અષ્ટાક્ષર મંત્ર

                                  આજે માગશર સુદ તેરસ

આજનો સુવિચાર:- મનુષ્યનું જીવન શ્રદ્ધા અને વિવેકથી ચાલે છે. વિવેક ન હોય પરંતુ શ્રદ્ધા હોય તો બીજાના વિવેકથી લાભ ઉઠાવી શકાય છે. – સ્વામી અખંડ આનંદ સરસ્વતી

અષ્ટાક્ષર મંત્ર

 

વૈષ્ણવ સમાજમાં ‘શ્રીકૃષ્ણ શરણં મમ’ ને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પ્રભુને પામવા માટેનો આ ‘મહામંત્ર’ને ખૂબ મોટું સ્થાન આપવામાં આવ્યું છે.

‘શ્રી કૃષ્ણ શરણં મમ’ના ભાવાર્થ મનને શાંતિ તથા પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા આપનાર છે. આ ‘અષ્ટાક્ષર’ મંત્ર, જે ‘મહામંત્ર’ છે અને અમૂલ્ય છે તથા શુભ ઈચ્છિત ફળ દેનારો છે માટે પ્રભુના દાસ થઈને આ ’મહામંત્ર’નું સદાય રટણ કરતાં રહેવું જેથી જીવને મોક્ષગતિ મળે છે.

શ્રી:- મહાપ્રભુજીએ મંત્ર આપ્યો છે અને શ્રીશરણ આપનારો છે.
કૃ:- સકલ પાપનાશક છે.
ષ્ણ:- ત્રિવિધ તાપને સમાવે છે.
:- ભવનાં બંધન કાપે છે.
:- હરિસંબંધનું જ્ઞાન થાય છે અને જીવ બ્રહ્મ સાથે જોડાય છે.
ણં:- દૃઢભક્તિ તણું ફળ આપે છે.
:- ગુરુમાં વ્હાલ કરાવે છે.
:- સાયુજ્ય મુક્તિ અપાવે છે.

                                                                      સૌજન્ય:- જન્મભૂમિ

                                                  ૐ નમઃ શિવાય

શિવાલયની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે

                                    આજે માગશર સુદ બારસ

આજનો સુવિચાર:- થોડાંક સુખના ત્યાગથી વધુ સુખની પ્રાપ્તિ થતી હોય તો બુદ્ધિમાન મનુષ્ય થોડુંક સુખ જતું કરે છે.

1996 થી 2009 સુધી  7 વાર કરેલી યાત્રા દરમિયાન લીધેલા ફોટાઓની નાનીશી ઝલક.

                                         ૐ નમઃ શિવાય

જીવનમાં

                             આજે માગસર સુદ નોમ

આજનો સુવિચાર:- જે દેહમાં પવિત્ર અને નિષ્કલંક આત્મા રહે છે, તે દેહ પણ પવિત્ર અને નિષ્કલંક જ હોય છે.

જીવનમાં

• ખાવા જેવી ચીજ હોય તો ‘ગમ’ છે.

• ગળવા જેવી ચીજ હોય તો ‘અપમાન’ છે.

• પચાવવા જેવી ચીજ હોય તો ‘બુદ્ધિ ‘ છે.

• પીવા જેવી ચીજ હોય તો ‘ક્રોધ’ છે.

• આપવા જેવી ચીજ હોય તો ‘ધન’ છે.

• લેવા જેવી ચીજ હોય તો ‘જ્ઞાન’ છે.

• જીતવા જેવી ચીજ હોય તો ‘પ્રેમ’ છે.

• હારવા જેવી ચીજ હોય તો ‘અભિમાન’ છે.

• દેખાડવા જેવી ચીજ હોય તો ‘દયા’ છે.

• સાંભળવા જેવી ચીજ હોય તો ગુણ’ છે.

• બોલવા જેવી ચીજ હોય તો ‘સત્ય’ છે.

• ભૂલવા જેવી ચીજ હોય તો ‘ભૂતકાળ’ છે.

• સુધારવા જેવી ચીજ હોય તો ’વર્તમાન’ છે.

• વિચારવા જેવી ચીજ હોય તો ‘ભવિષ્ય’ છે.

