સાપુતારા

saputara

 

સાપુતારા

 

 

સહ્યાદ્રિ પર્વતમાળા ડાંગનાજંગલ વિસ્તારમાં આવેલી છે જે સાપુતારા તરીકે ઓળખાય છે. આ પર્વતમાળા સાપના આકારમાં હોવાથી સાપુતારા તરીકે ઓળખાય છે.

આ રમણીય સ્થળ સુરતથી ૧૭૨ કિ.મી.ના અંતરે છે. સાપુતારા રમણીય સનસેટ પોઈંટ માણવા લોકો જાય છે.

ટ્રેકિંગ કરનારાઓને સાપુતારાના જંગલોના જંગલી પ્રાણીઓનો ભેટો જરૂરથી થાય છે.
સહેલાણીઓને આકર્ષવા અહીં રમણીય હોટોલો અને સ્વીમીંગ પૂલો બનાવવામાં આવ્યા છે.

 

ૐ નમઃ શિવાય

પાંડવયુગનો પુરાવો ધંધૂકા પાસેનું ભીમનાથ મહાદેવ

img_front

અમદાવાદથી ૧૨૫ કિ.મી.અને ધંધુકાથી ૧૫ કિ.મી. દૂર ભાવનગર રોડ પર ભીમનાથ ગામ આવેલુ છે. ૫૫૦૦ વર્ષ પહેલા કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીંયા આવેલા અને ગુપ્તવાસ દરમિયાન અહીયાં ભીમ મહાદેવની સ્થાપના કરી હતી. આ શિવ મંદિર શિખર વગરનું પ્રથમ મંદિર છે. એ વૃક્ષની નીચે આ મહાદેવની સ્થાપના કરેલી તે પણ ૫૫૦૦ વર્ષ જૂનું વરખડી (જાળ)નું વૃક્ષ પણ હાલ મોજુદ છે.

પૌરાણિક કથા મુજબ ભગવાન શિવજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા અર્જુને મહાદેવની પૂજા કર્યા વિના જમવું નહી એવું વ્રત રાખ્યું હતું તેથી અજ્ઞાતવાસ દરમિયાન અહીંના જંગલમાં ક્યાંયે શિવલિંગ ન મળતા ભીમે શિવલિંગ આકારના પાષાણને જાળનાં વૃક્ષ નીચે સ્થાપિત કરી જંગલી ફૂલો ચઢાવીને અર્જુન અને કુંતીને આ સ્થળ બતાવી જણાવ્યું કે અહીં જ શિવલિંગ છે. શિવભક્ત અર્જુન ભાવવિભોર થઈને શ્રદ્ધાથી બાજુમાં વહેતી નદીમાંથી જળ લાવી શિવપૂજન કર્યું.

આજે પણ જે  પાષાણ પર પ્રહાર કરી શિવલિંગ બનાવી જાળનાં વૃક્ષની નીચે સ્થાપિત કર્યુ હતું  તે મોજુદ છે. આ જાળનાં વૃક્ષમાંથી ચૈત્ર માસમાં ખાંડ ઝરે છે જેનો ભાવિકો પ્રસાદ તરીકે ઉપયોગ કરે છે. આ સ્થળ એટલું સમૃદ્ધ હતું કે શિવાજી મહારાજે સુરતમાં અંગ્રેજો સામે લડાઈ કરવા માટે આર્થિક મદદ માંગી હતી. પ્રાચીન કાળમાં સૌરાષ્ટ્રનું મોટામાં મોટું અન્નક્ષેત્ર અહીંયા ચાલતું હતું. અહીંયા અનેક રાજા મહારાજા દર્શનાર્થે આવતા હતા.

—સંકલિત

ૐ નમઃ શિવાય

મુંબઈ નજીકનાં ગ્રેટ આઉટડૉર્સ

મુંબઈ નજીક્નાં ગ્રેટ આઉટડૉર્સ

peth fort

 

પેઠ ફૉર્ટ

 

કર્જત નજીક આવેલો પેઠ ફૉર્ટ કોઠાલી ગઢ તરીકે પણ ઓળખાય છે. આ ફોર્ટનો આકાર નાનકડી સબમરીન જેવો છે. ટ્રેકિંગમાં નવોદિત માટે આ એક આદર્શ સ્થળ છે. સંભાજી રાજાના સમયે આ કિલ્લાનો ઉપયોગ સંરક્ષણ મથક તરીકે થતો હતો. આ ગઢ ભીમાશંકર, પદરગઢ તેમજ સિદ્ધગઢ જેવા કિલ્લાઓથી ઘેરાયેલો છે.
કિલ્લાની તળેટી રમણીય પેઠ ગામ આવેલું છે. ફોર્ટ પર પહોંચતા ભૈરોબાની ગુફા આવે છે. તેમાં ભૈરવનાથની મૂર્તિ હોવાને કારણે તેનું નામ ભૈરોબાની ગુફા એવું નામ પડ્યું છે. કર્જતના ઈશાને ૨૧ કિ.મી.ની દૂરે આવેલા આ સ્થળે પહોંચવા કર્જત સ્ટેશનથી બસ અથવા છકડો રિક્ષા મળે છે. પેઠ ફોર્ટ પહોંચતા દોઢ કલાક લાગે છે.

naneghat

 

naneghat 1

 

 

naneghat 2

 

