મૃત્યુનું ગણિત

                     આજે વૈશાખ વદ બીજ

 

આજનો સુવિચાર:- તમારો આત્મા જે કામ કરતાં અચકાય તે કામ કદી ન કરવું.

હેલ્થ ટીપ:- રોજિંદા ખોરાકમાં કાકડીના ઉપયોગથી શીતળતા અને તાજગી અનુભવાય છે.

 

                            મૃત્યુનું ગણિત

 

મૃત્યુનું ગણિત સ્થળ અને સમય નક્કી જ હોય છે.

મૃત્યુ એ ઉત્સવ જ નથી પણ મહોત્સવ છે.

   મનુષ્યના મૃત્યુના સ્થળ અને સમય બન્ને નક્કી જ હોય છે. યમરાજ પોકારે છે ત્યારે અને તેવા સમય અને સ્થળ પર માણસ મૃત્યુને વ્હાલો થાય છે.

       એક કબૂતર એક દિવસ પોતાના મિત્ર ગરુડને મળવા માટે ઊડતું ઊડતું ભગવાનના ધામમાં ગયું. વૈકુંઠમાં ગરુડજી વિરાજમાન હતા, બન્ને સુખદુખની વાતો કરી બહાર નીકળ્યા અને દરવાજા આગળ આવીને ઊભારહ્યા. બાય બાય ટા ટા કરવા. તેવામાં મૃત્યુના દેવ યમરાજા નીકળ્યા અને તેમણે કબૂતર તરફ જોઈને થોડુંક હાસ્ય કર્યું. આ જોઈ કબૂતર ગભરાઈ ગયું. તેણે ગરુડને કહ્યું,’ આ યમરાજા મૃત્યુના દેવ છે અને મને જોઈ હસ્યા છે તેથી મારું મૃત્યુ આટલામાં જ છે. કોઈ આવીને મને મારી નાખશે.

     ગરુડે કહ્યું,’ ચિંતા ન કર. હું બેઠો છું. તને કોઈ નહીં મારે, પણ કબૂતરે જીદ કરી અને કહ્યું,’ તું મને દૂર દૂર હિમાલયની ગુફામાં લઈ જા જ્યાં મને કોઈ મારી શકે નહીં.’ કબૂતરની જીદ આગળ ગરુડજીને નમતું મૂકવુ પડ્યું અને તે કબૂતરને હિમાલયની ગુફામાં મૂક્યુંઅને ત્યાંથી વૈકુંઠ જવા રવાના થયા.

    થોડીવાર પછી યમરાજ ભગવાનને મળી બહાર નીકળ્યા ત્યારે ગરુડજીએ પૂછ્યું,’ ભગવાન આપ પેલા કબૂતરને જોઈ કેમ હસ્યા હતા?’ યમરાજાએ જવાબ આપ્યો કે કબૂતરનું આજે હિમાલયની ગુફામાં એક સાપ કરડવાથી મૃત્યુ થવાનું હતું અને તે હજુ તમારી સાથે વાત કરતું હતું તેથી મને હસવું આવ્યું, ત્યારે ગરુડજીને ફાળ પડી અને બધી વાત કહી. યમરાજએ કહ્યું,’ભાઈ, જે સમયએ જે જગ્યા અને જ્યારે કોઈનું મૃત્યુ લખ્યું હોય ત્યાં થાય જ તેમાં બ્રહ્માજી પણ ફેરફાર કરી શકે નહીં.’

                                                                                       સૌજન્ય:- જન્મભૂમિ – મેઘધનુષ

 

                                    ૐ નમઃ શિવાય

સુશી

                            આજે ફાગણ વદ છઠ

આજનો સુવિચાર:- આજે પાડેલા પરસેવાના બિંદુઓ કાલ માટેનાં મૂલ્યવાન મોતી છે.

હેલ્થ ટીપ્સ:- દરરોજ 10 સેકેંડ સૂર્યદર્શન કરવાથી સમગ્ર શરીરની કાર્યક્ષમતા વધશે.

                            સુશી

    સુશીનો જન્મ ખૂબ ગર્ભ શ્રીમંત કુટુંબમાં થયો હતો. તેને બે ભાઈઓ હતાં. મુંબઈમાં તેનું બાળપણ વીત્યું. બાપુનો ધીકતો ધંધો હતો. મા બાપે એકની એક દીકરીને ખૂબ ભણાવી અને ભાવિ જીવન માટે તૈયાર કરી. મૃદુભાષી, મિત્રોમાં પ્રિય, દેખાવે સુંદર સુશી પોતાના વિચારોમાં ખૂબ ક્રાંતિકારી હતી. લગ્નમાં ન માનનારી સુશી ભણીગણીને નોકરીએ લાગી ગઈ. ભાઈઓ ભણીગણીને, પરણીને ધંધામાં સ્થાઈ ગયા. સુશીએ સુંદર નાનું મકાન ખરીદી, પોતાની ઢબે સજાવ્યું, રસોઈ માટે અને ઘરકામ માટે બે બાઈઓને રાખી તેણે પોતાનું જીવન વ્યવસ્થિત રીતે ગોઠવ્યું. જૂના ગીતોની શોખીન સુશી ગીતો સાંભળતી રાતનાં મોડી રાત સુધી વાંચે અને પછે સૂઈ જાય.

