આનંદી કાગડો

                          આજે પોષ વદ ચૌદસ [અમાવસ્યા]

                                        

                                                       આનંદી કાગડો

એક કાગડો હતો.તે એકવાર રાજાના વાંકમાં આવી ગયો એટલે રાજાએ તેના માણસોને કહ્યું,

‘જાઓ આ કાગડાને ગામના કૂવાને કાંઠે ગારો છે તેમાં નાખી ખૂંપાડીને મારી નાખો.’

કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં નાખવામાં આવ્યો. કાગડાભાઈ તો ગારામાં ખૂંપતા ખૂંપતા આનંદથી બોલવા લાગ્યાઃ

‘ગારામાં લપસણું કરતાં શીખીએ છીએ, ભાઈ!
ગારામાં લપસણું કરતાં શીખીએ છીએ.’

રાજા અને તેના માણસો તો નવાઈ પામ્યાં કે આ કાગડો ખૂંપવાથી દુઃખી થવાને બદલે આનંદથી કેમ બોલે છે ?

રાજાને ક્રોધ ચડ્યો અને બીજો હુકમ કર્યોઃ ‘નાખો એને કૂવામાં, એટલે ડૂબીને મરી જાય.’
કાગડાને કૂવામાં નાખ્યો.

કાગડાભાઈ તો કૂવામાં પડ્યા બોલ્યાઃ

‘કૂવામાં તરતાં શીખીએ, ભાઈ
કૂવામાં તરતાં શીખીએ છીએ.’

રાજા કહેઃ ‘હવે તો કાગડાને આથી વધારે સખત શિક્ષા કરવી જોઈએ.’

પછી તો કાગડાને કાંટાના એક મોટા જાળામાં નખાવ્યો.

કાગડાભાઈ તો એના એ જ રહ્યા. વળી પાછા આનંદી સૂરે ગાતા ગાતા બોલ્યાઃ

‘કૂણા કાન વીંધાવીએ છીએ, ભાઈ
કૂણા કાન વીંધાવીએ છીએ.’

રાજા કહેઃ’કાગડો તો ભારે જબરો ! ગમે તે દુઃખમાં એને થતું જ નથી.ચાલો જોઈએ, હવે સુખ થાય એવે ઠ્કાણે નાખવાથી એને દુઃખ થાય છે?

પછી કાગડાભાઈને એક તેલની કોઢીમાં નાખ્યા.

કાગડાભાઈ તો એ પણ સવળું જ પડ્યુ. ખુશ થઈ એ બોલ્યાઃ

‘તેલ કાને મૂકીએ છીએ, ભાઈ !
તેલને કાને મૂકીએ છીએ.’

પછી તો રાજાએ કાગડાને ઘીના કુલડામાં નાખ્યો. એમાં પડ્યો પડ્યો પણ કાગડો તો બોલ્યોઃ

‘ઘીના લબકા ભરીએ છીએ, ભાઈ
ઘીના લબકા ભરીએ છીએ.

રાજા તો ખૂબ ખિજાયો કાગડાને ગોળની કોઠીમાં નખાવ્યો.

કાગડાભાઈ તો પાછા મજાથી બોલ્યાઃ

‘ગોળના દડબા ખાઈ છીએ, ભાઈ !
ગોળના દડબા ખાઈએ છીએ.’

પછી રાજાએ કાગડાને ખોરડાની ઉપર ફેંક્યો, પણ ત્યાં બેઠાં બેઠાં કાગડો કહેઃ

નળિયા ચાળતા શીખીએ છીએ, ભાઈ !
નળિયા ચાળતા શીખીએ છીએ.’

છેવટે થાકીને રાજા કહેઃ’આ કાગડાને આપણે શિક્ષા કરી શકશું નહિ એને મનથી દુઃખ લાગતું નથી માટે એને ઉડાડી મૂકો’

અને પછી કાગડાને ઉડાડી મૂક્યો.

લેખકઃ ગિજુભાઈ બાધેકા [મૂછાળી મા]

ૐ નમઃ શિવાય

3 comments on “આનંદી કાગડો

Leave a comment