જાંબુ – વર્ષાઋતુનું ફળ

                              આજે અષાઢ સુદ આઠમ

આજનો સુવિચાર:- અભાવ એ મનની સ્થિતિ છે.

જાંબુ – વર્ષાઋતુનું ફળ

જાંબુ વર્ષાના પ્રારંભકાળનું ફળ છે. ભારે વરસાદ પછી જાંબુની મોસમનો અંત આવે છે. જાંબુ નાના અને મોટા એમ બે પ્રકારના મળે છે. સ્વાદની દૃષ્ટિએ મોટા જાંબુ સારા લાગે છે જ્યારે ઔષધિય ગુણ વત્તાને દૃષ્ટિએ નાના જાંબુ ઉત્તમ છે.

સ્વાદે તૂરા, મધૂર અને ખાટા તેમજ ગુણથી લુખા અને શીતળ હોવાથી વાયુવર્ધક છે.

જાંબુનાં ઔષધિય ઉપયોગો

1] જાંબુમાં રહેલા ઍસિડ દ્રવ્યો પથરીને ઓગાળવાનો ગુણ ધરાવે છે. ખાસ કરીને જે બાળકોને સ્લેટની પેન તથા ચોક ખાવાની આદતને કારણે પથરી થતી હોય તેમના માટે મીઠું મરી મેળવેલા જાંબુનું સેવન લાભદાયક છે.

2] જ્યારે પેશાબમાં શર્કરાનું પ્રમાણ વધતું હોય અને વારંવાર પેશાબ માટે જવું પડતું હોય તેવા રોગીઓએ જાંબુના ઠળિયાનું ચૂર્ણ [બે ગ્રામ] સવારે ઠંડા પાણી સાથે લાંબો સમય સુધી લેવાથી ફાયદો થાય છે. સેંટ્રલ ડ્રગ રિસર્ચ ઈંસ્ટિટ્યુટ [લખનૌ] દ્વારા સંશોધન અનુસાર જાંબુના ઠળિયામાં આવેલી ઔષધિ થકી ડાયાબીટીસના દર્દીના પેશાબમાં વધતી સુગર લેવલમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

3] વારંવાર થતા ઝાડા અને સંગ્રહણી [જૂનો મરડો] જેવી તકલીફ ધરાવતા રોગીઓ માટે લાંબા સમય સુધીજાંબુનાઠળિયાનું ચૂર્ણ [આશરે પાંચ ગ્રામ] છાશ અથવા દહીં સાથે દિવસમાં એક વખત લેવાથી સારૂં પરિણામ આવી શકે છે.

4] નસ્કોરી ફૂટી, નાકમાંથી લોહી નીકળે ત્યારે જાંબુના કૂણા પાનનો રસના બે ટીપાં નાખવાથી ફાયદો થાય છે.

5] દુઝતા હરસ અને મસામાં પાકા જાંબુ મીઠા મરી સાથે ખાવાથી ફાયદો થાય છે.

6] કમળો, લીવર તથા બરોળનો સોજા પર જાંબુનું સેવન અસરકારક છે.

7] કાનમાં પરૂ થયું હોય તો પાકા જાંબુનો રસ બે- બે ટીપા કાનમાં નાખવા.

8] શ્વેત પ્રદરમાં આશરે નાની વાટકી ચોખાના ઓસામણમાં બે ગ્રામ જાંબુના ઠળિયાનું ચૂર્ણ અસરકારક છે.

9] લોહીના વિકારથી થતા ગૂમડાં પર જાંબુના વૃક્ષની છાલનું ચૂર્ણ લગાડવું.

10] પયોરિયા અથવા દાંતમાંથી ઝરતા લોહી માટેજાંબુના ઠળિયાનું સેવન ફાયદાકારક છે.

11] પેટમાં કૃમિ તથા ચમકતી ત્વચા માટે જાંબુનું સેવન હિતકારી છે.

જાંબુનું સેવન કરતા પહેલાં આટલી બાબતનું ધ્યાન રાખવું.

સાંધાના દુ:ખાવાના દર્દી, સાયટિકાના દર્દી, વાઈ, આંચકી, કબજિયાત અને પેરેલીસીસનાં દર્દીએ ક્યારેય જાંબુનું સેવન ન કરવું.

શરીરે સોજા રહેતા હોયકે માસિક ધર્મના દિવસો દર્મિયાન અથવા ગર્ભિણી સ્ત્રીઓએ જાંબુનું સેવન ન કરવું.

ગાયકો કે વક્તાઓએ જાંબુનું સેવ ન કરવું તેનાથી સ્વરપેટીને નુકશાન થાય છે.

ભૂખ્યા પેટે કે ઉપવાસ દરમિયાન જાંબુનું સેવન ટાળો.

જાંબુ સાથે મીઠા મરીનો ઉપયોગ જરૂરથી કરશો.

— સંકલિત

ૐ નમઃ શિવાય