શા માટે?

                   આજે કારતક સુદ એકાદશી [દેવ ઊઠી અગિયારસ]

આજનો સુવિચાર:- કામ કરે તેનાથી ભૂલ તો થાય, તેથી ભૂલથી ડરવું, કામથી નહીં.

 

                                શા માટે?

લાગે છે અવાચક થૈ ગૈ છે કલબલતી કાબર બહાર બધે,
ન્હૈ તો અહીં એકીસાથે આ શાયરના અવાજો શા માટે?

આકાશી વાદળને નામે આ વાત તમોને કહી દઉં છું
કાં વરસી લો, કાં વીખરાઓ, આ અમથાં ગાજો શા માટે?

મારો તો ઈરાદો છે ખાલી કવિતામાં કામણ પૂરવાનો,
ત્યાં રૂપની આડે ઘૂંઘટના બેઢંગ રિવાજો શા માટે?

આ જલતી શમાને ઠારો ના, આ પરવાનાને વારો ના,
એ પ્રેમની પાગલ દુનિયામાં વહેવારૂ ઈલાજો શા માટે?

દફનાઈ જવા દો ગૌરવથી એ જ્યાં જન્મે છે ત્યાં ને ત્યાં,
આંસુ ને જિજ્ઞાસાની કાંધે મહોબતનો જનાજો શા માટે?

આજ સૂરાલયના દસ્તુર હૈ બદલાયા છે શું સાકી,
પી-પી કહેનારા બોલે છે આ પાજો-પાજો શા માટે?

નમન નમનમાં હોય છે કાંઈ વધતો ઓછો ફેર નક્કી,
ન્હૈં તો આ નમેલી નજરે અમને આપ નવાજો શા માટે?

આ દિલને તમારે માટે તો બચપણથી અનામત રાખ્યું છે,
આ સહેજ ઉંમરમાં આવ્યા કે આ રોજનો તકાજો શા માટે?

આ વાત નથી છાની છપની, ચર્ચાય છે જાહેરમાં સઘળે,
શરમાળ કુસુમને કહી દો કે મધુકરનો મલાજો શા માટે?

                                                      — મધુકર રાંદેરિયા

                                        ૐ નમઃ શિવાય

અજમાવી જુઓ

                                 આજે કારતક સુદ દસમ 

 

આજનો સુવિચાર:- ભક્તિ, વિશ્વાસ અને શ્રદ્ધા લઈને ચાલશો તો કોઈપણ પાપ કે તાપ દ્વારા તમારા મનને સંતાપ નહી થાય. — સ્વામી પ્રણવાનંદજી.