• કાબુમાં રાખવા જેવી ચીજ હોય તો ‘વાણી’ છે.

 

                           ૐ નમઃ શિવાય

આસ્વાદ

                                આજે માગશર સુદ પાંચમ

આજનો સુવિચાર:- માનવીની અંદર પ્રભુની હાજરી જ અંત:કરણ છે. — સ્વેડન બૉર્ગ

 

ચોકોલેટ ફજ

સામગ્રી:-

1] 1 ટીન મીલ્ક મેઈડ
2] 100 ગ્રામ સાદો માવો
3] 50 ગ્રામ બટર
4] ½ કપ કોકો પાઉડર
5] ¾ કપ સાકર
6] 1 વાડકી દૂધ
7] 1 ચમચો ઘી
8] 1 ચમચી બદામ પીસ્તાની કતરી

રીત:-

એક તવામાં ઘી ચોપડી તેમાં મીલ્ક મેઈડ નાખો.
થોડા દૂધમાં કોકો પાઉડર ઓગાળો. અને એ ઓગાળેલો પાઉડર મીલ્ક મેઈડમાં ઉમેરો. અને ગેસ પર ગરમ કરવા મૂકો.
તેમાં બટર ઉમેરી હલાવતા રહો. છેલ્લે તેમાં ઘી ઉમેરી હલાવતા રહો. ગોળી વળે ત્યાં સુધી શેકો. ત્યારબાદ તેને ઠારી દો અને તેની ઉપર બદામ, પીસ્તાની કતરી ભભરાવો.

[મુંબઈ સ્થિત શ્રીમતી રત્નાબેન કડકિઆએ ઉપરોક્ત ચોકલેટ ફજની રેસિપી મોકલવા બદલ મેઘધનુષ આભારી છે.]

ઈંસ્ટંટ રવા ઈડલી

સામગ્રી:-
1] 1 વાડકો રવો
2] 1 ચમચો તેલ
3] 1 ચમચી અડદની દાળ
4] 1 ચમચી ચણાની દાળ
5] 1 ચમચી રાઈ
6] જોઈતા પ્રમાણમાં મીઠું, લીલા આદુ, મરચા, લીમડાના પાન
7] 1 ચમચો કોથમીર
8] ½ ચમચી ખાવાના સોડા
9] ½ ચમચી ઈનો પાઉડર
10] 1 મોટો ચમચો દહીં

રીત:-એક તવામાં તેલ મૂકી ગરમ કરવા મૂકો. તેમાં રાઈ, અડદની દાળ, ચણાની દાળ ઉમેરો. રાઈનો વઘાર આવી જતા તેમાં રવો અને લીમડો ઉમેરી ધીમી આઁચે શેકી કાઢો. [ઉપમા માટે રવો શેકીએ તેવી રીતે]. તેમાં જોઈતા પ્રમાણમાં મીઠું, આદુ મરચા અને કોથમીર ઉમેરો. [આ શેકેલો રવો ફ્રીજમાં રાખી શકાય]
ત્યાર બાદ તેમાં દહીં, સોડા અને ઈનો પાઉડર ઉમેરી ઈડલીનું ખીરુ તૈયાર કરો ઈડલીનાં સ્ટેંડમાં ઈડલી તૈયાર કરો.

[મુંબઈ સ્થિત શ્રીમતી મોનિકા ભૈદાની ઉપરોક્ત રવા ઈડલીની રેસિપી મોકલવા બદલ મેઘધનુષ આભારી છે.]

                                              ૐ નમઃ શિવાય

સિંહ ચાલીસા

                                            આજે માગશર સુદ ત્રીજ

 

આજનો સુવિચાર:-  ભક્તિ, વિશ્વાસ અને શ્રદ્ધાનું અવલંબન લઈને ચાલી શકશો તો કોઈપણ પાપ-તાપ દ્વારા તમારું મન સંતપ્ત નહીં થાય — પ્રણવાનંદજી

 

[દીવ સ્થિત શ્રી રમેશભાઈ રાવળે સિંહ ચાલીસા આપવા બદલ મેઘધનુષ આભારી છે. સિંહચાલીસાના રચૈતા ડૉ. શ્રી નરેન્દ્રભાઈ રાવળનો આભાર.]

