આજે આસો વદ એકમ
આજનો સુવિચાર:- પોતાના ‘સ્વરૂપ’ સિવાય જે કંઈ પણ સ્મૃતિમાં રહેશે, એ બધાં ‘વિષયો’ જ છે. — દાદા ભગવાન
એ આખરે માણસ હતો
છેવટે હાંફી ગયો એ આખરે માણસ હતો,
ને રમત છોડી ગયો એ આખરે માણસ હતો.
એક રસ્તે જિંદગી આખી ગુજારી તે છતાં,
લક્ષ્યને ચૂકી ગયો એ આખરે માણસ હતો.
એક – બે શબ્દોમાં પણ જીવન પ્રગટ કરવું પડે,
ટૂંકમાં સમજી ગયો એ આખરે માણસ હતો.
ફૂલ, પૂજા, પ્રાર્થના ને ચોતરફ બસ ઘંટનાદ,
ભેદ સૌ પામી ગયો એ આખરે માણસ હતો.
ક્યાં લગી અકબંધ રે’શે આ પ્રવાહી જિંદગી ?
બંધ સૌ તોડી ગયો એ આખરે માણસ હતો.
એ ફરીથી એકડાને ઘૂંટવા બેઠો હતો,
બસ, બધું ભૂલી ગયો એ ?–આખરે માણસ હતો.
– ધ્વનિલ પારેખ
ૐ નમઃ શિવાય