નાનેઘાટ ટ્રેક

કલ્યાણ નજીક કોંકણપટ્ટી નજીક આવેલા પહાડી પ્રદેશમાં આવેલો આ એક નાનકડો ઘાટ છે. લગભગ ૩૫૦ વર્ષ પહેલાં આ પ્રદેશમાં રાજ કરનારા સાતવાહન વંશ દ્વારા આ ઘાટ બાંધવામાં આવ્યો હતો. આ ઘાટ અનેક રીતે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. અહીં શિલાલેખો તેમજ પર્વતમાં કોતરેલાં ઘરો પણ છે. અહીંની ગુફાઓ રમણીય છે. અહીંની દિવાલ પરથી સહ્યાદ્રિ પર્વતમાળાનું અદભૂત દૃશ્ય નિરખી શકાય છે. આ પહાડનો ત્રણ કલાકનો ટ્રેક ખૂબજ આનંદદાયક છે.
કલ્યાણ સ્ટેશનથી માલસેજ ઘાટ જતી બસ પકડી ટોકવડે ગામના સ્ટોપ પર ઉતરી જવું. અહીંથી ત્રણ ચાર કલાક ટ્રેકિંગ કરી ટોચ પર પહોંચી શકાય છે. માલસેજથી મુરબાડ જતા રોડ પર આવેલા વૈશાખેરે ગામથી પણ ટ્રેક ચાલુ કરી શકાય છે.

 

rajmachi-fort-picture-03

 

રાજમાચી ફૉર્ટ

 

લોનાવલા નજીકનો આ ફોર્ટ નવોદિતોનો પ્રિય છે. અહીંનું કુદરતી સૌંદર્ય નયનરમ્ય છે. અહીં હાઈકિંગ કરતી વખતે અલ્લડ ઉલ્હાસ નદીનું નયનરમ્ય સૌંદર્ય આંખોને ઠારે છે. અહીં નજીકમાં શ્રીવર્ધન અને મનરંજન ફોર્ટ જોવાલાયક છે.
કર્જત સ્ટેશન ઊતરી કોંદીવડી ગામથી રાજમાચી જઈ શકાય છે. લોનાવલાથી મોટર માર્ગે બે કલાકમાં અહીં પહોંચી શકાય છે. રાજમાચી ફૉર્ટ લોનાવલાથી ૧૮ કિ.મી. દૂર છે.

 

bhandaradara fort

 

ભંડારદરા

 

નાસિક નજીક આવેલો ભંડાદરાનું સૌંદર્ય બેનમુન છે. મહારાષ્ટ્રનું આ અવ્વલ નંબરનું હિલ સ્ટેશન છે. જળધોધ સાથે વાદળોનું પણ સાનિધ્ય મ્હાલી શકાય છે. મહારાષ્ટ્રના સૌથી ઊંચા શિખર કળસુબાઈને નિહાળી શકો છો. રંધા ફોલ્સ અને પ્રખ્યાત વિલ્સન ડેમ પણ અહીં જ છે.
તો ક્યારે પધારો છો નિહાળવા??????????
ઈગતપૂરીથી લગભગ ૩૫ કિ.મી.ને અંતરે આવેલ ભંડાદરા પહોંચવા બસ તથા અન્ય વાહનો મળી રહે છે. મુંબઈથી અંદાજે ચાર કલાકમાં ડ્રાઈવ કરી પહોંચી શકાય છે.

                                                                                               – સૌજન્ય — જન્મભૂમિ
                                                                                                                              — સંકલિત

 

ૐ નમઃ શિવાય

મલાડના વૈષ્ણોદેવી

આજે દશેરા – આસો સુદ દસમ

આપ સૌને દશેરાની શુભેચ્છાઓ.

vaishnodevi at malad

કટરામાં બિરાજતા વૈષ્ણોદેવીથી તો આપ સહુ પરિચિત છો પરંતુ આપ જાણો છો કે મુંબઈના મલાડ નામના ઉપનગરમાં પણ કટરાના વૈષ્ણોદેવી બિરાજમાન છે. મલાડ [પૂર્વ]માં દફ્તરી રોડ આવેલું વૈષ્ણોદેવી મંદિર કટરાના વૈષ્ણોદેવી મંદિરની પ્રતિકૃતિ છે.

આજથી ૧૩ વર્ષ પહેલા ૭મી ફેબ્રુઆરી, ૨૦૦૦ના રોજ આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

જમ્મુ શહેરથી ૪૫ કિ.મી. દૂર અને સમુદ્ર સપાટીથી ૨૫૦૦ ફૂટની ઊંચાઈએ આવેલા કટરા નામના ગામથી વૈષ્ણોદેવીની યાત્રાનો પ્રારંભ થાય છે. સમુદ્ર સપાટીથી ૬૨૩૦ ફૂટની ઊંચાઈએ આવેલા ત્રિકૂટ પર્વતસ્થિત ખીણ પ્રદેશની ગુફામાં મહાકાલી, મહાલક્ષ્મી તેમ જ મહાસરસ્વતી માતા ભવ્ય પિંડી રૂપમાં બિરાજમાન છે. આ યાત્રા કરતાં ઘણી કઠિનાઈઓનો સામનો કરવો પડે છે. વયોવૃદ્ધ, અપંગ તેમ જ આર્થિક રીતે નબળા ભાવિકો આ યાત્રા કરી નથી શકતા.

