સિંહ ચાલીસા

                                            આજે માગશર સુદ ત્રીજ

 

આજનો સુવિચાર:-  ભક્તિ, વિશ્વાસ અને શ્રદ્ધાનું અવલંબન લઈને ચાલી શકશો તો કોઈપણ પાપ-તાપ દ્વારા તમારું મન સંતપ્ત નહીં થાય — પ્રણવાનંદજી

 

[દીવ સ્થિત શ્રી રમેશભાઈ રાવળે સિંહ ચાલીસા આપવા બદલ મેઘધનુષ આભારી છે. સિંહચાલીસાના રચૈતા ડૉ. શ્રી નરેન્દ્રભાઈ રાવળનો આભાર.]

 

 

સિંહ ચાલીસા

 

શક્તિપુંજ સમ દેહ ભયો, ભર્યો શૌર્ય માર્તંડ
સૃષ્ટિ સઘળી સ્તબ્ધ ભયી, ભયી તવ ત્રાડ પ્રચંડ
રક્ષક તું રેવતાચલનો, નિજ તવ ઉત્તુંગ સ્થાન
સ્મરતા શૌર્ય નિપજે જેહી ઉપજાવે સ્વમાન

 

જય જય જય સિંહ શૌર્ય સહસ્ત્રા
નિશિત દંત, નખ, ત્રાડ હી શસ્ત્રા [1]

 કરભીર ગિર અદ્રીએ શોભે
તુજ દર્શથી ત્રિલોક થોભે [2]
સુરાષ્ટ્રે ગિર વસતો તું છે
શૌર્ય પ્રવાહ ધસમસતો તું છે [3]

 કાયા કંચન ઓજસી સોહે
નિરખત નિરખત મનડું મોહે [4]

 પંજામાં પંચ શક્તિ વિરાજે
વનરાજ બિરુદ એક જ છાજે [5]

 આંખ મિંચે તો જોગી જોગંદર
સંઘરી બેઠો શિવને અંદર [6]

 સમજણ એક ન ચાલે મારી
કેશવાળી દિસે જટાધારી [7]

 ગજબ ત્રાડ તવ ઘોર નિશાએ
પ્રગટે પડઘા ચૌદ દિશાએ [8]

 રાત મેઘલી ગિરમાં હો જો
બેલાડ મસ્તી ચાક્ષુશ તું જો [9]

 અનુભૂતિનો તાગ જ ના આવે
વણદેખ્યાને શું સમજાવે !  [10]

 ત્રણ માત્રાનું નામ અનુપમ
કિસબિધ ગુણ હું ગાઉં લઘુસમ  [11]

 પંથે પદ પલ્લવને મોહી
ભૂંસી શક્યું એક ના કોઈ  [12]

 પદ પલ્લવ તુજ વનમાં જોઈ
એ પર પાડી શક્યું ના કોઈ  [13]

 સોનરેખ હલચલ ખાળીને
જળ ગ્રહતો જીહવા વાળીને  [14]

 સિંહ ત્રાડ હરિ સ્મૃતિ અપાવે
સિંહ ચાલ અવનિ કંપાવે  [15]

 ૐ ૐ ૐ ની ત્રાડ ગજાવે
ભૂતલ અરિતલ નાડ ધ્રુજાવે  [16]

 કરૂણાની બુનિયાદ જગાવે
ક્રોધે નૃસિંહ યાદ અપાવે   [17]

 જંગલભરની જીવ સૃષ્ટિએ
ખળભળતી તુજ એક દૃષ્ટિએ  [18]

 કૃપિત નાદને સહેજ જટક તું
વિહંગોનું કિસ્ત્રાણ અટકતું  [19]

 કંધરે કેશવાળી ધરીને
મૃગપતિ તું હંફાવે અરિને  [20]

 ગૃહસ્થ તુ જ સરખો ના કોઈ
આવી કુટુંબ કરણી ના જોઈ  [21]

 તુજ સેંજળથી શૌર્યજ સરિતા
તુજ શિશુઓથી શોભત ધરિતા  [22]

 તુજ ભ્રમણે જંગલ શોભે છે
કે જંગલથી તું શોભે છે !  [23]

 ‘સિંહો રક્ષતિ સિંહઃ’ બોલો
અવ નિસર્ગે એથી સમતોલો  [24]

 હે સિંહ ! સિંહલ ગજાનો તું છે
નિસર્ગ અમૂલ ખજાનો તું છે  [25]

 સાવધ સાવજ શૌર્ય જ સાલગ
શિષ્ટ શિકારી તું જ છે આ જગ  [26]

 કેસરી તવ ધીરજ ને જાણી
મોહ નિરસનની મજા પ્રમાણી  [27]

 હું હરિ હું હરિ કરતો જાણે
સાક્ષાત નાદબ્રહ્મ પ્રમાણે  [28]

 અડગ અવિચલ અચરજ તું છે
સુરાષ્ટ્રે પંચરત્નમાં તું છે   [29]

 નૃપ અમે ક્યાં જોયા કદીએ
મૃગરાજ તું હરેક સદીએ   [30]

 દત્તમાં નિસદિન અવગાહ તું
મા આરાસુરીનો વાહક તું  [31]

 દત્તની છત્રછાયા છે તારે
જય ગિરનારી તુંય ઉચ્ચારે  [32]

 ભાર્યા સંગે શિકાર પ્રસંગે
સપ્તશતીમાં હો દુર્ગા સંગે  [33]

 અનઘળ શક્તિ વિષે હું જાણું
મૃગેન્દ્ર શક્તિ હું શું પ્રમાણું [34]

 નાભી એ પરાવાણી વિરાજે
હુંકારે ૐ કારો ગાજે  [35]

 ચોરાસી સિદ્ધોનું બેસણું
રૈવતગિરી તારે છે અણું અણું [36]

 જય જય કરભીર નામ જપંતા
પ્રસરે વપુ મહી શૌર્ય અનંતા [37]

ઉર્જયંત કૃપા વરસાવે
નીડર સિંહ સમાન બનાવે [38]

 ‘નરેન્દ્ર’ જે પહોંચ્યો છે ગિરલગ
’રમેશ’ પહોંચાડે કરભીર લગ [39]

 સિંહ તું અન્યની તોલે ના’ વે
તુજ સંગે તું સિંહ બનાવે   [40]

 

 શૌર્ય વિભુષિત સિંહ ચાલીસા
                    પાઠ કરે જો કોય
સબ ભય નાસે જીવનમેં,
          સિંહ સમાન ગુન હોય

 લેખક:- ડૉ> શ્રી નરેન્દ્રભાઈ રાવળ

 

ૐ નમઃ શિવાય