સંત નામદેવ

                                              આજે કારતક સુદ ચૌદસ

આજનો સુવિચાર :- શુદ્ધ હ્રદય તીર્થોમાં શ્રેષ્ઠ તીર્થ અને પવિત્ર વસ્તુઓમાં અતિ પવિત્ર વસ્તુ છે.
                                                                                                                      – વેદ વ્યાસ

 

 

સંત નામદેવ

 

સંત શ્રી નામદેવજી જ્યારે અજ્ઞાની અને અબોધ હતા ત્યારે ગુરુને શોધવા નીકળે છે. સૂરજ ઊગે અને આથમે એ સમયે ગુરુપ્રાપ્તિ થશે એમ વિચારે છે.

એક સવારે શંકર ભગવાનના મંદિરે પહોંચે છે, ત્યાં એક વૃદ્ધ શંકર ભગવાનના શિવલિંગને ભેટીને સૂતા છે. સંતશ્રીએ 3 દિવસ રાહ જોઇ અને ભગવદભક્તિ કરતા બેસી રહ્યા. એને ગુરુનો સત્સંગ મળે છે. ભગવત ભક્તિનો રાહ કઠિન છે. અનેકાનેક નિયમો પાળવા પડે છે. વૃત્તિ કાબૂમાં રાખવી પડે છે. જીવનમાં સદવર્તન કરવાનાં હોય છે. 

       સંતશ્રી નામદેવજી પોતાના અત્માના બળ વડે જ ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીને ગોતવા નીકળે છે. સુંદર વાણી વડે પ્રભુભજન કરતા જાય છે. ગ્રામવાસીઓને પ્રભુભક્તિ કરાવે છે. સત્સંગ કરવા સમજાવે છે. અને સુંદર વાણી દ્વારા સત્સંગ કથાનું પાન કરાવતા જાય છે
આમ , યાત્રા કરતા કરતાં ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો સાક્ષાત્કાર થાય છે. ભગવાન તેમને આશીર્વાદ આપે છે:- ’અત્યાર સુધી તું મને ગોતતો હતો, મારા મંદિરે આવતો હતો અને સ્થૂળ મૂર્તિની પૂજા કરીને મેળવ્યાનો ખોટો મોહ રાખતો હતો, પણ હવે તને ગુરુજ્ઞાન થયેલ છે અને મારી ભક્તિ યોગ્ય વર્તન-ભજન-કીર્તન દ્વારા કરી છે. માટે હું તારા ઉપર પ્રસન્ન થયો છું અને વચન આપું છું કે હવેથી હું તારે ત્યાં આવીશ અને સ્થાન ગ્રહણ કરી તારો ભક્તિરૂપી પ્રસાદ સ્વીકારીશ.

              આવી સુંદર ભક્તિ જે વાણી દ્વારા કરવામાં આવે ત્યારે સમાજ તેનો સ્વીકાર કરે છે. ધર્મ પ્રત્યે સમાજને વાળવા માટે સારાં સુંદર ભજનો, સ્તવનો તથા કોઈપણ ભાષામાં કરેલ ભગવદભક્તિનો પ્રભુ દ્વારા સ્વીકાર થાય છે. માટે જ વાણીમાં શુદ્ધતા સંવેદશીલતા તથા ભક્તિનો સમંવય કરવો યોગ્ય ગણાશે.

                                                                                                                                                             સંકલિત
 

                                                                                                                                                           સોજન્ય:- જન્મ્ભૂમિ

ૐ નમઃ શિવાય

ઘંટનાદનું મહત્વ

                                  આજે અષાઢ વદ ત્રીજ

આજનો સુવિચાર:- આંસુનું કામ જીવનને મીઠું બનાવવાનું છે. દુખથી પ્રગટેલા આંસુ હૈયાનો ભાર ઓછો કરી જીંદગીની મીઠાશ ફરીથી પકડી લેવાનું સૂચવે છે !!!!!!!


                                પુષ્ટી ગોષ્ઠી

આજે અષાઢ વદ ત્રીજ છે તો આજે પ્રભુને કેવા વસ્ત્ર ધરાવાશે તે ચિતાર આપતા શ્રી નિલેશભાઈ મુખ્યાજી કહે છે કે………

બેંગની [જાંબલી] રંગની પીછવાઈ
વસ્ત્ર:- બેંગની પીછોડો, ઠાડું વસ્ત્ર લીલા રંગનું [ઠાડું વસ્ત્ર એટલે પ્રભુના ઊભા સ્વરૂપની પીઠિકા ઉપર ધરાવામાં આવતું વસ્ત્ર]
ચરણ સુધીનો શ્રુંગાર . શ્રી મસ્તકે બેંગની રંગની કુલ્હે પાઘ, સોનેરી ચમકનો ઘેરો,
કુંડલ- મકરાકૃતિ, ડાબી તરફ મોતીની ચોટી ધરાવવી.
સંપૂર્ણ વર્ષ દરમિયાન આજે બેંગની [જાંબલી] રંગની કુલ્હે ધરાવાય છે કારણ આજનો ઉત્સવ શ્રી યમુનાજી તથા શ્રી ગીરીરાજજીની આડીથી છે.

                                      ઘંટનાદનું મહત્વ

      અમેરિકન ધનપતિ એંડ્રુ કાર્નેગી પોતાનો જે માલ ઉત્પાદન કરતો હતો તેની વિજ્ઞાપન-જાહેરાત કરવામાં માનતો ન હતો. એક વખત એક વિજ્ઞાપન એજંટ તેને ત્યાં વહેલી સવારે પહોંચી ગયો અને તેમના ઉત્પાદનની જાહેરાત શા માટે નથી આપતા તે વિષે જાણકારી માગી.

