મારી સાથે જ આવું કેમ?

mother and son

[આ કાવ્ય મોકલાવ્યા બદલ ન્યુઝીલેંડ સ્થિત શ્રી. રૂપેશભાઈ પરીખનો મેઘધનુષ આભારી છે.]

મારી સાથે જ આવું કેમ ?

તે હે બા, મારી સાથે જ આવું કેમ?

તું તો કેહતી “બાપુ બહુ સંભાળ રાખશે”
તો હે બા,હવે એ ઓછાયો જોઈ ડર શીદને લાગે છે ?

બાજુવાળી મીના તો કેહતી “બાપુ તો બહુ વહાલ કરે, રમકડા આપે ”
તો હે બા, આ વહાલ આટલું કુચે કેમ છે ?

યાદ છે તું ગાતી ” ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગ નો દાણો…..”
તો હે બા, આ ચકો જ જો માળો પીંખે તો ?

રોજ કાજળનું ટીપું લગાવી તું કેહતી ” કોઈની નજર ના લાગે”
તો હે બા, આ “કોઈ” માં શું બાપુ ના આવે?

બા, લોકો તો કહે” તારી બા બહુ દૂર ચાલી ગઈ, ભગવાન ઘરે,
તો હે બા, શું તું મને સાથે ના લઇ જાય?

બા હે બા , કેમ તું કઈ સાંભળતી નથી,
મને પણ સાથે લઇ જાને ……….

શ્રી. રૂપેશભાઈ પરીખ

ૐ નમઃ શિવાય

મંદિર અને મસ્જિદ

 

એક જરૂરી જાહેરાત

 

આપણાં ચહિતા શ્રી મૃગેશભાઈ જેઓ રીડ ગુજરાતીનાં લેખક છે  હાલનાં સમયે બ્રેઈન હેમરેજને કારણે હૉસ્પિટલમાં દાખલ છે. તેમને આપના સહકારની [માનસિક અને આર્થિક ] જરૂરત છે.

સંપર્ક સાધોઃ- ૦૯૮૯૮૦૬૪૨૫૬

 

 

મંદિર અને મસ્જિદ

 

મંદિર અને મસ્જિદ વિષે ના તકરાર કર;

થઈ શકે તો તું બધાંથી પ્યાર કર.

 

મોટો નથી કોઈ ઈશ્વર કદી માણસાઈથી;

એ સત્યની તું સત્વરે સ્વીકાર કર.

 

આ પથ્થર, આ ખંજર ને આ બંદૂક થકી;

શું મેળવ્યું તેં, તું જરા વિચાર કર.

 

કર્મ શું છે? ધર્મ શું છે? તું ન સમજે  કશું,

હૃદયની ભાવનાના ધર્મને તું જરા સાકાર કર.

 

ચો-તરફ અંધકાર  બસ અંધકાર છે;

પ્રગટાવ તું આતમદીવો ને સવાર કર.

 

અલ્લાહ ને ઈશ્વર તને મળશે બધે;

કર બધાંથી પ્યાર ને તું પારાવાર કર.

 

  -રામુ ડરણકર

 

ૐ નમઃ શિવાય

 

I SAID A PRAYER FOR YOU TODAY

I SAID A PRAYER FOR YOU TODAY
AND KNOW GOD MUST HAVE HEARD
I FELT THE ANSWER IN MY HEART
ALTHOUGH HE SPOKE NOT A WORD

I DIDN’T ASK FOR WEALTH OR FAME
[I KNEW YOU WOULDN’T MIND]
I ASKED FOR PRICELESS TREASURES RARE
OF A MORE LASTING KIND
I PRAYED THAT HE’D BE NEAR TO YOU
AT THE START OF EACH NEW DAY
TO GRANT YOU HEALTH AND BLESSINGS FAIR
AND FRIENDS TO SHARE YOUR WAY
I ASKED FOR HAPPINESS FOR YOU
IN ALL THINGS GREAT AND SMALL
BUT THAT YOU’D KNOW HIS LOVING CARE
I PRAYED THE MOST OF ALL.

ૐ નમઃ શિવાય

જીવતર એટલે શું?

 

જીવતર એટલે શું?

