આજે પોષ સુદ ચોથ
[મુંબઈ સ્થિત શ્રી. તેજલભાઈ મજુમદારે આ લેખ મોકલાવ્યા બદલ મેઘધનુષ આભારી છે.]
શ્રીનાથજીઃ શ્રીકૃષ્ણનું સાક્ષાત્ સ્વરૂપ

શ્રીનાથજીનો શ્યામ રંગ શૃંગાર રસનો પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે ડાબી ઉર્ધ્વ ભુજા વડે તેઓ ભક્તોને પોતાની શરણમાં લે છે. કમર પર હાથ રાખવાનું તાત્પર્ય એ છે કે ભક્તને સાંસારિક વાસનાઓથી મુક્ત કરવો. તેમની દૃષ્ટિ ચરણો તરફ છે, જેનાથી તેઓ શરણાગત પ્રાણીઓ પર કૃપાની વર્ષા કરે છે. તેમણે ગળામાં ધારણ કરેલી વૈજયંતી માળા યોગમાયાનું સ્વરૂપ છે જે ભક્તનો ભગવાન સાથે સંબંધ કરાવે છે.
તેમનો જૂડો દર્શાવે છે કે તેઓ ભક્તોની ચિંતાને પોતાના મસ્તિષ્ક પર રાખે છે, એટલે કે ભક્તવત્સલ શ્રીનાથજી પોતાના ભક્તોને સમસ્યાઓમાંથી મુક્ત કરાવવા માટે હંમેશાં સક્રિય રહે છે. વાસ્તવમાં શ્રીનાથજી શ્રીકૃષ્ણનું જ સાક્ષાત સ્વરૂપ છે. તેમના આશ્રય કે શરણમાં આવનાર ભક્ત ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત કરી લે છે.
એવું કહેવાય છે કે શ્રીનાથજીના આદેશાનુસાર મહાપ્રભુ વલ્લભાચાર્ય વ્રજ જતા રહ્યા. તેમના નિમિત્ત છાણ-માટીનું નાનકડું મંદિર બનાવડાવ્યું. પછીથી મહાપ્રભુના શિષ્ય પૂરનમલ ખત્રીએ ગિરિરાજ ગોવર્ધન પર વિશાળ મંદિરનું નિર્માણ કરાવડાવ્યું. વર્ષો સુધી વિધિ-વિધાનથી તેમની પૂજા-સેવા થતી રહી.
એક દિવસ તેમના ભક્તોને ઔરંગઝેબ દ્વારા મંદિર વિધ્વંસ કરવા માટે વ્રજમાં સેના મોકલી છે તેવી સૂચના મળી. એવું માનવામાં આવે છે કે સુરક્ષાની દૃષ્ટિથી શરદપૂર્ણિમાની અર્ધરાત્રિમાં જ શ્રીનાથજીની મૂર્તિને રથ પર બિરાજમાન કરીને મંદિરની બહાર લઈ જવામાં આવ્યા.
કહેવાય છે કે વિવિધ સ્થાને રોકાતાં રોકાતાં શ્રીનાથજીનો રથ વર્ષ ૧૬૭૨માં ફાગણ માસના વદ પક્ષની સાતમે રાજસ્થાનના મેવાડ રાજ્યના સીહાડ નામના ગામમાં પહોંચ્યો. ત્યાં પહોંચીને શ્રીનાથજીના રથનાં પૈડાં અટકી ગયાં. સેવકોના અથાક પ્રયત્નો છતાં એ રથ આગળ વધી શક્યો નહીં. તેને કારણે અનેક ભક્તોએ એવું અનુમાન લગાવ્યું કે શ્રીનાથજીની અહીં જ રોકાવાની ઈચ્છા છે. શ્રીનાથજીના અહીં વિરાજમાન થવાને કારણે અને તેમના ભક્તોના અહીં નિવાસ કરવાને કારણે આ સ્થાન શ્રીનાથદ્વારાના નામથી પ્રસિદ્ધ થઈ ગયું. આજે શ્રીનાથદ્વારા રાજસ્થાનનું એક સમૃદ્ધ નગર બની ગયું છે.