      આ ચર્ચા ચાલતી હતી તે દર્મિયાન દૂરના એક ચર્ચમાંથી ‘ઘંટનાદ’ સંભળાય છે. તે એજંટ કહે છે,’આપ આ ઘંટારવ સાંભળો છો? આ ચર્ચ ત્યાં કેટલા સમયથી છે?’

      કાર્નેગી કહે,’આ ચર્ચ લગભગ સો વર્ષ જૂનું છે. પ્રાચીન અને પ્રસિદ્ધ પણ છે.’

      આ જવાબ સાંભળી એજંટ કહે છે,’જો સૈકાનું જૂનું શાખ ધરાવતું આ ચર્ચ છે તેવું ઘણા જાણતા હોવા છતાં, નિયમિત રીતે સવાર સાંજ ત્યાંથી ‘ઘંટનાદ’ થાય છે. એ શું સૂચવે છે? ખુદ ઈશ્વર પણ લોકોને એ માટે ઢંઢોળતા રહે છે કે મારું દેવસ્થાન અહીં છે.’ – મારી દૃષ્ટિએ આ ‘ઘંટનાદ’ પણ લોકો સુધી પહોંચવાનો એક પ્રયાસ છે.

     અને કાર્નેગીએ વાતનો મર્મ સમજી પોતાના ઉત્પાદનની જાહેરાત આપવાનો નિર્ણય લીધો.

                                                                                                  — સૌજન્ય જન્મભૂમિ

                                  ૐ નમઃ શિવાય

આત્મસુખ

                                             આજે ચૈત્ર વદ એકમ

આજનો સુવિચાર:- જેમને આંતરિક શાંતિ પ્રાપ્ત થઈ ગઈ હોય તેને આખું વિશ્વ શાંતિમય પ્રતીત થાય છે.                                                        –યોગવશિષ્ઠ

 

                                                  આત્મસુખ

         એક વાડીની અંદર એક આંબો અને એક આસોપાલવનું ઝાડ બાજુબાજુમાં હતાં. સમય અને ઋતુઓના આવન-જાવન સાથે ગ્રીષ્મ ઋતુમાં આંબાના ઝાડમાં કેરીનો પાક શરૂ થાય ત્યારે બાળકો આંબાના ઝાડને ઈંટોના ઢેખારા તેમ જ નાના પથ્થરો મારી મારીને કેરીઓ તોડવાનું શરૂ કરી દેતા હતાં. છોકરાઓ જ્યારે આંબાને મારતા ત્યારે આસોપાલવના ઝાડને મઝા પડતી. આંબાનું વૃક્ષ માર ખાય ત્યારે પોતાને ખૂબ નસીબદાર માનતું અને આંબા માટે દયા આવતી.

       એક દિવસ તેણે આંબાને કહ્યું,’જ્યારે જુઓ ત્યારે કોઈ ને કોઈ તમને પથ્થર મારીને કેરી તોડતું જ રહે છે, ત્યારે તમને બહુ જ પીડા થતી હશે.’ એનાં કરતાં કેરી ઊગતી ન હોય તો કેવું સારૂં ? આ વાત સાંભળીને આંબાના વૃક્ષે કહ્યું,’ એવું ન કહે, મારી ડાળીઓ પર કેરી ઊગે છે એનાંથી મને બહુ ખુશી થાય છે. આ જ કેરીને કારણે તો બાળકો તેના ઊગવાની રાહ જુએ છે અને ઊગે ત્યારે મારી પાસે આવે છે, તેનાથી મને બહુ ખુશી થાય છે.’

           આસોપાલવ કહે,’ પણ એમાં તને શો ફાયદો? કાયમ માર ખાતો રહે છે. મને તો કોઈ એક કાંકરી પણ મારે નહીં. તારા કરતાં હું ક્યાંય વધુ ખુશ છું. એ સાંભળી આંબાએ કહ્યું,’ તારી ડાળી પર કોઈ ફળ ઊગતા નથી એટલે તને એનો આનંદ નહીં સમજાય.’ જેની પાસે કંઈક હોય એ જ બીજાને આપી શકે અને એજ તેનો ધર્મ છે. કંઈક આપવાથી આત્મસુખ મળે છે અને જો તમે આનંદથી આપતા હો તો તેમાં કોઈ પ્રકારની પીડા કે દુઃખ થતાં નથી.’ આ વાતનો જવાબ આસોપાલવ પાસે નહોતો અને તેથી તેણે આંબાને ધન્યવાદ આપ્યા.

          આપણી પાસે ભગવાને જે કંઈ પણ આપ્યું હોય તેમાંથી બીજાને તેની જરૂર મુજબ આપવાથી આપણને આનંદ મળે છે અને સાથે સાથે આત્મસુખ પણ મળે.

                                                                                                                     — સંકલિત

                                               ૐ નમઃ શિવાય

સ્ત્રીઓનો સનાતન પ્રશ્નઃ

                                      આજે શ્રાવણ વદ બીજ

 

[મુંબઈ સ્થિત હાસ્ય લેખિકા શ્રીમતી પલ્લવીબેન મિસ્ત્રીએ તેમનો આ લેખ મોકલાવ્યા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

 

                                   સ્ત્રીઓનો સનાતન પ્રશ્ન

 