આ વાતનો વિચાર પાંચ મિતોએ મળીને કર્યો અને માતાજીના આશીર્વાદથી માતા વૈષ્ણોદેવીના મંદિર મુંબઈના  મલાડ નામના ઉપનગરમાં બનાવવાનો વિચાર કર્યો. ત્રિકૂટ પર્વતની જેમ જ ડુંગરમા પીંડી સ્વરૂપે સ્થાપના કરવાની યોજના કરી.

મંદિરની સ્થાપના કરવા દરેક મિત્રે આર્થિક રીતે મદદ કરી. એક મિત્રે પોતાની જ્ગ્યાનું દાન કર્યું, જ્યારે બીજા મિત્રે પાયો નાખી વૈદિક મંત્રોચ્ચારોણ દ્વારા વિધી પૂર્ણ કરી. ત્રીજા મિત્રના અથાગ પ્રયત્નથી ધાગેન્દ્ર ગામના પથ્થરો વડે લોખંડ કે કોઈપણ સ્લેબ અથવા બીમ વગર નવ મહિનાના સમયગાળામાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. વૈષ્ણોદેવીના મંદિરથી આણેલી અખંડ જ્યોતિ આ મંદિરમાં લાવવામાં આવેલી છે.

મંદિરમાં પ્રવેશતાં શીતળતાનો અનુભવ થાય છે. માતાજીનાં દર્શન, જ્યોતિનાં દર્શન તેમ જ ત્રણ પિંડીનાં દર્શનથી મન પ્રફુલ્લિત થઈ જાય છે.

મંદિરમાં ભોળાનાથના પરિવાર, નાકોડાજી તેમજ ભૈરવનાથજી અને હનુમાનજીનાં મંદિર છે. ગુરુનો દરબાર અને નવદુર્ગાનાં પણ મંદિરોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. ચૈત્રી નવરાત્રી તેમજ આસો માસની નવરાત્રીમાં લાખો શ્રદ્ધાળુ લોકો દર્શન કરી માનતા માને છે.

— સંકલિત

                                                                            ૐ નમઃ શિવાય

ચિત્તોડગઢ

[આ લેખ મોકલનારનો મેઘધનુષ આભારી છે. મોકલનાર પોતાનું નામ મોકલાવી શકે છે.]

 

chitod

 

                                           ચિત્તોડગઢ

સમુદ્ર સપાટીથી ઊંચાઇ ઉપર સમતલ પર્વત પર બનેલા આઠ ચોરસ માઇલના ઘેરાવાળા વિશાળ કિલ્લામાં છે. આ કિલ્લો મૌયવંશી રાજા ચિત્રાંગદ દ્વારા નિર્મિત હોવાથી આને ચિત્રકુટ કિલ્લો પણ કહેવાય છે. ચિત્તોડનો આ કિલ્લો ભારતભરમાં વિખ્યાત છે. કહેવાય છે કે ` ગઢ તો ચિત્તોડગઢ , બાકી સબ ગઢૈયા ‘ આટલો વિશાળ અને ભવ્ય કિલ્લો બીજે ક્યાંય નથી.

મહારાણા પ્રતાપનો આ કિલ્લા સાથે સંબંધ હતો. વિ.સં. 1587 માં શ્રી શેત્રુંજયનો જિર્ણોદ્ધાર કરાવનાર મંત્રી શ્રી કર્મચંદ્ર બચ્છાવત અહીંના નિવાસી હતા. મહારાણા પ્રતાપ જ્યારે અકબરની સેના સામે હારી ગયા અને તેઓ દેશ છોડી જવા લાગ્યા ત્યારે દાનવીર ભામાશાહે પોતાનું સર્વધન એમને અર્પણ કર્યું. એમની સહાયતાથી મહારાણા પ્રતાપએ ફરીથી સેના એકત્ર કરી અકબરના સામનો કર્યો.

વિ.સં. 800 માં ગોહિલવંશી રાજા બાપ્પા રાવળે મૌર્યવંશી રાજા માનને હરાવી આ કિલ્લો જીત્યો હતો. બારમી સદીમાં સિદ્ધરાજ જયસિંહે રાજ કરેલ છે. સંવતની પહેલી શતાબ્દીમાં આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર અહીં વિદ્યા સાધન માટે આવ્યા હતા. મહારાણા મોકલના મંત્રી ભદનપાલ એ

અહીંયા ઘણા જિનમંદિર બનાવ્યા છે. અહીંયા ઋષભદેવ ભગવાનનું બાવન જિનાલય , શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર , શ્રી શાંતિનાથ ભગવાન તથા શ્રી મહાવીર ભગવાનના પ્રમુખ મંદિર છે. આમાંથી મુખ્ય અને સૌથી મોટું શ્રી ઋષભદેવ ભગવાનનું દેરાસર છે. બાવન દેવકુલિકાઓથી વીંટળાયેલા આ મંદિરનું સ્થળ ` સત્તાવીસ દેવરી ‘ ના નામે ઓળખાય છે. ચૌદમી સદીમાં નિર્માણ થયેલા સાત માળના જૈન કીર્તિસ્તંભમાં શ્રી આદિનાથ ભગવાન અને અનેક જિનપ્રતિમાઓ ઉત્કીર્ણ છે અહીં જૈન કીર્તિસ્તંભ ઉપરાંત રાજા જયસિંહનો મહેલ (ખંડેર) , રાણી પદ્મીનીનો મહેલ , વિજય કીર્તિસ્તંભ વગેરે દર્શનીય છે. આમ , ચિત્તોડ એક મહાન ભૂમિ ગણાય છે. જ્યાં અનેક શૂરવીર રાજાઓ અને જૈન મંત્રીઓએ સમયે સમયે અનેક મહાન કાર્યો કરેલ છે. આ સ્થાન ધાર્મિક અને ઐતિહાસિક રીતે ખૂબ જ ભવ્ય સુંદર છે , જૂના પ્રાચીન તીર્થયાત્રાનાં ગ્રંથોમાં ચિત્તોડ (ચિત્રકૂટ)નો ઉલ્લેખ છે. અહીં રહેવાની , ભોજનશાળા , આયંબિલની સુવિધા ઉપલબ્ધ છે.

