આજે પોષ સુદ બારસ
આજનો સુવિચારઃ– થઈ શકે છે કે તમારું કામ મહત્વહીન થઈ જાય, પરંતુ તેનાથી મહત્વપૂર્ણ એ છે કે તમે કંઈક કરો. — મહાત્મા ગાંધી
સ્વાગત નવા વર્ષનું
ઝૂલે શાખે પુષ્પોના હારલા
કરતા સ્વાગત નવ વર્ષના
પ્રભાત નવલું ધરે સંદેશા
દિલથી આવકારો દેવાનું શીખીએ તો કેવું?
હરખાતું આંગણું રંગોળી ભાતે
ને સબરસના શુકન છે ઉંબરે
મધુરા સંગીતમાં મનને ભીંજવી
થોડો ખુદનો પ્રેમ વહેંચીએ તો કેવું?
ભરજો રે છાબ મેવા મીઠાઈની
ને દેજો સૌને ઉમંગે વધામણી
હળવેથી જઈને ઝૂંપડીની જીંદગીમાં
ભાવથી થોડી ખુશાલી ભરીએ તો કેવું?
રટજો મંત્ર પ્રગતિનો નવયુગે
પણ ના ડૂબાડતા જીંદગીને તાણમાં
નથી સમય એમ કહેતા ના કોઈને
થોડા હળવા થવાનું શીખીએ તો કેવું?
દૂરદર્શનની દુનિયામાં ખોવાઈને
શીદ એકલતામાં જાતને પૂરવી
પીરસાયે પ્રસાદ ૠતુ ૠતુના ભાવથી
કુદરતના ખોળામાં થોડા મહાલીએ તો કેવું?
ઘોંઘાટ પ્રકાશને કાગળના ફૂલોથી
છે ભપકો ભલા ભાઈ બહારથી
અંતર પટમાં ઝાંખી પરમ પ્યારને
ભીતરનું સૌંદર્ય ખીલવીએ તો કેવું?
નવલા પ્રભાતના સોનેરી સ્વપ્નો ઝીલીએ તો કેવું?
શ્રી રમેશભાઈ પટેલ(આકાશદીપ)
ૐ નમઃ શિવાય