– કહું છું, સાભળો છો?
– ફરમાવો
– આજે હુ શુ રાંધુ?
– આવા અઘરા પ્રશ્નો તારે મને પૂછવા નહી.
– તમને તો મારા સહેલા સહેલા પ્રશ્નોના જવાબો પન ક્યાં સૂઝે છે?
– તો પછી તારે મને પ્રશ્નો પૂછવા જ નહી.
– કેમ, પ્રોફેસર સાહેબ, તમારા વિદ્યાર્થીઓ ક્લાસમાં તમને પ્રશ્નો નથી પૂછતાં?
– પૂછે છે ને પણ એ બધા પ્રશ્નો બુદ્ધિગમ્ય હોય છે.
– એટલે હું તમને બુદ્ધિ વગરનાં સવાલો પૂછુ છું, એમ?
– એવું તો પણ તને કેમ કહેવાય?
– હું જાણુ છું, હું જાણુ છું, હું તમારા જેટલું ભણી નથી એટલે તમે મને ‘ટોણો’ મારછો. મારે નથી રહેવુ અહીં, હું પિયર જતી રહીશ.
– બે મિનિટ થોભ.
– અરે ! પણ તમે ક્યાં ચાલ્યા ?
– રીક્ષા બોલાવી લાવું, તારે પિયર જવું છે ને ?
– હવે તમે મને વધુ ચીઢવશો તો હું.. તો હું..
– રીલેક્સ માલુ, હું તો મજાક કરતો હતો. તને ખુશ કરવા તો હું તારા હરએક પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છું.
– તો કહો આજે હું શું રાંધુ ?
– કાંઈ પણ રાંધ, તારા હાથનું તો ‘ઝેર’ પણ હસતાં હસતાં ખાઈશ.
– પણ મને ‘ઝેર’ બનાવતા નથી આવડતું.
– આ રસોઈ બનાવે છે તે કાંઈ [ઝેરથી] ઓછી છે ?
– એટલે ?
– એટલે એમ કે કાંઈ પણ રાંધી નાકહ.
– દાળ ઢોકળી બનાવું ?
– દાળ ઢોકળી ? એ તે કાંઈ ખાવાની ચીજ છે?
– ના સૂંઘવાની ચીજ છે. ખીચડી-કઢી બનાવું ?
– સાયરસા [સારા] દિવસે કોઈ ખીચડી ખાતું હશે ?
– તમે અપરમા [આડા] દિવસે પણ ક્યાં ખીચડી-કઢી ખાવ છો? મને નથી સમજાતું કે આટલા સરસ ખીચડી-કઢી તમને કેમ નથી ભાવતાં ?
– એ તને ક્યારેક રેગ્યુલર ક્લાસમાં સમજાવીશ, અત્યારે તો ટેસ્ટ ચાલી રહી છે. ચાલ આગળ પૂછ.
– દૂધી-ચણાની દાળનું શાક અને રોટલી બનાવું ?
– છી ! એ તો માંદા માણસો ખાય.
– તમે માંદા હો છો ત્યારે પણ નથી ખાતા. જવાદો, રગડા પેટીસ બનાવું ?
– મારા પેટમાં પેસી લાતમલાત કરે છે.
– સવારનું ટીંડોળાનું શાક પડ્યું છે રોટલી અને દાળ-ભાત કરી નાખું ?
– ઓહ ! ટીંડોળાનું શાક હતું ? હું સમજ્યો કે ‘પરવળ’ હશે.
– હે ભગવાન ! તમે પણ પેલા કવિ જેવા જ મહાન છો !
– કયો કવિ ?
– સાંભળો, એક કવિ બગીચામાં ટહેલતા હતા, એક વૃક્ષ પાસે અટકીને બોલ્યા,” હે આંબાના મનમોહક વક્ષ ! જો તને મારી જેમ વાચા [વાણી] હોત તું શું કહેત ?” આ ધન્ય અણે ત્યાંથી પસાર થઈ રહેલ વ્યક્તિએ કહ્યું,” તો એ વૃક્ષ કહેત, માફ કરજો મહાશય ! હું આંબાનું નહી આસોપાલવનું વૃક્ષ છું.”
– હે સખી ! મને એ મહાન કવિ સાથે સરખાવવા બદલ આભાર !
– હે સખા ! વદો  હવે ! આપ ભોજનમાં શું લેશો ?
– તેં ગણાવેલી એટલી જ આઈટમ તને રાંધતા આવડે છે?
– મને હજાર આઈટમ આવડે છે પણ તમને તો આ ભાવે ને તે ન ભાવે, આ પચે અને પેલી ન પચે, આતો માંદા માણસો ખાય અને તે ભિખારીઓ ખાય, આતો જોવી ગમે નહિ અને પેલી પેટમાં જઈ ઉછળે. હવે તો તમારા અપચાનો ઈલાજ કરાવો.
– અપચાનો ઈલાજ છે ને ! ઉપવાસ !
– બોલ્યા ઉપવાસ ! એક ટંક તો ભૂખ્યા રહેવાતુ નથી. સમય થાય છે  તે જમવા માટે બૂમાબૂમ કરી મૂકો છો.
– એ તો મને એવી ટેવ છે તારે ધ્યાન પર ન લેવું.
– અરે! હું તો પ્રોફેસર છું કે સામાવાળાની વાત ધ્યાન પર ન લઉં ?
– તુ પણ મારી સાથે રહીને સ્માર્ટ થતી જાય છે, માલુ.
– તો પણ સમજાતું નથી કે સાંજે શું બનાવું ? એના કરતાં ટિફીનવાળો બાંધી દીધો હોય તો સારૂં, જે આપી જાય તે જમી લેવાનું.
– મારા માટે હાલ પણ એવું જ છે ને ?
– જુઓ, હવે વધુ અવઢવશો તો હું .. તો હું..
– પિયર જતી રહેશે ?
– ના, રડી પડીશ.
– પ્લીઝ… માલુ રડીશ નહી.
– ઠીક છે, તો પછી જલ્દીથી કહો , સાંજે શું બનાવું ?
– ઓહ ! વળી પાછું એ ? લાગે છે સ્ત્રીઓને સતાવતો આ સનાતન પ્રશ્ન છે. પણ એનો કોઈ ઉકેલ નથી શું ?
– તમે હોશિયાર છો. તમે જ કહો.
– જવા દે આજે હું બહાર જમી લઈશ.
– પાંચ મિનિટ થોભશો ?
– કેમ પાચ મિનિટમાં જમવાનું તૈયાર થઈ જશે?
– ના, હું તૈયાર થઈ જઈશ. હું યે તમારી સાથે બહાર જમી લઈશ.
– ઓહ ! હવે સમજ્યો.
– શું સમજ્યા જનાબ ?
– એ જ – સ્ત્રીઓનો સનાતન પ્રશ્ન ! અને
એનો એક માત્ર જવાબ !

