પુષ્ટીગોષ્ઠી

                              આજે અષાઢ વદ ચોથ

આજનો સુવિચાર:- બીજાનું પડાવી લેવાની પ્રાર્થનામાં ક્રુરતા છે કારણકે હાથીને મણ ને કીડીને કણ આપવાની ઈશ્વરની જવાબદારી છે.

પુષ્ટી ગોષ્ઠી
આજે શ્રી ગોકુલનાથજી તથા શ્રી ગોકુલચન્દ્રમાજીનો પાટોત્સવ છે.

સાજ વસ્ત્રો- લીલા રંગના,

ઠાડો વસ્ત્ર:- લાલ રંગનું શ્રૃંગાર:- કમર સુધીનો છોટો શ્રૃંગાર શ્રી મસ્તકે લીલા રંગનો ગોળ પાઘ, શીરપેચ નાગ ફણાનો કતરો, શ્રી કર્ણમાં કર્ણફૂલ

આજનો શ્રૃંગાર શ્રી લલિતાજીના ભાવનો તેમ જ શ્રી ગોકુલ ચન્દ્રમાજીની આડીનો થાય છે.

હિંડોળા:- હિંડોળાના દિવસોમાં દરરોજ અલગ અલગ રંગ છટાના સાજ શ્રૃંગાર થાય છે. પ્રભુનો વિચાર કરી પ્રભુ સુખનાં આનંદ સાથે હિંડોળે શ્રીજીને ઝૂલાવાય છે. હિંડોળાની નીચે આસન-ગાલીચો વગેરે બિછાવાય છે.

                                                                   –શ્રી નિલેશભાઈ મુખ્યાજી

                                                   જય શ્રી કૃષ્ણ

ઘંટનાદનું મહત્વ

                                  આજે અષાઢ વદ ત્રીજ

આજનો સુવિચાર:- આંસુનું કામ જીવનને મીઠું બનાવવાનું છે. દુખથી પ્રગટેલા આંસુ હૈયાનો ભાર ઓછો કરી જીંદગીની મીઠાશ ફરીથી પકડી લેવાનું સૂચવે છે !!!!!!!


                                પુષ્ટી ગોષ્ઠી

આજે અષાઢ વદ ત્રીજ છે તો આજે પ્રભુને કેવા વસ્ત્ર ધરાવાશે તે ચિતાર આપતા શ્રી નિલેશભાઈ મુખ્યાજી કહે છે કે………

બેંગની [જાંબલી] રંગની પીછવાઈ
વસ્ત્ર:- બેંગની પીછોડો, ઠાડું વસ્ત્ર લીલા રંગનું [ઠાડું વસ્ત્ર એટલે પ્રભુના ઊભા સ્વરૂપની પીઠિકા ઉપર ધરાવામાં આવતું વસ્ત્ર]
ચરણ સુધીનો શ્રુંગાર . શ્રી મસ્તકે બેંગની રંગની કુલ્હે પાઘ, સોનેરી ચમકનો ઘેરો,
કુંડલ- મકરાકૃતિ, ડાબી તરફ મોતીની ચોટી ધરાવવી.
સંપૂર્ણ વર્ષ દરમિયાન આજે બેંગની [જાંબલી] રંગની કુલ્હે ધરાવાય છે કારણ આજનો ઉત્સવ શ્રી યમુનાજી તથા શ્રી ગીરીરાજજીની આડીથી છે.

                                      ઘંટનાદનું મહત્વ

      અમેરિકન ધનપતિ એંડ્રુ કાર્નેગી પોતાનો જે માલ ઉત્પાદન કરતો હતો તેની વિજ્ઞાપન-જાહેરાત કરવામાં માનતો ન હતો. એક વખત એક વિજ્ઞાપન એજંટ તેને ત્યાં વહેલી સવારે પહોંચી ગયો અને તેમના ઉત્પાદનની જાહેરાત શા માટે નથી આપતા તે વિષે જાણકારી માગી.

      આ ચર્ચા ચાલતી હતી તે દર્મિયાન દૂરના એક ચર્ચમાંથી ‘ઘંટનાદ’ સંભળાય છે. તે એજંટ કહે છે,’આપ આ ઘંટારવ સાંભળો છો? આ ચર્ચ ત્યાં કેટલા સમયથી છે?’

