ધરતીનાં તપ

                           આજે વૈશાખ વદ એકાદશી

આજનો સુવિચાર:- સમૃદ્ધિ મિત્રો બનાવે છે અને સંકટ તેમને ચકાશે છે.    — કાર્લાઈસ

              ધરતીનાં તપ

એવું  રે  તપી  રે ધરતી  એવું  રે  તપી,
જેવાં જપ રે તપ્યાં’તાં એક દિન પારવતી સતી.

અંગ રે સુકાય, એનાં રંગ રે સુકાય,
કાયાનાં અમરત એનાં ઊડી ચાલ્યાં જાય.
તોયે ન આવ્યો હજુ મેહુલો જતિ ! એવું રે

 વન રે વિમાસે, એનાં  જન રે વિમાસે,
પંખીડાં જોતાં એનાં પશુઓ આકાશે  :
જટાળો એ જોગી ક્યાંયે કળાતો નથી ! એવું રે

કહોને તમે સૌ તારા ! દૂરે છો દેખાનારા,
કહોને ડુંગરનાં શિખરો ! આકાશે પહોંચનારાં :
આંખોની વીજ એની ઝબૂકી કહીં ? એવું રે

 કહોને સાગરનાં પાણી, તમને છે સંભળાણી
ઘેરી ગંભીર એની આવતાં ક્યાંયે વાણી ?
એની રે કમાન દીઠી તણાઈ કહીં ? એવું રે

 આવોને મેહુલિયો ! આવો, ધરતીનાં તપ છોડાવો,
રૂપે ને રંગે નવાં, તપસીને એ સુહાવો     :
અમરતથી હૈયું એનું દિયોને ભરી  ! એવું રે  

કવિશ્રી:- પ્રહલાદ પારેખ

 

ૐ નમઃ શિવાય

વ્રજ

                                          આજે વૈશાખ સુદ તેરસ


આજનો સુવિચાર:- આપણે માટે ધર્મ હંમેશા કટ્ટર રહ્યો નથી, પણ આત્માની ખોજનું શાસ્ત્ર રહ્યો છે.                                                                                        
                                                               — રાજ ગોપાલાચાર્ય

                          વ્રજ

કોણ કહે વ્રજ વિસરાયું ? વ્રજ વિલસે રે કણકણમાં !
અવ કેવું વ્રજ, કેવો કાનો?
કહી કહી છો તમીં કરો સહુ હાંસી

અનહદ તો યે રોમરાજિ મહીં એ જ સુણાયે બાંસી,
કે ઘેલી ઘેલી ઘૂમી ચિતવનની ગલન ગલનમાં
કોણ કહે વ્રજ વિસરાયું? વ્રજ વિલસે રે કણકણમાં!

અલપઝલપ કૈં અલપઝલપ આ મોહન મુખ પરખાણું !
રે હરખ હિલાળે લિયે લ્હેરિયાં યમુના દોઉ નયનમાં
કોણ કહે વ્રજ વિસરાયું? વ્રજ વિલસે રે કણકણમાં!

ને વ્રજ નવ એક જગ્યા કે દાખું જયહી જાળાના રસ્તા,
નહીં બાલાપણ, નહીં જરા, વ્રજ ભરજોબન- શી અવસ્થા,
એજ એજ ચીરગોપન-લોપન લીલા ચલત ક્ષણક્ષણમાં
કોણ કહે વ્રજ વિસરાયું? વ્રજ વિલસે રે કણકણમાં!

કવિ:- શ્રી પ્રદ્યુમ્ન તન્ના

                                        

                                        ૐ નમઃ શિવાય

અમી ઝરણાં…..

                        આજે ફાગણ સુદ સાતમ [હોળાષ્ટકનો પ્રારંભ]

આજનો સુવિચાર:- જે ચીજથી આશા વધે છે તેનાથી સાહસ પણ વધે છે.
                                                                             – જૉંસન

                                                                અમી ઝરણાં

 

                                                   સંકલન- જયંતભાઈ ટી તન્ના

 

લાગણીનો ભીનો વ્યહવાર મોકલું છું,
રંગોનો આખો તહેવાર મોકલું છું
સ્નેહથી રંગજો સ્નેહીજનોને,
કે કેસુડા સરીખો આ પ્યાર મોકલું છું.
                     *

અનુભવની મજા કોઈને કહેવામાં નથી હોતી,
અસલ વસ્તુની ખૂબી એની છાયામાં નથી હોતી
મેં બસ માની લીધું કે આપ આવવાના છો,
જે શક્તિ હોય છે શ્રદ્ધામાં એ શંકામાં નથી હોતી
                          *