                                          અજમાવી જુઓ

 • પનીરનાં ટુકડાને તળી લીધા પછી ગરમ પાણીના વાસણમાં રાખવાથી નરમ રહેશે.
 • કાંદા સાંતળતી વખતે તેમાં અડધી ચમચી ખાંડ નાખવાથી કાંદા કરકરા થશે.
 • આદુનાં રસમાં થોડી હિંગ નાખવાને ઉપયોગમાં લેવાથી કાંદાની સુગંધ આવશે અને કાંદો ન હોવા છતાંયે કાંદાની ગરજ સારશે.
 • આથાવાળી વાનગી બનાવવા દહીંને ત્રણ ચાર કલાક બહાર રાખવાથી આથો જલદી આવશે.
 • મૂઠિયામાં ચણાનો લોટ નાખવાથી મૂઠિયા સ્વાદિષ્ટ થશે.
 • મસાલા ખીચડીમાં લસણની કળી, ઝીણું સમારેલું ટામેટું, પાલક, વટાણા નાખી જોઈતા પ્રમાણમાં મીઠું અને બીરીયાની મસાલો નાખતા સ્વાદિષ્ટ ખીચડી તૈયાર થશે.
 • પલાડેલાં સાબુદાણાને કપડામાં કોરા કર્યા પછી ખીચડીમાં ઉપયોગ કરવાથી સાબુદાણા છૂટા રહેશે.
 • મેથીનાં દાણાને કાચી કેરીનાં ખાટા પાણીમાં પલાડીને કાચી કેરીનાં અથણામાં ઉમેરવાથી અથાણું સ્વાદિષ્ત બનશે.
 • કોથમીર, મરચા તથા લીમડાને તાજા રાખવા ભીના કરેલા કપડાને નીચોવીને તેમાં વીંટાળીને રેફ્રિજરેટરમાં મૂકવા.
 • સફેદ ઢોકળાને નરમ પોચા બનાવવા તેમાં થોડાક પાણીમાં એક ચમચો તેલ અને એક ચમચી ખાવાનાં સોડા નાખી ઉકાળીને ખીરામાં નાખવા. ઢોકળા પોચા અને સ્વાદિષ્ટ થશે.
 • પાયરીનાં રસમાં આફુસ કેરીનાં ટુકડા નાખવાથી રસ મીઠો લાગશે.
 • બટાટાનાં ભજિયા બનાવતી વખતે તેનું ખીરું થોડું પાતળું રાખવાથી ભિયા ક્રિસ્પી બનશે.
 • પિત્ઝા પર પાથરવાનાં શાકને થોડાક ઑલિવ ઑઈલમાં સાંતળીને પાથરવાથી પિત્ઝા સ્વાદિષ્ટ બનશે.
 • મીઠાંની બરણીમાં ચોખાનાં દાણા મૂકી રાખવાથી મીઠાંમાં ભેજ નથી લાગતો.
 • લાલ મરચા, ધાણાજીરા અને હળદરમાં હિંગનાં ટુકડા મૂકી રાખવાથી તેમાં જીવડાં નથી પડતા.
 • તુવેરની દાળ કે મગની દાળ વગેરેમાં ખમણેલું આદુ નાખવાથી દાળ વધુ સ્વાદિષ્ટ બનશે.

                                                  ૐ નમઃ શિવાય

હું ધર્મ બોલું છું

                             આજે કારતક સુદ પાંચમ [લાભ પાંચમ]  

 

આજનો સુવિચાર:- ધન કેવળ ભોગની વસ્તુ નથી, તેનાથી યશ અને કીર્તિ પણ મળે છે.    – પ્રેમચંદ

                                            હું ધર્મ બોલું છું

       હું ધર્મ છું, અત્ર-તત્ર-સર્વત્ર વ્યાપેલો.

         મારું પ્રવેશદ્વાર ‘શ્રદ્ધા’ છે.

         મારું સામ્રાજ્ય દુનિયાના દરેક દેશમાં છે.

         હું ઈશ્વર-અલ્લાહે આપેલી આ ધરતીની સૌથી અમૂલ્ય, અનોખી-અનેરી આહલાદક, અદભૂત, અલૌકિક અને અતિ ઉત્તમ આધ્યાત્મિક ભેટ છું.

        હું મનુષ્યના આલોક અને પરલોક સુધારવા પૃથ્વીલોક પર આવ્યો છું.

        હું ‘આત્મા’ અને ‘પરમાત્મા’ વચ્ચેનો ‘સેતુ’ છું.

        હું એકમાત્ર એવી ‘નિસરણી’ છું, જે ઈશ્વર-અલ્લાહ સુધી લઈ જાય છે.

        હું આકાશ પરથી ઊતર્યો જ છું, એટલા માટે કે તમને ‘જમીન’ પરથી ‘આકાશ’માં લઈ જાઉં.

        હું તમને ‘તમે કેવા હોવા જોઈએ’ એ બતાવવા આવ્યો છું.

        હું તમારૂં ચારિત્ર્યધડતર કરવા આવ્યો છું.

        હું સત્ય, અહિંસા અને પ્રેમનો સંદેશો આપવા આવ્યો છું.

         હું માનવીના આધ્યાત્મિક વિકાસ માટે આવ્યો છું.

