પુરુષોત્તમ માસ

                   આજે અધિક જયેષ્ઠની એકમ [પુરુષોત્તમ મહિનાનો પ્રારંભ]

આજનો સુવિચાર:- ગુસ્સો ખરાબ નથી પરંતુ ગુસ્સા પછી મનુષ્યમાં જે વેરવૃત્તિ જાગે છે તે ખરાબ છે. – મુનિશ્રી તરુણસાગરજી.

હેલ્થ ટીપ:- એકથી ત્રણ વર્ષના બાળકને રોજ 500 મિ.ગ્રા. કેલ્શિયમની જરૂર પડે છે માટે બાળકને બે ગ્લાસ દૂધ તથા દૂધમાંથી બનેલી વાનગી જેવાં કે દહીં, ચીઝ, પનીર આપવા જોઈએ.

[rockyou id=69169957&w=426&h=320]

આજથી ધાર્મિક કાર્યનું ફળ આપનાર પવિત્ર પુરુષોત્તમ માસનો પ્રારંભ થયો છે.

    વિક્રમ સંવતના વર્ષમાં ગુજરાતી બાર મહિના આવે છે. આપણા ગુજરાતી કેલેંડરમાં દર ત્રીજે વર્ષે અધિક માસ આવે છે. આ અધિક ગણવા પાછળ ખગોળ વિજ્ઞાનને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે તે ઉપરાંત જ્યોતિષ, પંચાંગ, ગ્રહો, તારાઓ,સૂરજ, ચંદ્રનું નક્ષત્રોમાં ભ્રમણ વગેરેની ગણતરી પ્રમાણે ચાલે છે તેમ અધિક માસની બાબતમાં છે. વર્ષ, મહિના, બે પક્ષ [સુદ અને વદ], દિવસ, પ્રહર, ઘડી, પળ, વિપળ, રાત્રિ, ઋતુઓ, એ બધા કાળના વિભાગો છે. આ દરેક વિભાગનાં જુદા જુદા અધિષ્ઠાતા દેવ છે પરંતુ જ્યારે જ્યોતિષની દૃષ્ટિથી ઝીણવકપૂર્વક ગણતરી કરતાં અધિક મહિનો ઊભો થતાં આ અધિક માસનો કોઈ અધિષ્ઠાતા દેવ ન હતો. વળી આ માસમાં સૂર્ય એક જ રાશિમાં રહે છે. આમ આ માસમાં સૂર્યનું સંક્રમણ ન થતું હોવાથી આ માસ ‘મળમાસ’ તરીકે ઓળખાવા લાગ્યો. આવા ઉત્સવવિહીન અધિક માસનો સૂર્ય દ્વારા અસ્વીકારને કારણે આ માસ ‘અપર્વ’ માસ ગણાવા લાગ્યો.. ભગવાન પુરુષોત્તમ વિષ્ણુએ આ અધિક મળમાસનું આધિપત્ય સ્વીકારવાથી આ અધિક મળ માસ ‘પુરુષોત્તમ માસ’ તરીકે ઓળખાવા લાગ્યો.

     આપણા વૈદિક પુરાણોમાં પણ આ અધિક માસનું મહત્વ દર્શાવ્યું છે. આનો ઉલ્લેખ મહાભારતમાં પણ છે. લોકો આ માસમાં નદી કાંઠે, સમુદ્ર કિનારે અથવા તો યાત્રાને ધામે જાય છે. પુષ્ટિ સંપ્રદાયના પ્રણેતા શ્રીમદ વલ્લભાચાર્યે પણ આ અધિકમાસનુ મહ્ત્વ સમજાવ્યું છે કે આ માસ દરમિયાન ઘરમાં બિરાજતા ઠાકોરજીની સેવા અધિક રીતે કરવી.

    આ માસ દરમિયાન ભક્તિ, કીર્તન, ભજન દાન-પુણ્ય કરવા જોઈએ. આ માસમાં ભગવાન વિષ્ણુને તુલસી પત્ર ધરાવવાનો મહિમા છે. સત્સંગનો પણ અધિક મહિમા છે.

સત્સંગ નવ પ્રકારનો છે.

1] સતદેશ – જ્યાં સત્સંગ કરીયે તે જગ્યા, દેશ સત્સંગરૂપી સાબુથી શુદ્ધ રાખવી.

2] સતકાળ—જે ઘડીથી પરમાત્મા સાથે સત્સંગ બંધાય તે સતકાળ બની જાય. સંતોના કહેવા મુજબ વહેલી સવારે સત્સંગ કરવો.

3] સત પરિસ્થિતિ – આજુબાજુના લોકો પ્રત્યે સદભાવ રાખવો.

4] સતકર્મ – કર્મ કર્યાનો આનંદ મળવો જોઈએ, સુખ થવું જોઈએ. ખોટું કરવાથી દિલમાં અજંપો થશે માટે બીજાનાં હૈયાને ટાઢક પહોંચાડશો તો એ કર્મ સત્કર્મ ગણાશે.

5] સતભાવ – કરુણા, દયા, ક્ષમા, ધીરજ, સંતોષ આ દરેક સતભાવ છે તેનું દિલમાં સૌંદર્ય વધારશો તો સતભાવ આપોઆપ વધશે.

6] સતસંકલ્પ – સતસંકલ્પ માટે આત્મબળ જરૂરી છે જે સત્સંગ દ્વારા મળે છે.

7] સતવિચાર – વિચાર શુભ હશે તો સંકલ્પ પૂર્ણ થશે.સંકલ્પ શુભ હશે તો વિચાર પણ શુભ થશે.

8] સતસ્વભાવ – સત્સંગ દ્વારા સ્વભાવમાં પરિવર્તન આવે છે. સ્વભાવ સુંદર બનશે તો સંકલ્પ પણ શુભ થશે અને વિચાર પણ શુભ આવશે.

9] મહાપુરુષોનો સંગ – સૌથી મોટો સંગ મહાપુરુષોનો છે જેનાથી સર્વાંગી વિકાસ થશે.

સત્સંગનું પલડું હંમેશા ભારી હોય છે.

આજથી અગિયાર દિવસ સુધી ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં ગંગા દશહરનો મેળો ભરાય છે. આજે ભાગીરથી ગંગાનો જન્મદિન છે.

એમ કહેવાય છે કે આ દસ દરમિયાન ભારતની તમામ નદીઓમાં ગંગાજીનો પવિત્ર જલપ્રવાહ વહે છે.

                                         ૐ નમઃ શિવાય