અશ્રુથી નયન ભરી ગયા તમે,
દિલમાં એક ખાલીપો છોડી ગયા તમે
જિંદગી કેમ જિવાશે તમારા વિના એ નથી જાણતા,
પણ તેમ છતાં જિંદગી જીવવાનું શિખવાડી ગયા તમે
                            *

પહોંચી ના શકાય એટલા એ દૂર નથી,
પણ સાવ નિકટ આવવા એ આતુર નથી
આખી દુનિયા એ મને આપવા તૈયાર છે,
પણ મારી દુનિયામાં આવવા એ તૈયાર નથી
                            *

લલાટે શોભવા કુંકુમ રૂડું વરદાન પામ્યું છે,
અને સિંદુર સેંથીમાં અનોખું સ્થાન પામ્યું છે
મળ્યો છે સાવ શ્યામળ રાત જેવો રંગ કાજલંને
છતાં કાજલ મનોહર નૈનમાં સન્માન પામ્યું છે
                                *

કદી ચિંતા કરી લઉં છું, કદી ચિંતન કરી લઉં છું,
જીવનમાં આમ જ જીવનનું સંશોધન કરી લઉં છું
મથું છું હું મથીને બસ હૃદયમાં કથન કરી લઉં છું
વિસર્જન થાય છે જ્યાં પ્રેમનું, ત્યાં ફરી સર્જન કરી લઉં છું.

                                                                   — જયંતભાઈ તન્ના

                                                  ૐ નમઃ શિવાય

મારે ફરીથી એક વખત શાળાએ જવું છે.

                                        આજે પોષ વદ અમાસ


આજનો સુવિચારઃ
– ‘નિરાંત’ બજારમાં વેંચાતી મળતી નથી, એ ‘ચિંતન’ થકી મળે છે.

[યુ.એસ.એ. સ્થિત મારા ભાઈ શ્રી. યોગેશભાઈ શાહે આ કવિતા લખી મોકલાવ્યા બદલ આભાર]

 

મારે ફરીથી એક વખત શાળાએ જવું છે.

 

અતિતનાં સંભરણાનાં આગમન સાથે
મારૂં મન એની સાથે વાતો કરવાં બેઠું.
પસાર થયો એ સમય કેવો? કેટકેટલી થઈ વાતો?
આવ્યાં આંખો સામે એ પ્રસંગો અને યાદો
અરે! ખાસ કરીને તો બાળપણની અને શાળાની યાદો
મારાં મને કહ્યું કે ચાલ
મારે ફરીથી એક વખત શાળાએ જવું છે.

કોને યાદ કરું અને કોણ યાદ ના આવ્યાં?
કોણ યાદ આવે અને કોને ભૂલ્યાં?
અને ગયો એ બાળપણનાં વર્ષોમાં
અને મારાં મને કહ્યું કે ચાલ
મારે ફરીથી એક વખત શાળાએ જવું છે.

જલ્દી જલ્દી જઈ મારે રોજની જગ્યાએ બેસવું છે,
રોજ સવારે સભાગૃહમાં ઊભા રહીને રાષ્ટ્રગીત ગાવું છે,
નવા વર્ષમાં નવા પુસ્તકોની સુગંધ લેવી છે,
સુંદર અક્ષરોથી પોતાનું નામ લખવું છે
અને બધું કરવા, મારા મને કહ્યું કે ચાલ
મારે ફરીથી એક વખત શાળાએ જવું છે.

વચલી રીસેસ થતાં દોડીને સહુ પ્રથમ વર્ગની બહાર જવું છે,
અરે! વર્ગની બહાર તો ઠીક, પાણી પીવા પણ પ્રથમ પહોંચવું છે,
નાસ્તાનાં ડબ્બામાંથી ખારું, ખાટું, તીખું, ગળ્યું જે કાંઈ છે
તે બધું ઝટપટ ઝટપટ ખાવું છે અને
આ બધું કરવા મારા મને કહ્યું કે ચાલ
મારે ફરીથી એક વખત શાળાએ જવું છે.

સાંજનાં સાડાચારની ઘંટી સાંભળવાની રાહ જોતાં બેસવું છે,
જેમાં છેલ્લી પાંચ મિનિટ મિત્રો સાથે ગપ્પા મારતા બેસવું છે,
જેવી ઘંટી સંભળાય તેવી જ દોટ મારીને શાળાનાં મેદાન તરફ જવું છે
અને આવી મઝા મેળવવા, મારા મને કહ્યું કે ચાલ
મારે ફરીથી એક વખત શાળાએ જવું છે.

