીર્તિ પણ મળે છે.    – પ્રેમચંદ

                                            હું ધર્મ બોલું છું

       હું ધર્મ છું, અત્ર-તત્ર-સર્વત્ર વ્યાપેલો.

         મારું પ્રવેશદ્વાર ‘શ્રદ્ધા’ છે.

         મારું સામ્રાજ્ય દુનિયાના દરેક દેશમાં છે.

         હું ઈશ્વર-અલ્લાહે આપેલી આ ધરતીની સૌથી અમૂલ્ય, અનોખી-અનેરી આહલાદક, અદભૂત, અલૌકિક અને અતિ ઉત્તમ આધ્યાત્મિક ભેટ છું.

        હું મનુષ્યના આલોક અને પરલોક સુધારવા પૃથ્વીલોક પર આવ્યો છું.

        હું ‘આત્મા’ અને ‘પરમાત્મા’ વચ્ચેનો ‘સેતુ’ છું.

        હું એકમાત્ર એવી ‘નિસરણી’ છું, જે ઈશ્વર-અલ્લાહ સુધી લઈ જાય છે.

        હું આકાશ પરથી ઊતર્યો જ છું, એટલા માટે કે તમને ‘જમીન’ પરથી ‘આકાશ’માં લઈ જાઉં.

        હું તમને ‘તમે કેવા હોવા જોઈએ’ એ બતાવવા આવ્યો છું.

        હું તમારૂં ચારિત્ર્યધડતર કરવા આવ્યો છું.

        હું સત્ય, અહિંસા અને પ્રેમનો સંદેશો આપવા આવ્યો છું.

         હું માનવીના આધ્યાત્મિક વિકાસ માટે આવ્યો છું.

         હું એક સરળ, સુખમય અને સુસંસ્કૃત જીવનપદ્ધતિ છું- જો મને સમજો તો.

         મારું શિક્ષણ અજોડ, અનુપમ અને અનોખું છે.

         મારું વર્ચસ્વ જે સ્વીકારે છે તે બીજા પર વર્ચસ કરે છે.

         હું સત્ય છું, સત્ય સમજાવવા આવ્યો છું અને સત્યનું વધારેમાં વધારે ખૂન મારા જ નામે થતું આવ્યું છે.

         જેટલી ગેરસમજ મારા વિષયમાં થઈ છે એટલી ગેરસમજ દુનિયાના કોઈ વિષય વિશે નથી થઈ.

        હું ‘વિનાશ’ માટે નહીં, ‘વિકાસ’ માટે આવ્યો છું.

        મારા નામે જેટલાં ધતિંગ થાય છે તેટલા બીજા કોઈના નામે નથી થતા.

        મારા સ્વરૂપની આસપાસ લોકોએ અંધશ્રદ્ધાના એટલા બધા પડદા નાખી દીધા છે કે મને મોકલનાર ઈશ્વર તો એમને દેખાતો જ નથી.

          જીવનનો જીવવાનો સરળ અને સાચો રસ્તો તો મારો જ છે.

           મારે માટે લોકો ‘લડી-મરે’ છે પણ મને પાળીને કેટલા જીવે છે????????

          મને માનવું હોય તો ‘દિલ’થી માનો ‘દલીલો’થી નહિ.

          મને ‘જિગર’થી માનશો તો આનંદ બનીને તમારા લોહીમાં વસીશ ને ‘ઝનૂન’થી માનશો ‘આતંક’ બની લોહી ઉકાળી દઈશ.

              હું લોહી ‘વહાવડાવવા’ નથી આવ્યો, લોહીમાં ‘વ્યાપી’ જવા માટે આવ્યો છું.

               સાંભળો હું ધર્મ બોલું છું…. મને ઓળખો, સમજો અને મને માનીને જીવો—એ પહેલા ‘જીવ’ ઊડી જાય એ પહેલા મને ‘પ્રાણ’માં વસાવી લો.

                                               લેખક- ઈબ્રાહિમ એ. વાધરિયા

                                                સૌજન્ય: જન્મભૂમિ