      કાર્નેગી કહે,’આ ચર્ચ લગભગ સો વર્ષ જૂનું છે. પ્રાચીન અને પ્રસિદ્ધ પણ છે.’

      આ જવાબ સાંભળી એજંટ કહે છે,’જો સૈકાનું જૂનું શાખ ધરાવતું આ ચર્ચ છે તેવું ઘણા જાણતા હોવા છતાં, નિયમિત રીતે સવાર સાંજ ત્યાંથી ‘ઘંટનાદ’ થાય છે. એ શું સૂચવે છે? ખુદ ઈશ્વર પણ લોકોને એ માટે ઢંઢોળતા રહે છે કે મારું દેવસ્થાન અહીં છે.’ – મારી દૃષ્ટિએ આ ‘ઘંટનાદ’ પણ લોકો સુધી પહોંચવાનો એક પ્રયાસ છે.

     અને કાર્નેગીએ વાતનો મર્મ સમજી પોતાના ઉત્પાદનની જાહેરાત આપવાનો નિર્ણય લીધો.

                                                                                                  — સૌજન્ય જન્મભૂમિ

                                  ૐ નમઃ શિવાય

હિંડોળા ઉત્સવ

                               આજે અષાઢ વદ બીજ

આજનો સુવિચાર:-લાલ રંગ એ અનુરાગ અને પ્રભુ પ્રત્યેના આપણા પ્રેમનો રંગ છે માટે આપણે લાલ રંગે રંગાઈ આપણે પ્રભુ પ્રત્યે પ્રેમ વરસાવીએ.

હિંડોળા ઉત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે.

   અષાઢ વદ એકમથી શ્રાવણ વદ બીજના દિવસ સુધી પ્રભુ હિંડોળે ઝૂલે છે. હિંડોળા ઉત્સવ એટલે શ્રી હરિને હેતને હિંડોળે ઝૂલાવવાનો ઉત્સવ.

ચાર યુથાધિપતિઓના ભાવથી આઠ આઠ દિવસ એમ 32 દિવસ હિંડોળે ઝૂલે છે. વ્રજમાં 4 જગ્યાએ હિંડોળા થાય છે.

1] નંદાલયમાં 2] નિકુંજમાં 3] શ્રી ગિરિરાજજી ઉપર 4] યમુનાપુલની ઉપર

16 દિવસ શ્રી ઠાકોરજીના અને 16 દિવસ શ્રી સ્વામીનીજીના એમ યુગલ સ્વરૂપની ભાવનાથી 32 દિવસ ઝૂલે છે.

આજે ઠાકોરજીનો સાજ શ્રીંગાર [પુષ્ટિમાર્ગ અનુસાર]

સાજ:- પીળા રંગનો મલમલની સોનેરી જરીની તુઈની કિનારીવાળો વસ્ત્ર:- પીળા રંગનો મલમલનો પીછોડો, ઠાડું વસ્ત્ર લાલ

શૃંગાર:- ચરણ સુધી ભારે શ્રીંગાર, શ્રી મસ્તકે પીળા રંગની ગોળ પાગ શિરપેચ, મોરપંખની સાદી ચન્દ્રિકા [મોરપિચ્છ], શીશફૂલ, મયૂરાકૃતકુંડળ.

આજનો શ્રીંગાર ચંદ્રાવલિજીના ભાવથી છે.

                                             — શ્રી નિલેશભાઈ મુખ્યાજી

                                                       જય શ્રી કૃષ્ણ

કૈલાસ માનસરોવર સંધ્યા ટાણે

આજે અષાઢ સુદ પૂનમ

આજે 26 જુલાઈ 2010

આજનો સુવિચાર:- પામ્યા નથી જેઓ કશું તેઓ કદી ના ખોઈ શકે, જે કદી હસ્યા નથી તેઓ કદી ના રોઈ શકે. પારકાની પરખ શીદને કરે કે જેઓ પોતાની પીઠ ના જોઈ શકે.

આજે મેઘધનુષ આપ સહુનાં સહકારથી પાંચમા વર્ષમાં પ્રવેશ કરે છે.

આશા રાખુ છું આપ સહુ આજ રીતે સહકાર આપશો અને આશીર્વાદ વરસાવતા રહેશો.