વર્ષની શરુઆતમાં આવતી કાલે વરસાદ પડશે કે શું?
અને પડશે તો શાળામાં રજા મળશે કે શું?
એ વિચારતાં વરસાદની રાહ જોતાં સૂઈ જવું છે
અને એ અનપેક્ષિત રજાનાં મેળવવા
મારાં મને કહ્યું કે ચાલ
મારે ફરીથી એક વખત શાળાએ જવું છે.

સ્વાતંત્ર્ય દિન, રક્ષાબંધન, જન્માષ્ટમીની મજાઓ પછી
ગણેશચતુર્થી અને સંવત્સરી પછી, નવરાત્રિનાં દાંડિયાની રમઝટ પછી
દશેરામાં ગાંઠિયા જલેબી પછી શરદપૂનમનાં દૂધપૌંઆ ખાતાં ખાતાં
દિવાળીની રજાઓ ક્યારે આવશે તેની રાહ જોવા
મારાં મને કહ્યું કે ચાલ
મારે ફરીથી એક વખત શાળાએ જવું છે.

પ્રથમ સત્રની પરીક્ષાની તૈયારીઓ કરતાં કરતાં
જલ્દી જલ્દી ખાઈ પીને, રાત્રે વાંચતા બેસવું છે
પરીક્ષા પછી સિનેમા જોયા પછી મોડી રાત્રે ફટાકડાં ફોડતાં બેસવું છે
રજા પછી આ બધી જ વાતો મિત્રોને કહેવા માટે
મારાં મને કહ્યું કે ચાલ
મારે ફરીથી એક વખત શાળાએ જવું છે.

શાળા છોડ્યાં ને વર્ષો વીત્યા પછી, જવાબદારીઓ લીધાં પછી
વાતાનુકૂળ ઑફિસમાં બેઠાં પછી, ઠંડા પીણાં પીધાં પછી
શાળાનાં પંખાવાળા વર્ગમાંની બારીઓ ખોલીને
આવતી એ ગરમ/ઠંદી હવામાં બેસવાની મઝા લેવી છે
ઑફિસની આરામદાયક ખુરશી પર બેઠા પછી
શાળાની એ લાકડાની બૅંચો પર બેસવાની મઝા લેવા માટે
મારા મને કહ્યું કે ચાલ
મારે ફરીથી એક વખત શાળાએ જવું છે.

‘બાળપણની આ વાતો’ની યાદગીરીઓને તાજી કરવા
મિત્રો સાથે ‘મને સાંભરે રે, અરે! તને સાંભરે રે?’
‘હા તને અને મને કેમ વિસરે રે. ની મઝા લેવા
મારાં મને કહ્યું કે ચાલ
મારે ફરીથી એક વખત શાળાએ જવું પડશે
અને જરૂરથી
મારે ફરીથી એક વખત શાળાએ જવું છે.

                                                 

                                      ૐ નમઃ શિવાય

માપ વિણ

આજે પોષ સુદ સાતમ

કવિ શ્રી નૂરી

કલ્પના આ જગતની ને સંતાપ વિણ,
જાણે ગઝલો લખાતી રહે માપ વિણ,

એવી નિઃરસ નિઃરસ પણ વિતાવી પળો,
ગીત ગાતા રહ્યા જાણે આલાપ વિણ,

તારી છાયાનો આધાર લીધો હતો,
તારી છાયા રહી બાળતી તાપ વિણ,

આપ વિણની નથી શક્ય કો’કલ્પના,
તોય ચાલી રહ્યું છે બધું આપ વિણ,

બળ હદયને જે બક્ષ્યું છે તે પણ અમાપ,
દર્દ પણ તં જ દીધાં છે તે માપ વિણ

તે પછી હું મને પણ મળી નહિ શક્યો,
જોયો પોતાને થઈ વેગળો આપ વિણ,

મોત માટે ય, “નૂરી!” રહ્યું ઝૂઝવું,
કાંઈ પણ પ્રાપ્ત થાએ ન સંતાપ વિણ.

ૐ નમઃ શિવાય

દીવાનગી

                                       આજે માગશર સુદ છઠ્ઠ

આજનો સુવિચાર:- આશા એ ફૂલ વિના મધ બનાવનારી મધમાખી છે. –ઈગર સોલ

દીવાનગી

દીવાનગી જ પ્રેમની એક સાચી રીત છે,
બીજું તો તારા રાહમાં ખોટું ગણિત છે.

