ફળોનો રાજા કેરી

                              આજે વૈશાખ સુદ પાંચમ

આજનો સુવિચાર:- ખોટી હામાં હા કરતાં સ્પષ્ટ ના તમારા માટે વધુ હિતકારી સાબિત થશે.

 

હેલ્થ ટીપ:- ગરમ દૂધ અને ચા પીધા પછી પાણી પીવું યોગ્ય નથી.

 

 ફળોનો રાજા કેરી

 

      ભલે એને આમ કહેવાય છે પણ તેમાં કાંઈક ખાસ વાત છે. એ અમૃતફળ છે. પાકી કે કાચી કેરી બધ્ધી જ અવસ્થામાં આરોગ્યવર્ધક છે. ફળ તો ફળ ગોટલી પણ આરોગ્યવર્ધક છે. આંબાનાં પાંદડાનો ઉપયોગ પણ આપણે પૂજામાં કરીએ છીએ.

    સ્કૂલનાં દિવસો યાદ કરતાં કહું તો સ્કૂલના દરવાજાની બહાર કાચી કેરી કાપીને બેઠેલા ફેરિયા પાસેથી મીઠું મરચું ભભરાવીને તેની જ્યાફત ઉડાડવાની મઝા તો અનેરી જ હતી. કાચી કેરીનાં અથાણાં બને છે. તેમાંથી ચટણી બને, પનો બને જેના સેવનથી ગરમી લૂ લાગતી નથી.

     કેરીમાં કેલેરી અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ખૂબ હોવાથી વજન વધવાનો ભય ખરો પણ જેને વજન વધારવું હોય તે પાકી કેરીનું સેવન કરે. કેરીમાં આયર્નનું પ્રમાણ વધારે હોવાથી એનેમિક વ્યક્તિ કેરીનું સેવન જરૂરથી કરે. કહેવાય છે કે તેને વિટામિન ઈનું પ્રમાણ હોવાથી હૉર્મન સીસ્ટમને અસરકારક બનાવે છે. બેક્ટેરિયલ ઈંફેક્શન, કબજિયાત, ડાયરિયા, આંખોની સમસ્યા, વાળ ખરવા, હૃદય રોગનો હુમલો, લીવરની સમસ્યા, મેંસ્ચુઅલ ડિસઑર્ડર, મૉર્નિંગ સિકનેસ, પાઈલ્સ, અળાઈ વગેરેમાં પાકી કેરી રાહત આપે છે.

       કેરીનાં ગોટલાનાં ગર્ભ કાઢીને એટલે કે ગોટલી કાઢીને તેની ચીરીઓ કરી તેમાં મીઠું અને લીંબુનો રસ લગાડી સૂકવી તેને મુખવાસ તરીકે ઊપયોગ કરવામાં આવે છે. આ ગોટલી તુરી હોય છે. ઊલટી અને અતિસાર મટાડે છે. હૃદયમાં થતી બળતરા દૂર કરે છે. આ ગોટલીનાં પાઉડરમાં આમળાનો ભૂક્કો, કાંટાળા માયુનો ભૂક્કો તથા વાટેલા લવિંગ નાખવાથી ઉત્તમ પ્રકારનું દંતમંજન થશે. કાચી કેરીને સૂકવીને આંબોળિયા અને સૂકવેલાં આંબોળિયામાંથી આમચૂર પાઉડર બનાવવામાં આવે છે જેનો ઊપયોગ ખટાશ માટે થાય છે.

      ફાયદા તો જોયા પણ જો વધુ પડતી કેરી ખવાય તો કેરીની ગરમી મોંઢા ઉપર ફૂટે છે. કેરીના રસમાં જો મીઠું અને સૂંઠ પાઉડર ઉમેરીને ખાવામાં આવે તો તે પાચ્ય બની જાય છે. કેરીના રસના સૂકવેલા પાપડ તરસ- ઉલટી મટાડનાર, વાતહરનાર, પિત્તહર, રોચક અને હલકાં છે.
    પાકી કેરી ચૂસીને ખાવાની મઝા તો કાંઈ ઓર છે બાળપણ યાદ આવી જાય. કેરીને ચૂસીને ખાવામાં પણ ફાયદો જ છે. કેરી ચૂસીને ખાવાથી તે રૂચિકર લાગે જ છે અને સાથે સાથે તે બળવર્ધક છે અને વીર્ય વધારનાર છે.
    ગરમીની શરુઆતમાં કાચી કેરી ઉપલબ્ધ હોય છે. ત્યારબાદ આફૂસ, પાયરી, કેસર કેરી આવવા માંડે છે અને સીઝન પૂરી થતા તો તોતાપુરી, લંગડો, દશેરી, બાટલી કેરીઓ મળવા માંડે છે. આમ ચોમાસા સુધી કેરી મળતી રેહે છે અને એનો આનંદ ઉઠાવવો જોઈએ અને વર્ષભર સ્વસ્થતા મળી રહે છે.

 

                                                   ૐ નમઃ શિવાય

3 comments on “ફળોનો રાજા કેરી

  1. અહી કેરીની વાતો બહુ ન કરો.અહી આપણા જેવી સરસ કેરી કયાં ૵
    આ સીઝનમાં કેરીની મઝા તો ગુમાવી જ. જોકે બાળકોને મળવાની મજા માણી..એટ લે ચાલશે. કંઇક મેળવવા કંઇક ગુમાવવું પણ પડે ને ૵

    Like

Leave a comment