મંઝિલ

                            આજે અષાદ વદ દસમ

આજનો સુવિચાર:- અધિકારનો બેફામ ઉપયોગ કરવો એ ધિક્કારને પાત્ર છે.

[આ કાવ્ય મુંબઈ સ્થિત શ્રી. કિશોરભાઈ કણિયાએ મોકલાવ્યા બદલ ખૂબ આભાર.]

 

મંઝિલ

થઈ કલ્પનાને ઘોડે સવાર, માનવી કઈ મંઝિલ પામશે?
સપનામાં વાવતો આંબો, જોતો રાહ, ફલ હવે ક્યારે લાગશે?

કલ્પનાનું વિશ્વ હોય ખુબ મધુર
એમાં તો બધું મનગમતું જ થાતું

આપણી લાયકાત હોય કે ના હોય
વિશ્વસુંદરીનું જ માંગુ આવતું

એનો કદી ન આવે વિચાર, શેષ જીવન શા ઉપર નભશે?
થઈ કલ્પનાને ઘોડે સવાર, માનવી કઈ મંઝિલ પામશે ?

ખુલ્લી આંખે કલ્પનાના ઘોડા થનગને
નિંદરમાં સ્વપ્નની માણે સહેલ

વાસ્તવિકતાનું વિશ્વ આખું ધુંધળું
ઝગમગતો શેખચલ્લીનો મહેલ

મોજા ઉછાળી ઉછાળીને સાગર કેટલી ઊંચાઈને આંબશે
થઈ કલ્પનાને ઘોડે સવાર, માનવી કઈ મંઝિલ પામશે ?

મંઝિલને પામવા સાટુ માનવીને તો
થાવું પુરુષાર્થને ઘોડે સવાર

મન સતત રહે તાકતું લક્ષ્યને
તન આચરતું રહે ઉદ્યમ અપાર

એકાગ્રતા ને પુરુષાર્થ બન્ને ભેગા થાયે તો લક્ષ્ય વિંધાશે
બાકી કલ્પના ઘોડે સવાર, માનવી કઈ મંઝિલ પામશે ?

                                                       — શ્રી કિશોરભાઈ કણિયા

       

                                            ૐ નમ:  શિવાય