થોડું અજમાવી જુઓ

થોડું અજમાવી જુઓ

* પનીર બનાવ્યા બાદ બચેલા પાણીથી લોટ બાંધવો.

* મનીપ્લાન્ટના છોડવામાં ચાની ભીની ભુક્કી નાખવાથી પ્લાન્ટના પાન મોટા થશે.

* મિક્સરની બ્લેડને ધારદાર બનાવવા મિક્સરમાં જાડું મીઠું ફેરવો.

* કોથમીરનાં ડાખળાને તડકામાં સુકવી ગરમ મસાલો બનાવતી વખતે તેમાં ઉમેરવાથી વાનગીનો અનેરો સ્વાદ આવશે.

* બટાટાનો રસ અને લીંબુનો રસ ભેળવી ચહેરા પર લગાડવાથી તડકાને કારણે કાળી પડેલી ત્વચાની કાળાશ દૂર થશે.

* નખને ચમકીલા બનાવવા નખ પર લીંબુની છાલ રગડો.

* મુખની દુર્ગંધ દૂર કરવા દાડમની છાલને પણીમાં ઉકાળી પાણી હુંફાળું થાય ત્યારે તે પાણી ને થોડીવાર મોંમા રાખી કોગળા કરવા.

* ફ્લાવરનું શાક બનાવતી વખતે તેમાં ૧ ચમચી સફેદ સરકો ઉમેરવાથી તેની ગંધ દૂર થશે.

* ઢોસા બનાવતી વખતે તેના ખીરામાં અડધુ લીંબુ નીચોવવાથી ઢોસા કરકરા ઉતરશે.

* ગરમ પદાર્થ ખાવાથી જો જીભ દાઝી ગઈ હોય તો એક ચપટી સાકર ચૂસવાથી રાહત થશે.

* કરીનો મૂળ રંગ સાચવી રાખવા તેમાં તેમાં થોડી છાશ ઉમેરો.

* ડાઈનિંગ ટેબલ પર ંઅખીનો ઉપદ્રવ દૂર કરવા થોડા ફૂદીનાના પાન પાથરી દો.

* કરકરા ભજીયા બનાવવા તેનાં ચણાનાં લોટના ખીરામાં થોડો કૉર્ન ફ્લોર અથવા ચોખાનો લોટ ઉમેરો.

ૐ નમઃ શિવાય

થોડું અજમાવી જુઓ

થોડું અજમાવી જુઓ

 

*      મૂળાનું શાક બનાવતાં પહેલાં મસાલો ન નાખવો. શાકને પહેલાં વઘારીને થોડીવાર ચઢવા દઈ મસાલો નાખવાથી શાકનો સ્વાદ અને રંગ સરસ   લાગશે.

*     ચણાની દાળ બનાવતી વખતે તેમાં દૂધીની છાલ ઉમેરવાથી તેની સુગંધ તેમજ સ્વાદ વધી જશે.

*     મગની દાળનાં વડા બનાવતી વખતે તેમાં થોડોક ઘઉંનો લોટ અથવા ચણાનો લોટ ઉમેરવાથી વડા ફૂલી પોચા થશે.

*     લીંબુ, મોસંબી કે પાકી કેરી જેવાં ફળોનો રસ કાઢતાં પહેલાં પાણીમાં પલાડી રાખવાથી તેમાંથી રસ વધારે નીકળશે.

*     બટાટાના પાપડ બનાવતી વખતે તેમાં ચપટી ખાવાના સોડા ભેળવવાથી પાપડ પોચા અને ક્રીસ્પી બનશે.

*     પાપડની બન્ને બાજુ પર ઘી કે તેલ ચોપડી શેકવાથી પાપડનો સ્વાદ તળેલા પાપડ જેવો લાગશે.

*     દૂધ ઉકાળતી વખતે તપેલીની કિનારી પર માખણ લગાડવાથી દૂધ ઉભરાશે નહીં.

*      વાસી માખણમાંની આવતી વાસને દૂર કરવા તેને ખાવાના સોડાવાળા પાણીમાં થોડીવાર સુધી રાખી મુકો.

*      ઘી તેલ મસાલાયુક્ત ભોજન બાદ એલચીનું સેવન ફાયદાકારક નીવડે છે.

*     બ્રેડ કાપવાની છરીને સહેજ ભીની કરવાથી બ્રેડ સરળતાથી કપાય છે.

