શિવ કલ્યાણકારી

આજે શ્રાવણ સુદ એકમ

આજનો સુવિચાર:- શરીર પાણીથી, મન સત્યથી આત્મા ધર્મથી અને બુદ્ધિ જ્ઞાનથી પવિત્ર બને છે.

પુષ્ટિગોષ્ઠી

 આજે હરિયાળી અમાવસ્યા

આજના વસ્ત્ર- લીલા રંગની સોનેરી તુઈ જરીની બૉર્ડરવાળા વસ્ત્ર લીલા રંગનો પીછોડો

ઠાડું વસ્ત્ર- લીલું શ્રૃંગાર – મધ્યમ શ્રૃંગાર, શ્રી મસ્તકે લીલા રંગની પાગ કતરા, કુંડલ ચારકર્ણફૂલના નોંધ- આજે શ્રીજીને વસ્ત્રો શ્રૃંગાર બધું લીલા રંગનું સાથે આભુષણો-માળા [પન્નાના કે લીલા મોતીના] આજે પિસ્તાની સામગ્રી ખાસ ધરાવાય છે.

હિંડોળા પણ લીલા પાનથી બંધાય છે.

શ્રી નિલેશભાઈ મુખ્યાજી [દ્વારિકાધીશ મંદિર –મુંબઈ]

******************************************************************************* 

શિવ કલ્યાણકારી

આજે શ્રાવણ સુદ એકમ પણ છે. શ્રાવણ મહિનો શિવજીની આરાધના કરવાનો મહિનો કહેવાય છે. દેવપોઢી એકાદશી બાદ ચાર મહિના પ્રભુએ શિવજીને બ્રહ્માંડના ભરણ પોષણની જવાબદારી સોંપી હતી.

     ભગવાન શિવ પરમ કલ્યાણકારી છે.. શિવ શબ્દમાં જ કલ્યાણ અર્થ સમાયેલો છે. આપણા શસ્ત્રોમાં કહેલું છે કે શુદ્ધ મન અને શ્રદ્ધાથી ભક્તિ –ઉપાસના કરવાથી શિવજી પ્રસન્ન થાય છે. ઈચ્છિત ફળ આપે છે. તેઓએ ના ફક્ત માનવ પર પ્રસન્ન થઈ વરદાન આપ્યા છે પરંતુ દેવ, દાનવો પર પણ પ્રસન્ન થઈ વરદાન આપ્યાના અનેક દાખલાઓ છે.

     સમુદ્ર મંથન વખતે નીકળેલા વિષપાન કરી દેવ, દાનવોની ગંભીર સમસ્યાનો ઉકેલ લાવી આપ્યો અને નિલકંઠ કહેવાયા.

        સગર રાજાના સત્તર હજાર પુત્રોના મોક્ષાર્થે રાજા ભગીરથે ઉગ્ર તપ કરીને સ્વર્ગથી ધરતી લાવવા રાજી તો કર્યા પણ તેમનો પ્રચંડ વેગને ઝીલવા પૃથ્વી સક્ષમ ન હોવાથી શિવજીએ ગંગાને પોતાની જટામાં ઝીલી ગંગાધર કહેવાયા. તેમના થકી ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું અને સગર પુત્રોનો મોક્ષ થયો.

ચંદ્ર જ્યારે શાપથી પીડા ભોગવતો હતો ત્યારે શિવજીએ ચન્દ્રને શરણ આપી તેને નવજીવન આપી અમરત્વ આપ્યું. આથી શિવજી શશીધર ચન્દ્રશેખર કહેવાયા.

શરણે આવેલાને તેઓ કદી નિરાશ નથી કરતા પછે દેવ હોય કે દાનવ કે મનુષ્ય હોય. સર્વ પર સરખા રીઝનારા આશુતોષ શિવજી સૌનું કલ્યાણ કરનારા છે. એટલે જ કલ્યાણકારી છે.

                                                              –સંકલિત

ૐ નમઃ શિવાય