શનિ જયંતિ

                               આજે વૈશાખ વદ અમાસ [શનિ જયંતિ]

શનિ જયંતિ

 

સંપૂર્ણ સિદ્ધિયોઁના દાતા સર્વ વિઘ્નોના હરનારા સૂર્યપુત્ર એટલે ‘શનિમહારાજ’ જેમની આજે જયંતી છે. બધા ગ્રહોમાં સૌથી શક્તિશાળી ગ્રહ એટલે ‘શનિ’ જેમના માથા પર અમૂલ્ય મણિજડિત મુગટ સુશોભિત છે.

જેમના હાથમાં ચમત્કારિક યંત્ર છે. શનિદેવ ન્યાયપ્રિય અને ભક્તોને અભય દાન આપે છે.
પ્રસન્ન થઈ જાય તો રંકને રાજા બનાવી દે અને જો ક્રોધિત થઈ જાય તો રાજાને રંક બનાવવામાં વાર નથી લગાડતા. શનિ જયંતીને દિવસે કાળા વસ્ત્ર, લોખંડ, કાળા અડદ, સરસીયાના તેલનું દાન કરવું જોઈએ તેમ જ ધૂપ, દીપ, નૈવેદ્ય, કાળા પુષ્પથી શનિ મહારાજની પૂજા કરવી જોઈએ.

કહેવાય છે કે બાળપણમાં શનિદેવ ખૂબ નટખટ હતા. ભાઈભાંડુ સાથે બનતું ન હતું. એ જ કારણે સૂર્ય દેવે પોતાનું રાજ્ય દરેક પુત્રો વચ્ચે સરખે ભાગે વહેંચી દીધું. સૂર્યદેવના આ નિર્ણયથી શનિદેવ નાખુશ હતા. તેઓ પોતાનું એકચક્રી રાજ્ય ચલાવવા માંગતા હતા. આથી તેમણે બ્રહ્માજીનું તપ કર્યુ. બ્રહ્માજી તેમના તપથી ખુશ થઈ વરદાન માંગવા કહ્યું. ત્યારે શનિદેવે માંગ્યું કે મારી શુભ દૃષ્ટિ જેના પર પડે તેનું કલ્યાણ થાવ અને જેનીપર કુદ્ર્ષ્ટિ પડે તેનો સર્વનાશ થાય. બ્રહ્માજી પાસેથી આવુ વરદાન પ્રાપ્ત કરી તેમણે પોતાના ભાઈભાંડુ પાસેથી તેમના રાજ્યો છિનવી લીધા. તેમના આ કૃત્યને કારણે તેમના ભાઈએ શિવજીનું તપ આદર્યું. શિવજીએ શનિદેવને બોલાવી સમજાવ્યું કે તમારી આ શક્તિનો સદુઉપયોગ કરો. શિવજીએ શનિદેવ અને તેમના ભાઈ યમરાજને
કાર્ય સોંપ્યા. યમરાજે જેમની આયુ પૂર્ણ થઈ હોય તેના પ્રાણ હરવા તેમ જ શનિદેવ મનુષ્યના કર્મો અનુસાર દંડ અથવા પુરસ્કાર આપે. શિવજીએ તેઓને એવું વરદાન આપ્યું તેમની કુદૃષ્ટિથી દેવતાઓ પણ બચી ન શકે.

એવું માનવામા આવે છે કે રાવણે તેના યોગ બળથી શનિદેવને બંદીવાન બનાવ્યા હતા. લંકાદહન વખતે હનુમાનજીએ શનિદેવજીને બંધન મુક્ત કર્યા હતા. તેમના ઋણમાંથી મુક્ત થવા શનિદેવે હનુમાનજીને વરદાન માંગવા કહ્યું ત્યારે હનુમાજી વરદાન માંગતા બોલ્યા કે કળિયુગમાં મારી ભક્તિ કરનારનું કદી અશુભ ફળ ના આપવુ. ત્યારથી જે વ્યક્તિ હનુમાનજીની પૂજા કરે છે તેની ઊપર શનિમહારાજનો પ્રકોપ ઓછો થાય છે.

                                                                                       –સંકલિત

                                              ૐ નમઃ શિવાય