નીલા કડકીઆનાં વંદન

ફોટોગ્રાફી:- સુધીર કડકીઆ

મારી આ વર્ષની કૈલાસ માનસરોવર યાત્રાનાં થોડાક ફોટાની એક ઝલક મૂકી છે. આમાં કૈલાસના તથા માનસરોવરની સંધ્યાકાળના ફોટાઓ મૂક્યા છે.
આશા રાખુ છું આપ સહુને ગમશે.

                             
                              ૐ નમઃ શિવાય

કોની પાસેથી શું શીખીશું?

આજે અષાઢ સુદ તેરસ

આજનો સુવિચાર:- ક્રોધને શાંતિથી જીતો, માનને નમ્રતાથી જીતો, માયાને સરળતાથી જીતો, લોભને સંતોષથી જીતો ને પ્રભુને????????? 
                            પ્રભુને ભક્તિથી જીતો.

કોની પાસેથી શું શીખીશું?


ઘડિયાળ                    સમયનું પાલન કરો

વસુંધરા                     સહનશીલ બનો

દરિયો                      દરિયાદિલ બનો

વૃક્ષ                         પરોપકારી બનો.

કીડી                        ઉદ્યમી બનો – સંગઠિત થાઓ.

કૂકડો                       સવારે વહેલા ઊઠો

બગલો                     એકાગ્રચિત્તે કાર્ય કરો

સૂર્ય                        નિયમિત બનો

મધમાખી                   પુરુષાર્થી બનો, કાર્ય કરો

કોયલ                      મીઠી વાણી બોલો

કૂતરો                      વફાદાર બનો

કાગડો                     હોશિયાર બનો

ગુલાબ                    દુઃખના કાંટા વચ્ચે હસતા રહો

દીપ                       પોતે બળી અન્યના પથદર્શક બનો.  

                                              સૌજન્ય:- જન્મભૂમિ

                  

                                     ૐ નમઃ શિવાય

માનો યા ન માનો

                                             આજે અષાઢ સુદ છઠ [સાતમનો ક્ષય]

 

આજનો સુવિચારઃ– તમારા માબાપના ચહેરા પર સ્મિત ફરકવું જોઈએ અને તેનું એક કારણ તમે હોવા જોઈએ.

Kailas Darshan from Ashtapad  12 June 2010

 

 માનો યા ન માનો

 
એક સત્ય ઘટના

     અમે ૨૨મી જુન 2010ના દિવસે કૈલાસ માનસરોવરની યાત્રા કરી પાછા ફર્યા.ત્યાર બાદ ઑફિસની દરેક વ્યક્તિને અમે માનસરોવરનું જળ અને અષ્ટ્પદનું જળ આપ્યું. અષ્ટપદનાં જળ વિષે વાત કરુ તો……

      કહેવાય છે કે અષ્ટપદ એ એવી જગ્યા છે કે જ્યાં જૈન ધર્મનાં પ્રથમ તીર્થંકર ઋષભદેવ આઠ પગલા ભરી પહોંચ્યા હતા અને ત્યાં તેમનું નિર્વાણ પામ્યા હતા. લોકવાયકા મુજબ કૈલાસ એ જ અષ્ટપદ કહેવાય છે. હાલમાં એ જગ્યાએ છ શિખરો મોજુદ છે. આ આઠ પગલા વિષે વિશેષ જાણકારી મેળવીયે તો ….

        જેમ આપણા વેદોમાં પુષ્પક વિમાનનો ઉલ્લેખ છે તેમ એ અરસામાં આપણા ઋષિ મુનિઓ પાસે પ્રવાસ કરવાના સાધનો હતા. એવી જ રીતે ઋષભદેવે આવી જ રીતે આઠ શિખરો પાર કરી કૈલાસ પહોંચેલા અને ત્યાં જ્ઞાન પ્રાપ્ત કરી નિર્વાણ પામ્યા હતા. અહીંથી કૈલાસના સૌથી નજીકથી દર્શન થાય છે. તેથી આ જગ્યા અષ્ટપદને નામે ઓળખાય છે.

    અહીં કૈલાસ પર ૩૬૫ દિવસ અભિષેક થતું જળ વહે છે જે ઉમા છુ નદી નામે ઓળખાય છે. આ જળને આપણે અષ્ટપદના જળ તરીકે ઓળખીયે છીયે. હવે મૂળ વાત પર આવીયે.