*     ભાતની સોડમ વધારવા ભાત બની ગયા બાદ તેમાં એક ચમચો શુદ્ધ ઘી ભેળવવું.

*     દાળમાં વધુ મીઠું પડી ગયું હોય તો તેમાં બે બટાટા મૂકવાથી વધારાનું મીઠું ચૂસાઈ જશે.

 

 

ૐ નમઃ શિવાય

હલવાસન અને પાનનો આઈસક્રીમ

                                                     આજે કારતક સુદ તેરસ

 

[મુંબઈ સ્થિત શ્રીમતી ઈલાબેન દેસાઈએ (હાલમાં ઑકલેન્ડ – ન્યુઝીલેન્ડમાં સ્થિત) આ રેસીપી મોકલાવ્યા બદલ મેઘધનુષ આભારી છે.]

 

હલવાસન

 

 

સામગ્રીઃ-

 

૧] ૫૦૦ ગ્રામ દૂધ
૨] ૧/૨ કપ દહીં
૩] ૧ ટે.સ્પૂ. ઘી
૪] ૨ ટે. સ્પૂ. રવો
૫] ૧ ટે. સ્પૂ. બાવળિયો ગુંદર
૬] ૩/૪ કપ ખાંડ
૭] ૧/૨ ટી.સ્પૂ. ઈલાયચી પાઉડર
૮] ૧/૨ ટી.સ્પૂ. જાયફળ પાઉડર
૯] કેસર
૧૦] થોડા ઈલાયેચીના દાણા અને થોડી બદામ પિસ્તાની કતરી

 

રીતઃ-

 

૫૦૦ ગ્રામ દૂધ ઊભરો આવે ત્યાં સુધી ઉકાળો. ઊભરો આવે ત્યારે તેમાં ૧/૨ કપ દહીં નાખી ફાડવું. દૂધ ફાટે તો પણ ઊકાળતા રહેવું અને રબડી જેવું થવા દેવું. ત્યારબાદ તેમાં સંચો ફેરવી એક રસ કરવું.

એક નોનસ્ટીક પેનમાં ૧ ટે. સ્પૂન ઘી લઈ તેમાં ધીમાં તાપે રવો શેકવો. રવો ગુલાબી થાય ત્યારબાદ તેમાં ગુંદર નાખી ફૂલાવવો.

બીજી નોનસ્ટીક પેનમાં ખાંડ લેવી અને પાણી નાખ્યા વગર ગરમ કરવી. ખાંડ ઓગળે ત્યારે ઊપરનાં બન્ને મિક્ષ્ચર ભેળવવા અને હલાવતા રહેવું. તેમાં કેસર, ઈલાયચી પાઉડર અને જાયફળ પાઉડર ભેળવવા. ઉપરોક્ત મિક્ષ્ચર કિનારી ચોડે ત્યાં સુધી ધીમા તાપે હલાવતા રહેવું. મિક્ષ્ચર થોડું ઠંડુ પડે પેટિસની જેમ વાળી તેને બદામ પિસ્તાની કતરીથી સજાવવું. ઉપરથી એલચીનાં દાણા પણ મૂકી શકાય.

 

પાનનો આઈસક્રીમ

 

 

સામગ્રીઃ-

 

૧] ૧ મોટું ટીન કંડેન્સ મીલ્ક

૨] ૨૫૦ ગ્રામ ફુલ ફેટ દૂધ

૩] ૩ ટેબલ સ્પૂન ગુલકંદ

૪] ૧/૨ ટે. સ્પૂ. ઈલાયચી પાઉડર

૫] ૨ કલકત્તી મીઠા પાન

૬] ૧ ટે. સ્પૂ. મીઠી સોપારી

૭] ૧ ટે.સ્પૂ. મીઠા પાનના પત્તા

૮] ૪ થી ૫ ટીપાં ખાવાનો લીલો રંગ

૯]  ૨૫૦ ગ્રામ ક્રીમ

 

રીતઃ-

 

કલકત્તી મીઠા પાન અને મીઠા પાનના પત્તાને થોડા દૂધમાં નાખીને મીક્ષીમાં મીક્ષ કરી લો. ત્યારબાદ ઉપરોક્ત બધી સામગ્રી નાખી ફરી એક વખત મીક્ષ્ચરમાં મીક્ષ કરી લો. ત્યારબાદ આ મીક્ષ્ચરને ડબ્બામાં નાખી ફ્રીઝ કરી લો.

