હિરણ હલકાળી

                આજે મહા વદ દસમ [સ્વામી દયાનંદ સરસ્વતી જયંતી]

આજનો સુવિચાર: માનવીનું આયુષ્ય વધ્યું છે, પણ આયુષ્યમાંનું જીવન ઘટ્યું છે.
                                                                                                                   – જે. કૃષ્ણમૂર્તિ

હિરણ હલકાળી

 

(છંદ:- ચારણી)

ડુંગરથી, દડતી, ઘાટઊતરતી, પડતી પડતી આખડતી
આવે ઊછળતી, જરા ન ડરતી, હરતી ફરતી મદઝરતી
કિલકારા કરતી, ડગલાં ભરતી, જાય ગરજતી જોરાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
જીય નદી રૂપાળી નખરાળી

આંકડિયાવાળી, વેલ્ય ઘટાળી, વેલડિયાળી વૃખવાળી
અવળા, આંટાળી, જામી જાળી, ભેખડિયાળી ભેવાળી
તેને દઈ તાળી, જાતાં ભાળી, લાખણિયાળી લટકાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી

જોગંદ જટાળા, ભૂરી લટાળા, ચાલ છટાળા, ચરચાળા
ડણકે ડાઢાળા, સિંહણ બાળા, દસ હાથાળા, દઈતાળા
મોટા માથાળા, ગ્રજવે ગાળા, હિરણિયાળા હુંકારી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી

ગાગડિયાવાળી, મા મમતાળી, ખોડલ માડી ખપરાળી
બેઠી ત્યાં બાળી, કાયમ કાળી, જતન કરાળી, જોરાળી
થાનક લઈ થાળી, નિવેદનવાળી, માનવ આવે સરધાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી

ડેડાં ડળવળતાં ઝૂંડ ઝંબૂળતાં, મઘરા ફરતા મોં ફાડી
જળકૂકડા ચરતાં, બતક વિહરતાં, દાદુર ડહતા દિનદાડી
માછલીયું ટોળાં, કરે કિલોળા, બગલાં બોળા બહુ ભારી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી

આંબા આંબલીયું, ઉમ ઉંબરીયું, ખેર ખીજડીયું બોરડીયું
કેસુડાં ફળિયું, વા ખાખરિયું, હેમની કળીયું, આવળિયું
પૃથ્વી ઊતરીયું સ્વર્ગીય પરીયું, વેલ્યું વળિયું જળ ઢાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી

રાણ્યું કોળંબા લઈ અવળંબા, જુવે જળંબા જળબંબા
કરી કેશ કલંબા, બિખરી લંબા, જે જગદંબા બન અંબા
’દાદ’લ દિલરંગી, છંદ ત્રિભંગી બની ઉમંગી બિરદાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી

વર્ષામાં ઘેલી જોમ ભરેલી, નદી નવેલી નવઢાસી
સહુ નદીયું પહેલી, જાતી વહેલી, સાગરઘેલી ચપલાસી
ઠેબે દઈ ઠેલી, હા, હડસેલી, મારગ મેલી ખરતાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી

ફળફૂલ ખીલંતા, કોષ કીલંતા, પૂંછ ફીરંતા પચરંગી
થૈ થૈ થનગનતાં, મયૂરા કરતાં, નિત નટખટતાં નવરંગી
ઢેલડીયું ઢુંગા, ચણતી રૂંગા; એવા મૂંગા દૃશ્યવાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી

ખળખળતાં ઝરણાં, લીલાં તરણાં, ચરતાં હરણાં, ઠેક ભરે
કંઈ શ્વેત સુવર્ણા, નીલ વરણાં કંકુ ચરણાં ફૂલ કરે
મધુકર ગુંજારં, ભાત અઢારં, બની બહારં બૃદવાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી

                                                             — લોક ગીત

 

                                                      ૐ નમઃ શિવાય

5 comments on “હિરણ હલકાળી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s