         ખેડબ્રહ્માના ભાઈશ્રી દિલિપભાઈ અમારી ઑફિસના ઍમ્પ્લોયર છે અને જૈનધર્મી છે.તેઓ તો આ જળ પામી ખૂબ ખુશ થયા. અચાનક તેમના ૬૧ વર્ષીય મોટાભાઈના મૃત્યુના સમાચાર આવ્યા અને શોકગ્રસ્ત માતા સુમિત્રાબેનને લઈ તેઓ પોતાના ગામે પહોંચ્યા. પોતાના મોટા પુત્રના અચાનક મૃત્યુના આઘાતથી સુમિત્રાબેન અચાનક કોમામાં પહોંચી ગયા. દિલિપભાઈ પણ આ જોઈ આઘાત પામ્યા. આવા બેવડા આઘાતમાંથી કેમ બહાર આવવું અને માને કેમ બહાર લાવવા એની સૂઝ પડતી ન હતી. લોકોએ સલાહ આપી કે હવે તો સુમિત્રામાની પણ અંતિમ ઘડીયો આવી ગઈ છે તો તેમને ગંગાજળ પીવડાવો. લોકોની સલાહ મુજબ દિલિપભાઈએ માતાને ગંગાજળ પીવડાવવાનું ચાલુ કર્યું. પદર દિવસના વ્હાણા વહી ગયા પણ સુમિત્રાબેન હજી પણ કોમાગ્રસ્ત હતા.

       અચાનક દિલિપભાઈને મળેલા માનસરોવર અને અષ્ટપદનું જળ યાદ આવ્યું. સુધીરની આ યાત્રામાં દિલિપભાઈને ખુબ શ્રદ્ધા હતી. સુધીર પણ ખૂબ શ્રદ્ધાથી આ જળ જે માંગે છે તેને આપે છે. દિલિપભાઈએ ખૂબ શ્રદ્ધાપૂર્વક માનસરોવરનું જળ અને અષ્ટપદનું જળ કોમાગ્રસ્ત માતાને પીવડાવવાનું ચાલુ રાખ્યુ. ત્યાં તો અચાનક ચમત્કાર થવા લાગ્યો. સુમિત્રા માનું મુખ ખૂલવા માંડ્યુ અને ધીરે ધીરે એમને આ જળનો સ્વીકાર કરવા માંડ્યો. જેમ જેમ સુમિત્રાબેન જળનો સ્વીકાર કરતા ગયા તેમ તેમ તેઓ કોમામાંથી બહાર આવતા ગયા. દિલિપભાઈનો ખુશીનો પાર ન રહ્યો. ધીરે ધીરે લોકોમાં જાણ થવા લાગી. જેમ જેમ લોકોને જાણ થવા લાગી તેમ તેમ લોકો સુમિત્રાબેનની ખબર અંતર પૂછવા આવવા લાગ્યા અને ડૉક્ટર જેમણે હાથ ધોઈ કાઢ્યા હતા તેઓ સુદ્ધા નવાઈ પામી ગયા કે આ બધું અચાનક કેવી રીતે થયું ?

      હું પોતે પણ આ વાત માની નો’તી શકતી કે આ જળમાં અને આ યાત્રામાં આટલી તાકાત હશે. કદાચ આટલી યાત્રા બાદ અજાણતા સ્વમાં ફેરફાર થયા હોય. પ્રભુ કૃપા જ કહેવાય ને !

      આ એક જ પ્રસંગ નથી બીજા એવા કેટલા કિસ્સા બની ગયા છે જે સાભળવાથી ખરેખર શ્રદ્ધા જાગે તો નવાઈ નહી.

                                                             ૐ નમઃ શિવાય

મુખવાસ

                       આજે અષાઢ સુદ ચોથ [વિનાયકી ચતુર્થી]

આજનો સુવિચાર:- ક્રોધને શાંતિથી જીતો, માનને નમ્રતાથી જીતો, માયાને સરળતાથી   જીતો, લોભને સંતોષથી જીતો
ને પ્રભુને
પ્રભુને ભક્તિથી જીતો.