 

ખૂબ સરસ અને ખૂબ સરળ રેસીપી છે. બનાવી જૂઓ અને ઈલાબેનનો આભાર માનો.

 

 

                                                                    ૐ નમઃ શિવાય

પનીર મખ્ખની

આજે આસો વદ એકમ

[મુંબઈ સ્થિત શ્રીમતી ઈલાબેન દેસાઈએ આ વાનગીઓ મોકલાવ્યા બદલ મેઘધનુષ આભારી છે.]

પનીર મખ્ખની

સામગ્રીઃ-

૧] ૨૫૦ ગ્રામ પનીરના ટુકડા
૨] ૧ ચમચી કૉર્ન ફ્લોર
૩] ૧ ચમચી ખાંડ
૪] ૨ ચમચી ક્રીમ
૫] ૧ ચમચો સમારેલી કોથમીર
૬] ૧ ચમચી બટર
૭]  મીઠું સ્વાદાનુસાર

ગ્રેવી વાટવાની સામગ્રીઃ-

૩ ટામેટા, ૨ કાંદા, ૨ લીલા મરચા, આદુનો નાનો ટુકડો, ૧ ચમચી ખસખસ, ૧ ચમચી ચારોળી, ૧ ચમચી મગજતરીના બી, ૫ બદામ, ૫ કાજુ, ૩ થી ૪ કાશ્મીરી મરચાં

રીતઃ-

ઉપરોક્ત વાટવાની સામગ્રીને ૨ ચમચી તેલમાં ૧૦ મિનિટ સાંતળી ઠંડુ પડે મિક્ષ્ચરમાં વાટી લો.
વાટેલી પેસ્ટને બટરમાં સાંતળો. ત્યારબાદ તેમાં ૧ થી ૧૧/૨ કપ પાણી ઉમેરો.
થોડા પાણીમાં ૧ ચમચી કૉર્ન ફ્લોર ઓગાળી તેમા ઉમેરો.
ગ્રેવી ઉકળે ત્યારે તેમાં ૧ ચમચી ખાંડ ઉમેરો અને સ્વાદાનુસાર મીઠુ ઉમેરો.
ત્યારબાદ તેમાં પનીરનાં ટુકડા ઉમેરી ધીમા તાપે ઉકાળો.
૫ મિનિટ બાદ તેને ગેસ પરથી ઉતારી તેને કોથમીર અને ક્રીમથી સજાવી પરોઠા અથવા નાન સાથે લિજ્જત મ્હાલો.

 

ચોકલેટ

સામગ્રીઃ-

૧] એક સ્લેબ કુકીંગ ચોકલેટ
૨] ૬ બદામ અથવા હેઝલનટ અથવા મીક્ષ ડ્રાયફ્રુટ્સ
૩] ૧ ચમચી બટર
૪] ચોકલેટ મોલ્ડ
૫] ચોકલેટ રેપર

રીતઃ-

કુકીંગ ચોકલેટના ટુકડા કરી તેમાં ૧ ચમચી બટર ઉમેરી તેને માઈક્રોવેવમાં ૪૦ સેકન્ડ ગરમ કરવું. ત્યારબાદ તેને હલાવી ફરીથી ૪૦ સેકન્ડ ગરમ કરવું.
બદામ અથવા હેઝલનટ અથવા મીક્ષ ડ્રાયફ્રુટ્સને ૪૦ સેકેન્ડ માઈક્રોવેવમાં ગરમ કરી અધકચરો વાટી ઉપરોક્ત ગરમ કરેલા ચોકલેટ મીક્ષમાં ઉમેરી ઉમેરી હલાવો.
ઉપરોક્ત ચોકલેટ મીક્ષ્ચરને ચોકલેટ મોલ્ડમાં નાખી થોડું ઠપકારવું જેથી અંદર રહેલા પરપોટા નીકળી જાય.
ત્યારબાદ ઠંડુ પડે તેને ૧/૨ કલાક ફ્રીજમાં રાખવું. ત્યારબાદ ચોકલેટ મોલ્ડમાંથી કાઢીને રેપરમાં રેપ કરો.

ચોકલેટ કેવી લાગી તે જરૂરથી જણાવશો.

                                                                                     ૐ નમઃ શિવાય

અજમાવી જુઓ

                                                           આજે મહાવદ એકાદશી

 

અજમાવી જુઓ

* કેકને હળવી અને સ્પોંજી બનાવવા અડધા કિલો લોતમાં એક ટી સ્પૂન ગ્લિસરીન ઉમેરો.

