માતૃવંદના

                                                          આજે પોષ સુદ પૂનમ

માતૃવંદના

રસજ્ઞા

લેખકઃ- શ્રી નીનુ મઝુમદાર

    મને પાંચ વર્ષ પૂરા થયાં પછી ચાર દિવસે મારઈ મા અવસાન પામી. એને ક્ષય રોગ થયો હતો અને મૃત્યુ સમયે એની ઉંમર ચોવીસ વર્ષની હતી.

       મા સહુને સુંદર લાગે પરંતુ જગતના પ્રમાણથી પણ એ અત્યંત સુંદર એનું નામ રસજ્ઞા હતું અને બહુ સરસ ગાતી હતી. કદાચ શૈશવકાળથી એ સંગીતના સંસ્કાર મારા પર પડ્યા છે. મારા પિતા પણ સંગીતકાર હતા અને હિન્દુસ્તાની તથા પશ્ચિમી સંગીત બંને જાણતા હતા. એમણે જ મને શાસ્ત્રીય સંગીત પ્રત્યે પ્રેર્યો છે.

      મારા પિતા મારી માને બહુ પ્રેમ કરતા હતા એટલે એમણે બીજીવાર લગ્ન ન કર્યાં. એથી મને અને મારા નાના ભાઈને માની હૂંફ ન મળી અને અમારી દાદીએ અમને ઉછેર્યા છે. એ વિધવા દાદીએ જ અમારા ચારિત્ર્યનું ઘડતર કર્યું છે. એ સાધુ ચરિત અને જ્ઞાની બાઈ હતી.

       મારી માના મૃત્યુ પછી તરત મને એનાં મૃતદેહનાં દર્શન કરવા લઈ ગયા હતા. ક્ષયરોગમાં મૃત્યુ પામેલાંમાં કોઈ વિકૃતિ દેખાતી નથી એટલે મા ઊલટાની વધુ સુંદર લાગતી હતી. મૃત્યુ એતલે શું એની મને ખબર ન હતી. કોઈ દિવસ મને લીધા વગર કશે જતી ન હતી છતાં મેં મન મનાવ્યું કે સુરત મારા મામાને ત્યાં ગઈ હશે અને ત્યાંથી ગમે તે દિવસે પાછી આવી જશે.

     ઘણા દિવસ સુધી ન આવી અને હું રસ્તા પર પ્રત્યેક ઘોડાગાડી આવે ત્યારે દોડી જતો. એવો મારો વલોપાત જોઈને મોટાંઓએ કહ્યું કે એ તો મહાદેવજી પાસે ગઈ છે અને હવે પાછી નહિ આવે.

        અમારા ઘરમાં મહાદેવના લિંગની સ્થાપના હતી અને સીસમનું સરસ કોતરકામવાળું દેવસ્થાન છે. મારી છાતી વચ્ચે ખાલી ખાલી લાગતું હતું એટલે કોઈ જોઈ ન જાય એમ છાનોમાનો જઈ પેલા નાના મંદિરની પાછળ અને આસપાસ માને શોધતો હતો કારણકે નાહ્યા વગર દેવસ્થાને અડકાય નહી અને વારે વારે નાહવા જાઉં તો મોટાં મને વઢે.

      એક બીજું સ્થળ પણ એને શોધવા માટેનું હતું. હું જન્મ્યોઅ ત્યારે મારી મા ઓગણીસ વર્ષની જ હતી અને અતિ રમતિયાળ હતી એટલે હું ત્રણેક વર્ષનો થયો એટલે મારી સાથે સંતાકૂકડી રમતી હતી. વડોદરામાં અમારા ઘરનું છજું લાંબુ હતું અને છજાને એક છેડે ખાટલા, શેતરંજી વગેરે રખાતું હતું એથી છજાનો એ ભાગ બહારથી દેખાતો નહી. મા ત્યાં સંતાઈ જતી. હું નીચે આખા ઘરમાં બાવરો થઈને શોધતો. પછી બહાર જતી રહી હશે એમ ધારીને રસ્તા પર જાઉં અને રડવા માંડું ત્યારે મા ‘હૂપ’ કરીને છજામાં શેતરંજી પાછળ હસતી હસતી નીકળતી. એને જોઈ હું બહુ ખુશ થતો અને રસ્તા પર નાચવા માંડતો ત્યારે એ દાદરા પરથી દોડી આવીને મને તેડી લેતી અને મારા આંસુ ભરેલા ચહેરા પર ખૂબ ચુંબન કરતી.

       એનાં મૃત્યુ પછી બીજાં બધાં હોવા છતાં આખું ઘર સૂનું સૂનું લાગતું. કદાચ મને ચીડવવા પછી છજામાં પેલી શેતરંજીની પાછળ છુપાઈ હશે એવી આશા રાખીને ત્યાં જતો. ત્યાં જતો ત્યાં સુધી હમણાં નીકળશે કરીને મારું હદય ધડક ધડક કરતું. પણ ત્યાં પહોંચીને મારી છાતીનું ખાલીપણું અને છજાની શૂન્યતા એક થઈ જતી હજી પણ એ ખાલીપણું ખોઈ શક્યો નથી.