[મુંબઈ સ્થિત હાસ્યલેખિકા શ્રીમતી પલ્લવીબેન મિસ્ત્રીએ આ લેખ મોકલાવ્યા બદલ આભાર.]

‘મુખવાસ’

[1] ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ !

[2] ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે, પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે.

[3] ‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો.

[4] જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પરંતુ તોછડી હશે તો નહિ ચાલે.

[5] મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશો દુર્ગતિથી.

[6] દુશ્મન કરતાં દોસ્તને માફ કરી દેવાનું કામ વધુ કપરું છે…!!

[7] જરૂર કરતાં વધારે જમવું એટલે સ્મશાનમાં જવું !

[8] પત્નીની વાત પતિ ખરેખર સાંભળતો ત્યારે હોય છે, જ્યારે પોતાની પત્ની ઉચ્ચારતી ન હોય તેવો શબ્દેશબ્દ એ સમજી જતો હોય !

[9] લગ્ન જીવન સફળ બનાવવા માટે અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે – હંમેશા એની એ વ્યક્તિ સાથે.

[10] માતાનું હૈયું એ શિશુની શાળા છે.

[11] એક કુટુંબનું જે નિર્માણ કરે છે ને તેને ટકાવી રાખે છે, અને જેના હાથ હેઠળ બાળકો ઊછરીને ખડતલ ને ચારિત્ર્યવાન નરનારીઓ બને છે, તે નારીનું સ્થાન એકમાત્ર ઈશ્વરની પછી આવે છે.

[12] સફળતાની સડક એવા પુરુષોથી ભરચક હોય છે – જેમને પીઠ પાછળથી એમની પત્નીઓ આગે બઢાવતી હોય છે.

[13] સર્જનહારની સમસ્ત સૃષ્ટિમાં સુંદરમાં સુંદર ને સૌથી દિવ્ય છે બાળકો.

[14] પ્રાણ એ પ્રથમ ભેટ, સ્નેહ એ બીજી અને સમજણ એ ત્રીજી.

[15] વસ્તુની નજીક જઈએ એટલે એનું સૌંદર્ય પ્રગટ થાય છે, પણ એનું કાવ્ય તો દૂરથી જ ખીલે છે.

[16] માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છે, યોગ્ય રીતે પણ સંકોચાવાનું નહીં !

[17] સૌને મન ભરીને માણવું છે, જીવવું છે- પણ મન ક્યારેય ભરાતું નથી, પેટની જેમ !

[18] વ્યક્તિની પ્રસન્નતા એની આંતરિક સુંદરતા દર્શાવે છે, વિચારો એના મનોજગતના આંદોલનોની સ્થિતિ બતાવે છે અને વર્તન એનાં હૃદયની ભાષા વ્યકત કરે છે.

[19] મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો !

[20] જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે. કારણ કે એને નકારાત્મક વલણનો સહેલો રસ્તો જ પસંદ છે.

[21] માણસને મોતથી વધુ એનાં ‘ડર’ ની બીક લાગે છે !

                                                              ૐ નમઃ શિવાય

કેફ વરસાદનો અને મનનો

                                 આજે અષાઢ સુદ ત્રીજ
આજનો સુવિચાર:- આનંદ, સુખ, અને સેવા અત્તર છે, જે બીજા પર જેટલા છાંટશો એટલી સુવાસ તમારી પોતાની અંદર ફેલાશે.  

માનસરોવરને કિનારે                               14 જૂન 2010

                            કેફ વરસાદનો અને મનનો

*   અષાઢને પહેલે દિવસે પણ તમે પલળો તો તમને મેઘધનુષના સોગંધ.

*   ભગવાન જ્યારે પોતાના હસ્તાક્ષર કરે છે ત્યારે મેઘધનુષ રચાય છે.

*   વાયુત્વની આંગળી ઝાલીને આકાશમાં ભટકતું જલત્વ એટલે વાદળ.

*   વાદળ એટલે અસંખ્ય ટીપાંનું  બંધન, વરસાદ એટલે ટીપાંઓની મુક્તિ.

*   સિમેંટના ધાબાઓએ આપણી પાસેથી વરસાદનું છાપરિયું સંગીત છીનવી લીધું છે.