* ચાકુ પરથી ફણસની ચીકાશ દૂર કરવા તેને ગેસ પર તપાવીને અખબારના કાગળથી લૂછી નાખવું.

* પાંદડાવાળી ભાજી રાંધતા પહેલાં મીઠાનાં પાણીમાં રાખવી જેથી તેમાં રહેલી ઝીણી જીવાત દૂર થાય છે.

* કટાયેલી છરી પર કાંદો રગડવાથી કાટ દૂર થાય છે.

* એક ચમચી આદુના રસમાં ચપટી સૂંઠનો ભૂક્કો, કાળા મરીનો ભૂક્કો અને બે ટીપાં લીંબુનો રસ ભેળવી બાળકને ચટાડવાથી હેડકી આવતી દૂર થાય છે.

* કટલેટ બનાવતી વખતે બટાકાના છૂંદામાં ભેળવવા કોર્નફ્લોર ન હોય તો બ્રેડની સ્લાઈસનો ભૂક્કો કરીને નાખવું.

* કરીમાં મીઠું વધારે પડી ગયું હોય તો ભાતને એક સ્વચ્છ મલમલના કપડા બાંધી 10 મિનિટ કરીમાં રહેવા દેવાથી વધારાનું મીઠું શોષાઈ જશે.

* ચણા પલાડવાનું ભૂલાઈ ગયું હોય તો ચણાને ઊકળતા પાણી નાખી તેમાં થોડા સોડા નાખવાથી અથવા કાચા પપૈયાના ટુકડા નાખવા.

* સેવપૂરીની પૂરી બનાવતી વખતે તેમાં મીઠું નહી નાખવુ અને લોટમાં ગરમ પાણી અને તેલનું મોણ ભેળવી લોટ બાંધવો.

* ટીક્કી બનાવતી વખતે તેમાં કોર્નફ્લોર અથવા બ્રેડક્રમ્સ અથવા બ્રેડને મસળીને તેમાં સ્વાદનુસાર મસાલો નાખી તેની ટીક્કી બનાવી તેને તેલમાં બોળી શેકવાથી ટીક્કીને ક્રીસ્પી બનાવી શકાય છે.

                                                                                                             — સંકલિત

 

                                                     ૐ નમઃ શિવાય

અજમાવી જુઓ

                                               આજે મહા સુદ બીજ

અજમાવી જુઓ

કોબી-

કોબીના પાનને બાફી સમારી તેમાં ચણાનો લોટ, હળદર, મીઠું, મરચું ભેળવી તળવા અને ગ્રેવી બનાવી તેમાં આ ભજિયા નાખવા. કોબીના કોફ્તા તૈયાર થશે.

કોબીના પાનનો ઉપયોગ વેજીટેબલ રોલ્સ બનાવવા કરી શકાય.

ઉપમામાં ઝીણી સમારેલી કોબી નાખવાથી ઉપમા સ્વાદિષ્ટ લાગે છે.

કોબીને ઝીણી સમારી તેમાંવલોવેલું દહીં, મીઠું, મરચું, શેકેલું વાટેલું જીરું સ્વાદાનુસાર નાખવું.

ઝીણી સમારેલી કોબીનાં પરઠા તેમ જ મુઠિયા બનાવી શકાય.

ટામેટા-

ટામેટામાં કાચા સીંગદાણા ભેળવી સ્વાદાનુસાર મીઠું, મરચું, તથા લસણ નાખીને ચટણી બનાવી શકાય.

બાફેલા બટાટામાં ઝીણા સમારેલાં ટામેટાં ભેળવી તેની ઉપર સંચળ, વાટેલું લસણ તેમ જ લીંબુનો રસ નાખી સ્વાદિષ્ટ ચાટ બનાવી શકાય.

ચટણી :-

ચટણી બનાવતી વખતે તેમાં 1 નાનો ચમચો માખણ ભેળવવાથી ચટણીની પૌષ્ટિત્કતા વધે છે તેમજ સ્વાદ વધે છે.

કોથમીર અને ફુદીનાની ચટણી બનાવતી વખતે પ્રમાણસર પાલક્ની ભાજી ભેળવવાથી તેનું પ્રમાણ અને સ્વાદ વધે છે.

