ધરતીનાં તપ

                           આજે વૈશાખ વદ એકાદશી

આજનો સુવિચાર:- સમૃદ્ધિ મિત્રો બનાવે છે અને સંકટ તેમને ચકાશે છે.    — કાર્લાઈસ

              ધરતીનાં તપ

એવું  રે  તપી  રે ધરતી  એવું  રે  તપી,
જેવાં જપ રે તપ્યાં’તાં એક દિન પારવતી સતી.

અંગ રે સુકાય, એનાં રંગ રે સુકાય,
કાયાનાં અમરત એનાં ઊડી ચાલ્યાં જાય.
તોયે ન આવ્યો હજુ મેહુલો જતિ ! એવું રે

 વન રે વિમાસે, એનાં  જન રે વિમાસે,
પંખીડાં જોતાં એનાં પશુઓ આકાશે  :
જટાળો એ જોગી ક્યાંયે કળાતો નથી ! એવું રે

કહોને તમે સૌ તારા ! દૂરે છો દેખાનારા,
કહોને ડુંગરનાં શિખરો ! આકાશે પહોંચનારાં :
આંખોની વીજ એની ઝબૂકી કહીં ? એવું રે

 કહોને સાગરનાં પાણી, તમને છે સંભળાણી
ઘેરી ગંભીર એની આવતાં ક્યાંયે વાણી ?
એની રે કમાન દીઠી તણાઈ કહીં ? એવું રે

 આવોને મેહુલિયો ! આવો, ધરતીનાં તપ છોડાવો,
રૂપે ને રંગે નવાં, તપસીને એ સુહાવો     :
અમરતથી હૈયું એનું દિયોને ભરી  ! એવું રે  

કવિશ્રી:- પ્રહલાદ પારેખ

 

ૐ નમઃ શિવાય