પ્રતિબિંબ [લઘુકથા]

                                        આજે ભાદરવા સુદ પૂનમ

આજનો સુવિચાર:- અહંકારથી તપ નષ્ટ થાય છે, જ્યારે આજુબાજુ કહેવાથી દાન ફળહીન થઈ જાય છે. — મનુ

પ્રતિબિંબ

 

મેં અરીસામાં જોયું. મારું પ્રતિબિંબ ધૂંધળું દેખાયું !
અરે ! આમ કેમ ! અરીસો તો નવો છે ! છતાં
મેં એક સ્વચ્છ રૂમાલથી અરીસો લૂછ્યો અને પાછું
જોયું અરીસામાં. તો પણ મારૂં પ્રતિબિંબ તો ધૂધળું
જ દેખાયું ! હાય હાય ! આતે શું ! હું છળી ઊઠ્યો.
પછી મેં મારા ચહેરાને લૂછ્યો અને પાછું અરીસામાં
જોયું. મારા આશ્ચર્યની વચ્ચે મારૂં પ્રતિબિંબ તો હજૂએ
ધૂંધળું જ રહ્યું ! હે ભગવાન ! શું મારી આંખે ઝાંખપ
હશે ? મેં પાણીની છાલક મારીને આંખો ધોઈ અને
લૂછી નાખી. અને પૂરી શ્રદ્ધા સાથે ફરી અરીસામાં
મારો ચહેરો જોયો. ઓહ ! પ્રતિબિંબ યથાવત
ધૂંધળું જ દેખાયું ! અરેરે ! આવું કેમ થાય છે ?
હું અકળાઈને બોલી ઊઠ્યો : હવે શું લૂછવું ? તરત
અરીસામાનું ધૂંધળું પ્રતિબિંબ બોલ્યું : તેં કોઈના
આંસુ લૂછ્યાં ?

— મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

 

ૐ નમઃ શિવાય