શ્રીજીને અર્પણ

                                                                                    શ્રીજીને અર્પણ

shreeji

ઝાપટીયાની
ઝાપટે તારા
અલપ ઝલપના
દરશનથી
તૃપ્ત હું થાઉં

મંગળા કેરી
કરવી ઝાંખી
ગ્વાલ કેરાં દર્શન
રાજભોગ ને
શેન આરતી

તીરછી પાઘ
હાથ મોરલી
શ્યામસુંદર શોભિત
લીલીઘટામાં
શ્રીનાથબાવા

શ્યામ સુહાનો
શ્યામઘટામાં
શ્યામ મુખારવિંદે
હીરો ચમકે
શ્યામ મલકે

નમન કરું
તુજને શ્રીજી
અર્પણ કરું તુને
ભાવભક્તિની
પુષ્પમાળાઓ

સ્વલિખિત –  નીલા કડકિયા

 

જૈ શ્રી કૃષ્ણ

ઉત્તમ ભેટ

                           આજે માગશર સુદ ત્રીજ

આજનો સુવિચાર:- મોટા ભાગના દરેક ધર્મોમાં તપનો-સાધનાનો મહિમા સ્વીકારવામાં આવ્યો છે.                                                                                        – શ્રીનાથજી

હેલ્થ ટીપ્સ:- દૂધી છીણીને પગના તળિયામાં લગાવવાથી પગની બળતરા ઓછી થશે.

ઉત્તમ ભેટ

પ્રભુ થકી મળી ભેટ મુજને
અપૂર્વ જીવન દીધું મુજને

માતપિતા થકી મળી ભેટ મુજને
ઉત્તમ સંસ્કાર દીધા મુજને

પ્રીતમ થકી મળી ભેટ મુજને
દીધી સંસાર તણી હેલી મુજને

બાળકો થકી મળી ભેટ મુજને
દીધું માતૃત્વનું સુખ મુજને

ગુરુ થકી મળી ભેટ મુજને
દીધું ઉત્તમ જ્ઞાન મુજને

મિત્રો થકી મળી ભેટ મુજને
દીધી પ્રેમની ધારા મુજને

રીડર્સ થકી મળી ભેટ મુજને
દીધો અપૂર્વ આવકાર મુજને

                                           

                                      નીલા કડકીઆ

                                      ૐ નમઃ શિવાય

શ્રાવણ માસે

                        આજે શ્રાવણ સુદ દસમ

આજનો સુવિચાર:- ચડતી અને પડતી તો ઈશ્વરનો અતૂટ નિયમ છે. જેની ચડતી થાય છે તેની કાલે પડતી થવાની જેમ મધ્યાહને ઊંચે ચઢેલા સૂરજે સમી સાંજે ઢળવુ પડે છે. ખરેખર જેની ચડતી થઈ ન હોય તેની પડતી શું થવાની? — પ્રણવાનંદજી

હેલ્થ ટીપ્સ:- બે ચમચી લીલી હળદરનો રસ અને એક ચમચી તુલસીનો રસ મિક્ષ કરી પીવાથી અવાજ ખૂલી જાય છે.

 

         શ્રાવણ માસે

કરોડો હાથ ઊઠ્યાં આ શ્રાવણ માસે
માંગવા આશિર્વાદ આ શ્રાવણ માસે

દૂધની ગંગા વહી આ શ્રાવણ માસે
વહી જળની ધાર આ શ્રાવણ માસે

બિલ્વમાં દબાયા આ શ્રાવણ માસે
પંચામૃતમાં પૂરાયા આ શ્રાવણ માસે

ભસ્મમાં ભરમાયા આ શ્રાવણ માસે
 ચંદને ચિતરાયા આ શ્રાવણ માસે

ખોવાયા મહાદેવ આ શ્રાવણ માસે
યુગ યુગથી ઊભો અહીં દરેક માસે???

                                  ૐ નમઃ શિવાય

કો’ક આવતું હૈયાને દ્વાર

                      આજે ચૈત્ર વદ છઠ

આજનો સુવિચાર:- અહંકારી વ્યક્તિ કુલાઈ શકે છે પણ ફેલાઈ શકતી નથી.

હેલ્થ ટીપ્સ:- ખાલી પેટે આંબળાનો મુરબ્બો નિયમીત ખાવાથી ત્વચાનો રંગ નીખરે છે.

