‘પ્રેમમૂર્તિ શશીભાઈ’

                                                 આજે જેઠ વદ પાંચમ

 

આજનો સુવિચાર:- તમે યોગી બની શકો તો કાંઈ નહીં પણ જીવનમાં કોઈને ઉપયોગી બનવાનો પ્રયત્ન જરૂરથી કરી શકશો.

[શ્રી. ભગેશભાઈ કડકિયા સંપાદિત ‘પ્રેમમૂર્તિ શશીભાઈ’ પુસ્તકના વિચારોને આધારે]

મૃત્યુવેળા માનવી મન, વ્યક્તિ-વસ્તુમાં ના રહે.
ઈશનું શરણું રહે ને, માત્ર તેનું ધ્યાન રહે,
શિવ અને જીવમાત્ર બે હોય, જીવ શિવમાં મગ્ન હોય,
તો જ માનવ મૃત્યુ વેળા શાંતિમાં લીન રહી શકે.

****************************************************
પરમને જો હોય પામવો, ઘુંઘટ પટ ખોલવો પડે,
જાતે ઊભા કરેલા પડદાનો, પર્દાફાશ કરવો પડે,
જ્ઞાન, ભક્તિ, પંડિતાઈને ત્યાગના મહોરા ત્યજી,
અવિદ્યા, સંદેહ, આસક્તિના પડદાને છેદવો પડે.

****************************************************
માનવી લક્ષ્ય નિજ જીવન કેરૂં, જો નક્કી કરી શકે,
આચરણ કરતા સ્વધર્મનું, ઈશ સહાય યાચતો રહે,
ભાથુ લઈને હાથમાં, સંકલ્પથી રાહ જો ખેડે તો
શ્રીજીના અનુગ્રહ થકી એક દિન લક્ષ્ય પામી શકે.

****************************************************
આત્મદર્શન થાય તો ભાવ કર્તા ફેરો નષ્ટ થાય.
આત્માની અનુભૂતિ થાય તો વ્યક્તિભાવ લોપાઈ જાય.
આત્મા હોય તો જાણનાર કરનાર કોઈ જ હોય ના
આત્મા સાક્ષીરૂપ હોઈ સાક્ષીરૂપ હોઈ સાક્ષીભાવે જીવન જીવાય.

****************************************************

તલવારો બે એક મ્યાનમાં કોઈ કાળે ના રહી શકે.
સંસાર પ્રેમ ને ઈશ પ્રેમ પણ એક સાથે ના ટકી શકે
વૈરાગ્ય જેટલો સંસાર પ્રત્યે, અનુરાગ તેટલો ઈશને કાજ,
અનાથ માનવ પરમના આધાર વીણ જીવી ના જ શકે.

****************************************************

માતૃપ્રેમ ને કૃતજ્ઞતા, રોમ રોમ માહે રમ્યા કરે,
ખોય માનું નામ અહર્નિશ, માનવી ના લઈ શકે
ઈશનામ રટણ ભલેને, સર્વ સમયે લેવાય ના
હૈયામાં તો હરિસ્મરણ હંમેશનું હોવું જોઈએ.

                                                                            — સતીશચંદ્ર ભી. પરીખ

                                                                         — સૌજન્ય:- જ્યોતિપૂંજ

                                             ૐ નમઃ શિવાય