                                — શ્રી ગુણવંત શાહ

 

*   હમણાં હમણાં
    એમ થાય કે

    આભ મહીં આ હરતી-ફરતી
    વાદળીઓને વાળી-ઝુડી

    લાવ જરા આળોટું.

            —  શ્રી હરિકૃષ્ણ પાઠક

 

*   કોણ વરસાદનું કદ જુએ ? કોણ છાંટાના નિરખે ઠઠારા ?
     કોણ જુએ છે રેલાની દાનત ? કોણ જાણે છે ઝીણા મુંઝારા ?
     એક વરસાદના અર્થ થાતા છાપરે છાપરે સાવ નોખાં,
     ક્યાંક કહેવાય એને અડપલાં, ક્યાંક કહેવાય એને તિખારાં.

*   ચાલ વરસાદની મોસમ છે, વરસતાં જઈએ
     ઝાંઝવાના હો કે દરિયાવ, તરસતા જઈએ

                                  — શ્રી હરિન્દ્ર દવે

 

*   વરસતાં શ્યામ વાદળમાં, મળ્યા’તા મેઘલી રાતે
    વચન ત્યાં વસ્લનું આપ્યું, હવે દિલબર ! ફરી જો જો.

                                             —  કપિલ ઠક્કર

*   વૈશાખી બપ્પોરી આકાશ
    અમાસની રાતનો કાળો ઉજાસ
   દૂતકર્મ કરવાની ના પાડતો
   અષાઢનો પ્રથમ મેઘ !
   વિચ્છેદ
   હું જ તારામાં કેદ !

         — જગદીશ જોષી

                                     ૐ નમઃ શિવાય

મુંબઈની નજીકનાં ટ્રેકિંગ સ્થળો

                                                      આજે જે ઠ વદ એકાદશી

આજનો સુવિચારઃ– ભક્તિ, વિશ્વાસ અને શ્રદ્ધાનું અવલંબન લઈને ચાલી શકશો તો કોઈપણ પાપ-તાપથી મન સંતપ્ત નહીં થાય.
                                                                                                                                                              — પ્રણવાનંદજી

મુંબઈની નજીકનાં ટ્રેકિંગ સ્થળો

      શું આપ ટ્રેકિંગનાં શોખીન છો? જો આપ મુંબઈની નજીક રહેતા હો આપને ખાસ દૂર નહીં જવું પડે. મુંબઈનો વરસાદ તો ખૂબ પ્રસિદ્ધ છે તેમજ વરસાદ ચાલુ જ છે. તૈયાર થઈ જાવ ટ્રેકિંગનો આનંદ લેવા માટે. સ્પોર્ટ શૂઝ, હેવર્સેક, કેપ, ટોર્ચ વગેરે સજ્જ કરી લો.

           આપને પર્વત ચઢવો છે કે તેની સાથોસાથ સ્વીમિંગ, બોટિંગ, નેચર ટેઈલ અને કેમ્પફાયર પણ મ્હાલવા છે ? પેરાગ્લાઈડિંગ, ઝોરબિંગ, સ્કેટિંગ, શૂટિંગ કે પેરાસેઈલિંગ વગેરેની મોજ કેમ ભૂલી શકાય?

      ચાલો આ બધું આપને મુંબઈની નજીક મેળવી શકશો. મુંબઈ નજીક આવા ટ્રેકિંગ કરવા માટે અનેક લીલોતરીથી ભરપૂર, નયનરમ્ય સ્થળો છે.
માલસેજ ઘાટઃ-

   પૂણે જિલ્લામાં આવેલો માલસેજ ઘાટ દરિયાની સપાટીથી ૭૦૦ મીટરની ઊંચાઈ પર છે. ચોમાસામાં આ ઘાટ પરથી ધોધ સ્વરૂપે પડ્તું પાણી ‘વૉટર ફૉલ રેપ્લિંગ’નો આનંદ આપે છે. માલસેજ ઘાટ મુંબઈથી ૧૫૦ કિ.મી.ને અંતરે, મુંબઈ-નાગપૂર રોડ પર મુરબાડ નજીક છે અને નજીકનું રેલ્વેસ્ટેશન કલ્યાણ છે.