       આમ, એકલાં રહેતાં રહેતાં વર્ષો પસાર થઈ ગયાં. હવે એકલતા એને કોરી ખાવા લાગી. કોઈ સારી કંપની હોય તો ? માતૃત્વની ઝંખના સુશીમાં જાગવા લાગી. ક્યારેક ભાઈઓનાં બાળકોને જઈ રમાડી આવે. બાજુનાં બંગલામાં રહેતા સુહાસભાઈ સાથે સુશીને સારું લાગવા લાગ્યું હતું. તેમનાં પત્ની ત્રણેક વર્ષથી ગુજરી ગયાં હતાં. તેમનાં બે બાળકો….. અને સુહાસભાઈ ! એક ઘરડો નોકર તેમનાં ધરનાં બધાં જ કાર્ય કરતો. બાળકોને પ્રેમપૂર્વક જમાડે-ભણવા બેસાડે. મોડી રાતે સુવાસ સુશીને મળવા જાય . સુખ દુઃખની વાત કરે. ધીમે ધીમે બંને વચ્ચે અંતર ઘટતું ગયું. એક દિવસે સુહાસે હિંમતભેર સુશીને હિંમતભેર કહી નાખ્યું,” હું તને ચાહું છું. તારા વગર રહી શકું તેમ નથી. જો હું બાળકોને શાળાની હૉસ્ટેલમાં મૂકી દઈશ. વેકેશનમાં થોડોક વખત માટે આવશે.બાળકોની ચિંતા જવાબદારી તારે માથે નહીં પડે.”

      સુશીની આંખમાં પાણી આવ્યાં, તેણે સુહાસને મનની વાત કહેવા માંડી, “ તારા બાળકો એ મારાં બાળકો થાય ને ! બાળકો ભલે ને તારા હોય પણ મને બાળકો ખૂબ વ્હાલાં છે. હું તેમને છાતી સરસા ચાંપીને રાખીશ. તેમની જવાબદારી હું સહર્ષ ઉપાડીશ. ફરી મને આવી વાત કરશો નહીં. મા વગરનાં બાળકોની મા બની તેમને હુંફ અને પ્રેમ આપીશ.” સુહાસે સુશીનો હાથ પકડી લીધો.

      થોડાંક જ વખતમાં રજીસ્ટર્ડ લગ્ન કરી સુહાસને ત્યાં સુશી છોકરાંની મા બની કાયમ માટે રહેવા આવી. નાની નાની બાબતોમાં કાળજી રાખી સુશીએ બાળકોનાં જીવનને સુંદર રીતે ઘડ્યું. આમ સુહાસનું જીવન સુશીમય અને બાળકોમય બની ગયું. ઘરનું વાતાવરણ હુંફમય અને હર્યું ભર્યું બની ગયું.

    એક દિવસ સુહાસે સુશીને પૂછ્યું,” તારે એકાદ બાળક જોઈએ છે?” સુશીએ એક સુંદર વાત કહી,” તારું ને મારું વળી શું? આ બધાં મારાં જ બાળકો છે. હું બધાંને પ્રેમ કરું છું મને ખાતરી છે કે મને પ્રેમ મળશે. માએ કોઈ બાળક જોઈતું નથી. જે પ્રભુએ મને આપ્યાં છે તેમને સુંદર જીવન આપું એટલે મારું કાર્ય પૂરું થાય છે.”

      સુહાસ, સુશીનાં જીવન મૂલ્યોનું ઉદારીકરણ જોતો જ રહ્યો. કેવું વિશાળ મન ..! કેવું વિશાળ હૃદય…! કેવું વિશાળ જીવનફલક. ભીંત ટાંગેલાં પહેલી પત્નીના ફોટાને નમન કરી સુહાસ બોલ્યો,” તારાં બાળકોને તારા જેવી જે મા મળી છે. તું જરા પણ ચિંતા ન કરતી.” મરક મરક હસતાં ફોટામાં એક સંતોષ દેખાયો.

                                                                    –સ્વ. દક્ષા દેસાઈ

                                                    ૐ નમઃ શિવાય

ટ્રેનની સફરે

                                 આજે મહા વદ પાંચમ

આજનો સુવિચાર:- આનંદપૂર્વક ઉઠાવવામાં આવતી જવાબદારી કે ભાર હળવો લાગે છે.

હેલ્થ ટીપ્સ:- લોહીમાં આયર્નની ખામી હોવાથી નખ પીળા પડી જતા હોય છે. રોજીંદા ખોરાકમાં લીલા તાજા શાકભાજી, પાંદડાયુક્ત ભાજી, કઠોળ અને સૂકામેવાની માત્રા વધારો.

 [ગુડગાંવ સ્થિત કુણાલે આ ઈ મેઈલ ફોરવર્ડ કર્યા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

  કૉલેજીયન, નોકરીયાત વગેરે નાની મોટી દરેક વ્યક્તિથી ખીચોખીચ ભરેલી ટ્રેન આગળ વધવા માંડી. બારીની બાજુની સીટમાં એક આધેડ વયના ભાઈ પોતાના 30 વર્ષની ઉંમરના પુત્રની સાથે બેઠા હતા. જેવી ટ્રેન ચાલુ થઈ ત્યાં તો પેલા આધેડ વયના 30 વર્ષની ઉંમરવાળા પુત્રે ખૂશીના માર્યા જોર જોરથી બૂમ પાડવા લાગ્યો,

“બાપુ, જુઓને આ લીલા ઝાડ કેવાં સુંદર દેખાય છે! કેવા ઝડપથી આગળ વધી રહ્યાં છે.”

   30 વર્ષની આ વ્યક્તિના આવા વલણથી ટ્રેનમાં બેસેલી દરેક વ્યક્તિ અચંબા ભરી નજરે જોવા લાગ્યા અને આ વ્યક્તિ વિષે અંદરોઅંદર એકબીજા સાથે વાતો કરવા લાગ્યા “આ ગાંડો લાગે છે.” તાજા પરણેલા અનુપે પોતાની નવી પરણેતરને કાનમાં કહ્યું.