— સમાપ્ત —

                                                      ૐ નમઃ શિવાય

યોગીજી મહારાજની બોધ કથા

                                 આજે શ્રાવણ વદ એકમ

આજનો સુવિચારઃ- ચારિત્ર્ય દૄઢ હશે, આત્મ વિશ્વાસ હશે અને ભગ્વાનમા શ્રદ્ધા હશે તો કશુજ અઘરૂ નથી.

યોગીજી મહારાજની બોધ કથા

નારદજી દાસીપુત્ર હતા. તેમના માતાજી એક શેઠનેત્યા કામ કરતા. [આશ્રમમા ઋષિઓની સેવા કરતા]

નારદજી આઠ વરસના થયા ત્યારે તેમને સન્કાદિક ઋષિઓનો જોગ થયો. નારદજીના માતુશ્રીએ કહ્યુ ‘તુ આ ઋષિઓની સેવા કર.’

નારદજી ઋષિઓ માટે તુઅસીપત્ર, બીલીપત્ર લાવી દે. ચદન ઘસી દે. આમ ચાર મહિના સેવા કરી. સનકાદિક સાથે નારદ્ને પ્રેમ થઈ ગયો.

સનકાદિક ચાલ્યા એટલે નારદ પણ તેમની ભેળા ચાલ્યા.

ઋષિએ પૂછ્યુ’તુ શુ કામ અમારી સાથે આવે છે?’

નારદે કહ્યુ,’મારે તમારો જોગ કરી સન્યાસ લેવો છે; ઘરે નથી જવુ.’

ઋષિએ પૂછ્યુ,’ તારે ઘરે સગુ કોણ છે?’

નારદજીએ કહ્યુ,’બાપ નથી; મા છે.’

ઋષિએ કહ્યુ,’મા ધામમા ગયા પછી ઉત્તર દેશમા આવજો. અત્યારે પાછા જાઓ.’

નારદજીને સન્યાસ લેવાની તાલાવેલી હતી એટલે એમણે ઘરે જઈ, મારી મા મરો”મારી મા મરો’એવુ રટણ લગાડ્યુ.

છ મહિનામાં ડોશીમાને સર્પદશથયો ને ધામમા ગયા.

પછી નારદજી ઉત્તર દેશમા ગયા ભગવાનને ભજી ભગવાનનુ મન કહેવાણા. ભગવાનએ કોઈને
ધામમા તેડવા જવુ  હોય તો નારદજીને પૂછે. મુક્તાનદ સ્વામીએ કીર્તન કર્યુ છેઃ

‘મુનિ નારદની જાતને જોતા, દાસીપુત્ર જગ જાણે રે
હરિને ભજીને હરિનુ મન કહેવાણા,વેદ પુરાણ વખાણે રે
હરિ ભજતા સૌ મોટપ પામે,
જન્મ મરણ દુઃખ જાયે રે.’

                        — સકલિત

                                              ૐ નમઃ શિવાય

આંધળે બહેરૂં કુટ્યું

                       આજે ચૈત્ર સુદ ચૌદસ

આજનો સુવિચાર:- મધુર વચન એ પ્રાર્થનાની પ્રાર્થના છે.

હેલ્થ ટીપ:- અતિસારમા એક ચમચી ચાનો મસાલો અને એક ચમચી સાકર પાણીમાં ઉકાળીને લેવાથી રાહત રહેશે.

[પ્રસિદ્ધ હાસ્ય લેખિકા શ્રીમતી પલ્લવીબેન મિસ્ત્રીએ આ લેખ મોકલ્યા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