સાવ સહજમાં છૂટા પડવું
સાવ સહજમાં મળવું
શરત વગરની સમજણ સાથે
મૌન બનીને ભમવું
છૂટા પડવું હળવું મળવું
સાથે રહેવું નિત નિરંતર

જીવતર એટલે શું?
જન્મ અને મરણ વચ્ચેનું
જીવાતું લાંબુ-ટુંકું અંતર

જીવતર એટલે શું?
શ્વાસોશ્વાસની રમત
છતાંય રમત રહે અજાણી
બહારનું કશું દેખાય નહિ
પણ અંદર થાતી ઉજાણી
નજર પડે પણ ખબર ન પડે
એવું જંતર મંતર

જીવતર એટલે શું?
જન્મ અને મરણ વચ્ચેનું
જીવાતું લાંબું-ટુંકું અંતર

જીવતર એટલે શું?
અંતરથી વિચારાતું
ક્યારેક આંખથી બોલાતું
બરછટ છતાંયે સાવ સુંવાળું
સ્પર્શ વિના છોલાતું
વણ વગાડે વાગતું
કાયમનું જબરું જંતર

જીવતર એટલે શું?
જન્મ અને મરણ વચ્ચેનું
જીવાતું લાંબું-ટુંકું અંતર

જીવતર એટલે શું?
હાથ વગું પણ હૈયા છેટું
આંખ વગું પણ આઘું
ઊઘડે તો પ્રભાત જેવું
ના ઊઘડે તો સંધ્યા ટાણું
નદી કિનારે ઘર માંડીને
તરસ્યા રહેવું સદંતર

જીવતર એટલે શું?
જન્મ અને મરણ વચ્ચેનું
જીવાતું લાંબું-ટુંકું અંતર

–શાંતમ

–સંકલિત

ૐ નમઃ શિવાય

શાયરી

                                             આજે ભાદરવા વદ એકાદશી

 

શાયરી

 

લોકો માટે તમે સારા જ છો, જ્યાં સુધી તમે તેમની અપેક્ષા પૂર્ણ કરો છો
લોકો બધા જ સારા છે, જ્યાં સુધી તમે તેમની પાસે અપેક્ષા ના રાખો

 

હંમેશા મજાકમાં થોડી સચ્ચાઈ હોય છે, પૂછવામાં પણ કંઈક મતલબ હોય છે
બેખબરને પણ થોડી ખબર હોય છે અને આઈ ડોન્ટકેર એમાં પણ થોડી કેર હોય છે

 

વેદના સમજી શકો તો આંખ ભીની થાય છે,
પારકી પીડા કદી હૈયાને સ્પર્શી જાય છે

 

નથી મેળવાતી ખુશી સંપત્તિથી, આ મોજા રડીને કહે છે જગતને
ભીતરમાં જ મોતી ભર્યા છે છતાંયે, સમંદરના જીવન ખારા થઈ ગયા છે

 

પથ્થર પણ પોલા હશે કોને ખબર, લોકો પણ બેવફા હશે કોને ખબર
રડશે મારા મૃત્યુ પછી કેટલાય લોકો, એમાં કોના આંસુ ખોટા હશે કોને ખબર

 

ૐ નમઃ શિવાય

શબ્દનું ઘર ઊઘડે

                                            આજે મહાવદ છઠ્ઠ

શબ્દનું ઘર ઊઘડે

ઘનઘોર ઘેરાયું સઘન આકાશ આખર ઊઘડે,
કૂંચી ફરે, તાળાં ખૂલે ને શબ્દનું ઘર ઊઘડે.

પહેલી પ્રથમ આંખો ફૂટી હો એમ અંતર ઊઘડે,
કમળ જ નહીં, આખું સ્વયં જાણે સરોવર ઊઘડે.

આ શ્વાસ ને ઉચ્છવાસ સાથે કોણ મંથર ઊઘડે,
કે જન્મમન્માંતર બધાં આ ઘર પછી થર ઊઘડે.

રેલાય કેવળ એકધારો સ્વર મધુર આરંભનો,
કોની પુરાતન ઝંખના, આ દ્વાર જાજર ઊઘડે !

ઊભો સમય થિર આંખમાં થંભી ગઈ સહુ પરકમા,
હું ઊઘડું ઉંબર ઉપર, સામે ચરાચર ઊઘડે !

કવિશ્રી:- શ્રી રાજેન્દ્ર શુક્લ

                                                        ૐ નમઃ શિવાય

ના કહો તો નહીં

                                       આજે મહા સુદ ચોથ

ના કહો તો નહીં

તમે કહો તો હો જો
ના કહો તો નહીં
અમે તમારે કોરે
કાગળ કરી દઈએ સહી.

તમે કહો કે ચાલવું છે,
તો રસ્તો થઈને ખૂલશું
તમે કહો કે ભૂલવું છે,
તો યાદ કરીને ભૂલશું.