તું જો નહિ ફરે તો કોઈપણ નહીં ફરે,
તારા ઉપર તો જિંદગીની હારજીત છે.

પ્રત્યેક શ્વાસ તારો છે, પ્રત્યેક દમમાં તું,
દિલમાં ભલેને જોવામાં દુનિયાની પ્રીત છે.

સઘળી બુરાઈ ચોટે છે એક તારા નામ પર,
તુજથી વધારે કોણ અહીં પદદલિત છે?

જો જો, કે હાર પ્રેમની થાશે ફરી ફરી,
હમણાં ભલે કહું છું મોહબ્બત અજીત છે.

તારા સિવાય કોઈને જોતું નથી અહીં,
તો પણ ન જાણે કેમ ઘણું મન ચલિત છે.

તુજથી છુપાવવાનું પ્રયોજન નહીં રહ્યું,
તુજને તો મારો હાલ બધોયે વિદિત છે.

આંતર-વ્યથાઓ,”નૂરી!” બની ગઈ છે શાયરી,
ગાઇ ન એમ જાણે બસૂરું એ ગીત છે.

કવિશ્રી–મુસા યુસુફ નૂરી

 

ૐ નમઃ શિવાય

એ આખરે માણસ હતો

                                    આજે આસો વદ એકમ

 

આજનો સુવિચાર:- પોતાના ‘સ્વરૂપ’ સિવાય જે કંઈ પણ સ્મૃતિમાં રહેશે, એ બધાં ‘વિષયો’ જ છે.                                                             — દાદા ભગવાન

એ આખરે માણસ હતો

 

છેવટે હાંફી ગયો એ આખરે માણસ હતો,
ને રમત છોડી ગયો એ આખરે માણસ હતો.

એક રસ્તે જિંદગી આખી ગુજારી તે છતાં,
લક્ષ્યને ચૂકી ગયો એ આખરે માણસ હતો.

એક – બે શબ્દોમાં પણ જીવન પ્રગટ કરવું પડે,
ટૂંકમાં સમજી ગયો એ આખરે માણસ હતો.

ફૂલ, પૂજા, પ્રાર્થના ને ચોતરફ બસ ઘંટનાદ,
ભેદ સૌ પામી ગયો એ આખરે માણસ હતો.

ક્યાં લગી અકબંધ રે’શે આ પ્રવાહી જિંદગી ?
બંધ સૌ તોડી ગયો એ આખરે માણસ હતો.

એ ફરીથી એકડાને ઘૂંટવા બેઠો હતો,
બસ, બધું ભૂલી ગયો એ ?–આખરે માણસ હતો.

                                – ધ્વનિલ પારેખ

 

                                                 ૐ નમઃ શિવાય

બાપુ

                      આજે ભાદરવા વદ દસમ [દસમનું શ્રાદ્ધ]

આજનો સુવિચાર:- આશા અમર છે, આશા સેવનારો અમર નથી
                                      કોઈના રોગની ચર્ચાથી કોઇ નિરોગી  બનતું નથી
                                      કોઈના દુર્ગુણની ચર્ચાથી કોઈ સદગુણી બનતું નથી.

બાપુ

તમો રામને, રાવને ઠાર કર્યો બાપુ,
આ કલિયુગ છે, સતયુગ નથી બાપુ

તમારા નામ થકી, ચરી ખાઈને બાપુ
રામ નામે પથ્થર, તરી ગયા બાપુ

તમો નથી રહ્યા તો શુ6 થયું બાપુ?’
યાદ કરવા ઉત્સવ ઉજવીએ બાપુ

એમાંયે અમારો સ્વાર્થ સમાયો બાપુ
તસ્વીર, પ્રતિમા કે સમાધિ થકી બાપુ

’રામરાજ’ સપનું છીનવાઈ ગયુ બાપુ,
’રાવણરાજ’ સ્થપાયું, તમો ના રહ્યા બાપુ

સ્વરાજ અપાવી, તમો તો ચાલ્યા ગયા
ગુલામથીયે બત્તર જીવન જીવી રહ્યા બાપુ

સમજાય છે હવે, શા માટે યાદ આવે રે બાપુ
સ્વાર્થ અમારો, ખુરશી પ્રેમ છુટતો નથી બાપુ

હિંસાએ અહિંસાને, ગોળી દીધી બાપુ
તમો જીવીત નથી, સારૂ થયું બાપુ !