કુંડલિકા નદી કોલાડઃ-

      અહીં વરસાદનું પાણી સરોવરમાં ફેરવાઈ જાય છે. તેને લીધે વ્હાઈટ વૉટર રાફ્ટિંગ જેવા એડ્વેન્ચર્સ સ્પોર્ટ્સની મોજ માણી શકાય છે. અહીં પહોંચવા કોલાડ સુધી નેશનલ હાઈવે નં. ૧૭ [ગોવા હાઈવે] જવું અને ત્યાંથી ૧ કિ.મી. કોલાર્ડ માર્કેટ આવે ત્યારે ડાબે એનએચ-૬૦ તરફ વળી જવું. અહીં સુતારવાડી ગામથી રાફ્ટિંગ શરૂ થાય છે.

દૂરશેત [ખપોલી-પાલી રોડ]-

      ખપોલી-પાલી રોડ પર આવેલી નદીકિનારે આવેલું દૂરશેત ચારેતરફ સહ્યાદ્રિ ફોરેસ્ટ રેન્જથી ઘેરાયેલુ છે. અહીં કાયેકિંગ જેવી [હોડીની] વૉટર સ્પોર્ટ્સ ઉપલબ્ધ છે. અહીં પહોંચવા મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે અથવા એનએચ -૪ પરથી ખપોલી આવી દૂરશેત પહોંચવું પડે છે.
તાન્સા વાઈલ્ડલાઈફ સેંક્ચુરીઃ-

       થાણે જિલ્લામાં આવેલી ૪૦ મિનિટના ડ્રાઈવ બાદ માહુલી હિલ્સ અને ૪ કલાકનું પર્વતારોહણ કર્યા બાદ આ સેંક્ચુરી પહોંચી શકાય છે.અહીં શિવાજી મહારાજે કરેલો એક ભગ્નાવસ્થામાં પડેલો કિલ્લો આવેલો છે. આ કિલ્લા પરથી ભાતભાતનાં પશુ પક્ષીઓ જોઈ શકો છો.

સાગરગડ અલીબાગઃ-

અલીબાગ-પેણ રોડથી સાગરગડ કિલ્લો જોઈ શકાય છે અને વાનરટોક શિખર દ્વારા તે ઓળખી શકાય છે, કિલ્લાની લગોલગ છે. વાનરટોક સહ્યાદ્રિના ક્લાઈમ્બર્સનું નિયમિત ટ્રેકિંગ સ્થળ છે. કર્નાલા-પેણ માર્ગે અલીબાગ તરફ જતો મુંબઈ-ગોવા રોડ લઈ અહીં પહોંચી શકાય છે. અલીબાગ પહોંચવા ગૅટ વે ઑફ ઈન્ડિયાથી લૉચ પણ મળી શકે છે.
લોહ ગઢઃ

સમુદ્રની સપાટીથી અંદાજે ૩૪૦૦ ફૂટની ઊંચાઈએ આવેલો લોહગઢ ફોર્ટ ટ્રેકર્સનું માનીતું સ્થળ છે. અહીં પહોંચવા લોનાવલાની આગળનું સ્ટેશન મળવલી છે જ્યાંથી લોહગઢ ફક્ત ૯ કિ.મી. દૂર છે. આ ટેકરીની તળેટી સુધી પોતાના વાહનો લઈને જઈ શકો છો.

પેબ ફોર્ટ, માથેરાનઃ-

મુંબઈ-પુણે રોડ પર પનવેલને ઈશાન ખૂણે પેબ ફોર્ટ આવેલો છે. નેરળથી લગભગ ૩ થી ૪ કિ.મી. દૂર આવેલા આ ફૉર્ટને ‘વિકટગઢ’ પણ કહેવાય છે. કહેવાય છે કે મહારાજ શિવાજી અહીંની ગુફાનો ઉપયોગ અનાજના કોઠાર તરીકે કરતા હતા.

મુંબઈનું મદમાતું ચોમાસું મ્હાલવા આ સ્થળોની મુલાકાત જરૂરથી લો.

ભલે પધાર્યા.

                                                                                                  — સૌજન્યઃ- જન્મભૂમિ
                                                   ૐ નમઃ શિવાય

પગની સંભાળ

                                                                  

                                             આજે જેઠ વદ દસમ

 

આજનો સુવિચારઃ– આપણી સિદ્ધિ, સમદ્ધિ અને પ્રસિદ્ધિ વિષે બીજા શું ધારે છે તેની પરવા કર્યા વગર તેનો ભાર ખંખેરી અહમમાંથી મુક્તિ મેળવી લઈએ.