                          આંધળે બહેરૂં કૂટ્યું

-દોસ્ત, તારે મારી સાથે એક જગ્યાએ આવવાનું છે.
-મેં મિત્રને કહ્યું. અરે! બંદા એક શું એકવીસ જગ્યાએ આવવા તૈયાર છે. ચાલ ક્યાં જવાનું છે?
અતિ ઉત્સાહમાં એ ઊભો થઈ ગયો અને મને પણ લગભગ ઘરની બહાર ખેંચ્યો.
-અરે અરે ધીમો પડ દોસ્ત, આજે નથી જવાનું કાલે જવાનું છે.
-ઊંહ! કાલની વાત કાલે. આજની વાત કર.
-એ જ તો કરુ છું સાંભળ, આજે જેવો આવ્યો છે એવો કાલે ‘રઘલા’ જેવો આવશે તો નહી ચાલે સમજ્યો?’
-ના સમજ્યો. વોટ ડુ યુ મીન બાય ‘રઘલા’?
-‘રઘલા’ મતલબ ‘લઘરવઘર’ જરા સરસ-ફાંકડો તૈયાર થઈને આવજે. દાઢી છોલીને આવજે. ચહેરા પર ‘થોભિયા’ સારા નથી લાગતા. એને લીધે તું…… ‘ઈંડિયા’ઝ મોસ્ટ-વોંટેડ જેવો લાગે છે.
-તું યે અદલ મારી બૈરી જેવું બોલે છે. બોલ ક્યાં જવાનું છે ઈંટરવ્યૂ આપવા?
-ના ઈંટરવ્યૂ લેવા જવાનું છે. છોકરીનો ઈંટરવ્યૂ લેવા.
-છોકરીનો ઈંટરવ્યૂ લેવા? શા માટે?
-ડફોળ છોકરીનો ઈંટરવ્યૂ શા માટે લેવાનો હોય? પરણવા માટે.
-પરણવા માટે ? ના બાબા ના. એકવાર પરણીને તો હું પસ્તાયો છું ત્યાં બીજીવારની આફત કોણ ઊઠાવે? બે બૈરાંઓવાળા પુરુષોની કફોડી દશા જોઊં છું ત્યારે મને દયા આવે છે. વળી હિન્દુ કાયદો બીજી પત્ની કરવાની પરમીશન નથી આપતો અને આપતો હોય તોયે મારે નથી જોઈતી. મને માફ કર યાર.
-લોચા ના માર અને તારી આ બક બક બંધ કર. છોકરી તારા માટે નહિ મારા માટે જોવા જવાનું છે.
-તો પછે મને શાહરૂખખાન બનવાની, સરસ તૈયાર થવાની સૂચના શા માટે?
– સામેવાળી પાર્ટી પર આપણો વટ પડવો જોઈએ કે નહી? આ વધેલી દાઢીમાં તુ બકરા જેવો લાગે છે જરા સરખો તૈયાર થાય તો માણસ જેવો તો લાગે
-તો ઠીક હું તો ગભરાઈ ગયેલો કે તુ મને બલિનો બકરો બનાવવા માંગે છે
-નહિ યાર બલિનો બકરો તારે નહિ મારે બનવાનું છે.
-ઓકે ચાલ કાલે હું આવીશ. બીજે દિવસે હું સાહસ ખેડવા એટલે છોકરી જોવા એની સાથે નીકળી પડ્યો.
-અલ્યા છોકરીનું ઘર તો જોયું છે ને?
-પારુલે [મારી નાની બહેન] પાકું એડ્રેસ આપ્યું છે. પારુલ કહેતી હતી કે એની આંખો એટલી સરસ છે કે એનું નામ ‘અલ્પના’ બદલીને ‘ઐશ્વર્યા’ રાખી લઈએ એવું થાય.
-જો એનું ઘર આ ગલ્લીમાં ચોથું કે પાંચમું ? આટલામાં જ ક્યાંક છે.

અમે ઓટલા પર બેઠેલા આધેડવયના સન્નારીને પૂછવાનો વિચાર જ કરતા હતા ત્યાં ઉમળકાભેર આવકાર આપતા એમણે અમને કહ્યુ

-અરે! તમે આવી ગયા? આવો આવો, અમે તમારી જ રાહ જોતા હતા. બેસો. ટીનુ બેટા મહેમાન આવી ગયા છે. પાણી લાવજે તો બેટા.

ટીનુ મલપતી ચાલે ટ્રેમાં પાણી લાવી અને શરમાતા શરમાતા અમારી સામે ગ્લાસ ધર્યા. ગ્લાસ લેતા અમારી નજરો મળી. મારો હાથ ધ્રૂજ્યો અને પાણી ટ્રેમાં છલકાયું. ટીનુ મલકાઈ. મેં મારા મિત્રની સામે જોયું. એની નજરમાંના પ્રશ્નાર્થને વાંચી લીધો. આશ્ચર્ય અને આઘાત સમાવી, રૂઢિગત વાતચીત પતાવી માંડમાંડ ચા નાસ્તાને ન્યાય આપી અને ત્યાંથી ભાગી છૂટ્યા.

ઘરે પહોંચ્યા એટલે પારૂલે અને મમ્મીએ પૂછ્યું,”ભાઈ, છોકરી કેવી લાગી?”

-અરે! આવી મજાક તે હોતી હશે? ‘લૂકિંગ લંડન ટોકિંગ ટોકિયો’ એટલે કે બાડી છે અને પારૂલડી……….કહેતી હતી કે એની આંખો ઐશ્વર્યા જેવી છે. મેં પારૂલનો ચોટલો પકડ્યો.

-હોય નહી ભાઈ ! અલ્પનાને મેં એકવાર નહીં બે વાર જોઈ છે. એ માત્ર બ્યુટીફૂલ નથી મોસ્ટ બ્યુટીફૂલ છે. એમાંયે એની આંખો જોતા જ ઐશ્વર્યા યાદ આવ્યા વિના રહે જ નહિ.
-પણ ટીનુને જોઈને તો ઐશ્વર્યા નહિ પણ ટુનટુન યાદ આવે.
-ટીનુ? તમે ટીનુને જોવા ગયેલા કે અલ્પનાને?
-કેમ ટીનુ એ અલ્પનાનું લાડકું નામ નહિ? એની મમ્મીએ અમને એ રીતે આવકાર્યા અને……..
-કોઈ ગેરસમજ થઈ લાગે છે, ભાઈ ટીનુ તો અલ્પનાની બાજુના ઘરમાં રહે છે. કદાચ એને જોવા પણ આવવાનો હશે. તમે પાછા ઊપડો અલ્પનાને જોવા. હું યે સાથે આવું
-ઓહ ! ગજબ થયો આ તો ……

આંધળે બહેરુ કુટાયું

                                         

                                             ૐ નમઃ શિવાય

અક્ષત દાણા

                             આજે મહા વદ છઠ

આજનો સુવિચાર :- સત્યના પથ પર અડગ રહેનાર સાચો બહાદુર છે.

