આજે દશેરા – આસો સુદ દસમ
આપ સૌને દશેરાની શુભેચ્છાઓ.
કટરામાં બિરાજતા વૈષ્ણોદેવીથી તો આપ સહુ પરિચિત છો પરંતુ આપ જાણો છો કે મુંબઈના મલાડ નામના ઉપનગરમાં પણ કટરાના વૈષ્ણોદેવી બિરાજમાન છે. મલાડ [પૂર્વ]માં દફ્તરી રોડ આવેલું વૈષ્ણોદેવી મંદિર કટરાના વૈષ્ણોદેવી મંદિરની પ્રતિકૃતિ છે.
આજથી ૧૩ વર્ષ પહેલા ૭મી ફેબ્રુઆરી, ૨૦૦૦ના રોજ આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
જમ્મુ શહેરથી ૪૫ કિ.મી. દૂર અને સમુદ્ર સપાટીથી ૨૫૦૦ ફૂટની ઊંચાઈએ આવેલા કટરા નામના ગામથી વૈષ્ણોદેવીની યાત્રાનો પ્રારંભ થાય છે. સમુદ્ર સપાટીથી ૬૨૩૦ ફૂટની ઊંચાઈએ આવેલા ત્રિકૂટ પર્વતસ્થિત ખીણ પ્રદેશની ગુફામાં મહાકાલી, મહાલક્ષ્મી તેમ જ મહાસરસ્વતી માતા ભવ્ય પિંડી રૂપમાં બિરાજમાન છે. આ યાત્રા કરતાં ઘણી કઠિનાઈઓનો સામનો કરવો પડે છે. વયોવૃદ્ધ, અપંગ તેમ જ આર્થિક રીતે નબળા ભાવિકો આ યાત્રા કરી નથી શકતા.
આ વાતનો વિચાર પાંચ મિતોએ મળીને કર્યો અને માતાજીના આશીર્વાદથી માતા વૈષ્ણોદેવીના મંદિર મુંબઈના મલાડ નામના ઉપનગરમાં બનાવવાનો વિચાર કર્યો. ત્રિકૂટ પર્વતની જેમ જ ડુંગરમા પીંડી સ્વરૂપે સ્થાપના કરવાની યોજના કરી.
મંદિરની સ્થાપના કરવા દરેક મિત્રે આર્થિક રીતે મદદ કરી. એક મિત્રે પોતાની જ્ગ્યાનું દાન કર્યું, જ્યારે બીજા મિત્રે પાયો નાખી વૈદિક મંત્રોચ્ચારોણ દ્વારા વિધી પૂર્ણ કરી. ત્રીજા મિત્રના અથાગ પ્રયત્નથી ધાગેન્દ્ર ગામના પથ્થરો વડે લોખંડ કે કોઈપણ સ્લેબ અથવા બીમ વગર નવ મહિનાના સમયગાળામાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. વૈષ્ણોદેવીના મંદિરથી આણેલી અખંડ જ્યોતિ આ મંદિરમાં લાવવામાં આવેલી છે.
મંદિરમાં પ્રવેશતાં શીતળતાનો અનુભવ થાય છે. માતાજીનાં દર્શન, જ્યોતિનાં દર્શન તેમ જ ત્રણ પિંડીનાં દર્શનથી મન પ્રફુલ્લિત થઈ જાય છે.
મંદિરમાં ભોળાનાથના પરિવાર, નાકોડાજી તેમજ ભૈરવનાથજી અને હનુમાનજીનાં મંદિર છે. ગુરુનો દરબાર અને નવદુર્ગાનાં પણ મંદિરોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. ચૈત્રી નવરાત્રી તેમજ આસો માસની નવરાત્રીમાં લાખો શ્રદ્ધાળુ લોકો દર્શન કરી માનતા માને છે.
— સંકલિત
ૐ નમઃ શિવાય