          અચાનક વરસાદ વરસવો ચાલુ થયો. અને ટ્રેનની ખુલ્લી બારીમાંથી વાછંટ મુસાફરો પર વરસવી ચાલુ થઈ. આ 30 વર્ષનો પુત્ર ખૂશ થઈ ગયો. ખૂશીનો માર્યો તેના બાપુને કહેવા લાગ્યો,

        ” બાપુ, બાપુ જુઓને વરસાદમાં કેવી મઝા આવે છે.”

    અનુપની પત્ની આ વરસાદથી હેરાનપરેશાન હતી કારણ એનો નવોનકકોર પહેરવેશ ભીનો થતો હતો.

“ અનુપ, જોતા નથી કેટલો વરસાદ પડે છે? ઓ ભાઈસાહેબ તમારા દિકરાની મગજની હાલત ઠીક નથી લાગતી એને કોઈ સાઈક્રાસ્ટિક પાસે લઈ જાઓ આમ પબ્લિકને હેરાન તો ના કરે?”

   શરૂઆતમાં તો પેલા ભાઈ ખંચકાયા પછી ધીમા અવાજે બોલ્યા, ” મારા દીકરાના આવા વર્તણુક માટે હું માફી માંગું છું પણ હમણાં અમને હૉસ્પિટલમાંથી રજા મળી છે અને અમે ઘરે જઈ રહ્યા છીએ. મારો આ દીકરો જન્મથી પ્રજ્ઞાચક્ષુ હતો તેના સફળ ઑપરેશન બાદ તેણે કુદરતને અને વરસાદને પહેલી વખત અનુભવ કર્યો છે. તમને સહુને આની વર્તણુકથી પરેશાની થઈ હોય તો હું દિલગીર છું.”

    કહેવાનો ભાવાર્થ એ છે કે ‘કોઈપણ વસ્તુ જાણકારી વગર જેવી દેખાતી હોય છે તેવી સત્ય લાગે છે પરતુ હકીકતની જાણકારી વિના પ્રતિભાવ જણાવવો અયોગ્ય છે. માટે હકીકત જાણવાનો પ્રયત્ન કરો ત્યારબાદ પોતાનો પ્રતિભાવ જણાવો.’

                                   ૐ નમઃ શિવાય

જનેતાનું હૈયું

                     આજે અધિક જેઠ વદ અમાસ [અધિક માસની સમાપ્તિ]

આજનો સુવિચાર:- મનુષ્ય વંદનીય છે પણ પ્રભુ પૂજનીય છે.

હેલ્થ ટીપ્સ:- લોક આયુર્વેદ – હૃદય રોગમાં અર્જુન ઝાડની છાલનો કવાથ ઉત્તમ છે.

                                        જનેતાનું હૈયું

                   આ ટૂંકી વાર્તા મુસાફરી કરતાં એક પ્રવાસીએ કરેલા અનુભવથી લખાયેલી છે.

     રામપુર જીલ્લાનું ગામ અને અનાજના વેપારનું ધીકતું ધામ. ગામ વચ્ચે આવેલા રેલ્વે સ્ટેશનનું પ્લેટફૉર્મ વ્હેલી સવારથી મોડી રાત સુધી ઉતારુઓની અવરજવરથી ભર્યું રહે. મધરાતે છેલ્લો પેસેંજર ગયા પછી જંપી જાય અને પ્લેટફોર્મ પર રહે માત્ર ચોકી ભરતા પોલીસો, રાત્રીનાં કાયમી હમાલો, માથાભેર મવાલીઓ, ભીખારીઓ અને રઝળતાં કૂતરાઓ.
  આ કાયમી વસ્તીમાં ચાર પાંચ વર્ષથી એક અર્ધી હાલેલી, ઓછાબોલી, શ્યામવર્ણી અબળાનો ઉમેરો થયો હતો. પ્લેટફોર્મનાં છેડે આવેલા રેલ્વે-બ્રીજની નીચે પોલીસ અને બીજા દાદાની મહેરબાની હેઠળ સુવા લાગી. લગભગ વીસ બાવીસ વયની આ યુવતી ભીખ માંગી પેટ ભરી લેતી. આ યુવતી કોણ હતી ? એનું કોઈ સગુંવ્હાલુ છે કે નહીં ? તેની કોઈને જાણ નથી. પ્લેટફોર્મ પર એ રાધાને નામે ઓળખાતી હતી. આસ્તે આસ્તે તે પ્લેટ્ફોર્મના દાદાઓની હવસનું રમકડું બની ગઈ પણ રાધા પણ એક માનવી હતી. ખોળે પ્રાપ્ત થયેલાં બાળકનો કોણ પિતા હતો તે પણ તેને ચોક્કસ ખબર ન હતી. પરંતુ એક માતા હતી એ સત્ય હતું. સૌને એ બાળક્ના પિતાનું નામ જાણવાની ઈંતેજારી તો હતી પરંતુ એક અસ્થિર મગજની સ્ત્રીનાં બાળકનું નામ શું હોઈ શકે?

    આમ તો ‘રાધેય’ સુતપુત્ર કર્ણ પણ રાધેય તરીકે ઓળખાયો હતો કે જાબાલીનો પુત્ર ‘સત્યકામ જાબાલ’ તરીકે ઓળખાયો હતો પણ આપ્લેટફોર્મની રાધાનો પુત્ર મુન્નો તરીકે ઓળખાયો. એને માટે તો રાધા જ જનક અને જનેતા હતી. અન્ય સંસારી ગૃહસ્થી માતા જેટલાં જ રાધા મુન્નાને લાડપાન કરતી. રાધાના આ લાડથી મુન્નો બગ્ડ્યો અને જીદ્દી થઈ ગયો હતો.