નહી તો રોજ રોજ આમરણ ઉપવાસ,
ઉપવાસ કરી કરીને, મરવું પડત બાપુ

–“ચાંદશા” – ચંદ્રકાંત શાહ [ચટઈ]

ૐ નમઃ શિવાય

પ્રતિબિંબ [લઘુકથા]

                                        આજે ભાદરવા સુદ પૂનમ

આજનો સુવિચાર:- અહંકારથી તપ નષ્ટ થાય છે, જ્યારે આજુબાજુ કહેવાથી દાન ફળહીન થઈ જાય છે. — મનુ

પ્રતિબિંબ

 

મેં અરીસામાં જોયું. મારું પ્રતિબિંબ ધૂંધળું દેખાયું !
અરે ! આમ કેમ ! અરીસો તો નવો છે ! છતાં
મેં એક સ્વચ્છ રૂમાલથી અરીસો લૂછ્યો અને પાછું
જોયું અરીસામાં. તો પણ મારૂં પ્રતિબિંબ તો ધૂધળું
જ દેખાયું ! હાય હાય ! આતે શું ! હું છળી ઊઠ્યો.
પછી મેં મારા ચહેરાને લૂછ્યો અને પાછું અરીસામાં
જોયું. મારા આશ્ચર્યની વચ્ચે મારૂં પ્રતિબિંબ તો હજૂએ
ધૂંધળું જ રહ્યું ! હે ભગવાન ! શું મારી આંખે ઝાંખપ
હશે ? મેં પાણીની છાલક મારીને આંખો ધોઈ અને
લૂછી નાખી. અને પૂરી શ્રદ્ધા સાથે ફરી અરીસામાં
મારો ચહેરો જોયો. ઓહ ! પ્રતિબિંબ યથાવત
ધૂંધળું જ દેખાયું ! અરેરે ! આવું કેમ થાય છે ?
હું અકળાઈને બોલી ઊઠ્યો : હવે શું લૂછવું ? તરત
અરીસામાનું ધૂંધળું પ્રતિબિંબ બોલ્યું : તેં કોઈના
આંસુ લૂછ્યાં ?

— મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

 

ૐ નમઃ શિવાય

મંઝિલ

                            આજે અષાદ વદ દસમ

આજનો સુવિચાર:- અધિકારનો બેફામ ઉપયોગ કરવો એ ધિક્કારને પાત્ર છે.

[આ કાવ્ય મુંબઈ સ્થિત શ્રી. કિશોરભાઈ કણિયાએ મોકલાવ્યા બદલ ખૂબ આભાર.]

 

મંઝિલ

થઈ કલ્પનાને ઘોડે સવાર, માનવી કઈ મંઝિલ પામશે?
સપનામાં વાવતો આંબો, જોતો રાહ, ફલ હવે ક્યારે લાગશે?

કલ્પનાનું વિશ્વ હોય ખુબ મધુર
એમાં તો બધું મનગમતું જ થાતું

આપણી લાયકાત હોય કે ના હોય
વિશ્વસુંદરીનું જ માંગુ આવતું

એનો કદી ન આવે વિચાર, શેષ જીવન શા ઉપર નભશે?
થઈ કલ્પનાને ઘોડે સવાર, માનવી કઈ મંઝિલ પામશે ?

ખુલ્લી આંખે કલ્પનાના ઘોડા થનગને
નિંદરમાં સ્વપ્નની માણે સહેલ

વાસ્તવિકતાનું વિશ્વ આખું ધુંધળું
ઝગમગતો શેખચલ્લીનો મહેલ

મોજા ઉછાળી ઉછાળીને સાગર કેટલી ઊંચાઈને આંબશે
થઈ કલ્પનાને ઘોડે સવાર, માનવી કઈ મંઝિલ પામશે ?

મંઝિલને પામવા સાટુ માનવીને તો
થાવું પુરુષાર્થને ઘોડે સવાર

મન સતત રહે તાકતું લક્ષ્યને
તન આચરતું રહે ઉદ્યમ અપાર

એકાગ્રતા ને પુરુષાર્થ બન્ને ભેગા થાયે તો લક્ષ્ય વિંધાશે
બાકી કલ્પના ઘોડે સવાર, માનવી કઈ મંઝિલ પામશે ?

                                                       — શ્રી કિશોરભાઈ કણિયા

       

                                            ૐ નમ:  શિવાય