         હું એક સરળ, સુખમય અને સુસંસ્કૃત જીવનપદ્ધતિ છું- જો મને સમજો તો.

         મારું શિક્ષણ અજોડ, અનુપમ અને અનોખું છે.

         મારું વર્ચસ્વ જે સ્વીકારે છે તે બીજા પર વર્ચસ કરે છે.

         હું સત્ય છું, સત્ય સમજાવવા આવ્યો છું અને સત્યનું વધારેમાં વધારે ખૂન મારા જ નામે થતું આવ્યું છે.

         જેટલી ગેરસમજ મારા વિષયમાં થઈ છે એટલી ગેરસમજ દુનિયાના કોઈ વિષય વિશે નથી થઈ.

        હું ‘વિનાશ’ માટે નહીં, ‘વિકાસ’ માટે આવ્યો છું.

        મારા નામે જેટલાં ધતિંગ થાય છે તેટલા બીજા કોઈના નામે નથી થતા.

        મારા સ્વરૂપની આસપાસ લોકોએ અંધશ્રદ્ધાના એટલા બધા પડદા નાખી દીધા છે કે મને મોકલનાર ઈશ્વર તો એમને દેખાતો જ નથી.

          જીવનનો જીવવાનો સરળ અને સાચો રસ્તો તો મારો જ છે.

           મારે માટે લોકો ‘લડી-મરે’ છે પણ મને પાળીને કેટલા જીવે છે????????

          મને માનવું હોય તો ‘દિલ’થી માનો ‘દલીલો’થી નહિ.

          મને ‘જિગર’થી માનશો તો આનંદ બનીને તમારા લોહીમાં વસીશ ને ‘ઝનૂન’થી માનશો ‘આતંક’ બની લોહી ઉકાળી દઈશ.

              હું લોહી ‘વહાવડાવવા’ નથી આવ્યો, લોહીમાં ‘વ્યાપી’ જવા માટે આવ્યો છું.

               સાંભળો હું ધર્મ બોલું છું…. મને ઓળખો, સમજો અને મને માનીને જીવો—એ પહેલા ‘જીવ’ ઊડી જાય એ પહેલા મને ‘પ્રાણ’માં વસાવી લો.

                                               લેખક- ઈબ્રાહિમ એ. વાધરિયા

                                                સૌજન્ય: જન્મભૂમિ   

શું આપે અહીંની મુલાકાત લીધી છે?

                                        આજે કારતક સુદ ત્રીજ

આજનો સુવિચાર:- એકનું પણ ભલું થતું હોય તો તે કાર્ય કરો.

 

                         શું આપે અહીંની મુલાકાત લીધી છે?

 

ઘણીવાર આપણે વિચારતા હોઈએ છીએ કે થોડા સમય માટે ફરવા જવું તો ક્યાં જવું? વ્યસ્ત જીવનમાં જો થોડો સમય મળ્યો હોય તો એવા કયા સ્થળે જવું જ્યાં આરામ સાથે કુદરતને પણ મ્હાલી શકાય.

મુંબઈ નજીક વરસતા વરસાદમાં કે વગર વરસાદે પણ અદભૂત આનંદ આપે એવાં હિલ સ્ટેશનો આવેલાં છે જ્યાં વીક-ઍંડમાં મુલાકાત લઈ શકાય છે. એમાં મુખ્યત્વે માથેરાન, મહાબળેશ્વર, પંચગીની, લોનાવલા-ખંડાલા, ભંડારધારા, ભીમાશંકર, ઈગતપુરીનો સમાવેશ કરી શકાય.