      એક દિવસની વાત છે. દિવસ આખો જોરદાર વરસાદ પડ્યો. ખૂબ રઝળપાટ છતાં ભીખમાં કાંઈ જ ન મળ્યું. પોતે તો ભૂખી રહી શકે પણ મુન્નાનું શું? સ્ટેશનની કેંટીનમાં કામ કરતી સ્ત્રીઓને રાધાની દયા આવી એટલે વધેલાં ટાઢા દાળભાત આપ્યાં. રાધા આ દાળભાત ચોળી મુન્નાને પાસે બેસાડી ખવડાવવાનો પ્રયત્ન કરતી પરંતુ મુન્નો તેનો હાથ હડસેલી મૂકતો. અને ‘રોટી’નું રટણ લઈ બેઠેલો મુન્નો દાળભાત ખાવાનો ઈંકાર કરતો રહ્યો. રધાનાં ખૂબ સમજાવટ છતાં મુન્નો માન્યો નહીં. બાળહઠ ! છેવટે રાધા વિફરીને તમાચો ચોડ્યો. ત્યારબાદ તો તમાચા અને ગડદા પાટુ સાથે મેણા અને ગાળોંનો ધોધ વરસ્યો. બોલી ‘મૂઆ અભાગિયા રોટલી ખાવી હતી તો આ અભાગણને પેટે શું કામ પડ્યો? મા ભિખારી અને બેટા ખાનજાદા, મારા રોયા જનમતાં જ મરી કેમ ન ગયો? આવું આવું ક્વચિત બોલતી રાધા ઘણું ઘણું બધુ બોલી ગઈ. મુન્નો તો ઢોરમારના સપાટાથી હબકી ગયો અને ખૂણે ઊભો ઊભો ડૂસકાં ભરી રડવા લાગ્યો.

    લાડકા દિકરાનાં આંસુ જોઈ આ જનેતા થંભી ગઈ હૈયુ ફાટી પડ્યું. પોતાના હાથે પોતાના ગાલ અને પેટ કૂટી નાખ્યાં ધ્રુસ્કે ધ્રુસ્કે રોતી અને બોર બોર આંસુ સારતી પોતાની માને જોઈ ડઘાયેલો મુન્નો ભૂખ અને દુઃખ ભૂલી જઈ રડતી માને વળગી પડ્યો.

       મા બેટાનાં આ સુભગ મિલનનું દ્રશ્ય જોઈ ધન્યતા અનુભવતો પ્રવાસી મુન્ના અને તેની મા રાધાની સ્મૃતિમાં ખોવાઈ ગયો અને સ્મૃતિ પટમાં કોતરાયેલા શબ્દો વાગોળવા લાગ્યો.

“અગણિત આશિષો મારી, માંડુ જો ક્રમવાર,
  અગ્રેસર છે, જ્યાં વિંધાયું મુજ હૈયું આરપાર
  દીધો કઠોર ઘાવ, કારણ ચાહું છું પારાવાર.”

                                                         સૌજન્ય:- જ્યોતિપુંજ

                                           ૐ નમઃ શિવાય

એક સુખદ અનુભવ

                                આજે અધિક જેઠ સુદ આઠમ

આજનો સુવિચાર:- માણસની અંદર જે જે શક્તિ, જ્ઞાન અને પ્રેમરૂપે છે તે માત્ર અર્થ અને કામ એ બે પુરુષાર્થથી ખીલતી નથી, ધર્મથી ખીલે છે. – વિશ્વામિત્ર

હેલ્થ ટીપ:- ગરમીને કારણે માથુ દુઃખતું હોય તો વરીયાળીને ખડીસાકર સાથે પલાડીને તેને ચાવીને ખાવાથી [સાથે જેમાં પલાડેલું પાણી પણ પી જવું] રાહત રહેશે.

                                                      એક અનુભવ

               વર્ષો પહેલાની વાત છે. અમે થોડા વકીલ-મિત્રો રશિયાની મુલાકાતે ગયા હતા. મૉસ્કો, લેનિનગ્રાડ, કીવ અને શોચી જેવાં શહેરોમાં જવાનું હતું.કીવ શહેરમાં અમારો મુકામ હતો. અને અમારા કેટલાક મિત્રો શાકાહારી હતા – એટલે જો સારુ દુધ મલે તો પી લેવું એમ વિચારી અમે દૂધ શોધવા નીકળ્યા. જે હોટલમાં અમારો ઉતારો હતો ત્યાં પૂછ્યું તો એમને જાણવામળ્યુ કે દૂધ ખલાસ થઈ ગયું હતુ. હું અને મારો મિત્ર દૂધની શોધમાં નીકળી પડ્યાં. બે ચાર સ્થળોએ થોડી પૂછપરછ કર્યા બાદ જ્યાં દૂધનું વેચાણ થતું હતું તે સ્થળે લગભગ અડધો પોણો કલાકે પહોંચ્યાં.

     અમે જોયું કે દૂધ લેવા ઘણા માણસો લાઈનમાં ઊભા હતાં. એમાં થોડા ટુરિસ્ટો પણ હતાં. અમારી પાસે બીજો કોઈ રસ્તો ન હોવાને કારણે અમે પણ 70 થી 75 માણસોની લાઈનમાં ઊભા રહી ગયાં. અમારી આગળ એક રશિયન પુરુષ ઊભો હતો. લાઈન ધીરે ધીરે આગળ વધતી હતી. આખરે અમારી આગળ ઊભેલા રશિયન પુરુષનો વારો આવ્યો અને એને દૂધ માંગ્યું. દૂધ આપવા બે ત્રણ જાડી સ્ત્રીઓ ઊભી હતી. તેમના હાવભાવ પરથી અમને એવું લાગ્યું કે દૂધ ખલાસ થઈ ગયું અને તે સ્ત્રીઓ એ દૂધ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી. નિરાશ થઈ પેલો માણસ ચાલ્યો ગયો. મારો ટર્ન આવ્યો ત્યારે મેં ઈશારાથી દૂધની બૉટલનું ચિત્ર દોર્યું હતું તે બતાવ્યું અને મને જોઈએ છે એમ ઈશારાથી સમજાવ્યું.

