ફાગણના વાયરા વાયા

                      આજે ફાગણ વદ ત્રીજ [સંકષ્ટી ચોથ]

આજનો સુવિચાર:- સફળતા હેઠળ અનેક ભૂલો ઢંકાયેલી હોય છે.   — બર્નાડ શૉ

[અમેરિકા સ્થિત શ્રી રમેશભાઈ પટેલે [આકાશદીપ] પોતાની આ રચના મોકલ્યા બદલ મેઘધનુષ આભારી છે.]

ફાગણના વાયરા વાયા

કેસરીયો ઘડૂલો મારી કાયા
ઓલા ટહુકાના સાદ મને ભાયા
સહિયર મોરી, ફાગણના વાયરા વાયા

ડાળ ડાળ બેઠેલાં પંખીડાં બોલ્યાં
નજરોનાં નૂર કેમ ખીલ્યાં?
લાગી છે દલડાંને માયા
સહિયર મોરી, ફાગણના વાયરા વાયા

હળવેથી દે સાદ મારી સાહેલી
કોના સપનામાં સાચે ખોવાયાં?
જોને ઝૂલતાં ફૂલડાં શરમાયાં
સહિયર મોરી, ફાગણના વાયરા વાયા

વાગ્યા પાદરે ઢોલને પાવા
ને નવોઢાનાં મુખડાં મલકાયા
રાધા કાનજી દલડે દેખાયા
સહિયર મોરી, ફાગણના વાયરા વાયા

ઝૂલંતી શાખે મહેકંતી આ મંજરી
હોળીના ગુલાલે નજરું શણગારી
ફાગે જોબનીયાં ઝબોળ્યાં મસ્તીથી
સહિયર મોરી,

અંતરમાં આવી કોઈ હરખે છૂપાયાં
રંગીલા ફાગણના વાયરા રે વાયા
સહિયર મોરી, ટહુકાના સાદ મને ભાયા.

શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)

                                                   ૐ નમઃ શિવાય