 

 

સિંહ ચાલીસા

 

શક્તિપુંજ સમ દેહ ભયો, ભર્યો શૌર્ય માર્તંડ
સૃષ્ટિ સઘળી સ્તબ્ધ ભયી, ભયી તવ ત્રાડ પ્રચંડ
રક્ષક તું રેવતાચલનો, નિજ તવ ઉત્તુંગ સ્થાન
સ્મરતા શૌર્ય નિપજે જેહી ઉપજાવે સ્વમાન

 

જય જય જય સિંહ શૌર્ય સહસ્ત્રા
નિશિત દંત, નખ, ત્રાડ હી શસ્ત્રા [1]

 કરભીર ગિર અદ્રીએ શોભે
તુજ દર્શથી ત્રિલોક થોભે [2]
સુરાષ્ટ્રે ગિર વસતો તું છે
શૌર્ય પ્રવાહ ધસમસતો તું છે [3]

 કાયા કંચન ઓજસી સોહે
નિરખત નિરખત મનડું મોહે [4]

 પંજામાં પંચ શક્તિ વિરાજે
વનરાજ બિરુદ એક જ છાજે [5]

 આંખ મિંચે તો જોગી જોગંદર
સંઘરી બેઠો શિવને અંદર [6]

 સમજણ એક ન ચાલે મારી
કેશવાળી દિસે જટાધારી [7]

 ગજબ ત્રાડ તવ ઘોર નિશાએ
પ્રગટે પડઘા ચૌદ દિશાએ [8]

 રાત મેઘલી ગિરમાં હો જો
બેલાડ મસ્તી ચાક્ષુશ તું જો [9]

 અનુભૂતિનો તાગ જ ના આવે
વણદેખ્યાને શું સમજાવે !  [10]

 ત્રણ માત્રાનું નામ અનુપમ
કિસબિધ ગુણ હું ગાઉં લઘુસમ  [11]

 પંથે પદ પલ્લવને મોહી
ભૂંસી શક્યું એક ના કોઈ  [12]

 પદ પલ્લવ તુજ વનમાં જોઈ
એ પર પાડી શક્યું ના કોઈ  [13]

 સોનરેખ હલચલ ખાળીને
જળ ગ્રહતો જીહવા વાળીને  [14]

 સિંહ ત્રાડ હરિ સ્મૃતિ અપાવે
સિંહ ચાલ અવનિ કંપાવે  [15]

 ૐ ૐ ૐ ની ત્રાડ ગજાવે
ભૂતલ અરિતલ નાડ ધ્રુજાવે  [16]

 કરૂણાની બુનિયાદ જગાવે
ક્રોધે નૃસિંહ યાદ અપાવે   [17]

 જંગલભરની જીવ સૃષ્ટિએ
ખળભળતી તુજ એક દૃષ્ટિએ  [18]

 કૃપિત નાદને સહેજ જટક તું
વિહંગોનું કિસ્ત્રાણ અટકતું  [19]

 કંધરે કેશવાળી ધરીને
મૃગપતિ તું હંફાવે અરિને  [20]

 ગૃહસ્થ તુ જ સરખો ના કોઈ
આવી કુટુંબ કરણી ના જોઈ  [21]

 તુજ સેંજળથી શૌર્યજ સરિતા
તુજ શિશુઓથી શોભત ધરિતા  [22]

 તુજ ભ્રમણે જંગલ શોભે છે
કે જંગલથી તું શોભે છે !  [23]

 ‘સિંહો રક્ષતિ સિંહઃ’ બોલો
અવ નિસર્ગે એથી સમતોલો  [24]

 હે સિંહ ! સિંહલ ગજાનો તું છે
નિસર્ગ અમૂલ ખજાનો તું છે  [25]

 સાવધ સાવજ શૌર્ય જ સાલગ
શિષ્ટ શિકારી તું જ છે આ જગ  [26]

 કેસરી તવ ધીરજ ને જાણી
મોહ નિરસનની મજા પ્રમાણી  [27]