       પેલી સ્ત્રીએ મારી તરફ થોડી ક્ષણ માટે જોયું. ઈશારાથી થોભવા કહ્યું અને સ્ટોરનાં અંદરખંડમાં જઈ અમારા માટે દૂધની બૉટલ લઈ આવી ને આપ્યું. સ્વાભાવિક રીતે અંગ્રેજીમાં મેં તેને પૂછ્યું કે મારી આગળ ઊભેલી વ્યક્તિને શા માટે દૂધ ન આપ્યું? એ બાઈ કાંઈ સમજી નહીં એટલી બાજુમાં ઊભેલી બીજી સ્ત્રીએ મને ભાંગી તૂટી અંગ્રેજીમાં પૂછ્યું કે એ કાંઈ મદદ કરી શકે?. મેં એને સમજાવ્યું કે મારી આગળ ઊભેલા ભાઈને દૂધ આપવાની શા માટે ના પાડી? તો પેલી પહેલી સ્ત્રીએ તરત રશિયનભાષામાં કહ્યું – ઈડિયન ફ્રેંડ્સ- . અને મારી પાછળ ઊભેલી સ્ત્રીએ અંગ્રેજીમા6 મને જનાવ્યું કે ‘ભારત સાથે રશિયાને મિત્રતા છે. મિત્રોનું ધ્યાન રાખવાની અમારી ફરજ છે. તમને ના પાડીએ તો ખોટું ગણાય – એટલે માલિકના સ્ટૉકમાંથી તમારે માટે દૂધ લઈ આવી – હવે ત્રણ થી ચાર કલાક પછી જ દૂધ મળશે…..

         પરદેશીઓની નજરમાં દેશની ઈજ્જત ઓછી ન થાય તેનું ભાન રાખનારી એ સ્ત્રી પ્રત્યે અમે માનની નજરે જોયું અને ખૂબ ખૂબ આભાર કહીને હોટલ તરફ ચાલી નીકળ્યા.

                                                                                                          —– સૌજન્ય જન્મભૂમિ

                                                       ૐ નમઃ શિવાય

શબ્દ-વ્યય

આજે ચૈત્ર સુદ પંચમી

આજનો સુવિચાર:- આ પૃથ્વી પર દરેક બાબતનું શાસ્ત્રોક્ત ઔષધ છે પરંતુ મૂર્ખનું કોઈ ઔષધ નથી.— ગાંધીજી

હેલ્થ ટીપ્સ:-સપ્રમાણમાં મરચાનું સેવન પિત્તસ્ત્રાવ વધારે છે અને પિત્ત પાતળું રહે છે જેથી પાચન સુધરે છે અને પિત્તાશયમાં પથરી થતી નથી. [હેલ્થબુલેટીન- ગુજરાત સમાચાર]

શબ્દ-વ્યય કરવાથી ઊર્જા નષ્ટ થાય છે !

     ભારતીય સંન્યાસી સ્વામી વિવેકાનંદની પ્રતિભા અને પ્રજ્ઞાએ પશ્ચિમના જગતને પૂર્વના અજવાળાનો અનુભવ કરાવ્યો હતો. તેમને સર્વત્ર આવકાર મળી રહ્યો હતો અને તેમને સાંભળવા માનવમેદની એકઠી થતી હતી. તેઓ અમેરિકામાં રેલ્વેમાં પ્રવાસ કરી રહ્યાં હતાં ત્યારે તેમની બાજુમાં બે અમેરિકન યુવાનો બેઠાં હતા. તેઓએ સ્વામી સામે જોયું અને તેઓએ વિચાર્યું કે સ્વામી અંગેજી ભાષાથી સાવ અજાણ હશે અને તેમની સામે જોઈ જોઈ અપશ્બ્દો બોલતા ગયા અને તેમની ટિખળી ઉડાડ્યાનો આનંદ મેળવતા ગયાં. સ્વામીજીની આ બાબ્ત પ્રત્યેની ઉપેક્ષાથી આ બે યુવાનો વધુ ને વધુ ઉછળી ઉછળીને આનંદ મેળવતા ગયાં.

         સ્વામી વિવેકાનંદ આ ઉપહાસની અવગણના કરી પુસ્તક વાંચવામાં મશગૂલ થઈ ગયા. એમને ઉતરવાનું સ્ટેશન આવ્યું ત્યારે એમણે એક કુલીને અંગ્રેજી ભાષામાં સામાન ઉપાડવાનું કહ્યું. એમની છટાદાર અંગ્રેજી ભાષા સાંભળી પેલા બન્ને યુવકો આશ્ચર્યચકિત થઈ ગયાં.

એક યુવાન તેમની પાસે ગયો અને બોલ્યો, “અરે ! આપતો અંગ્રેજી જાણો છો, ખરું ને !”

સ્વામીજીએ હા કહી.

એ યુવક બોલ્યો, “તો પછી અત્યાર સુધી અમે તમારી આટલી બધી આકરી ટીકા કરી અને તમને અપશબ્દો કહ્યા, છતાં તમે એનો ઉત્તર વાળ્યો નહી.”

સ્વામી વિવેકાનંદના ચહેરા પર હાસ્ય આવ્યું અને બોલ્યા, “તમારી વાત હું સમજતો હતો અને તમારી આલોચના પન બરાબર સાંભળતો હતો.”

યુવાને કહ્યું, ”પણ તમે અમને કેમ કાંઈ કહ્યું નહીં ? અમારી મજાક સાંભળી તમે વળતો જવાબ કેમ ન આપ્યો ?”

