રક્ષા બંધન

                    આજે શ્રાવણ સુદ પૂનમ. નાળિયેરી પૂનમ

           

    આજે બ્રાહ્નણો માટે જનોઈ બદલવાનો દિવસ, બહેનો માટે પોતાના ભાઈને રાખડી બાંધવાનો દિવસ અને દરિયાઈ માર્ગે વેપારધંધો કરનારા માટે સમુદ્રપૂજનનો દિવસ છે. આમ ત્રણ ઉત્સવોનો આજે સુભગ સમનવય છે.

     પૌરાણિક કથા મુજબ વામનરૂપ ધારણ કરીને દાનવીર ગર્વિષ્ઠ બલિરાજા આદરેલા યજ્ઞમાં હાજર થયેલા ભગવાન વિષ્ણુએ દક્ષિણામાં ત્રણ ડગલાં પૃથ્વી માંગી.  પ્રથમ પગલે સમગ્ર પૃથ્વી માંગી.  દ્વિતીય પગલે સ્વર્ગ અને બાકીનું ત્રીજું પગલું બલિરાજાના મસ્તક પર મૂકી તેને પાતાળમાં મોકલી દીધો. પ્રભુનાં આ કપટથી દુઃખી થયેલા લક્ષ્મીજીએ બલિરાજાનું રક્ષણ થાય તે માટે તેમના હાથે રાખડી બાંધેલી. આ પ્રસંગને યાદમાં ‘બળેવ’નો તહેવાર ઉજવાય છે. ‘બલિ’ પરથી ‘બળેવ’ શબ્દ પ્રચલિત બન્યો.

     વૈદિક કાળમાં આજથી નવું વર્ષ થતું. સપ્તર્ષિઓનું અને વૈદિક અભ્યાસનું પર્વ શરૂ થતું હોવાને કારણે આજના શુભ દિવસે બ્રાહ્મણો નદી, તળાવો કે સમુદ્ર કે સરોવરના કિનારે જનોઈ કે યજ્ઞોપવિત બદલે છે.

    દરિયાકાંઠે રહેતા ગુજરાતી ખારવા, ખલાસી, લુહાણા પ્રજા આજના દિવસે નાળિયેરી પૂનમનો દિવસ મનાવી દરિયાલાલને ચૂંદડી અને નાળિયેર અર્પણ કરી પોતાના વહાણ પર નાળિયેર વધેરી આજનો પર્વ ઉજવે છે.

                                                                                               — સંકલિત

                                   ૐ નમઃ શિવાય