માથેરાન:-

માથેરાનની ટોય ટ્રેન

માથેરાનની ટોય ટ્રેન

 

મુંબઈની નજીકનું એક સૌથી લોકપ્રિય હવાખાવાનું સ્થળ એટલે માથેરાન. પશ્ચિમી ઘાટમાં સમુદ્રની સપાટીથી 2636 ફૂટની ઊંચાઈ પર આવેલા માથેરાનમાં ગાઢ જંગલો આવેલાં છે જે પ્રવાસીઓ માટે વરદાનરૂપ છે. માથેરાનમાં મેલેટ સ્પ્રિંગ ઉપરાંત હાર્ટ પૉઈંટ, બૉમ્બે પોઈંટ તેમજ મંકી પોઈંટ સહેલાણીઓમાં જાણીતા સ્થળો છે. અહીં ફક્ત ઘોડાઓ અને હેંડ પુલ્ડ કાર્ટને જ પ્રવેશ મળે છે અન્ય કોઈ વાહનોને પ્રવેશ નથી. નેરળ માથેરાનનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે. માથેરાન અહીંથી ફક્ત 8 કિ.મી. દૂર છે.

મહાબળેશ્વર:-

મહાબળેશ્વરનું સૌંદર્ય

મહાબળેશ્વરનું સૌંદર્ય

પશ્ચિમી ઘાટનું સર્વાંગ સુંદર હિલ સ્ટેશન એટલે મહાબળેશ્વર. સમુદ્રની સપાટીથી આશરે 4500 ફૂટની ઊંચાઈ આવેલું આ હિલ સ્ટેશન મુંબઈની દક્ષિણે આવેલું છે. ઈ.સ. 1829માં બ્રિટિશરોએ તેના આરોગ્યપ્રદ વાતવરણ અને ચોખ્ખાઈથી પ્રેરાઈને અહીં હેલ્થ રિસોર્ટ તરીકે રચના તરીકે કરી હતી.

મહાબળેશ્વર આશરે 150 કિ.મી.નો બનેલો સુંદર હરિયાળો ઉચ્ચ પ્રદેશ છે. અહીંનો ઘાટરસ્તો સરળ હોવાથી અહીંનો પ્રવાસ મુશ્કેલ નથી. અહીં તમામ વર્ગને પરવડે એવાં ભાડાંની હોટલો છે. અહીં પહોંચવા સુગમ લક્ઝરી બસ મળી રહે છે.
મહાબળેશ્વરમાં આર્થર પૉઈંટ, બગદાદ પૉઈંટ, ગોલાની પૉઈંટ તથા કર્ણાટક પૉઈંટ જોવા જેવાં સ્થળો છે. અહીંના તમામ પૉઈંટ જોવા માટે બેથી ત્રણ દિવસ પૂરતા છે.

પંચગીની:-

પંચગીનીના ટેબલપૉઈંટથી સૂર્યાસ્તનું નયનરમ્ય દૃશ્ય

પંચગીનીના ટેબલપૉઈંટથી સૂર્યાસ્તનું નયનરમ્ય દૃશ્ય

પંચગીની એટલે ‘પાંચ જમીન’નો બનેલો પ્રદેશ. મહાબળેશ્વરથી ફક્ત 20 કિ.મી. અને મુંબઈથી 268 કિ.મી.ના અંતરે આવેલું પંચગીની સમુદ્રની સપાટીથી આશરે 4400 ફૂટની ઊંચાઈએ આવેલું છે. અહીં કમલગઢ ફૉર્ટ તેમજ ધૂમધામ વૉટર સ્પોર્ટસ જેવા કૉમ્લેક્સ આવેલાં છે જેની મુલાકાત લઈ શકાય છે. અન્ય સ્થળોમાં ટેબલ પૉઈંટ, પારસી પોઈંટ ઈત્યાદિનો સમાવેશ કરી શકાય.

મહ્હબળેશ્વર તથા પંચગીનીની મુલાકાતનો ઉત્તમ સમય મે, જુન મહિનાઓ છે. જોકે વરસાદ મ્હાલવો હોય તો આ સ્થળોની મુલાકાત લેવા જેવી છે.

