કુંવરબાઇનું મામેરું – 2009

                                    આજે મહા સુદ છઠ્ઠ
આજનો સુવિચારઃ– ધનનો અભાવ કરતાં પણ શક્તિના અભાવથી જ મોટેભાગે અસફળતા મળે છે. –ડેનિયલ વેલ્સ્ટર

કુંવરબાઇનું મામેરું  – 2009

દીકરી ના આવ્યા હોંશીલા તેડા..

યુ.એસ.જાવાના કંઇ કર્યા કોડ..
મનમાં ઉગી મીઠી એક મૂંઝવણ,
લઇ શું જાવું દીકરી માટે?
નથી ત્યાં ક્શી યે ખોટ. સાયબી છલકે દોમદોમ……

ત્યાં કુંવરબાઇ ના મામેરા સમ .
લિસ્ટ આવ્યું લાંબુલચક…..!!.

અહીં ઝળહળતા પ્રકાશ ના ધોધ માં,
આંખ્યુ જાય અંજાય..
માટી ના કોડિયા ની મીઠી રોશની લાવજો,
ને વળી તુલસીકયારાની મઘમઘતી મંજરી..

હ્લ્લો ને હાય માં અટવાતી રહી,
જ શ્રીકષ્ણ ના નાદ બે-ચાર લાવજો.

લાવજો છાબ ભરી કોયલના ટહુકા,
ને ઉષા ના પાલવમાંથી ઉગતા-
સૂરજ નો રાતોચોળ રંગ……..
ગોકુળ ની ગલીઓનો ગુલાલ અને,
‘રજ વનરાવનની લાવજો…

ખોવાઇ ગયેલ જાત ને જોઇ શકું,
આયનો એવો એક લાવજો..
 
ગુણાકાર-ભાગાકાર કરી કરી,
ગણિત થઇ ગયું હવે પાકું,
ડોલરિયા આ દેશમાં…
વહાલના સિક્કા બે-ચાર વીણી લાવજો.

‘કેમ છો બેટા’?કોઇ ન પૂછતું ભીના કંઠે,
આંસુ લૂછવાને ટીસ્યુ નહી,પાલવ તારો લાવજો.
 
સગવડિયા આ પ્રદેશ માં ..
લાવજો હાશકારી નવરાશ,
ને છાંટજૉ કુટુંબમેળા ના કંકુછાંટણા………..
 
મસમોટા આ મારા મકાન ને..
ઘર બનાવવાની રીતો જરુર લાવજો,

ઉપરથી તો છઇએ લીલાછમ્મ..
પણ મૂળિયાં તો એની માટી ને તરસે….
પરફયુમ –ડીઓ નહીં.
ભીની માટી ની ભીનાશ ભરી લાવજો

થોડું લખ્યું ,જાજું કરી વાંચજો,
વેલાવેલા આવી હેતના હલકારાઆલજો..

                                                                                    –નીલમબેન દોશી

                                                                      ૐ નમઃ શિવાય