 

 ૐ નમઃ શિવાય

માણેકજી શેઠ અગિયારી [મુંબઈનાં હેરીટેજ-૧]

                                                      મુંબઈનાં હેરીટેજ – ૧

250px-Maneckji_Seth_Agiary,_Mumbai

                                                                                    માણેકજી અગિયારી

India Parsi New Year

                            પારસીબાનુ માણેકજી શેઠ અગિયારી નજીક

માણેકજી અગિયારી -પારસી પ્રજાના ભૂતકાળની સાક્ષી

એકલા ભારતમાં નહીં પણ સમગ્ર વિશ્વમાંથી પારસી પ્રજા પાંખી થતી જાય છે. ઈ.સ. ૧૮૧૩માં એકલા ફોર્ટ વિસ્તારમાં ૧૦,૮૦૧ની વસ્તિમાં ૫,૩૬૪ જેટલા પારસી હતા. મુંબઈનું પ્રથમ ચર્ચ, પ્રથમ દેરાસર અને પ્રથમ અગિયારી પણ ફોર્ટ વિસ્તારમાં જ બન્યા હતા.

મુંબઈની સૌથી બીજા નંબરની જૂની હયાત પારસી અગિયારી એટલે પેરિન નરિમાન સ્ટ્રીટ પરની માણેકજી નવરોજી શેઠ શેનાઈ અગિયારી. આ અગિયારી ૧૭૩૦માં બનાવવામાં આવી હતી. એ સમય પારસીઓનો વિકાસ કાળ હતો. ૧૯૬૩માં પ્રકાશિત થયેલા ‘હાઈલાઈટ્સ ઑફ પારસી હિસ્ટ્રી’માં પી.પી.બલસારાએ નોંધ્યું છે કે મુંબઈમાં પારસીઓ ૧૫૩૮થી વસેલા હતા. ૧૬૬૫માં પારસી સદગૃહસ્થ ખુરશેદજી પોચાજી પાંડેએ પૉર્ટુગીઝોને ‘બોમ બાહિયા’ના અર્થાત સારું બંદરના રક્ષણ માટે કિલ્લો ચણવા જરૂરી સામાન અને માણસો પૂરા પાડ્યા હતા. જોકે આ કિલ્લો પાછળથી કૅસલ એન્ડ ધ ફૉર્ટ ડિસ્ટ્રિક્ટ ઑફ બૉમ્બે તરીકે પ્રખ્યાત થયો.

૧૭૦૯માં બનાજી લીમજીએ ફૉર્ટે વિસ્તાર્માં અગિયારી બંધાવી હતી જે હજી પણ અડિખમ ઊભી છે. ત્યારબાદ ૧૭૩૩માં માણેકજી નવરોજી શેઠે અગિયારી બંધાવી હતી. માણેકજી નવરોજી સુરતથી મંબઈ આવ્યા બાદ જમીનનો એક મોટો ટુકડો ખરીદ્યો. જેની ઉપર તેમણે પ્રથમ અગિયારી બાંધવાનું કાર્ય કર્યું અને વધેલા ટુકડા પર પારસી કૉલોની બંધાવી.

પારસી માન્યતા મુજબ અગિયારીનું મુખ્ય કાર્ય પવિત્ર અગ્નિને રાખવાનું છે નહીં કે ઈમારતની મહિમા વધારવા ઈમારતની શોભા વધારવાની.
આ કારણોસર પારસીઓની અગિયારીઓ બહારથી ક્યારેય ભવ્ય જોવા નહી મળે. બિનપારસીઓને અગિયારીમાં પ્રવેશ ન હોવાને કારણે અગિયારી અંદરથી કેવી હોય છે તેનું વર્ણન અશક્ય છે. પરંતુ ઉપલબ્ધ માહિતી મુજબ જ્યાં પવિત્ર અગ્નિ મુકાયો હોય છે એ જગ્યા ‘આતશગાહ’ કહેવાય છે. અગિયારીમાં મહદઅંશે કુદરતી જળનો સ્તોત્ર હોય છે.

પેરિન નરિમાન સ્ટ્રીટ ખાતેની આ અગિયારીને જોતાં એ સમજાય છે કે પારસીની જાહોજલાલીની ચરમસીમાના કાળમાં બંધાઈ હશે. આ અગિયારીના નામમાં આવતો શેનશાઈ શબ્દ, પારસીઓ દ્વારા વપરાતા કેલેન્ડરનું નામ છે. અગામી ૧૯મી જૂને આ અગિયારીને ૨૮૦ વર્ષ પૂરાં થશે.