વટાણાની છાલનું પાતળું પડ ઉતારી તેને કોથમીર ફુદીનાની ચટણીમાં ઉમેરવાથી રંગ અને સ્વાદ સારો થાય છે.

                                                                                                                       — સંકલિત

                                                           ૐ નમઃ શિવાય

મેથી મસાલો

                                         આજે ફાગણ સુદ પાંચમ

આજનો સુવિચાર :- ઈશ્વર મોટાં મોટાં સામ્રાજ્યોથી વિમુખ થઈ શકે છે, પણ નાનાં નાનાં પુષ્પોથી નહીં.

મેથી મસાલો

 સામગ્રી:-

1 કપ મેથીના કુરિયા

2 ચમચા રાઈનાં કુરિયા

1 ચમચી હળદર

2 મોટા ચમચા સરસવનું તેલ અથવા દિવેલ

¼ કપ મીઠુ ચપટી હિંગ જોઈતા પ્રમાણમાં મરચું

રીત:-

1] મીઠાને એક તવામાં પાણીનો ભાગ ઉડી જાય ત્યાં સુધી શેકી લેવું.

 2] ત્યાર બાદ એક મોટી તપેલી લઈ શેકેલા મીઠાંને એકદમ ધારી પર ગોળાકારમાં પાથરી દેવું.

3] મેથીનાં કુરિયાને એક ચમચી દિવેલ અથવા સરસવનાં તેલમાં આછા તાપે બે મિનિટ શેકવા.

4] આ શેકેલા મેથીના કુરિયાને તપેલીમાં મૂકેલાં મીઠાંની આગળ ગોળાકારમાં પાથરવા.

 5] આ પ્રમાણે રાઈનાં કુરિયાને શેકીને મેથીનાં કુરિયાની આગળ ગોળાકારમાં પાથરવા.

6] વચમાં હળદર મૂકવી અને તેની ઉપર હિંગ મૂકવી.

7] એક વાડકામાં 2 ચમચા સરસવનું તેલ [દિવેલ] ગરમ કરવું.

8] આ ગરમ થયેલું તેલ હિંગ પર રેડવું અને તરત જ ઢાંકી દેવું.

9] પાંચ મિનિટ બાદ આ મિશ્રણ મિક્સ કરી લેવું

10] આ મિશ્રણ એકદમ ઠંડુ પડે તેમાં જોઈતા પ્રમાણમાં મરચું ભેળવવું.

11] આ મેથીના મસલાને એક બાટલીમાં ભરી લો.

આ મસાલો કેરીનું ખાટું અથાણું બનાવવામાં આવે છે. આ મસાલો ખાખરા પર ઘી લગાડી ખાવામાં ઉપયોગ લઈ શકાય છે. આ મસાલામાં થોડું તેલ ઉમેરીને ઢોકળા સાથે ખાઈ શકાય છે. 

[આ ચટણીની રીત અમેરિકા સ્થિત મારા ભાભી અજિતાબેન શાહે લખીને મોકલ્યા બદલ ખૂબ આભાર]

 

કાળાં તલની ચટણી

સામગ્રી:-

1] ૨ કપ કાળાં તલ

2] ૨ કપ શીંગદાણા

3] ૨ કપ ધાણા

4] ૧/૪ કપ જીરું

5] ૧ કપ સફેદ તલ

6] ૧ કપ સૂકું ખમણેલું ખોપરું

7] મીઠું અને મરચું સ્વાદ પ્રમાણે લેવું.

રીત:-

     બે બે ટીંપા તેલ મૂકી બધી સામગ્રી અલગ અલગ શેકી લેવી મીક્સરમાં અલગ અલગ ક્રશ કરી ભેગુ કરી મીઠું અને મરચું નાખી બાટલીમાં ભરી લેવી. ખાખરા પર ઘી લગાવી આ ચટણી ચોપડવી .

                                             ૐ નમઃ શિવાય

ભૂલાઈ ગયેલી વાનગીઓ

                                                                       આજે પોષ સુદ બારસ

 

                                                         ભૂલાઈ ગયેલી વાનગીઓ

શુક્રવારિયા

સામગ્રીઃ-

૧] ૫૦૦ ગ્રામ બટેટા

૨] ૨૫૦ ગ્રામ બાફેલા વટાણા

૩] ૧ વાટકી ચણાની દાળ

૪] લીલાં વાટેલાં આદુ મરચાંની પેસ્ટ

૫] જોઈતા પ્રમાણમાં મીઠું

૬] ૪ થી ૫ ટુકડા કાજુ

૭] કોપરું, કોથમીર

બનાવવાની રીતઃ-

૧] ચણાની દાળ વાટી લો

૨] થોડાક તેલમાં તેને શેકી લો

૩] બટેટા બાફી તેનો છુંદો કરી તેને થૉડાક તેલમાં સાંતળી લો.

