પતંગ

                                                  આજે મહાસુદ બીજ

 

આજનો સુવિચારઃ– બુદ્ધિ ભગવાનનું આપેલું ઈનામ છે, બુદ્ધિથી સાધના મળતી નથી.   –શરણ

 

[અમેરિકા સ્થિત શ્રી રમેશભાઈ પટેલે [આકાશદીપ] પોતાની આ રચના મોકલાવ્યા બદલ મેઘધનુષ આભારી છે.]

ઉત્તરાયણ એ ગુજરાતની અને કાઈટ ફેસ્ટીવલની ધમાધમ,
સાબરમતી રિવર ફ્રન્ટની શોભા અને દેશ અને વિદેશી પતંગબાજોના આકાશી ખેલ..
તો આવો પતંગની મસ્તીથી ગીત ગાતા વ્યોમે વિહરીએ.

પતંગ

મસ્ત થઈ ઝૂમતી હું રે પતંગ

વહોને વાયરા ધીરે,મારે ઊડવું ગગન

મકર સંક્રાંતિનો પાવન છે પર્વ

પ્રકૃતિ પ્રેમ દોરે , મારે બાંધવું બંધન

હું ને પતંગ

પતંગ તને ઊડવું ગમે

ને મને ઊડાડવું ગમે

નખરાળો પવન તને સતાવે ભલે

મોજથી મનગમતા પેચ લપટાવીએ હવે

નીરખે ગોગલ્સમાં કોઈ તને

દૂરથી જુએ કોઈ છાનું મને

એક આંખવાળો પાવલો સતાવે ભલે

હાલને મજીયારો આનંદ લૂંટીએ જગે

ઓલો વિદેશી ઢાલ કેવો હંફાવી હસે

ને તારી જબરી શ્રીમતી લોટાવે મને

ખાઈ માલપૂડા ખખડાવ હવે થાળી ખાલી

લે હું પણ મારું અમદાવાદી ખેંચ છાનીછાની

દાદા દાદી જરા કાઢજો ને ગૂંચ

સૂરતી દોરીની મોટી છે લૂમ

લાગે ઉત્તરાયણ આજ વહાલી વહાલી

ઊંધીયા જલેબીથી ભરીએ મોટી થાળી

આકાશે ચગી અમારે દેવા સંદેશ

દાદા સૂરજ હાલ્યા મકરને દેશ

ઘરઘરનો દુલારો મારો ઉત્તરાયણ તહેવાર

રૂપલે મઢી પતંગથી છાયો કલશોર

રમેશ પટેલ(આકાશદીપ)

પતંગ પર્વ

પતંગ પર્વે મસ્ત ઉમંગે, હવામાં હરખના જંગ
પવન સપાટે આકાશે મલકે,ફુલ ગુલાબી રંગ

ચઢી છાપરે હિલોળા લેતું નગર દેતું સાદ
હાલ્યા પતંગ વાયરો વીંટી ઊંચે ઊંચે આભ

પતંગ બાજો પેચ લપટાવી ઝૂમે અંતરીયાળ
જઈ આકાશે હૈયું હરખે, જોઈ તોફાની ઢાલ

નયન નખરાળાં ગોગલ્સે ઝીલે છાનો છૂપો પ્પાર
ભૂલકાં મોટેરાં સાથે માણે ,લાખ લાખેણો લાડ

લઈ રંગીલી દોરી ફિરકી ગગન ગજાવે મોજ
હરખ પદૂડી પતંગડી , ખોજે પ્રતિદ્વંદીની ઝોલ

પતંગ રસીયા જોમે મચાવે સમરાંગણના શોર
કાપ્યો કપાયાના નાદોથી આજ ગગન ભાવ વિભોર

ઉત્તરાયણે સૌને વહાલી જલેબી ઊંધીયા ઉજાણી
સર્વધર્મનું સહિયારું પતગ પર્વ,લાગ્યું રે ગુજરાતી

રમેશ પટેલ ‘આકાશદીપ’

ૐ નમઃ શિવાય