                                                                            ૐ નમઃ શિવાય

નિસર્ગને ખોળે

  નિસર્ગને ખોળે

 

મુંબઈ નજીકનાં કેટલાંક નૈસર્ગિક મનોરમ્ય ટ્રેકિંગના સ્થળો છે. તેમાંના……………….
tamni

 

તામણી ઘાટઃ-

 

મુંબઈ-ગોવા માર્ગ પર કોલાડ ગામની ડાબી બાજુનો રસ્તો તામણી ઘાટ તરફ જાય છે. કોલાડ ગામથી૨૦ કિ.મી. દૂર આવેલા આ ઘાટનો લીલોછમ પરિસર આંખોને ઠંડક આપે છે. ઘાટની થોડીડાબી બાજુએ વળતાં જ એક વિશાળ ધોધ જોવા મળશે તેમજ વધુ આગળ જતાં નાનાં નાનાં ઝરણાં અને હરિયાળી જોવા મળશે. ઘાટ પસાર કર્યા બાદ ૧૦ કિ.મી. પછી એક કાચા રસ્તાની ડાબી બાજુએ પડતો માર્ગ ઘનગડ, તૈબબેલા કિલ્લા તેમજ એમ્બીવેલીના કોરીગડ કિલ્લાથી લોનાવલા તરફ જાય છે. રસ્તાનાં વાંકાચૂકા વળાંકો અને ક્યાંક ક્યાંક ટેકરીઓમાંથી વહેતાં ઝરણાંઓ અદ્ભૂત લાગે છે.

 

varadayini fall

વરદાયનીનો ધોધઃ-

 

કોલાડ અને પાલી જવા માટેના વાંકાચૂકા રસ્તા વચ્ચે વળાંકવાળા ફાંટા પર એક નાનકડો ઘાટ છે. આ ઘાટની ડાબી બાજુ જતાં તામ્રવર્ણીય ધોધ દેખાશે. આ એ જ વરદાયીની ધોધજેનો તામ્રરંગ તેની માટીને કારણે થયો છે.

 

Sankashi waterfall

 

સાંકશી કિલ્લોઃ-

 

પનવેલ-પેણ જવાના રસ્તે પનવેલથી ૧૮ કિ.મી. દૂર બળવલી ગામ આવેલું છે. તેનાથી ૫ કિ.મી. દૂર સાંકશીનો કિલ્લો આવેલો છે. કિલ્લામાં ૧ કલાકનાં સરળ ચઢાણ બાદ નયનરમ્ય લીલી ચાદર જોવા મળશે. વરસાદની ઋતુમાં ચઢાણ પૂરું કર્યા બાદ હરિયાળો ધોધ જોવા મળશે. એક કિલ્લો સર કર્યાનો ગર્વ અનુભવાશે.

તેની નજીકમાં પાતાળગંગા, રસાયણી ગામથી થોડે દૂર માણેકગઢ કિલ્લો આવેલો છે. ત્યાંના ઝરણાંઓ નયનરમ્ય છે.

 

sondai fort

 

સોનડાઈ કિલ્લોઃ-

કર્જત-ચોક જતાં રસ્તામાં બોરગામ નજીક સોનવડાઈ વાડી પાસે સોનડાઈ કિલ્લો આવેલો છે. આ કિલ્લો સર કરવાની મજા અનોખી છે. ત્યાંથી દેખાતા મોરબે ડેમનો પરિસર જોઈને હૃદય ધબકારો ચૂકી જશે.

 

Peb fort

 

પેબ કિલ્લોઃ-

 

નેરળમાં માથેરાન નજીક પેબ કિલ્લામાં જતાં એક મોટા ઝરણાને પાર કરી તેમાં ઉદ્ભવ સ્થાનની તળેટી પર જવાનો રસ્તો છે.

 

mahuli fort

 

માહુલી કિલ્લોઃ-

શાહપુર-આસનગાંવ નજીક માહુલી કિલ્લો આવેલો છે. ૬ કિ.મી. આગળ જતાં તળેટીમાં શિવજીનું મંદિર આવેલું છે. ત્યાંથી પૂર્વમાં જતાં મનોહર ધોધ જોવા મળે છે.

 

rajmachi-fort-picture-03

 

રાજમાચી કિલ્લોઃ-

 

ખંડાલાથી લોનાવલા તરફ જતાં કાચા રસ્તે ૧૬ કિ.મી. દૂર રાજમાચી કિલ્લો આવેલો છે. રસ્તામાં પહાડ, ઝરણાં અને તડકા-છાયાંની સાથે સંતાકૂકડી રમતાં વાદળોને જોવાની મજા અનોખી છે.

 

કોહોજ, ટકમક, અશેરીગઢ, અર્નાળા, કેળવે, કાળદુર્ગવાડા, મોખાડા, વિક્રમગઢ જેવા કિલ્લા પણ થાણે જિલ્લામાં આવેલા છે. તેમનું બંધારણ નબળું પડી ગયું છે પણ ત્યાના નજારા જોવાલાયક છે.

 

આપણી ગવર્મેંટે આ બાબત માટે વિચારણા કરવી જોઈએ જેથી સહેલાણીઓ માટે અનેક રસ્તાઓ ખૂલી શકશે.