૪] ત્યારબાદ દાળ,બટેટાના માવાને મિક્સ કરી તેમાવટાણા પણ મિક્સ કરી લો.

૫] કાજુનાં ટુકડાને તળી તેને વાટી લો

૬] દાળ, બટેટા, વટાણાનાં મિક્સ કરેલાં માવામાં જોઈતા પ્રમાણમાં લીલા આદુ મરચાંની પેસ્ટ, મીઠું, કાજુનો ભૂક્કો તેમ જ કોપરું, કોથમીર નાખી મિક્સ કરો.

૭] આ મિક્સ કરેલો માવો થોડો થોડો લઈ હથેળીમાં પૂરીની જેમ થેપી લો.

૮] એકસરખા આકારનાં આ બધા શુક્રવારિયાને નોનસ્ટિક તવી પર તેલ મૂકી શેકી લો અથવા તળી લો.

દહીંબફા

સામગ્રીઃ-

૧] ૫૦૦ ગ્રામ દૂધ

૨] ૫૦૦ ગ્રામ મોળું દહીં

૩] ૨૫૦ ગ્રામ સાકર

બનાવવાની રીતઃ-

૧] એક વાસણમાં દૂધને ઉકાળીને બાસુંદી કરતાં પણ વધુ જાડુ બનાવો.

૨] દહીંને કપડાંમાં બાંધીને તેમાંથી બધું પાણી નીતરી જવાદો.

૩] દૂધ એકદમ ઠંડુ પડે ત્યારે તેમાં પાણી નીતારેલું દહીં ઉમેરી મિક્સ કરો.

૪] તેમાં સાકર ભેળવી કપડાથી છણી લો.

૫] એક થાળીમાં મૂકી તેને ઢોકળાની જેમ બાફો પણ થાળી ઢાંકવી નહી.

૬] બફાઈ જતાં નીચે ઉતારી ઠંડુ પડવા દો.

૭] ત્યારબાદ તેના ઉપર ચાંદીનો વરખ લગાડો.

૮] ખુબ ઠંડુ પડે ત્યારબાદ ખાવાના ઉપયોગ લેવું.

                    —- સૌજન્યઃ- રીડીફ.કોમ

 

                                                                                            ૐ નમઃ શિવાય

અજમાવી જુઓ

                                      આજે જેઠ સુદ તેરસ

આજનો સુવિચાર:- ખાવું તો તોળી તોળી, પીવું તો ઘોળી ઘોળી, સૂવું તો રોળી રોળી, એ જ ઓસડ ને એ જ ગોળી !

                                             અજમાવી જુઓ

* કેળાંને તાજા રાખવા એને એક ભીના કપડામાં બાંધી પ્લાસ્ટિકની થેલીમાં રાખો.

* ઘીમાં થોડીક ખાંડ ભેળવી દેવાથી લાંબા સમય સુધી ઘીનો રંગ અને સ્વાદ એવો ને એવો જળવાઈ રહેશે.

* મોસંબી અને લીંબુનો રસ કાઢતાં પહેલાં એને ગરમ પાણીમાં અથવા ગરમ ઓવનમાં થોડીવાર રાખી પછી રસ કાઢવાથી રસ વધુ નીકળશે.

* છોલે બનાવતી વખતે પેસ્ટની સાથે બે ચમચી પલાળેલા કાચા છોલે વાટી એને ગ્રેવીમાં નાખો. ગ્રેવી જાડી થશે.

* મેથી અને બટાટાનાં પરાઠા બનાવવાનાં હોય ત્યારે લોટ બાંધતી વખતે તેમાં થોડોક ચણાનો લોટ નાખો. એનાથી પરોઠાંનો સ્વાદ બદલાઈ જશે.

* કેળાંની વેફર ફટકડીના પાણીમાં પલાળીને તળવાથી સફેદ અને પોચી બનશે.

* ઘણીવાર સમોસા કે ઘુઘરા તળતી વખતે ફાટી જતા હોય છે એને ટાળવા સમોસા કે ઘુઘરામાં સોયથી એક બે કાણા પાડી દો. તેનાથી માવો બહાર પણ નહીં આવે કે ફાટશે પણ નહીં.