       મારી માને હું ‘ભીભી’ કહેતો હતો. એ મને બહુ પ્યાર કરતી હતી. મારા પિતાએ મને વર્ષે કિન્ડરગાર્ડનમાં ભણવા મૂક્યો હતો. ત્યાં બાઈ સાથે ગયો ત્યારે કંઈ પ્રાર્થના ચાલતી હતી અને મોટેથી હાર્મોનિયમ વાગતું હતું. મને નાનપણથી હાર્મોનિયમનો અવાજ ગમતો નથી એટલે એનો અવાજ સાંભળીને મને ડર લાગ્યો અને મેં અંદર જવાની ના પાડી. બાઈ મને પાછી ઘેર લઈ આવી ત્યારે મારા પિતા મારા પર ગુસ્સે થયા અને પાછો મોકલ્યો. હાર્મોનિયમનો રાક્ષસ જેવો અવાજ યાદ કરીને ડરના માર્યા મને ચડ્ડીમાં મળત્યાગ થઈ ગયો એટલે ‘ભીભી’ મારા પિતા પર બહુ ચિડાઈ અને મને તે દિવસે તો કિન્ડરગાર્ડનમાંથી બચાવી લીધો.

        થોડા દિવસ એ મારી સાથે આવતી એટલે હું ધીરે ધીરે કિન્ડરગાર્ડન સહન કરતો થયો. આમ તો શિષ્ટ ઘરનાં બૈરા બહાર ન નીકળી શકેપણ મારી મા આધુનિક હતી. વડોદરામાં સ્ત્રીઓની ક્લબ હતી તેમાં બેડમિન્ટન રમતી. ફેશનેબલ જોડા અને કપડાં પહેરતી. આ હું ૧૯૧૨૮ની વાત કરું છું. એના મખમલી બટનવાળા જોડાં મેં લાંબો સમય સુધી સાચવી રાખ્યા હતા.

       મારા પિતાનું નામ ‘નાગેન્દ્ર’ હતું. તેમને હું ‘ભાઈ’ કહેતો હતો. એક દિવસ ભાઈ મને સેશી હિસાબ શીખવવા બેઠા. એમનો પોતાનો જ ગણિતમાં મોટો ધબડકો હતો અને મારા મગજમાં પણ કાંઈ ઘૂસતું ન હતું એતલે ભાઈ મારા પર ખીજવાઈ ગયા અને દેશી હિસાબ ફાડીને રસ્તા પર ફેંકી દીધી. હું આભો બની ગયો. મારી મા મારા પિતાનાં આ કાર્ય પર એટલી બધી નારાજ થઈ કે એને હિસ્ટીરિયાનો હુમલો આવ્યો.

      મને એ સીન બરોબર યાદ છે. હું માને તર્ફડતી જોઈને ગભરાઈ ગયો હતો. મારા પિતા તે દિવસ પછી મારા પર જીવનભર કદી ગુસ્સે થયા નથી અને હંમેશા મિત્રની જેમ જ વર્ત્યા છે પણ મારી માને લગભગ એક વર્ષ સુધી હિસ્ટીરીયાનો રોગ લાગુ પડી ગયો હતો.

       વ્યકિગત રીતે માતા અને પિતા ભલે મર્ત્ય હોય પરંતુ માતૃત્વ અને પિતૃત્વ શાશ્વત છે. મનુષ્યના વ્યક્તિત્વમાં મા એટલે મન છે અને પિતા એટલે બુદ્ધિ છે. મને મળ્યાં ચે એવાં મન અને બુદ્ધિ આપીને મારાં માતાપિતાએ મારાં પર અનહદ ઉપકાર કર્યો છે. પ્રેમ પણ ખૂબ આપ્યો છે. બીજું શું જોઈએ? શાશ્વત માતૃત્વનો વ્યાપક અનુભવ મને જ્યાં ત્યાં થયા જ કરે છે.

        દાખલા તરીકે, હું સંગીતનિર્દેશક થયો તે પૂર્વે ફિલ્મક્ષેત્રમાં ગાયક હતો. પન્નાલાલ પટેલની ‘મળેલા જીવ’ પરથી હિન્દીમાં એન.આર. આચાર્ય ‘ઉલઝન’ નામે ચિત્રપટ બનાવતા હતા તેમાં નાયકનાં ગીતો ગાતો અને જીવીના પાત્રમાં તે વખતે વખતનાં વિખ્યાત અભિનેત્રી સરદાર અખ્તર પોતે જ ગાતાં. અમારાં ઘણાં યુગલગાન હતાં. મને કમળો થયો હતો અને મારી આર્થિક સ્થિતિ એ વખતે નબળી હતી. સરદાર અખ્તરને ખબર પડી એટલે સ્ટુડિયોમાં બીજા દિવસથી મારે માટે બાર્લી વૉટર જાતે બનાવીને બાટલા ભરી લાવતાં.

      મારી માનાં ખાસ સંભારણાંમાં સહુથી વિશેષ એનો પાલવ મને યાદ છે. હું નાનકડો એને ભેટું ત્યારે એનો સુંવાળો પાલવ મારા મુખ પર આવે તેનો સ્પર્શ હજી એવો જ યાદ છે.

                       
–સૌજન્ય  રીડીફ.કોમ

ૐ નમઃ શિવાય