લોનાવલા-ખંડાલા:-

લોનાવલા-ખંડાલા

લોનાવલા-ખંડાલા

મુંબઈની દક્ષિણ પૂર્વે 102 કિ.મી.નાં અંતરે આવેલા લોનાવલા મોટરના રસ્તે ફક્ત 2 કલાકમા પહોંચી શકાય છે. મુખ્યત્વે વરસાદની મોસમ મ્હાલવા સહેલાણીઓ ઉમટી પડે છે.
લોનાવલામાં બુશી ડૅમ, રેવુડ પાર્ક, ડ્યુક્સ નોઝ અને કાર્લા કેવ્ઝ જોવાલાયક છે. ખંડાલાના બટાટાવડા અને લોનાવલાની ચિકી પ્રખ્યાત છે. લોનાવલા મુંબઈ-પુણે હાઈ-વે પર હોવાથી ટ્રેન દ્વારા પણ પહોંચવાનું સુવિધાજનક છે.

ભંડારધારા:-

ભંડારધારા

ભંડારધારા

મુંબઈથી ઈશાનમાં 180 કિ.મી. દૂર આવેલું ભંડારધારા પરવરા નદીને કાંઠે આવેલું છે. સહ્યાદ્રિ પર્વતમાળાના સૌથી ઊંચી ટેકરી માઉંટ કળસુબાઈ નજીક આવેલું હોવાથી આ સ્થળ ત્રેકિંગ કરવા માટેનું આદર્શ સ્થળ મનાય છે. કુદરતની સુંદરતા મ્હાલવી હોય તો ભંડારધારા ઉત્તમ સ્થળ છે. અહીં આર્થર હિલ, રાંધા ફોલ્સ, અમ્બ્રેલા ફોલ્સ અને અગસ્ત્ય ઋષિ આશ્રમ જોવા જેવા છે. અહીંથી ઈગતપુરી ફક્ત 42 કિ.મી. દૂર છે.

ઈગતપુરી:-

ઈગતપુરી-મુમ્બઈ

ઈગતપુરી-મુમ્બઈ

મુંબઈને ઈશાન ખૂણે આવેલુ ઈગતપુરી હિલ સ્ટેશનની રાણી ગણાય છે. મુંબઈથી 138 કિ.મી. દૂર આવેલું ઈગતપુરી સ્મુદ્રની સપાટીથી 1900 ફૂટની ઊંચાઈ પર છે તેમજ સહ્યાદ્રિપર્વતમાળાથી ઘેરાયેલું છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર, નાના નાના પ્રાકૃતિક ધોધ અને જળરાશિથી ભરપૂર ઈગતપુરી નાનું પન બેનમૂન હવા ખાવાનું સ્થળ છે. મુંબઈથી કસારા ઘાટે ફક્ત 21/2 કલાકમાં પહોંચી શકાય છે.

ભીમાશંકર:-

ભીમાશંકરનું પવિત્ર મંદિર

ભીમાશંકરનું પવિત્ર મંદિર

નાસિક-પુણે હાઈ વેના રસ્તે 128 કિ.મી. દૂર આવેલું સહ્યાદ્રિ પર્વતમાળામાં આવેલું ભીમાશંકર પુરાણ પ્રસિદ્ધ 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે.

પૌરાણિક કથા મુજબ ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કરી અહીં મહાદેવજી વિશ્રામ કર્યો હતો. તે સમયના સૂર્યવંશી રાજા ભીમકની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ મહાદેવે તેમને દર્શન આપ્યા અને ત્યાં ભીમાશંકરના જ્યોતિર્લિંગ રૂપે સ્થિર થયા. આ જ્યોતિર્લિંગ પર બિલીપત્ર ધરાવવામાં નથી આવતા. અન્ય કથા મુજબ કુંભકર્ણના સંસર્ગથી કર્કટી નામની રાક્ષસીને ભીમ નામક પુત્ર થયો. ભીમ મોટો થઈ ભીમાસુર નામક રક્ષસ થયો. ઉગ્ર તપશ્ચર્યા કરી બ્રહ્માજી પાસે લોકવિજયનું વરદાન પ્રાપ્ત કરી ધર્મિક કાર્યોમાં અડચણો ઊભી કરવા લાગ્યો. તેના અત્યાચારો રોકવા શિવશક્તિએ પ્રગટ થઈ ભીસુરનો વધ કરી આ અપવિત્ર ભૂમિને પવિત્ર બનાવી તેથી તેનું નામ ભીમાશંકર પડ્યું.