હેલ્થ ટીપ :- વધુ પડતી મસૂર દાળના ઉપયોગથી લોહી ઘટ્ટ બને છે અને દૃષ્ટિનું તેજ ઘટાડે છે પરંતુ તાજા તલના તેલ અથવા ગાયના ઘી સાથે મસૂરનો ઉપયોગ ગુણમાં વૃદ્ધિ કરે છે.

main-church11

                                    અક્ષત દાણા

    ઈટાલીના મિલાનો શહેરમાં વિશ્વવિખ્યાત ચર્ચ બાંધતી વખતે કેટલીક મૂર્તિઓ એવી ઊંચી અને ભિડાતી જગ્યાએ મૂકવાની હતી કે કોઈની નજર ત્યાં સુધી પહોંચી શકે તેમ ન હતી. તો પણ શિલ્પકાર પોતાના કામમાં મશગુલ થઈને મૂર્તિઓના એક એક મરોડ ને રેખાઓમાં પોતાની કલા ઠાલવતો હતો. એક મિત્રે એ જોઈ ટીકા કરી : ‘આ મૂર્તિ પર કોઈની નજર સરખી પડવાની નથી, તો એની પાછળ શા માટે આટલી મહેનત કરે છે ?’
શિલ્પકારે આંખ ઊંચી કર્યા વિના જવાબ આપ્યો : મારી કૃતિ છે એટલે શ્રેષ્ઠ જોઈએ- પછી ભલે કોઈ જુએ કે અ જુએ. હું તો જોઉં છું અને બીજું કોઈ નહિ તો ભગવાન તો જોશે જ ને?’ મારી મર્યાદાઓ છે પણ તેમાં પણ હું જેટલું શ્રેષ્ઠ આપી શકું એવો મારો આગ્રહ છે. લોકો મારું કામ જુએ કે ન જુએ, શાબાશી આપે કે ન આપે તો યે હું સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક કામ કરતો રહીશ.’

     પૂજામાં દેવમૂર્તિને ચોખા ચઢાવાય છે, એ ચોખાના દાણા અખંડ, અક્ષત હોવા જરૂરી છે. સો સારા દાણા સાથે એક તૂટેલો હોય તો ‘ચાલશે’ એમ મનાય તો તે સાચી પૂજા નથી. એવી જ રીતે આપણું જીવન પણ એક યજ્ઞ છે. એક એક કાર્ય વિશુદ્ધ, શ્રેષ્ઠ, અક્ષત રાખવાનો જેનો દિલથી આગ્રહ હોય તે સાચો જીવનપૂજારી છે, તેની સાચી પૂજા છે.
                                                                                                              [સૌજન્ય: અખંડ આનંદ]

                                                  ૐ નમઃ શિવાય

ભલો ભલાઈ ન છોડે

                  આજે પોષ સુદ દસમ [નવરાત્રીનો ત્રીજો દિવસ]

આજનો સુવિચાર:- નિષ્ઠામાં સ્થિર થવું એ મોટામા મોટું તપ છે. – શ્રી મોરારી બાપુ

હેલ્થ ટીપ :- પથરીથી મુક્ત રહેવા માટે કળથીને આહારમાં સ્થાન આપો, રોજ નારંગીનો રસ પીઓ.
ભલો ભલાઈ ન છોડે

      છપ્પનિયા દુકાળની આ વાત છે. સાબરમતીના કિનારે એક પીપળિયું ગામ. ગામમાં ફક્ત ત્રણ જ વર્ણ. હરિજન, રાજપૂત ને વાણિયા. વાણિયા ધીરધાર કરે. રાજપૂતો તોફાન કરે અને હરિજનો સક્કરટેટી વગેરે ઉગાડે. ગામમાં મણિયા નામનો એક હરિજન રહે. તે હરિજન પણ આત્માનો સંત જેવો હતો.

     ગામમાં વાણિયાવાસમાં નાનુભાઈ માણેકલાલની મોટી હવેલી હતી. તે હરિજનોને પૈસા ધીરે. વર્ષ બાદ તેનાં પૈસા બમણાં કરી આપવા પડે. આ રીતે તે ધીરધાર કરે. જે લોકો દેવું ભરી ન જાય તેમને રાજપૂતો પાસે મૂઢમાર મરાવે આથી રાજપૂતો પાસેથી પૈસા માંગતા નાનુભાઈ વિચાર કરે. મણિયો હરિજન ભાડામાં ખેતી કરવા નાનુશેઠને ત્યાંથી પાંચસો રૂપિયા ઉચીના લઈ આવ્યો. દુકાળને કારણે બે વર્ષ વીતી ગયા નાનુશેઠ વિફર્યો. તેમણે મણિયાને માર મરાવ્યો. મણિયો મૂઢમાર ખાઈને પથારીએ પડ્યો. તેની પાસે દવા કરાવવાની શક્તિ ન્હોતી.

     આ સાલ નદીમાં પાણી ન આવ્યું તેથી નિપજ પણ ન થઈ. બે ચાર મહિને તે જેમ તેમ કરીને સાજો થયો. મણિયા હરિજનના મનમાં એક જ વાત હતી કે ક્યારે સાજો થાઉં અને નાનુશેઠનું દેણું ચૂકતે કરુ. આથી મણિયાએ તેની પત્નીનું મંગળસૂત્ર વેચીને પાંચસો રૂપિયા ભેગા કર્યા. તેણે વિચાર કર્યો કે પાંચસો અત્યારે ભરી દૌં અને પાંચસો ચોમાસા પછી ભરી દઈશ. આથી પાંચસો રૂપિયા લઈને નાનુશેઠની હવેલી પાસે આવ્યો જ્યાં નજર કરે ત્યાં તો શેઠનું ઘર ભડકે બળે…!