* મસાલા પૂરી બનાવતી વખતે લોટમાં થોડું ગરમ ઘી અથવા તેલ મિક્સ કરવાથી પૂરીઓ કરકરી અને સ્વાદિષ્ટ બશે.

* દહીંવડાં બનાવવા માટે દાળને વાટતી વખતે એમાં બે બટાટા મસળીને નાંખશો તો દહીંવડાં પોચાં બનશે.

* પાલક અને રીંગણનું શાક વઘારતી વખતે તેલમાં થોડી રાઈ અને હિંગ નાખો અને ત્યારબાદ ડુંગળી નાખો. એનાથી સ્વાદ બદલાઈ જશે.

* ઈડલીને મુલાયમ બનાવવા ચોખા પલાળતી વખતે આઠથી દસ દાણા મેથીના દાણા નાખવા.

* રસાદાર શાકમાં શીંગદાણાનો ભૂક્કો નાખવાથી શાક સ્વાદિષ્ટ થશે અને તેનો રસો ઘટ્ટ થશે.

                                                                                                       — સંકલિત

                                           ૐ નમઃ શિવાય

કીચન ટીપ્સ

                                      આજે ચૈત્ર વદ ચૌદસ

આજનો સુવિચાર:-  અમુક ઉંમર પછી શરીર વધતું નથી ફક્ત પેટ વધે છે. 
                                                                  — ગુણવંત શાહ

                                              કીચન ટીપ્સ

*   મેથીના પરોઠા બનાવતી વખતે તેમાં થોડું દહીં નાખવાથી પરોઠા મુલાયમ બનશે.

*   અથાણાં ભરવાની બરણીને બરાબર ધોઈ, કોરી કરી તડકામાં એકાદ દિવસ સૂકવવાથી બારે માસ ભરવાનાં અથણા બગડશે નહીં.

*   ફાટેલા દૂધનું પાણી ફેંકી ન દેતા તેનાંથી ચાંદીનાં વાસણ કે ઘરેણા ધોવાથી તે ચમકીલા બનશે.

*   લીંબુની છલ કે આમલીથી પિત્તળના વાસણો સાફ કરવાથી પિત્તળ ચમકી ઉઠશે.

*   ઘી બનાવ્યા બાદ તેનું કીટુ ફેંકી ન દેતા તેનો ઉપયોગ કરીવાળા શાકમાં લેવાથી તેની સોડમ અને સ્વાદ વધી જશે.

*   પોટેટો ચીપ્સ કે બટાટાની કાતરી બનાવતી વખતે તેમાં એક ચપટી ફટકડી ભેળવવાથી ચીપ્સ અને કાતરી સફેદ બનશે.

*   કોથમીરની ઝૂડી કરમાઈ ગઈ હોય તો તેને દાંડી તરફથી ગરમ પાણીથી ભીંજવવી કલાકમાં તાજી થઈ જશે.

*   ફૂદીનાનો  રસ પીવાથી અજીર્ણની ફરિયાદમાં રાહત થશે

*   ભેળમાં થોડાં તળેલાં શીંગદાણા અથવા ખારી શીંગ નાખવાથી ભેળ સ્વાદિષ્ટ લાગશે.

*   બાફેલા બટાટા વધ્યા હોય તો છાલ સાથે રેફ્રિજરેટરમાં મૂકવાથી જલ્દી બગડતાં નથી.

*   દાળ-શાકમાં મીઠું વધારે પડી ગયું હોય તો તેમાં લીંબુ નીચોવી દેવું જેથી ખારાશ ઓછી થઈ જશે.

*   પુલાવમાં તળેલા કાંદા અને કેપ્સીકમની ચીરીઓ નાખવાથી પુલાવ સ્વાદિષ્ટ બનશે.

*   તુલસીના પાંચ- છ પાનને ચાવવાથી મુખમાના છાલામાં રાહત રહેશે.

*   ખાલી પેટ ટામેટા પર મીઠું-મરી ભભરાવી ખાવાથી પેટમાંનાં કૃમિનો નાશ થશે.

*   તડકામાં લસણની કળી સૂકવવાથી તેનાં ફોતરા જલ્દી નીકળી જશે.

                                                                                   સૌજન્ય:- સહિયર

                                       ૐ નમઃ શિવાય