 

— સંકલિત

 

 ૐ નમઃ શિવાય

માહિમ દરગાહ – મુંબઈ પોલીસનું શ્રદ્ધાસ્થાન

માહિમ દરગાહ – મુંબઈ પોલીસનું શ્રદ્ધાસ્થાન

 

Mahim Daragah

 

 

માહિમ દરગાહ તરીકે પ્રખ્યાત મકદૂમ શાહ બાબાની દરગાહ અને મુંબઈ પોલીસનો નાતો નોખો છે. કોઈ ગુનેગાર ન પકડાતો હોય, કાંતો કોઈ કેસ ઉકેલાતો ન હોય તો મુંબઈ પોલીસના અધિકારીઓ મકદૂમ શાહ બાબાના દરબારમાં ઘા નાખે છે અને આવું કર્યા બાદ કેસ ઉકેલાઈ જતો હોવાના અનેક કિસ્સા નોંધાયા છે. એટલું જ નહીં, દર ગુરુવારની સવારે માહિમ પોલિસસ્ટેશનના કર્મચારીઓ આ દરગાહ પાસે પરેડ કરી સંત મકદૂમ શાહને સલામી આપે છે. વાત અહીં ખતમ નથી થતી માહિમ પોલીસ્ટેશનમાં બદલી પર આવતા વરિષ્ઠ અધિકારી, આ ઝોનના નવા એસીપી તથા ડીસીપી પણ ફરજ પર હાજર થતા પહેલાં દરગાહ પર ચાદર ચઢાવે છે. મકદૂમ શાહ બાબાની યાદમાં યોજાતા માહિમ મેળા દરમિયાન સૌપ્રથમ મુંબઈ પોલીસના પ્રતિનિધિ દ્વારા બાબાની મજાર પર ચાદર ચઢાવવામાં આવે છે. આ માટે મુંબઈ પોલીસ સંદલ સમિતિ બનાવવામાં આવી છે જેના ચૅરમૅનપદે માહિમ પોલીસ અધિકારીની વરણી આપોઆપ થઈ જાય છે.આતો ફક્ત પોલીસ સાથેના સંબંધોની વાત થઈ, એ સિવાય ધર્મના સીમાડા ભૂલીને મુંબઈગરાઓ આ દરગાહ પર આવે છે.

માહિમનો ઈતિહાસ પર નજર નાખીએ તો પ્રાચીન કાળમાં આ સ્થળ માઈજિમ, મેજામ્બુ તથા મહિકાવતી તરીકે ઓળખાતુ હતું. ૧૩મી સદીમાં આ સ્થળ રાજા ભીમદેવના રાજ્યની રાજધાની હતું. પ્રભાદેવી વિસ્તારમાં તેમનો મહેલ અને ન્યાયમંદિર હોવાનો ઉલ્લેખો પણ અનેક સ્થળે જોવા મળે છે. ત્યારબાદ ગુજરાતના અહેમદ શાહે માહિમ ટાપુનો કબજો મેળવ્યો હતો. ૧૪૩૧માં માહિમમાં આ દરગાહ બની હતી. મકદૂમ અલી માહિમી કોંકણ વિસ્તારમાંથી આવેલા સૂફી સંત હતા. કહેવાય છે કે મકદૂમબાબા હિજરતી આરબ પરિવારમાં જન્મ્યા હતા. તેમણે મોઈનુદીન ઈબ્ન-એ-અરબીને પોતાના ગુરુ બનાવ્યા હતા અને અહેમદ શાહે તેમને શહેરના કાજી બનાવ્યા બાદ તેમની નામના ફેલાઈ હતી. મકદૂમ શાહ બાબા ભારતના પ્રથમ ઈસ્લામિક વિદ્વાન હતા જેમણે કુરાન પર ભાષ્ય રચ્યું હતું. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન કુલ ૨૦ પુસ્તકો લખ્યા હતા અને તેમને કુતુબ-એ-કોંકણનો ખિતાબ આપવામાં આવ્યો હતો.

માહિમના ૧૨ દિવસના મેળાનો પહેલો દિવસ સંત મકદૂમ શાહ બાબાની પુણ્યતિથિનો દિવસ છે. આ દિવસે માહિમ પોલીસસ્ટેશનથી સૌથી પહેલું સરઘસ નીકળે છે. કહેવાય છે કે આજે જ્યાં પોલીસસ્ટેશન છે ત્યાં એક સમયે બાબાનું ઘર હતું. એટલું જ નહી પોલીસસ્ટેશનના વરિષ્ઠ પોલીસ અધિકારીના કક્ષની બાજુના ઓરડામાંના એક કબાટમાં બાબાની ખુરશી, તેમની પાદુકા તથા તેમના હાથે લખાયેલી કુરાનની પ્રત પડ્યા છે. વર્ષમાં એક જ વાર આ કબાટ ખોલવામાં આવે છે. લોકવાયકા મુજબ બાબાની અંતિમ ક્ષણોમાં એક પોલીસ કૉન્સ્ટેબલે તેમને પોતાની ટોપી દ્વારા પાણી પાયું હતું. એક વાયકા મુજબ એક સહાયક પોલીસ અધિકારીને સ્મગલર સાથેના સંઘર્ષમાં એક વૃદ્ધની મદદ મળી હતી. શ્રદ્ધાળુઓના દાવા મુજબ એ વદ્ધ મકદૂમ શાહ બાબા ખુદ હતા.