 

                                            ૐ નમઃ શિવાય

શુભ દિપાવલી

                         આજે આસો વદ અમાસ – દિવાળી

 

                                 દિવાળી એટલે દિવાનો તહેવાર

શુભ દિપાવલી

શુભ દિપાવલી

આપણા હિન્દુ ધર્મમાં તહેવારોનું ખૂબ મહત્વ છે જે હંમેશા આપણા તન-મનને પ્રફલ્લિત બનાવે છે. એમાં દિવાળીના દિવસે તો રામ, સીતા, લક્ષમણ પોતાનો વનવાસ પૂરો કરી અયોધ્યા પાછા ફરે છે ત્યારે અયોધ્યાવાસીઓ અયોધ્યાને ખૂબ ખુશીથી શણગારે છે અને દિવડાઓ પ્રગટાવી તેમનું સ્વાગત કરે છે ત્યારથી દિવાળીનો દિવસ દિવડાનો દિવસ ગણાય છે.

આપ સહુને દિવાળીની શુભેચ્છાઓ.

આપનું નવું વર્ષ સુખમય રહે એવી મારી અંતઃકરણથી પ્રાર્થના છે.

[હંમેશ મુજબ દરેક તહેવાર નિમિત્તે અમેરિકા સ્થિત શ્રી રમેશભાઈ પટેલ [આકાશદીપ] તેમની સુંદર રચનાઓ મોકલી મેઘધનુષની શોભા વધારે છે તે બદલ હું – નીલા કડકિઆ તેમની ખૂબ જ આભારી છું]   


 

 દિવાળી

મારું નાનકડું ગામ ,જાણે ગોકુલિયું ધામ
રુડી સરોવરની પાળ,ઝૂલે વડલાની ડાળ
હસે પનઘટના ઘાટ.ગાગર છલકે રે વાટ
દોડી  કરીએ દિવાળીએ સ્નેહે સન્માન
કે મારા …આંગણાના થાજો મહેમાન
 
લાલી  છાઈ આકાશ, વરતાય  હૈયે  ભીંનાશ
માવતરનાં મીઠાં છે ગાન,,ધરે જીવન પ્રસાદ 
આદરનાં ઉભરાયે પૂર,મલકે વડીલોનાં ઉર
પ્રકાશ  પર્વના છલકે  છે પ્રેમ ભર્યા  પૂર
ઝીલો ઝીલો હૈયે  દોડી આજ ઉમંગી નૂર
 
શુભ સંકલ્પની જ્યોતી,ભાઈબીજની રે ખુશી
હૈયાને હરખે હીંચોળી, પૂરીએ રુડી  રંગોળી
ફટાકડાએ દે જો નવરંગોથી દિવાળી ઉજાળી
ને વધાવીએ  નવ વર્ષને  વેરઝેર ડુબોડી
કે આજ મીઠી લાગે  મારી રુપલી દિવાળી

શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)

 

                                                        ૐ નમઃ શિવાય

દિવાળીને શુભેચ્છાઓ તેમ જ નવા વર્ષની શુભેચ્છાઓ

દિવાળીને શુભેચ્છાઓ તેમ જ નવા વર્ષની શુભેચ્છાઓ

ઓલી દિવાળી

                                આજે આસો વદ એકાદશી

આજનો સુવિચાર:- ક્રોધની અગ્નિ પર પ્રેમનું પાની છાંટો તો જ શાંતિ સ્થાપિત થાય છે.