સ્વામી વિવેકાનંદે ઉત્તર આપ્યો, “ તમે અપશબ્દો બોલી શબ્દોનો વ્યય કર્યો. શબ્દ-વ્યયથી ઊર્જા નષ્ટ થાય છે.. મારે આવો શબ્દો-વ્યય કરીને મારી ઊર્જા નષ્ટ કરવી નહોતી.” યુવાનો સ્વામીજીની વાત સાંભળીને શરમાયા અને ક્ષમા માંગવા લાગ્યા.
માનવીએ એની કેટલી બધી ઊર્જાનો વ્યય કર્યો છે ! શબ્દ એ શક્તિ છે, પરંતુ એણે એ શક્તિનો દુરુપયોગ કર્યો છે અને તેને પરિણામે શબ્દની આ શક્તિ એનું સામર્થ્ય ગુમાવી બેઠી છે.
——- સંકલિત

                  ૐ નમઃ શિવાય

બોજ વિનાની મોજ [હાસ્યકથા]

                   આજે ફાગણ સુદ છઠ્ઠ

આજનો સુવિચાર:-બિન જરૂરી વાર્તાલાપથી દૂર રહો. માગ્યા વગર સલાહ આપવા દોડી જશો નહિ.

હેલ્થ ટીપ્સ:-રોજિંદા ખોરાકમાં બીટનો ઉપયોગ ખૂબ હિતકારી છે.

       આજે પૂ. બા [કસ્તૂરબા ગાંધી]ની પૂણ્યતિથી. ઈ.સં. 1869માં સૌરાષ્ટ્રના પોરબંદરમાં જન્મેલા પૂ. બા ખરા અર્થમાં બાપુનાં જીવનસંગીની બની ને રહ્યાં હતાં. બાપુની પડખે ઉભા રહી લોક સેવા કરી હતી. રોજનાં ચારસોથી પાંચસો વાર સૂતર કાંતતા. 60મે વર્ષે જેલમાં અંગ્રેજી શીખવું ચાલું કર્યું હતું. રાષ્ટ્રીય ચળવળમાં ગાંધીજીએ જેટલી પ્રવૃત્તુઓ અને ચળવળો ઉપાડી હતી એ સર્વેમાં એક વફાદાર સૈનિકને છાજે તેવો ફાળો આપ્યો હતો. 22/2/1944માં આગાખાનના મહેલમાં પૂ.બાનો દેહાંત થયો હતો.
      આજે ગુજરાતનાં ફકીર નેતા ઈંન્દુલાલ યાજ્ઞિકનો જન્મદિવસ. અજબ ખમીર –ખંત- ખુદ્દારીથી ભરપૂર એવા લોકલાડીલાની આત્મકથા ગુજરાતનાં ઈતિહાસની ગૌરવ ગાથા છે. ઈ.સ. 1972માં અવસાન થયું.

બોજ વિનાની મોજ [શ્રી. અક્ષય અંતાણી]

      ‘બા…બા… રામદેવ આવ્યા જલ્દી આવ’ સવારનાં પો’રમાં ટીવી સામે બેઠેલા મારા બાબલાએ એની બાને હાંક મારી. મારી ભારેખમ સજના નહી પણ વજના રસોડામાંથી ધમ….ધમ…કરતી આવી અને ટીવી સામે ગોઠવાઈ ગઈ. આવી ટનબદન ભાર્યાઓ સવારે સૂર્યદર્શનને બદલે બાબા રામદેવને ટીવી દર્શન કરતી થઈ છે.

       બાબા રામદેવ પરદા પર પ્રગટ થયા. એમણે ઊંડો શ્વાસ લીધો અને પેટ આખું અંદર ઊતરી ગયું. બાબાની કમાલ જોઈ મારી વાઈફે રીતસરની ચીસ પાડી ને મને બાબાનું પેટ જોવા બોલાવ્યો. મેં કહ્યું ‘બાબા અને તારા પેટમાં એટલો ફરક કે બાબાનું પેટ અંદર ચાલ્યું જાય છે અને તારૂં પેટ જોઈને જોવાવાળા અંદર ચાલ્યા જાય છે.’ ભારખાના સાથે ભવ વિતાવ્યા વગર છૂટકો છે? પરણ્યો ત્યારે મારી વાઈફ પાતળી સોટા જેવી હતી. એ મૂવેબલ પ્રોપર્ટી હતી પરંતુ હવે ઈમમુવેબલ પ્રોપર્ટી થઈ ગઈ છે.

           એક દિવસ પાડોશીની ગેસની કોઠી ખલાસ થઈ ગઈ. 26મી જાન્યુઆરીનો દિવસ હતો એટલે હું પણ ઘરે અને ગેસએજંસી પણ બંધ. એટલે પાડોશી ભાભીએ મારા ઘરનો દરવાજો ખખડાવ્યો અને પૂછ્યું ‘ભાઈ એકસ્ટ્રા કોઠી છે?’ મેં બીતા બીતા વાઈફ સામે આંગળી ચિંધી કહ્યું ‘છે ને એકસ્ટ્રા કોઠી….. ‘ ખલાસ કોઠી ફાટી હોય એમ વાઈફે ધડાકો કર્યો ‘મને કોઠી કહી….. હવે તમારી ખેર નથી.’ વાઈફનું વિકરાળ સ્વરૂપ જોઈ પાડોશી ભાભી તો અબાઉટટર્ન થઈ ગયા.

       આ ઘટના નહી પણ દુર્ઘટના બની ત્યારપછી વાઈફને અહેસાસ થયો કે પોતાનું વજન વધારે છે અને ઊતારવવું પડશે. એટલે ટીવી પર રામદેવબાબા સવારે યોગનાં આસનો શીખવાડે એ આવડે તે પ્રમાણે કરવા.