મુક્ત પંચિકા

કો’ક આવતું
હૈયાને દ્વાર
રણક ઝણકતું
ઝળહળતું
દિપશીખા શુ

નેણે સમાવ્યા
કાન્હા તમને
ના સરે અશ્રુ કદી
ભીંજવે તને
કરું આજીજી

દેહ તણું આ
ઘર તમારું
કરો પ્રભુ વસવાટ
વિસારું બધું
દુન્યવી કાજ

ના કોઈ રાવ
ના કોઈ ચાહ
કેવળ એક ચાહ
બનવું તુજ
ચરણ રજ

આંખ્યુંને છાને
ખૂણે નિહાળું
કરું તારી ઝંખના
ના ઓગળતો
વિરાટ જગે

નિસરી ઘરે
તલાશે તારી
ના મળી કો ભાળ
અરે ! તું રહ્યો
સર્વ જગતે

તું જ સાહિલ
તું જ ખેવૈયા
રહી રહીને આવી
સમજ પ્રભુ
ઉતારો પાર

રીઝવું તને
અશ્રુની ધારે
કર જોડી ઓ પ્રભુ !
કરું ખેવના
એક ઝાંખીની

ક્યારે આવશો ?
ઓ મારા પ્રભુ !
ધરબી એક આશ
હૈયાને ખૂણે
નેણને પલકે

સપના વીણ્યાં
બંધ મુઠ્ઠીએ
ખોલી હથેળી જોયાં
ઓશ શા બિંદુ
ક્યાં સરી પડ્યા ??????

                                        ૐ નમઃ શિવાય

હોળી [મુક્તપંચિકા]

                         આજે ફાગણ વદ એકમ

આજનો સુવિચાર:-સાચો માર્ગ મેળવવા માટે તથા દૃષ્ટિની સ્પષ્ટતા માટે દરેક સ્તરે આત્મનિરીક્ષણની જરૂર છે.

હેલ્થ ટીપ્સ:-તળિયાની માલિશથી માનસિક તનાવ ઓછો થાય છે.

હોળી

ખીલી કુંપળો
મહેક્યાં મ્હોર
વાસંતી ભીને સ્પર્શે
કો લજામણી
શેં શરમાઈ

શેં અવગણે
આવી વસંત
ભલે નથી હું ઘરે
આવ વસંત
ખુલ્લા છે દ્વાર

કેસુડા રંગે
ભીંજ્યુ જોબન
વાસંતી કો વાયરો
મદમસ્ત શો
મહેકી ઊઠ્યો

 

રંગે રંગાતા
રાધે કિશન
સંગ ગોપ ગોપીઓ
ઉમંગે રંગ્યું
મેઘધનુષ

કુંપળ મ્હોરી
અંગ મરોડી
મનના મહેકતા કો
છાને ખૂણેથી
ફૂલ ફોરમ્યું

                                 ૐ નમઃ શિવાય

ઝાંખી મંગળા કેરી

આજે પોષ સુદ બારસ [બકરી ઈદ]

આજનો સુવિચાર:- સંયમ અને પરિશ્રમ માનવીના બે વૈદ્ય છે. —- રૂસો

હેલ્થ ટીપ્સ:- લોહી નીકળતા ઘા ઉપર હળદર લગાડવાથી લોહી નીકળવું બંધ થશે.

મંગળા કેરી
કરવી ઝાંખી
ગ્વાલ કેરાં દર્શન
રાજભોગ ને
શેન આરતી

ઝાપટીયાની
ઝાપટે તારા
અલપ ઝલપનાં
દરશનથી
તૃપ્ત હું થાવું

તીરછી પાઘ
મુરલી હાથ
સુંદર શોભિત શ્યામ
કેસરી ઘટા
શ્યામ ઘટામાં

નમન કરું
શ્રીજી તમને
અર્પણ છે તમને
ભાવભક્તિના
પુષ્પશી માળા

નથી જાણીમેં
પૂજાની રીત
ખૂટ્યાં ભક્તિ શબદ
આપ ને પ્રભુ
નાનીશી કેડી

                                જય શ્રી કૃષ્ણ

મેઘધનુષનાં સપ્તરંગ

આજે માગશર વદ આઠમ

આજનો સુવિચાર:- નિર્ણય લેવા સ્વયં પર વિજય મેળવવો જરૂરી છે.

હેલ્થ ટીપ્સ:- જીરાનું ચૂર્ણ રોજ ફાકવાથી આંખોની ગરમી ઓછી થાય છે.