_1656838_divali[1]

[અમેરિકા સ્થિત શ્રી રમેશભાઈ પટેલે [આકાશદીપ] પોતાની આ રચના મોકલાવી એ બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]  

 

ઓલી દિવાળી 

 
અગિયારશ બારશ ને  તેરશ ચૌદશ
ખોળું દિવાળી  તને વિસ્મયે ચોદિશ
થઈ    અણજાણી   કેમ  તું  લપાણી
ઓ  અમારી   મનગમતી   દિવાળી
 
દીપ જલ્યા છે  દ્વારે દ્વારે
ને સંતાડ્યા સ્નેહ અંધારે
શોભે સુસ્વાગતમ ઝૂલતું પ્યારે
ને   લટકાવ્યાં  છે  તાળાં દ્વારે
 ને પૂછો મને ક્યાં લપાણી?
ઓલી અમારી ઘરઘરની દિવાળી
 
સ્વચ્છ આંગણીયે દીપતી રંગોળી
પણ   ભમું   હું   લઈ   પરેશાની
નિર્મળ  મનથી  નથી  આવકારા
 ને શીદને તું ખોળે દાદાઇ દિવાળી
 
મેવા મીઠાઈના  થાળ છે  મોટા
ને  દીઠા સબરસ  અંતરે  છેટા
મથું શોધવા એ કુટુમ્બ કબિલા
કરતા  રહેતા  સ્નેહ   સરવાળા
ને હવે ના પૂછીશ ક્યાં છે દિવાળી?
 
સાચે  જ તને  અંતરથી  ખોળું
દેવા અજવાળી ભાતે વધામણિ
રાહ જુએ તારી ફટાકડા ઝોલી
આવને મારી વહાલી  દિવાળી

શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)

                                                        ૐ નમઃ શિવાય

શરદ પૂનમની રાત

                      આજે આસો સુદ પૂનમ [શરદ પૂનમ]

[અમેરિકા સ્થિત શ્રી રમેશભાઈ પટેલે (આકાશદીપ) એમની આ રચના મોકલાવ્યા બદલ મેઘધનુષ આભારી છે.]

rasa-dance_s[1] 

પુણ્ય પ્રસાદ

ઢોલ ધબૂક્યા વૃન્દાવનમાં ,શરદ પૂનમની ખીલી રાત
ગોપ ગોપીઓની નિર્મળ ભક્તિ, કાના સંગ સૌને રમવો રાસ
ઝટઝટ વાળું લીધું આટોપી,દોડ્યૂં ગોકુળ વૃન્દાવન વાટ
વરસી વ્યોમથી અમૃત હેલી, પ્રગટ પ્રભુનો પામવા પ્યાર

શીતળ સમીરના વીંઝણા વાયે, છૂપાયો નટખટ રઢિયાળી રાત
બહાવરાં નૈન શોધે વ્રજનાર,શ્રી હરિ સંગે રમવો છે રાસ
ગામ ઘેલું થઈ પૂછતું વાત,નથી ફોડી મટકી કાનાએ આજ
નથી લૂંટ્યા માખણનાં દાન, બોલો જશોદાજી ક્યાં છૂપાયો કાન

હસતી રાધા કહે શ્યામને,કેમ કરી સૌ સંગ રમશો રાસ?
રુસણાં લેશે ગોપગોપીઓ, કેમ રીઝવશો સૌને શ્યામ?
પીળાં પીતામ્બર જરકશી ઝામા, મધરાતે વાયા વેણુના નાદ
લીન થયા બ્રહ્મનાદે ગુણીજન,ભૂલ્યાં વિરહમાં દેહનાં ભાન

રાસ ભક્યિમાં મગન વ્રજવાસી, દીઠો જોડીધર જગદીશ સૌ સંગ
સ્નેહ ભક્તિનો રાસ રચાયો, મન ભરી માધવે છલકાવ્યો રંગ
ગગન ગોખથી નીરખે યોગમાયા, બહુ રુપ ધરી કાનો રમતો રાસ
છોગાળો લાલો લાગે વહાલો, ભગવત કૃપાનો ધરિયો થાળ

શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)

                                                               ૐ નમઃ શિવાય