માહિમ દરગાહ – મુંબઈ પોલીસનું શ્રદ્ધાસ્થાન
માહિમ દરગાહ તરીકે પ્રખ્યાત મકદૂમ શાહ બાબાની દરગાહ અને મુંબઈ પોલીસનો નાતો નોખો છે. કોઈ ગુનેગાર ન પકડાતો હોય, કાંતો કોઈ કેસ ઉકેલાતો ન હોય તો મુંબઈ પોલીસના અધિકારીઓ મકદૂમ શાહ બાબાના દરબારમાં ઘા નાખે છે અને આવું કર્યા બાદ કેસ ઉકેલાઈ જતો હોવાના અનેક કિસ્સા નોંધાયા છે. એટલું જ નહીં, દર ગુરુવારની સવારે માહિમ પોલિસસ્ટેશનના કર્મચારીઓ આ દરગાહ પાસે પરેડ કરી સંત મકદૂમ શાહને સલામી આપે છે. વાત અહીં ખતમ નથી થતી માહિમ પોલીસ્ટેશનમાં બદલી પર આવતા વરિષ્ઠ અધિકારી, આ ઝોનના નવા એસીપી તથા ડીસીપી પણ ફરજ પર હાજર થતા પહેલાં દરગાહ પર ચાદર ચઢાવે છે. મકદૂમ શાહ બાબાની યાદમાં યોજાતા માહિમ મેળા દરમિયાન સૌપ્રથમ મુંબઈ પોલીસના પ્રતિનિધિ દ્વારા બાબાની મજાર પર ચાદર ચઢાવવામાં આવે છે. આ માટે મુંબઈ પોલીસ સંદલ સમિતિ બનાવવામાં આવી છે જેના ચૅરમૅનપદે માહિમ પોલીસ અધિકારીની વરણી આપોઆપ થઈ જાય છે.આતો ફક્ત પોલીસ સાથેના સંબંધોની વાત થઈ, એ સિવાય ધર્મના સીમાડા ભૂલીને મુંબઈગરાઓ આ દરગાહ પર આવે છે.
માહિમનો ઈતિહાસ પર નજર નાખીએ તો પ્રાચીન કાળમાં આ સ્થળ માઈજિમ, મેજામ્બુ તથા મહિકાવતી તરીકે ઓળખાતુ હતું. ૧૩મી સદીમાં આ સ્થળ રાજા ભીમદેવના રાજ્યની રાજધાની હતું. પ્રભાદેવી વિસ્તારમાં તેમનો મહેલ અને ન્યાયમંદિર હોવાનો ઉલ્લેખો પણ અનેક સ્થળે જોવા મળે છે. ત્યારબાદ ગુજરાતના અહેમદ શાહે માહિમ ટાપુનો કબજો મેળવ્યો હતો. ૧૪૩૧માં માહિમમાં આ દરગાહ બની હતી. મકદૂમ અલી માહિમી કોંકણ વિસ્તારમાંથી આવેલા સૂફી સંત હતા. કહેવાય છે કે મકદૂમબાબા હિજરતી આરબ પરિવારમાં જન્મ્યા હતા. તેમણે મોઈનુદીન ઈબ્ન-એ-અરબીને પોતાના ગુરુ બનાવ્યા હતા અને અહેમદ શાહે તેમને શહેરના કાજી બનાવ્યા બાદ તેમની નામના ફેલાઈ હતી. મકદૂમ શાહ બાબા ભારતના પ્રથમ ઈસ્લામિક વિદ્વાન હતા જેમણે કુરાન પર ભાષ્ય રચ્યું હતું. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન કુલ ૨૦ પુસ્તકો લખ્યા હતા અને તેમને કુતુબ-એ-કોંકણનો ખિતાબ આપવામાં આવ્યો હતો.
માહિમના ૧૨ દિવસના મેળાનો પહેલો દિવસ સંત મકદૂમ શાહ બાબાની પુણ્યતિથિનો દિવસ છે. આ દિવસે માહિમ પોલીસસ્ટેશનથી સૌથી પહેલું સરઘસ નીકળે છે. કહેવાય છે કે આજે જ્યાં પોલીસસ્ટેશન છે ત્યાં એક સમયે બાબાનું ઘર હતું. એટલું જ નહી પોલીસસ્ટેશનના વરિષ્ઠ પોલીસ અધિકારીના કક્ષની બાજુના ઓરડામાંના એક કબાટમાં બાબાની ખુરશી, તેમની પાદુકા તથા તેમના હાથે લખાયેલી કુરાનની પ્રત પડ્યા છે. વર્ષમાં એક જ વાર આ કબાટ ખોલવામાં આવે છે. લોકવાયકા મુજબ બાબાની અંતિમ ક્ષણોમાં એક પોલીસ કૉન્સ્ટેબલે તેમને પોતાની ટોપી દ્વારા પાણી પાયું હતું. એક વાયકા મુજબ એક સહાયક પોલીસ અધિકારીને સ્મગલર સાથેના સંઘર્ષમાં એક વૃદ્ધની મદદ મળી હતી. શ્રદ્ધાળુઓના દાવા મુજબ એ વદ્ધ મકદૂમ શાહ બાબા ખુદ હતા.
મેળાના પ્રથમ દિને નીકળતા આ સરઘસને સંદલ કહેવાય છે. માહિમ પોલીસસ્ટેશનથી શરૂ થતા આ સરઘસમાં એક પોલીસ અધિકારી ચંદન ભરેલું પાત્ર લઈ આગળ ચાલે છે. જુના કાળમાં હવાલદાર રેન્કના પોલીસ કર્મચારીઓ અંગ કસરતના અને તલવારબાજીના ખેલ રજૂ કરતા હતા. દરગાહ પહોંચ્યા બાદ મજાર પર ચંદનનો લેપ લગાડવામાં આવે છે. જંજીરાના નવાબ અને છેલ્લે દરગાહના સરઘસો એ જ દિવસે નીકળે છે. દરગાહનો દેખાવ સામાન્ય છે પરંતુ શ્રદ્ધાળુને મન તો બાબા તેમની મનોકામના પૂરી કરે છે.
આ એક માત્ર એવું શ્રદ્ધાસ્થાન હશે જેની સાથે પોલીસખાતા સાથે આટલી નિકટતા છે. દરેક પોલીસ અધિકારીને પણ બાબા પર એટલી જ શ્રદ્ધા છે. કહેવાય છે કે બાબાની દરગાહ પર જવાથી વળગાડ દૂર થાય છે. બીમારીથી પીડિતો, નિઃસંતાનો તથા તકલીફમાં ફસાયેલાઓ બાબાની માનતા માને છે. મેળા દરમિયાન પતંગ ઉડાડવાનો જોવામાં આવે છે.
— સંકલિત
ૐ નમઃ શિવાય