તરસ્યાં પંખી

                                                     આજે પોષ સુદ આઠમ

 

તરસ્યાં પંખી

 

 રામપુરનાં દયાળુ લોકોએ ગામને પાદરે પશુપક્ષીઓ માટે પાણીનો હોજ બાંધ્યો હતો. લોકો ત્યાં ચણ પણ નાખે અને હોજમાં પાણી ભરી રાખે.

પશુઓ અને પમ્ખીઓ ત્યાં આવે ચણ ચણે અને પાણી પીને આનંદથી કલબલાટ કરે.

ઉનાળો આવે ત્યારે આ હોજ એમને માટે આશીર્વાદરૂપ લાગે. આ વખતે ત્યાં વધુ ને વધુ પશુ પંખીઓ આવે. પંખીઓ હોજમાં નહાઈને બહાર નીકળે અને પોતાની પાંખો ફફડાવીને કોરી કરે અને એકબીજા સાથે અલકમલકની વાતો પણ કરે.

ત્યાં એવામાં એક હાથી આવ્યો. તે ખૂબ તરસ્યો હતો.તેને હોજમાં પાણી જોયું અને તે ખુશ થઈ ગયો. તે ખૂબ તરસ્યો હોવાથી તેણે પાણી પીધું. ગરમીનાં દિવસો હોવાથી તેને ખૂબ ગરમી લાગતી હતી તેથી તે પોતાની સૂંઢ વડે હોજમાંથી પાણી ભરી પોતાના શરીર પર છાંટવા લાગ્યો.

તેને ઠંડક થવાથી તે ખૂબ ખૂશ થયો. પણ એટલી વારમાં હોજનું પાણી ખતમ થઈ ગયું. હોજ થઈ ગયો ખાલી ખમ્મ !

હાથીને ઠંડક થવાથી એ એક બાજુ પર ઝાડનાં છાંયડામાં નિરાંતે ઊભો રહી ગયો.

એવામાં પશુઓ ઘાસ ચરીને અને પંખીઓ દાણા ચણીને પાણી પીવા હોજ પાસે આવ્યાં. જોયું તો હોજ ખાલી ખમ્મ ! તેમને ખૂબ તરસ લાગી હતી.

સસલાએ પોપટને પૂછ્યું,’ આજે હોજમાં પાણીની જગ્યાએ તળિયું કેમ દેખાય છે?’
પોપટે કહ્યું,’હું પણ એ જ પૂછતો હતો કે આજે હોજ કેમ ખાલીખમ્મ છે?’

હાથી ત્યાં જ ઊભો હતો. તેણે બધાની વાત સાંભળી અને શરમાઈ ગયો. હવે તેને સમજાયું કે તેને તરસ લાગી હતી તો પાણી ભલે પીધું પણ મસ્તીમાં આવી જઈને નહાઈને પાણી બગાડવું ન્હોતું જોઈતું.

તેણે બધાને શાંત પાડી કહ્યું,’ તમે સહુ અહીંયા ધીરજ ધરી ઊભારહો, હું હમણાં જ પાણી લઈને આવું છું.’

હાથી પાણીની શોધમાં નીકળ્યો.

થોડે દૂર જતા હાથીને એક નદી દેખાઈ. હાથી સૂંઢમાં પાણી ભરીને હોજમાં ઠાલવવા લાગ્યો.
થોડીવારમાં હોજ પાણીથી ભરાઈ ગયો.

પશુ પંખીઓ હોજમાં ભરાયેલા પાણીને જોઈ ખુશ થઈ ગયા અને પાણી પીને રાજી રાજી થઈ ગયાં.

બધાંને પાણી પીતાં જોઈને હાથીને સંતોષ થયો કે ‘સારું થયું કે પાણી ભરી આપ્યું નહીંતર ભરબપોરે બિચારા તરસ કેવી રીતે છિપાવત?’

સસલાએ બધા વતી આભાર માનતા કહ્યું.’હાથીભાઈ, તમારો ખુબ આભાર. તમે ખરા તાપમાં પાણી લાવી અમારી મદદ કરી છે.

પછી તો હાથીભાઈ બધાં પશુ-પંખીઓના દોસ્ત બની ગયા.

                                                                                                                                 -સૌજન્યઃ- રેડીફ.કોમ

 

                                                                              ૐ નમઃ શિવાય