      બનેલું એવું કે એક કોઈ રાજપૂત નાનુશેઠ પાસે ઉછીના પૈસા લેવા આવેલો પન તેમણે આપવાની ના પાડી પરિણામે તે ઉશ્કેરાયો અને હવેલીને આગ ચાંપી. વાણિયો અને તેની પત્ની પહેરેલ કપડે બહાર નીકળી ગયા. પહેલે માળે તેમનો બે વર્ષનો બાબો ઘોડિયે સુવડાવેલ રહી ગયો.

      શેઠ બૂમો પાડવા લાગ્યા ‘મારા લાલને કોઈ બચાવો’. એવામાં મણિયા હરિજને આ દૃશ્ય જોયું ને કંઈપણ વિચાર કર્યા વગર તે ઉપર ચઢી ગયો. ઉપર ચઢી બાળ્કને નીચે ઊભેલા માણસો તરફ ફેંક્યું. લોકોએ ઝીલી લીધું. હવે દાદરેથી ઉતરી શકાય તેમ ન હતું એટલે ઉપર બારીએથી જેવો ઉતરવા ગયો તેવો ઉપરથી સળગતો મોટો પાટડો મણિયા ઉપર પડ્યો. તે ત્યાં જ બળી ગયો. ત્યાં જ અગ્નિસંસ્કાર અપાઈ ગયા. પણ ભલાઈ અને સજ્જનતાની સુવાસ અમર રહી ગઈ.
                                                  ૐ નમઃ શિવાય

ઘૈડા ન હોય તો ગાડા પાછા વળે.

                        આજે માગશર સુદ બીજ
આજનો સુવિચાર:- હતાશા માણસની બુદ્ધિ અને સર્જનાત્મકતાને બુઠ્ઠી બનાવી દે છે.

હેલ્થ ટીપ:- સોજો કે મૂઢમાર વાગેલી જગ્યા પર હળદર અને મીઠું ભેગા કરી થોડાંમાં પાણીમાં ખદખદાવી લગાડવાથી રાહત રહેશે.

                              આપણી કહેવત

ગામડાનું ગાડું

ગામડાનું ગાડું

                  ઘૈડા ન હોય તો ગાડા પાછા વળે
     સામાન્ય રીતે એમ બોલાય છે કે ‘ઘૈડા ગાડા પાછા વાળે’ પણ સાચી કહેવત એમ છે કે ‘ઘૈડા ન હોય તો ગાડા પાછા વળે’.

      આ કહેવત પાછળની કથા એવી છે કે એક વરરાજાના બાપે નક્કી કર્યું કે આપણે જાનમાં કોઈ ઘરડા માણસને લઈ જવો નથી. આથી બધા ઘરડા સગાઓએ અંદરોઅંદર નક્કી કર્યું કે આપણે છાનામાના સંતાઈને જાનમાં જવું. હવે બન્યું એમ કે જાન નીકળ્યા પછી સામેથી કન્યાના બાપે અચાનક એક શરત મૂકી કે અમારા ગામનું તળાવ ઘીથી ભરી દો, પછી જ અમે કન્યા આપીશું. વરરાજાના બાપ તો મુંઝાઈ ગયા. શું કરવું તેની સૂઝ નહોતી પડતી. બધાની સલાહ લીધી પણ કોઈને સમજણ ન પડતી કે શું કરવું? આમતો જાનના ગાડા પાછા વાળવા પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ.
     ત્યાં અચાનક પેલા સંતાઈને આવેલા અનુભવી ઘરડાઓ બહાર નીકળ્યા અને બોલ્યા અમારી પાસે એક ઉપાય છે. એટલે વરના બાપાએ આ ઘરડાઓને કન્યાપક્ષ સાથે વાત કરવા મોકલ્યા. એમણે જઈને એટલું જ કહ્યું કે તમે પહેલા તળાવ ખાલી કરી દો પછી અમે એને ઘીથી ભરી દઈએ. આ ચતુર જવાબ સાંભળીને કન્યાના બાપે જાન વધાવી લીધી.

ત્યારથી કહેવાય છે કે ‘જો ઘરડા [અનુભવી] ન હોય તો જાનના ગાડા પાછા વળત’.

                                   ૐ નમઃ શિવાય

ભગવાનને પોસ્ટકાર્ડ

        આજે જેઠ સુદ અગિયારસ [ભીમ અગિયારસ ,નિર્જળા અગિયારસ]

આજનો સુવિચાર:- પ્રેમમાં ભૂખ હોય છે ભીખ નહી.

હેલ્થ ટીપ:-શરીરનો કોઈપણ ભાગ ઠંડો પડી જાય ત્યારે સૂંઠ,મરી,પીપરના ચૂર્ણનો લેપ ઉત્તમ પરિણામ આપે છે.

                              ભગવાનને પોસ્ટકાર્ડ

 

    રામાયણના બાળકાંડમાં દેવતાઓએ શંકર ભગવાનને પૂછ્યું કે ભગવાન ક્યાં છે? ત્યારે મહાદેવે સામે પ્રશ્ન પૂછ્યો કે ભવાન ક્યાં નથી? ભગવાન તો શૈતાન હોય કે ભક્ત હોય, જળ કે સ્થળ પ્રભુનો વાસ સર્વત્ર છે. ગીતાના સાર રૂપે પ્રભુ કહે છે કે હું જડ ચેતન અત્ર તત્ર સર્વત્ર બિરાજેલો છું. બાઈબલનો પણ આજ સૂર છે કે આનંદમય દશામાં મારી હાજરી સર્વત્ર વર્તાશે.