            એક દિવસ રજાને દિવસે હું નિરાંતે સૂતો હતો. અચાનક ધમ..ધમ…… ધમ………અવાજ સાથે ધમધમાટી થવા માંડી. જોયું તો જાણે રોલ ઍંજિન ફરતું હોય એવું લાગ્યું. પછી ધ્યાનમાં આવ્યું કે આતો શ્રીમતીજી દોડાદોડ કરી રહ્યાં હતાં [જોગિંગ સ્તો] અને દોડતાં દોડતાં મારો પગ કચડી નાખ્યો. મારી તો રાડ ફાટી ગઈ ‘તારા જોગિંગે તો મારા હાડકાનો ચૂરો કરી નાખ્યો’.

        રામદેવબાબાએ કોણ જાણે આ ભારખાના પર એવી ભૂરકી છાંટી કે પોતાનું વજન ઉતારવાની લ્હાયમાં મારા ખીસ્સાનું વજન ઊતરવા માંડ્યું. બાબાનો પ્રભાવ પણ વધતો જાય છે એ તો માનવું પડે છે મોટા મોટા વજનદાર નેતાઓ વજન હલકું કરવા યોગાસન શીખવા જાય છે.

             ખરેખર જોગિંગ કરતા જોગરોને જોઈ હસવું આવે છે. આ જોગરોની ડરબી રેસ નહી પણ ચરબી રેસ જોઈને ભારમલ ગઢવીએ ડાયરામાં ટકોર કરી કે ‘પહેલા પેટનો કરે પટારો ને પછી દોડે બની ખટારો.’

     સૌરાષ્ટ્રમાંથી મુંબઈ મારે ત્યાં મહેમાન થઈને આવેલા પથુકાકાએ છાપામાં વીજળીની કટોકટીના સમાચાર પર નજર ફેરવી પૂછ્યું ‘ઓ..હો….હો.. તમારા મહારાષ્ટ્રમાં રોજ બાર બાર કલાકનું લોડશેડિંગ ચાલે છે?’ મેં તરત સરકતા પટ્ટા [ટ્રેડમિલ] પર ચાલતી વાઈફને જોઈને પથુકાકાને જવાબ આપ્યો કે ‘મારા ઘરમાં તો દિવસ રાત લોડ-શેડિંગ ચાલે છે.’ એ તો વી ટેડમિલ પર ચાલતા ચાલતા ગણ ગણે છે ‘જબ ભાર કિયા તો ડરના ક્યા………..’

સંકલિત

                              ૐ નમઃ શિવાય

અને મારી જીંદગી બની ગઈ

              આજે પોષી પૂનમ

આજનો સુવિચાર:- આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય.

હેલ્થ ટીપ્સ:- મચ્છર કરડે ત્યારે ઘા પર ઠંડું પાણી ચોપડવાથી ઘાની બળતરામાં રાહત રહે છે.

    ‘સસ્તા સાહિત્ય’નાં પ્રણેતા શ્રી ભિક્ષુ અખંડાનંદજીનો 3/1/1874ના દિવસે બોરસદમાં લુહાણા પરિવારમાં જન્મ થયો હતો.. સ્વામી શિવાનંદજીનાં મહેણાંથી ચા બીડીનો ત્યાગ કર્યો.. એમણે ગુજરાતી પ્રજાને ગુજરાતી ભાષામાં સારા, સસ્તાં-શિષ્ટ અને સાત્વિક પુસ્તકો આપવાનો સંકલ્પ કર્યો હતો. સત્ચારિત્ર્ય, આયુર્વેદ, સમાજસેવા, ધર્મ તત્વજ્ઞાન, નીતિમય જીવન વગેરે સંબંધી અનેક મૂલ્યવાન ગ્રથ લોકો સુધી પહોંચાડ્યા છે.અમદાવાદમાંઅનેક પ્રાચીન પુસ્તાકાલયો છે.

        પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પોષી પૂનમે મા અંબામાનો પ્રાગટ્ય દિવસ મનાવાય છે. ગુજરાતની આ મુખ્ય શક્તિપીઠ ગણાય છે. જૈનોના તીર્થંકર પાર્શ્વનાથજીના અધિષ્ઠાતા દેવી અંબાજી હતાં. તેથી આજે શક્તિ અને જૈન તીર્થોમાં ઉત્સવ અને મેળા ભરાય છે.

                 આપવીતી

           દસ વર્ષ પૂર્વે મેં વિદ્યાનગરમાં એમ.એસ.સી.માં ઍડ્મિશન લીધું. અંગ્રેજી માધ્યમ, ગોથા ખવાય છતાં વિદ્યાનગર ભણતી દીદીના સહકારથી મહેનત કરતી. સત્રાંત પરીક્ષા આવી. દરરોજના બે પેપર. ઉજારગરો કરવો અનિવાર્ય… પરીક્ષાની આગલી રાત્રે પ્રયત્નો છતાં ઝોકાની આવન જાવન ચાલુ. ત્રણ કલાક સુધી દીદી અસમંજસમાં રહ્યાં. છેવટે હિંમત કરીને મને તમાચો માર્યો.. ‘પેપરમાં ફેલ થવું છે’? હું સફાળી જાગી, રડી, સ્વસ્થ થઈ કહ્યુ,’ તમાચો વહેલો માર્યો હોત તો? ‘ ખેર, જાગ્યા ત્યારથી સવાર માની તૈયારી કરી.

     સવારે પરીક્ષા આપવા પગથિયાં ઊતરતી હતી. ખબર નહી, બધા મને જોઈને કેમ હસતાં હતાં ! મનમાં ઉઠતાં પ્રશ્નોને વાર્યા પેપરો લખી બહાર આવી. દીદી અને મારી બધી ફ્રેંડ્સ ખડખડાટ હસવા લાગી કારણ મેં પાયજામો ઊંધો પહેર્યો હતો. હું શરમાઈ ગઈ.