 હું હરિ હું હરિ કરતો જાણે
સાક્ષાત નાદબ્રહ્મ પ્રમાણે  [28]

 અડગ અવિચલ અચરજ તું છે
સુરાષ્ટ્રે પંચરત્નમાં તું છે   [29]

 નૃપ અમે ક્યાં જોયા કદીએ
મૃગરાજ તું હરેક સદીએ   [30]

 દત્તમાં નિસદિન અવગાહ તું
મા આરાસુરીનો વાહક તું  [31]

 દત્તની છત્રછાયા છે તારે
જય ગિરનારી તુંય ઉચ્ચારે  [32]

 ભાર્યા સંગે શિકાર પ્રસંગે
સપ્તશતીમાં હો દુર્ગા સંગે  [33]

 અનઘળ શક્તિ વિષે હું જાણું
મૃગેન્દ્ર શક્તિ હું શું પ્રમાણું [34]

 નાભી એ પરાવાણી વિરાજે
હુંકારે ૐ કારો ગાજે  [35]

 ચોરાસી સિદ્ધોનું બેસણું
રૈવતગિરી તારે છે અણું અણું [36]

 જય જય કરભીર નામ જપંતા
પ્રસરે વપુ મહી શૌર્ય અનંતા [37]

ઉર્જયંત કૃપા વરસાવે
નીડર સિંહ સમાન બનાવે [38]

 ‘નરેન્દ્ર’ જે પહોંચ્યો છે ગિરલગ
’રમેશ’ પહોંચાડે કરભીર લગ [39]

 સિંહ તું અન્યની તોલે ના’ વે
તુજ સંગે તું સિંહ બનાવે   [40]

 

 શૌર્ય વિભુષિત સિંહ ચાલીસા
                    પાઠ કરે જો કોય
સબ ભય નાસે જીવનમેં,
          સિંહ સમાન ગુન હોય

 લેખક:- ડૉ> શ્રી નરેન્દ્રભાઈ રાવળ

 

ૐ નમઃ શિવાય

નામ મારું છે ખુશી

                            આજે માગશર સુદ એકમ
 

આજનો સુવિચાર:- સુખ-સમૃદ્ધિ મિત્ર બનાવે છે, પરંતુ તેમની પરખ તો દુ:ખમાં જ થાય છે.

[અમેરિકા સ્થિત શ્રી રમેશભાઈ પટેલે આ બાળગીતની રચના મોકલાવ્યા બદલ મેઘધનુષ આભારી છે. ]

નામ મારું છે ખુશી

નામ મારું છે ખુશી,
ખુશી ખુશી હું બોલું
એક બે ત્રણ વદું તો,
બા દાદાને લાગે વાહલું
વન ટુ થ્રી કહું તો,
મમ્મી પપ્પાને હસતા ભાળું
ખુશી ખુશી હું બોલું

બા દાદા કહે વારતા,
શિયાળ કાગડો પુરી
મોમ કહે હોલ્ડ માય હેન્ડ
નહીં તો પડશે ભૂલી
રમતાં રમતાં ઊંઘું,
ઊઘમાં હસું થોડું થોડું
ખુશી ખુશી હું બોલું

બા બનાવે મારા માટે
રોજ રોટલી શાક
મોમ ડેડી સાથે ભાવે
મુજને પ્યારા પિત્ઝા ને કોક
ખાઉ થોડું બગાડું ઝાઝું,
તોય વહાલ કરે રુપાળું
ખુશી ખુશી હું બોલું

બા કહે ફ્રોક પહેરી,
તું મજાની ઢીંગલી જેવી લાગું
શોર્ટ ટી ~શર્ટ પહેરી,
મમ્મી સાથે હાઈ ફાઈ માં ભાગું
રોજ રોજ નાવલી વાતું,
હસતી રમતી માણું
ખુશી ખુશી હું બોલું

બા ગવડાવે માના ગરબા,
દાદા શીખવે હાથ જોડીને રામ
મમ્મી પપ્પા ઊપડે કામે,
બોલાવી બાય બાયના જાપ
હસી હસી હું રમું ભમું,
થાકી દાદા પાસે દોડું
ખુશી ખુશી હું બોલું

