કુંભમેળો

કુંભમેળો

 

Kumbh-Mela-300x216

 

પૌરાણિક કથાઓ મુજબ દેવતાઓ અને દાનવો હંમેશા કોઈપણ કારણોસર એકબીજા સાથે લડતા હતા. અમૃતની શોધ માટે દેવ દાનવ બંન્ને સાથે મળીને ક્ષીરસાગરનું મંથન કરવા એકબીજા સાથે સંમત થયા હતા. અમૃત પ્રાપ્ત થયે બે હિસ્સામાં વેંચણી કરી લેવી એમ નક્કી કરવામાં આવ્યું.
આમ મંદાર પર્વતને વલોણું બનાવી વાસુકી નાગને દોરી બનાવી ક્ષીરસાગરનું મંથન શરૂ થયું. દેવતાઓએ નાગરાજની પૂંછ પકડી જ્યારે દાનવોને ભાગે નાગરાજ વાસુકીનું મુખ આવ્યું.

સમુદ્રમંથન દરમિયાન સૌ પ્રથમ હળાહળ વિષ નીકળ્યુ. આ હળાહળ વિષ દેવોના દેવ મહાદેવે પીધું. આ વિષ પીતા થોડાક છાંટા પૃથ્વી પર પડ્યાં જેને કારણે ઝેરીલા પ્રાણીઓની ઉપત્તિ થઈ. સમુદ્રમંથન દરમિયાન મંદાર પર્વત નીચે ગરકવા માંડ્યો ત્યારે ભગવાન વિષ્ણુએ કછપ અવતાર લઈ મંદાર પર્વતને પોતાની ઢાલ જેવી પીઠ પર ઝીલી લીધો. ત્યારબાદ ૧૦૦૦ વર્ષ બાદ ભગવાન ધનવંતરી પોતાના હાથમાં અમતનો કુંભ પકડી પ્રગટ થયા. દાનવોથી ચિંતિત દેવતાઓએ અમૃતકુંભ ધનવંતરીના હાથમાંથી લઈ બૃહસ્પતિ, સૂર્ય,શનિ અને ચંદ્રને સોંપી દીધો.

દાનવોને આ વાતનું જ્ઞાન થતાં તેઓ ૧૨ દિવસ અને ૧૨ રાત સુધી દેવતાઓનો પીછો કર્યો. આ દરમિયાન અમૃત ભરેલા કુંભમાંથી અમૃતના થોડાંક ટીપાં ચાર સ્થાન પર પડ્યાં. અલ્હાબાદ, હરિદ્વાર,ઉજ્જૈન અને નાસિક. પૌરાણિક કથાઓ મુજબ દેવતાઓના ૧૨ દિવસ માનવ માટે ૧૨ વર્ષ ગણાય છે. આથી આ ચાર ધામ પવિત્ર ગણાય છે. તેથી આ દરેક ધામમાં દર ૧૨ વર્ષે કુંભ મેળો ભરાય છે.

નાસિકમાં ગોદાવરીને કિનારે, ઉજ્જૈનમાં ક્ષીપ્રા નદીને કિનારે, હરિદ્ગંવારમાં ગંગા નદીને કિનારે, અલ્હાબાદમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનાં ત્રિવેણી સંગમને કિનારે કુંભમેળો ભરાય છે અહીં આ દિવસો દરમિયાન લાખો ભક્તો પવિત્ર સ્નાનનો લ્હાવો લે છે. કહેવાય છે કે આ પવિત્ર સ્નાનથી જન્મોજનમનાં પાપ ધોવાય છે. ભાગ્યશાળીઓને આવા સ્નાનનો લ્હાવો મળે છે.

 

 

 ૐ નમઃ શિવાય