મેઘધનુષ
નો સપ્તરંગ
ઓગળે ભક્તિમહીં
ન વિસરાય
દે એવો સંગ

ન રહે રંજ
દુનિયા કેરો
રહું મગ્ન ભક્તિમાં
બસ રહે એ
યાદ હંમેશ

રાહ જોઈ મેં
મીંટ મંડાઈ
ક્યાં વહી ગઈ વર્ષા
આંખો મિચાઈ
રહ્યું એ સ્વપ્ન

કૃપાનિધાન
તેં વરસાવી
મૃગજળ સમ આ
દોટ મહીં મેં
છોડ્યું એ બિંદુ

                                          ૐ નમઃ શિવાય

મુક્તકો

               આજે કારતક વદ દસમ

 આજનો સુવિચાર:- ચિંતક વગરનો સમાજ રસહીન છે.

શી રીતે સમજાવું તુજને તાત
ભાન ભૂલી ટળવળે દિન રાત
હવે નથી રહ્યું હૈયું મુજ હાથ
સમજાવું શું તમને વારંવાર

………………………………………………………………………………………………..

શાને કહો પાયણાં ?
મહાદેવ થઈ પૂજાઉં તો છું!

શાને કહો પાયણાં ?
ચણાઈને મંદિર સર્જુ તો છું !

શાને કહો પાયણાં ?
અહલ્યા બની ઉધ્ધાર પામ્યો તો છું !

શાને કહો પાયણાં ?
કબર થઈ તાજમહાલ કહેવાઉં તો છું !

………………………………………………………………………………………………

નથી આંબવા મારે અલખનાં ઓટલા
નથી પહોંચવું મારે ક્ષિતીજની પાર
પામવી છે બસ! મારે ‘તુજ’ ઝલક
પહોંચવું છે બસ! મારે ‘તુજ’ સાનિધ્યે

                     ૐ નમઃ શિવાય

અટવાઈ હું [મુક્તપંચિકા]

                                     આજે કારતક સુદ આઠમ
         આજનો સુવિચાર:- ભક્તિ એટલે દિલાવરી ,દાતારી, પવિત્રતા

       30-10-1867નાં દિવસે ભગિની નિવેદિતાનો આઈરિશ ધર્મગુરૂને ત્યાં જન્મ થયો હતો. સ્વામી વિવેકાનંદની પ્રેરણાથી તેઓ ‘આપણી ભારતમાતા’ની સેવા કરવા પોતાનો દેશ છોડી ભારતમાં આવ્યા. અહીંની સ્રીઓમાં શિક્ષણ અને સંસ્કાર ફેલાવ્યા.બાળકોને ભણાવવા અનેક મફત શાળાઓ શરૂ કરી. પ્લેગ,રેલ, મલેરિયા જેવી આપત્તિઓ સામે ખડેપગે ઊભા રહી સેવાઓ આપી હતી. ઈ.સ. 1911માં તેમનું અવસાન થયું હતુ.

અટવાઈ હું
રાસલીલામાં
ભ્રમરગીતમાં હું
કુંજગલીમાં
વેણુનાદમાં

રાસલીલામાં
ન રહ્યું ભાન
નરસૈયાનાં સ્વામી
અવતરને
એક જ વાર

કરું આજીજી
છોડ સમાધિ
છોડ શેષની શય્યા
સુણું ડમરું
શંખના નાદ

નથી હું મીરા
નથી હું ગૌરા
કેમ કરી પામું હું
વિષનાં પ્યાલા
તપ સાધના

ૐ નમઃ શિવાય

આપણે આપણાં સખા થઈએ

                           આજે આસો વદ પાંચમ

આજનો સુવિચાર:- કોઈપણ વ્યક્તિ અયોગ્ય હોતી નથી ફક્ત તેને પારખવાની દૃષ્ટિ હોવી જરૂરી છે.

આપણે આપણાં સખા થઈને રહીયે
છે અડીખમ ઊભા વૃક્ષને ટેકાની આશ?
છે માની મમતાને મમત્વની આશ?
છે વરસતી વર્ષાને ઝીલાવાની આશ?
છે ગંગાના નીરને શિવ જટાની આશ?
છે સાગરની લહેરોને કિનારાની આશ?
છે પહાડોને ગગન ચૂમવાની આશ?
છે લહેરાતી વાદળીને દોડવાની આશ?

હવે તો

રહી તો બસ ઈશને પામવાની આશ
રહી ઝૂલતાં પર્ણોને ડાળખીઓની આશ
રહી કોરીધાક આંખોને ક્ષિતિજની આશ
રહી વરસતી વર્ષાને સપ્તરંગની આશ
રહી ગંગાને ભગીરથનાં પોકારની આશ
રહી સાગરની લહેરોને તરંગોની આશ
રહી પહાડોને ઊંચાઈ આંબવાની આશ
રહી રસભીની વાદળીને વરસવાની આશ

છતાંયે

આપણે આપણાં સખા થઈને રહીયે

                       – નીલા  કડકિઆ

                   ૐ નમઃ શિવાય