 વાત કહી મેં મારી છાની,
બોલો તમને કેવી હું લાગું
નામ મારું છે ખુશી,
ખુશી ખુશી હું બોલું

– શ્રી રમેશભાઈ પટેલ ‘આકાશદીપ’

 

                            ૐ નમઃ શિવાય

સહસ્ત્રલિંગ તળાવ પરથી પાટણનો દેખાવ

                                   આજે કારતક વદ ચોથ

:-  માનવીનું આયુષ્ય વધ્યુ છે, પણ આયુષ્યમાંનું જીવન ઘટ્યું છે.
                                                     — જે. કૃષ્ણમૂર્તિ

આજનો સુવિચાર

                    સહસ્ત્રલિંગ તળાવ પરથી પાટણનો દેખાવ

windowslivewriterranikivav-10376patan111[1]

રાણકી વાવ

અહીંયાં સહસ્ત્રલિંગ તળાવ વિશાળ હતું,

અહીંયાં પાટણ જૂનું અહીં લાંબું સૂતું;

અહીંયાં રાણીવાવ તણાં આ હાડ પડેલાં;

મોટા આ અહીં બુરજ મળ્યા માટીના ભેળાં.

એમ દઈ દઈ નામ કરવી રહી વાતો હાવાં,

પાટણપુરી પુરાણ ! હાલ તુજ હાલ જ આવાં ?

ગુજરાતનો પૂત રહી ઊભો આ સ્થળમાં

કોણ એહવો જેહ નયન ભીંજ્યાં નહીં જળમાં ?

જળ નિર્મલ લઈ વહે કુમારી સરિતા પેલી,

નાસે પાસે ધસે લાડતી લાજે ઘેલી;

ઈશ્વર કરુણા ખરે ! વહી આ નદી સ્વરૂપે,

સ્મિત કરી પ્રીતિ ભરે ભરે આલિંગન તુંયે;

તુંયે પાટણ ! દયા ધરતીને એ સૂચવતી,

ભલે કાળની ગતિ મનુજ કૃતિને બુઝવતી;

તુજ પ્રેમસરિતા પૂર વહ્યું જાશે અણખૂટ્યું,
છો ધન વિભવ લૂંટાય ઝરણ મુજ જાય ન લૂંટ્યું

તોડી પર્વતશૃંગ મનુજ મદભરિયો મા’લે,

જાણે નિજકૃતિ અમર ગળે કાળ જ તે કાળે;

ને મુજ તનડું ઘડ્યું કોમળ પાણીપોચું

તે તો તેમનું તેમ રહે યુગ અનંત પોંચું.

     — શ્રી નરસિંહરાવ દિવટેયા

                                              ૐ નમઃ શિવાય

આવુ પણ થાય

                           આજે કારતક સુદ ચૌદસ

 

આજનો સુવિચાર:- જે કર્મમાંથી વધુ ને વધુ લોકોને આનંદ મળે તે કર્મ જ શ્રેષ્ઠ છે.    — ફ્રાંસિસ હચિસન

[અમેરિકા સ્થિત શ્રી રમેશભાઈ પટેલે [આકાશદીપ] પોતાની આ રચના મોકલાવ્યા બદલ મેઘધનુષ આભારી છે. ]

આવુ પણ થાય

હાલીએ હોંશભેર ને દરવાજા બંધ થાય

કોઈને   શોધતાં  ખુદ  ખોવાઈ   જવાય

સમયની બલિહારી રાહબર મળી જાય

આવું તો ભાઈ કોક વાર થાય

વરસે વરસાદ ને  આગ પણ બૂઝાય

અંદર  જલે  તો   હૈયે મેઘ  છલકાય

ગમતી વાતો હરખ  ભેર  વાગોળાય

આવું તો ભાઈ વારેવારે  થાય

નાની  વાતોને  મોટી  પણ  થાય

ને મોટી વાતોને નાની પણ થાય

આવું  સમજાય તમને મારા ભાઇ

સંતોષનાં સુખ સર્વ કોઠે  ઉભરાય

આવું તો  તમે ધારો તો જ થાય

શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)

 

ૐ નમઃ શિવાય