મેળાના પ્રથમ દિને નીકળતા આ સરઘસને સંદલ કહેવાય છે. માહિમ પોલીસસ્ટેશનથી શરૂ થતા આ સરઘસમાં એક પોલીસ અધિકારી ચંદન ભરેલું પાત્ર લઈ આગળ ચાલે છે. જુના કાળમાં હવાલદાર રેન્કના પોલીસ કર્મચારીઓ અંગ કસરતના અને તલવારબાજીના ખેલ રજૂ કરતા હતા. દરગાહ પહોંચ્યા બાદ મજાર પર ચંદનનો લેપ લગાડવામાં આવે છે. જંજીરાના નવાબ અને છેલ્લે દરગાહના સરઘસો એ જ દિવસે નીકળે છે. દરગાહનો દેખાવ સામાન્ય છે પરંતુ શ્રદ્ધાળુને મન તો બાબા તેમની મનોકામના પૂરી કરે છે.

આ એક માત્ર એવું શ્રદ્ધાસ્થાન હશે જેની સાથે પોલીસખાતા સાથે આટલી નિકટતા છે. દરેક પોલીસ અધિકારીને પણ બાબા પર એટલી જ શ્રદ્ધા છે. કહેવાય છે કે બાબાની દરગાહ પર જવાથી વળગાડ દૂર થાય છે. બીમારીથી પીડિતો, નિઃસંતાનો તથા તકલીફમાં ફસાયેલાઓ બાબાની માનતા માને છે. મેળા દરમિયાન પતંગ ઉડાડવાનો જોવામાં આવે છે.

— સંકલિત

 

  ૐ નમઃ શિવાય

હેંગિંગ ગાર્ડન – મુંબઈની સાત અજાયબીમાં એક

 હેંગિંગ ગાર્ડન             

 

                               મુંબઈની સાત અજાયબીમાં એક એટલે હેંગિગ ગાર્ડન

 

Hangig Garden

 

ફિરોજશાહ મહેતા ગાર્ડન એટલે હેંગિગ ગાર્ડન. મૉલ અને મલ્ટિપ્લેક્ષમાં મ્હાલનારી યુવાપેઢીને કદાચ આ નામ વિષે કદાચ માહિતી ન પણ હોય પણ મુંબઈની પ્રજા માટે આ એક પ્રિય સ્થળ છે. મુંબઈનાં જોવાલાયક સ્થળોની યાદીમાં આ ગાર્ડન અગ્રતાનું સ્થાન ધરાવે છે.

ઈ.સ.૧૮૮૧માં ત્રણ વિશાળ જળાશયોની ઉપર તેમનું રક્ષણ કરવાના આશયે આ બગીચો-ગાર્ડન બનાવવામાં આવ્યો હતો. આ જળાશયોમાં દસલક્ષ લિટર પાણીનો સંગ્રહ થતો અને એ સમયે આટલું પાણી મુંબઈની જરૂરિયાતનો મોટો હિસ્સો હતો. હેંગિંગ ગાર્ડન આ નામ ગ્રીક શહેર બેબીલોનમાંના બગીચાનું છે. દુનિયાની પ્રાચીન સાત અજાયબીમાં આ બગીચાનો સમાવેશ થતો હતો.

ઈ.સ. પૂર્વે ૬૦૦માં બેબીલોનના રાજા નેબુચાડનેઝર બીજાએ પોતાની પત્ની એમિટિસને ખુશ કરવા આ બગીચો બનાવડાવ્યો હતો. પર્શિયાની આ લાડલી પોતાના દેશની સુંદર વનરાજી અને સુગંધીદાર પુષ્પોની ખોટ અનુભવતી હતી માટે આ બગીચો બનાવડાવવામાં આવ્યો હતો. ઈ.સ. પૂર્વે બીજી સદીમાં વારંવાર ભૂકંપમાં આ બગીચાને નુકશાન થયું હતું આનો ઉલ્લેખ ગ્રીકના ઈતિહાસમાં કરવામાં આવ્યો છે. મુંબઈના મલબાર હિલ પર કમલા નહેરુ પાર્કની સામે આવેલા ફિરોજશાહ મહેતા ગાર્ડનને હેંગિંગ ગાર્ડન એવું નામ મળ્યું તેનું કારણ કદાચ એ હોઈ શકે કે આ બગીચો મલબાર હિલના ઢોળાવ પર છે. ઈ.સ. ૧૯૨૧માં હેંગિંગ ગાર્ડનમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા હતા.

ફિરોજશાહ મહેતાનું નામ મુંબઈના રાજકારણમાં અગ્રસ્થાને હતું. મુંબઈ નગરપાલિકાના પુનરુત્થાન માટે તેમની વિસ્તૃત અરજીને કાયદાનુ રૂપ આપવામાં આવ્યું હતું. મુંબઈના આવા અગ્રણીનું નામ આ હેંગિંગ ગાર્ડનને આપવામાં આવ્યું.