આવું જ કંઈક આ બાળકનો ભગવાનને લખેલો પત્ર છે.

નાનપણથી જ રોહિતના પિતા પ્રભુને વ્હાલા થઈ ગયા હતા. ગરીબીમાં ઉછરતા રોહિતની મા લોકોના વાસીદા કરી પેટે પાટા બાંધી મોટો કરતી હતી.

   એક દિવસે અચાનક રોહિતે આવીને માને કહ્યું કે બે દિવસમાં પરીક્ષાના પૈસા ભરવા પડશે નહીં તો પરીક્ષામાં બેસવા નહીં મળે. માને પેટમાં ધ્રાસ્કો પડ્યો કે અત્યાર સુધી તો કોઈ ને કોઈ પાસેથી ઉધાર માંગીને, જ્યાં કામ કરતી હતી તેઓ પાસે પણ પૈસા માંગ્યા હતા અને જે તે પાછા ચૂકવી પણ શકી ન હતી. હવે ક્યાંથી લાવવા પૈસા જેથી રોહિત પરીક્ષામાં બેસી શકે. ઈચ્છા તો ખૂબ હતી કે દીકરાને ભણાવે ગણાવે કે જેથી એ સારી નોકરી મળે અને તેનું દળદર ફીટે.

માનું મૌન જોઈ રોહિતે માને પૂછ્યુ,’શું થયું મા ? પૈસાની સગવડ નહી થાય ?’
મા બોલી,’હવે તો પ્રભુનો જ આશરો છે.બીજા કોઈની આશા રખી શકાય તેમ નથી.’
પ્રભુનો ક્યાં સંપર્ક કરી શકાય?’ રોહિતના કુમળા માનસ પર એક સવાલ ઉદભવ્યો..

     મા પણ શું જવાબ આપે? પણ રોહિતના સંતોષના સંતોષ માટે માએ તેને કહ્યું કે એક પોસ્ટ કાર્ડ લે અને તેની પર તારી વિગત રજુ કર. તે તને જરૂર મદદ કરશે.

    પોસ્ટકાર્ડ તો લખાયું પન સરનામુ કયું લખવું ? માને પૂછતાં તેણે કહ્યું તેને ખબર નથી પણ પોસ્ટમાસ્તરને ખબર હશે. આ સાંભળતા રોહિત તરત ગામની પોસ્ટઑફિસમાં ગયો અને પોસ્ટમાસ્તરને કહ્યું કે ભગવાનના સરનામાની માને ખબર નથી એટલે તમને પૂછવા કહ્યું છે. આ સાંભળી પોસ્ટમાસ્તરને નવાઈ લાગી કે આ બાળક શા માટે ભગવાનનું સરનામું પૂછી રહ્યો છે? રોહિતને પૂછતા રોહિતે કહ્યું કે તેને પરીક્ષાની ફીને જરૂર છે પણ મા પાસે સગવડ પૈસાની સગવડ નથી માએ સલાહની વાત કરી કે આ વખતે ભગવાન જ મદદ કરી શકશે. એટલે પોસ્ટકાર્ડ લખ્યું પણ કયા સરનામે લખી મોકલવું ખબર નથી. નિર્દોષ ભાવે કહેવાયેલા શબ્દોથી પ્રગટ થતાં આ બાળકનો તેની માતા પ્રત્યેનો ભારોભાર વિશ્વાસ અને ભગવાનમાં શ્રદ્ધા, આ બે વાત પોસ્ટમાસ્તરનાં દિલને હલાવી ગઈ. પોતાના ગજવામાંથી રોહિતની પરીક્ષા પુરતા રૂપિયા કાઢી આપતા કહ્યું,’ જા, આ ભગવાને મોકલ્યા છે એમ તારી માને કહેજે અને મન દઈને ભણજે જેથી તારી માની આશા પૂરી કરી શકે.’

     જ્યારે રોહિતે માને વાત કરી ત્યારે તેની મા માની ન શકી અને તેને લાગ્યું કે રોહિત ચોરીને લઈ આવ્યો છે અને એની પાસે જુઠ્ઠું બોલી રહ્યો છે. ફરી ફરી માને રોહિતને પૂછતી રહી પણ પોતાની વાત પર રોહિત અડીખમ હતો. હવે તો માથી રહેવાયું નહીં તેથી તે રોહિતને લઈ પોસ્ટરમાસ્તર પાસે લઈ ગઈ. માના સવાલમાં પોસ્ટરમાસ્તરે કહ્યું કે તેણે જ આ રૂપિયા આપ્યા હતા. માના શબ્દોમાં અને રોહિતના નિર્દોષ વર્તન જોઈને એને સારૂં કાર્ય કરવાની પ્રેરણા મળી હતી. રોહિતના કુમળા માનસ પર પ્રભુ પ્રત્યેને રોપેલા વિશ્વાસનાં મૂળ હચમચી ન જાય તે માટે આમ કરવાની પ્રભુએ તેને પ્રેરણા આપી હોય તેવું તેને લાગ્યું હતું. પોસ્ટમાસ્તરે આગળ ઉમેર્યું કે ભવિષ્યમાં મદદની જરૂર પડે નિઃસંકોચ એની મદદ માંગે, બનતી બધી મદદ કરશે. સાથે ઉમેર્યું કે રોહિતના ઉજ્જ્વળ ભવિષ્યમાં ભાગીદાર થવામાં સંતોષ માનશે.

             શું આપને નથી લાગતું કે આજ સાચ્ચું પ્રભુનું સરનામુ છે??????

                                                                                                             —- સંકલિત

                                    

                                              ૐ નમઃ શિવાય