અજમાવી જુઓ

                                                                  અજમાવી જુઓ

 

(૧) ઘરમાં પડી રહેલી વધારાની દવાની ગોળી વાસણ માંજવાના પાઉડરમાં ભેળવવાથી વાસણ ચકચકીત થાય છે.

(૨) અઠવાડીયામાં એક વખત ખાટી છાસથી માથું ધોવાથી શેમ્પુની જરુર પડતી નથી.

(૩) તાજી દ્રાક્ષનો રસ મશીનથી કાઢવા કરતાં સહેજ પાણી નાખી મીક્ષ્ચરમાં વાટી નીચોવી કે ગળણીથી ગાળી લેવાથી વધુ રસ નીકળે છે.

(૪) બારીમાં તુલસીનાં કુંડાં મુકવાથી ઘરમાં મચ્છર આવતા નથી.

(૫) દહીં બહુ ખાટું હોય તો કપડામાં બાંધી લટકાવી પાણી નીતારી મસ્કો કાઢી લો પછી તેમાં થોડું દુધ અને મલાઈ ઉમેરો દહીંની ખટાશ દુર થઈ જશે.

(૬) દહીંની લસ્સી બનાવતી વખતે દહીમાં પાણીને બદલે દુધ-મલાઈ નાંખવાથી સ્વાદીષ્ટ અને ઘટ્ટ બનશે.

(૭) હળદર અને ધાળાજીરુ ભરેલી બરણીઓમાં આખી હીંગના થોડા ટુકડા મુકી રાખવાથી તેમાં જીવાત નહીં પડે.

(૮) ઘઉં અને ચોખાના ડબ્બામાં થોડી ખાલી થયેલી દીવાસળીની પેટીઓ મુકી દેવાથી ઘઉં, ચોખા, બગડશે નહીં અને જીવાત પણ નહીં પડે.

(૯) નાળિયેરને ખમણીને હવાચુસ્ત ડબ્બામાં ભરી ફ્રીઝરમાં રાખવાથી લાંબા સમય સુધી બગડશે નહીં.

(૧૦) બીસ્કીટ, પાપડ હવાઈ ગયાં હોય તો તેને હવા-ચુસ્ત ડબ્બામાં ભરી ફ્રીઝમાં ૩ કલાક માટે મુકી દો. કડક થઈ જશે.

(૧૧) બદામના ડબ્બામાં ૩- ૪ ચમચા સાકરના ટુકડા નાંખવાથી તે લાંબા સમય સુધી તાજી રહેશે. ખોરી નહીં થાય.

(૧૨) નાળિયેરને તોડતી વખતે તેને ચારેબાજુથી દસ્તાથી થોડું ટીપીને પછી તોડવામાં આવે તો નાળિયેર કાચલીમાંથી એકસરખી રીતે અને ઝડપથી છુટું પડશે.

(૧૩) કેક ડેકોરેશન માટે આઇસીંગ સુગર ન હોય તો કેક ઉપર મધ લગાવીને બદામની કતરી આખી કેક ઉપર ભભરાવવાથી કેક દેખાવમાં સુંદર લાગશે અને સ્વાદિષ્ટ પણ લાગશે.

(૧૪) ભજીયાના ખીરામાં ૨૫% ચોખાનો લોટ ઉમેરવાથી ભજીયા કુરકુરા બનશે.

(૧૫) બટાકાની ચીપ્સ તળતાં પહેલાં તેના પર થોડો ચણાનો લોટ ભભરાવી દેવાથી ચીપ્સ ફરસી થશે.

(૧૬) ઢોકળાની દરેક થાળી ઉતારતી વખતે ૧-૨ ચમચી તેલ પાણી અને ખારો મીક્સ કરવાથી ઢોકળાં પોચાં અને જાળીવાળાં થશે.

(૧૭) ચોખા તથા કઠોળમાં મીઠાના આખા ગાંગડા નાંખવાથી જીવાત પડતી નથી.

(૧૮) છોલે-ભટુરાના ભટુરે બનાવતી વખતે મેદામાં બાફેલા બટકાનો માવો ઉમેરવાથી ભટુરા સ્વાદિષ્ટ બનશે.

(૧૯) બ્રેડ સૂકાઈ ગઈ હોય તો દૂધમાં બોળી ઓવનમાં ગરમ કરો તો બ્રેડ પહેલા જેવા કુરકુરા થઈ જશે.

(૨૦) તળતી વખતે તેલમાં ચપટી મીઠું નાંખવાથી તેલ ઓછુ વપરાશે.

(૨૧) શુદ્ધ ઘીમાં નાગરવેલનું પાન રાખવાથી લાંબા સમય સુધી ઘી સારું રહે છે.

(૨૨) પાકાં કેળાંને કાગળમાં લપેટીને ફ્રીઝમાં મુકી રાખવાથી લાંબા સમય સુધી એવાં ને એવાં જ રહે છે.

(૨૩) ડુંગળીનાં કુરકુરા ભજીયા કરવા માટે કાપેલી ડુંગળીમાં મીઠું ભેળવી ૨૦ મીનીટ રહેવા દો પછી પાણી નીચોવી ડુંગળીનો ઉપયોગ કરવો.

(૨૪) પહેલાં રોટલી-પરાઠાને કાચાં-પાકાં શેકી સફેદ જાડાં કપડાંમાં વીંટાળીને મુકી દો. જમાડતી વખતે આ રોટલી- પરાઠાને ફરીથી તવા પર શેકી- ગેસ પર ફુલાવી કે તળીને પીરસો.

(૨૫) ખીર બનાવતી વખતે દુધમાં થોડો કસ્ટર્ડ પાવડર અથવા કોર્નફ્લોર ભેળવવાથી ખીર ઘટ્ટ અને સ્વાદિષ્ટ બનશે.

(૨૬) પૂરી બનાવતી વખતે લોટમાં થોડો રવો તથા એકાદ-બે ચમચી સાકર નાંખવાથી પૂરી કરકરી થશે અને ફૂલશે.

(૨૭) કોથમીર કે ફુદીનાની ચટણી બનાવતી વખતે પહેલાં લીંબુનો રસ ઉમેરી પછી વાટવાથી ચટણીનો લીલો રંગ અને સુગંધ જળવાઈ રહેશે.

 

[ગાંડાભાઈ વલ્લભના આરોગ્ય અને અન્ય વિષયો પર આધારિત]

 

ૐ નમઃ શિવાય