હેંગિગ ગાર્ડનની અનેક ખૂબીઓમાં એક એ છે કે નાના ઝાડવાની વાડમાંથી બનાવેલી પ્રાણી તથા માનવાકૃતિઓ. બગીચામાં ફૂલોનું એક મોટુંમસ ઘડિયાળ અને બીજું સૂર્યઘડિયાળ પણ છે જે સૂર્યપ્રકાશ મુજબ સમય દેખાડે છે. મલબાર હિલના દક્ષિણ છેડે આવેલા અરબી સમુદ્રનો સુંદર નજારો પણ આ બગીચા પરથી જોવા મળે છે. સવાર અને સાંજ અહીં લોકો જોગિંગ તેમજ વૉકિંગ કરતા જોવા મળે છે. સિનિયર સિટીઝનોનું મિટિંગ સ્થળ ગણાય છે. યોગના તેમજ લાફિંગ ક્લાસિસ પણ જોવા મળે છે. લોકો અહીં પોતાના મિત્રો સાથે પોતાના સુખ દુઃખની વાતો કરતા પણ જોવા મળશે. બપોરના સમયે તો બાળકો શાળામાંથી પિકનિક મ્હાલતા જોવા મળે છે. બહારગામથી આવતા આગંતુકો પણ અહીંની સુંદરતા મ્હાલતા જોવા મળશે. બગીચાની બહાર ફૂટપાથ પર ફેરિયાઓ પણ પોતાની કમાણી કરી લેતા દેખાશે. મુખ્ય દરવાજામાં પ્રવેશ કરતા પહેલા મલબાર હિલની પોસ્ટ ઑફિસ છે. જમણી બાજુથી નીચે ઉતરવાના રસ્તાની જમણી બાજુએ મુંબઈનું પ્રખ્યાત બાબુલનાથનાં મંદિરે જવાનો રસ્તો છે.

જેણે હેંગિંગ ગાર્ડન નથી જોયું તેને મુંબઈને મ્હાલ્યું નથી.

 

— સંકલિત

 

                                                                                      ૐ નમઃ શિવાય

મુમ્બ્રા હિલ્સ

                                                   આજે જેઠ સુદ છઠ્ઠ

મુમ્બ્રા હિલ્સ

મુમ્બઈંના પર્વતારોહકોમાં થાણેની આ ‘મુમ્બ્રા હિલ્સ’ પ્રિય થઈ રહી છે. મુમ્બઈના જોડિયા શહેર થાણેની મુમ્બ્રા ટેકરીઓ જે ‘ક્લાઈમ્બિંગ નર્સરી’ તરીકે ઓળખાતી આ ભવ્ય ટેકરીઓ થાણે શહેર કે તેની આસપાસ રહેતા સાહસિકો માટે અત્યંત સગવડભર્યું સ્થાન છે. આ ટેકરીઓ ટ્રેકિંગ માટે એકદમ અનુકૂળ છે. અહીં પહોંચવા માટે મુમ્બઈગરાઓને પોતાના નિવાસસથાનથી ઝાઝો પ્રવાસ કરવો નથી પડતો. દક્ષિન મુમ્બઈ જે મુમ્બઈનું હાર્દ ગણાય છે ત્યાંથી 2 કલાકનાં અંતરે થાણા શહેર આવેલું છે. સેંટ્રલ રેલ્વેથી જો પ્રવાસ કરો તો થાણા 11/2 કલાક્ના અંતરે થાણા શહેર આવેલું છે. મોટી વાત તો એ છે કે આખા વર્ષ દરમિયાન અહીં ટ્રેકિંગ કરી શકાય છે. જોકે ચોમાસુ પર્વતારોહકો માટે પ્રિય મોસમ ગણાય છે.

રોજિંદા કાર્યોથી કંટાળેલા વ્યવસાયિકો કે પછી અભ્યાસના બોજથી કંટાળેલા વિદ્યાર્થી માટે મુમ્બ્રા ટેકરીઓ હળવાં બનવાનું એક મનોહારક સ્થળ બની રહે છે. અહીંની ટેકરીઓના આકાર ટ્રેકરો માટે વિવિધ પ્રવૃત્તિ માટે અનુકૂળ છે. આ ક્લાઈમ્બિંગ નર્સરીમાં 15 થી 20 જાતનાં ખડકો લેડરિંગ, કમાંડો બ્રીજ, મંકી ક્લાઈમ્બિંગ જેવી પ્રવૃત્તિઓ માટે એકદમ અનુકૂળ છે. અહીં કેટલાક આધારો કાઅમી ધોરણે મૂકી રાખ્યા હોવાથી અક્સ્માતની શક્યતા ઘણી ઘટી જાય છે. જોકે આવી પરિસ્થિતિમા કે પર્વતારોહણની શરુઆતના તબ્બકે નિષ્ણાતોની સલાહ સૂચનોથી કે એમના માર્ગદર્શંનથી કે એમની હાજરી સાથે આગળ વધવું યોગ્ય છે.

મુંબઈગરા કે થાણેના પર્વતારોહક માટે સહ્યાદ્રિ પર્વતૂ, લોનાવલા કે કર્જતની ટેકરીઓ કરતાં હવે મુમ્બ્રાની ટેકરીઓ ટ્રેકિંગ માટે એકદમ નજીક અને અનુકૂળ હોવાથી વારંવાર ટ્રેકિંગનો આનંદ અનુભવે છે તેમજ તાજગીનો અનુભવ કરે છે.

                                                                                                   – સંકલિત

                                                                                           — સૌજન્ય:-  ગુજરાત સમાચાર

                                                   ૐ નમઃ શિવાય