પરીક્ષા દરમિયાન ઊંધા પાયજામાની બીકથી કદાચ સારા પેપર્સ ન લખાયા હોત. કારકિર્દી બગડી ગઈ હોત અને હું લેક્ચરર ન હોત. દીદીનાં તમાચે મારી જીંદગી બની ગઈ.
                                                                       — સંકલિત

                              ૐ નમઃ શિવાય

જે આપે છે તે જ પામે છે…….

               આજે કારતક વદ ત્રીજ , સંકષ્ટી ચોથ

     આજ્નો સુવિચાર:- પ્રાર્થના એટલે પરમાત્મા સાથે ગોઠડી, પરમાત્માનું ચિંતન અને અનુભવ.
                                                                                               – સ્વામી રામતીર્થ

ભિખારીએ સોનાના રથમાં બેસી કોઈ મહારાજને આવતાં જોઈ મહારાજને પોતાની તરફ આવતાં જોયાં

ભિખારીને થયું કે બસ આજે તો મારું ભાગ્ય ખૂલશે, મહારાજાધિરાજ આવે છે.

રથ તેની પાસે આવીને ઊભો રહ્યો. ભિખારીના આશ્ચર્ય વચ્ચે રાજાએ પોતે જ રથમાં ઊતરીને ભિખારી સામે યાચક બનીને હાથ લાંબો કર્યો..

પેલો ભિખારી તો વિચારમાં પડી ગયોઃ શું આપુ ? બોલ લલચાવે છે, આપવાનું મન થતું નથી.

પણ રાજા હાથ પાછો ખેંચતો જ નથી. આખા રાજ્યના સુખનો સવાલ છે. કાંઈક આપવું જ પડશે.

ભિખારી છેવટે પોતાની ઝોળીમાંથી એક દાણો કાઢીને રાજાનાં હાથમાં મૂકે છે.

રાજા તે દાણો લઈને ચાલ્યો જાય છે.

ભિખારી વિચારવા લાગ્યો કે વાહ, રાજા વાહ, મારી ખીચડીમાંથી તેં દાણો ઓછો કર્યો.

દુઃખ સાથે તે ઘરે ગયો અને ઝોળી ખાલી કરી. તેમાં એક સોનાનો દાણો દેખાયો !

તેની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં.

અરે……..રે……..! મેં મારી આ ખી ઝોળી શા માટે ઠાલવી ના દીધી ??????

                                                                 – રવીન્દ્રનાથ ઠાકુર

                                                 ૐ નમઃ શિવાય

ક્ષમા વડે પરિવર્તન

            આજે ભાદરવા વદ એકાદશી, ઇંદિરા એકાદશી, બારસનું શ્રાદ્ધ

આજનો સુવિચારઃ-કોઈ પણ અતિથિનો સત્કાર કરવામાં કદી નાનું મન રાખવુ નહીં એટલે તો ‘અતિથિ દેવો ભવ’ કહેવાય છે.


      મહર્ષિ દયાનંદ સરસ્વતી કાનપુરમાં ગંગા કિનારે નિવાસ કરી રહેલા હતાં. એમણે પોતાના પ્રવચનમાં મૂર્તિપૂજનનો ભારોભાર વિરોધ કર્યો અને એક ભાઇને હાડૉહાડ લાગી આવ્યું હતું.

     સવારે જ્યારે તે ગંગામાં સ્નાન કરવા ગયો ત્યારે ત્યાં દયાનંદને જોય અને અંદરનો ક્રોદ્ધ ઉભરાવા માંડ્યો. દયાનંદ સરસ્વતી કુસ્તીબાજ તો હતાં જ, ત્યાં આ બિચારાનું શું ગજું? શારીરિક ઈજા પહોચાડવામાં અશક્તિમાન એવાં આ ભાઈએ અપશબ્દોનો સહારો લીધો. ત્યારબાદ તે ત્યાંથી ચાલી ગયો. આવો ક્રમ વીસ દિવસ સુધી એકધારો ચાલ્યો.

          એકવીસમાં દિવસનું પ્રભાત થયું અને ગંગાભક્ત રોજના નિયમ પ્રમાણે ગાળો બોલતો ત્યાંથી નીકળ્યો. સ્વામીજીએ તેને પ્રેમથી બોલાવ્યો,’ભાઈ, તું ખરો છે. ગળો દઈને તારું ગળું દુઃખી ગયું હશે, તારે ગાળો દેવી હોય તેટલી દેજે પણ આ મીઠાઈ તો ખા.’

   સ્વામીજીના નિર્મળપ્રેમે એ ભાઈનાં અંતરની કાળાશ ધોઈ નાખી. એનું અંતર ઉજ્જવળ બની ગયું, એને પોતાના વર્તનથી ખૂબ પસ્તાવો થયો. તે સ્વામીજીના ચરણોમાં ઢળી પડતા બોલ્યો,’ મહારાજ, મારા આ ખરાબ વર્તન માટે મને ક્ષમા આપો.’.

    સ્વામીજી તો એ શા માટે ગાળો આપે છે, તે સમજતા હતા તેથી એનો કોઈ પ્રતિકાર ન કર્યો.

                      ક્ષમા વીરસ્ય ભૂષણમ, કાયરસ્ય ય દૂષણમ

ક્ષમા એ વીર પુરુષોનું ભૂષણ છે નબળાઓનું દૂષણ છે. સશ્ક્ત હોવા છતાં દયાનંદ સરસ્વતીએ પેલા ભાઈને માફ કરી દીધો આ પ્રસંગથી ઘણું શીખવા મળે છે.

                  ૐ નમઃ શિવાય