 

પગની સંભાળ

  

ચોમાસામાં વરસાદને કારણે ભરાતા ખાબોચિયામાં પગ પડતા જ ગંદા પાણીથી એલર્જી થવાનો ભય રહે છે તેથી ચોમાસામાં પગની વધુ કાળજી લેવી જરૂરી છે. જો પગની થોડી કાળજી લેવામાં આવે પગની સુંદરતા વધે છે. જોઈએ તો પગની કાળજી કેવી રીતે લેવી જોઈએ.

પ્રથમ તો જ્યારે બહારથી આવીયે તો પહેલા તો હાથ અને પગ ધોવાની આદત પાડવી જોઈએ.

પગને વ્યાયામની પણ જરૂરત છે તો તે માટે ચાલવુ જરૂરી છે જે પગ માટે ઉત્તમ વ્યાયામ છે.

 દિવસભરનો થાક ઉતારવા ગરમ ઠંડા પાણીનો ઉપયોગ કરો. ‘એપ્સમ સોલ્ટ’ ભેળવેલા ગરમ ઠંડા પાણીમાં ક્ર્મશઃ પગ ડૂબાડવાથી થાક ઉતરી જશે. ‘એપ્સમ સોલ્ટ’ સારું પરિણામ આપે છે.

પગ પર ખંજવાળ આવતી હોય તો પગ પર લીંબુ અને સરકો લગાડો.

જૂતા એવા ખરીદો જે પગમાં પૂરેપૂરા ફીટ બેસે અને પગ પર દબાણ ન આવે તેનું ધ્યાન રહે.

પગની એડી પર નિયમિત મોઈશ્ચરાઈઝર લગાડો જેથી એડીની ત્વચા ફાટે નહી.

પગની એડીની ત્વચા ફાટવી એ બહુ જ સામાન્ય સમસ્યા છે.

ત્વચા રૂક્ષ થઈ જાય છે ત્યારે ત્વચામાં ચીરા પડે છે અને દુઃખાવો થાય છે અને કદીક તેમાંથી લોહી વહેવા માંડે છે અને સતત ખંજવાળ ચાલુ થઈ જાય છે. આના ઘણાં કારણો હોઈ શકે છે.

૧] રૂક્ષ ત્વચા
૨] સ્થૂળ કાયા
૩] નિષ્ક્રિય સ્વેદ ગ્રંથિઓ
૪] દિવસ દરમિયાન લાંબો સમય લાંબો સમય ઊભારહેવુ.
૫] પાછળથી ખુલ્લી ડિઝાઈનવાળા સેંડલ
૬] થાઈરોઈડની તકલિફ
૭] ડાયાબિટીઝ

ઉપચાર

૧] પગને હુંફાળા પાણીમાં બોળી રાખવા. પ્યુમિક સ્ટોનની મદદથી ‘ડેડ સ્કિન’ ઘસીને કાઢી નાખી તેની પર મોઈશ્ચરાઈઝર ક્રીમ લગાડવું. વેસિલિન પણ લગાડી શકાય. ત્યારબાદ પગમાં મોજા પહેરવા.

૨] ગરમ કોપરેલ તેલમાં થોડું વેક્સ ભેળવી ઠંડુ પડે પગની એડી પર લગાડવું.

૩] ગાયનું ઘી પગની એડી પર ઘસી શકાય.

૪] ૩૦ ગ્રામ પેરાફિન વેક્સમાં ૧૦૦ ગ્રામ રાઈનું [મસ્ટાર્ડ] તેલ અને ચપટી હળદર ભેળવી ગરમ કરવું, ઠંડું પડે રાતે તેને પગની એડી પર લગાડવું. સવારે ધોઈ નાખવું. ૧૦ થી ૧૫ દિવસમાં ફાયદો દેખાશે. ૫] નિયમિત પેડિક્યોર અને ફૂટ મસાજ કરાવવુ. એનાથી એડીની ત્વચા મુલાયમ રહેશે.

                                                                                                                                                          — સંકલિત

                                                                                ૐ નમઃ શિવાય