મીરાંની મટુકીમાં માધવ;
હોય ના બીજું કંઈ
તમે કહો તો હા અને
જો ના કહો તો નહીં.

તમે કહો કે બોલો,
તો હોઠ ઉપર છે તાળાં
ભીતરમાં તો ભલે થતી રહે,
નામ તણી જપ માળા.

તમે કહો કે સાથ રહો
તો અમે જઈશું રહી,
તમે કહો તો હા અને
જો ના કહો તો નહીં

સુરેશ દલાલ

                                                          ૐ નમઃ શિવાય

યાદ કે અંજલિ

આજે માગશર વદ અમાવસ્યા

યાદ કે અંજલિ

હીંચકે બેઠો, મોબાઈલે વાત કરતો,
બસ, એક યાદ અપાવી,
ને અશ્રુઓ ડોકાબારીમાંથી છલકાણાં !

આ તે કેવી યાદ, પ્રત્યક્ષ હાજર !
ફાંફા મારૂં, ના કોઈ દેખાણું
આ તે કેવી યાદ કે મુક અંજલિ’
રૂદન કરતું મન, ખોવાયાનો અફસોસ,
ખોટ કોણ પુરશે આજ કરવી શ્રીજીને આજીજી !

માનવીની જીંદગી, ક્યારે પુરી થાય?
એક સ્વપ્ન સમાન બની રહે.
રહી જાય, રહેમ દીલ ને મહેક !

— ચંદ્રકાંત શાહ [ચટાઈ]

                                                      ૐ નમઃ શિવાય

સાત રંગના સરનામે

                                           આજે અષાઢ સુદ નોમ

આજનો સુવિચાર:- ઓળખાણવાળા જોડે મેળ ના પડે ફો તે મોક્ષે ના જવા દે. ત્યાં તો સામે ચાલીને મેળ પાડી દેવો. — દાદા ભગવાન

 

સાત રંગના સરનામે

સાત રંગના સરનામે ના તું આવી, ના હું આવ્યો
ના ઘર ઊઘડ્યાં સામે સામે, ના તું આવી, ના હું આવ્યો.

તું કેશ સૂકવતી રહી તડકે, હું ડૂબતો ચાલ્યો પુસ્તકમાં,
બહુ વ્યસ્ત રહ્યાં અંગત કામે, ના તું આવી, ના હું આવ્યો.

કેવા દુખિયારા ગર્વ વડે, ખરબચડી ઉંમર પંપાળી ?
શું કામ હતું બીજું સામે ? ના તું આવી, નાહું આવ્યો.

ના સાંજની બેઠી સોગઠીઓ, ના કોડી ઊછળી સપનાંની,
ચોપાટ રમ્યાં ડામે ડામે, ના તું આવી, ના હું આવ્યો.

એક વાતનું પુંકેસર તૂટ્યું, એક ડાળ તૂટી ગઈ શબ્દોની એક
મજિયારા મનના નામે, નાતું આવી, ના હું આવ્યો.

                                                                                        – રમેશ પારેખ

                                             ૐ નમઃ શિવાય

કોણ અજવાળું અડે આ પડછાયો પડે?

                                       આજે જેઠ સુદ પાંચમ

આજનો સુવિચાર:- પ્રજાનો પ્રકોપ અન્ય સર્વ આપત્તિઓ કરતાં વધુ ભયંકર હોય છે. — ચાણક્ય

કોણ અજવાળું અડે આ પડછાયો પડે ?
છું સ્વયં પ્રાકટ્યમાં તો કોણ આ મારા વડે ?

દૃષ્ટિ થાકી લોથ થઈ આવી ભલે ચરણે પડે.
ક્યાં કદી આનંત્ય-પથનો વેગળે છેડો જડે ?

કોણ ચાવી ? કોણ તાળું ? કોણ શું આપસ મહીં ?
હું ઉઘાડું જ્યાં મને; શી વાત છે તું ઊઘડે ?

આંખ મીંચીનેય તુજથી પ્રેમ-સંલગ્ને રહું;
દૃશ્ય પેલે પાર શું, અદૃશ્યમાં પણ તું જડે !

બુંદ પણ મુજ સ્નેહ નિત સર્વસ્વ તુજ સાગર ભણી;
હોય તું ‘પાણી…જ પાણી’…કાં’ ન પાણી પરવડે ?

— ‘અગમ’ પાલનપુરી


                                              ૐ નમઃ શિવાય