ગણેશજીના વિવિધ રૂપો

                                   આજે ભાદરવા સુદ નોમ

 

આજનો સુવિચાર:- જ્યાં નીતિ અને બળ બન્નેને કામમાં લેવાય છે, ત્યાં બધી બાજુથી સફળતા પ્રાપ્ત થાય છે. — શંકરાચાર્ય

G1-480

 

ગણેશજીના વિવિધ રૂપો

 

વિઘ્નેશરાય વરદાય સુરપ્રિયાય,
લંબોદરાય સકલાય જગદ્વિતાય
નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય,
ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે

ગણેશ, ગણપતિ, ગજાનન, લંબોદર, વિઘ્નહર્તા, સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, ધૂમકેતુ, ગણાધ્યક્ષ, ભાલચન્દ્ર, વિનાયક વગેરે અનેક વિવિધ નામ ધરાવતા ગણેશજી વિશ્વભરમાં પૂજાય છે. તેમની વિવિધ પ્રકારની મૂર્તિઓ જગતના જુદા જુદા વિસ્તારોમાં જોવા મળે છે.

મૅક્સિકોમાં વરુણ દેવતા તરીકે ઓળખાતા ગણેશજીની બે ભુજાઓ છે. તેમની સૂંઢ લાંબી છે અને કપાળ પર સૂર્યનું પ્રતિક છે. આંખો સોનેથી મઢેલી છે. બુદ્ધ ભગવાન જેવી મુદ્રામાં ગણેશજી બિરાજમાન છે. ત્યાંની સંસ્કૃતિ અનુસાર તેમને ફૂલપાનના આભૂષણો પહેરાવવામાં આવ્યા છે.

દક્ષિણ બાલીના જંબરનમાં આવેલી ગણેશજીની મૂર્તિ અગ્નિરૂપે ઓળખાય છે. સાતમી કે આઠમી સદીની આ પાષાણની મૂર્તિ બે ભૂજાની છે. બાલીમાં બીજે બધે કાંસ્યની મૂર્તિઓ જોવા મળે છે. પાષાણની આ મૂર્તિ દુનિયામાં એક છે એવું મનાય છે. આ મૂર્તિમાં બાલી સંસ્કૃતિની ખાસ વિશિષ્ટતા દેખાય છે. આ મૂર્તિમાં પગનાં તળિયા જાવા પદ્ધતિ અનુસાર એકમેકને સ્પર્શ કરે છે. ગણેશજીના જમણા હાથમાં મશાલ અને ડાબા હાથમાં પાત્ર છે. તેમનું મોઢું મોટું, આંખો ગોળ અને કપાળ પર કમળ છે. માથા પરના મુગટમાં મૂલ્યવાન હીરો જડેલો છે. સૂંઢ ગરદન તરફ વળેલી છે તેની બાજુમાં જ્વાળા છે. કમરપટ્ટો ઈંડોચીન પદ્ધતિનો છે. અહીંયા ગણેશજી સૂર્યરૂપે ઓળખાય છે. જ્યારે રાજારાણીનું મૃત્યુ થાય ત્યારે તેમના પૂતળા બનાવી જમણા હાથમાં ગણેશજીની મૂર્તિ મૂકવામાં આવે છે. આમ કરવાથી રાજારાણી દેવરૂપ પામે છે એવી માન્યતા છે. ગણેશજી દુષ્ટોના સંહારક દેવતા હોવાથી બાલીના ગણપતિના હાથમાં મશાલ હશે એવું અનુમાન કરવામાં આવે છે.

ઈંડો – ચાઈનામાં ગણેશજી વિનાયક તરીકે ઓળખાય છે. અહીં સ્સતમી કે આઠમી સદીની આ ગણેશજીની મૂર્તિ બે માથાવાળી છે. આગળનું માથુ હાથીનું છે અને પાછળનું માથું મનુષ્યનું છે. આ મૂર્તિમાં ગણેશજી ઊભા છે. ડાબા હાથમાં પાત્ર છે અને જમણા હાથમાં પાંદડાની ડાળખી છે.

જાપાનમાં ગણેશજીની મૂર્તિ હસમુખો ચહેરો ધરાવે છે, પુસ્તક બેઠેલી આ મૂર્તિના ચાર હાથમાં કુહાડી, કુંભ, ધનુષ્યબાણ અને પુષ્પમાળા છે. આંખો લીલી છે અને માથે ચોટી છે.

જાવામાં બોરોના ગણેશ તરીકે ગણેશજી ઓળખાય છે. તેમને ચાર હાથ છે અને પગ પાસે માનવખોપડીઓ કોતરેલી છે. ગણેશજીની આખી મૂર્તિ ભારતીય જાવાપદ્ધતિની છે. પાછળની બાજુ કાપાલિક ચહેરો કોતરવામાં આવ્યો છે જે ભૂત પિશાચનો નાશ કરનારો ગણાય છે.

તિબેટમાં ગણેશજી રાક્ષસોથી રક્ષણકર્તા તરીકે માનવામાં આવે છે જેથી મંદિરના મુખ્ય દ્વાર પર મૂર્તિ રૂપે ચિત્રમાં જોવા મળે છે. તામ્બોમાં દેવાલયના મુખ્યદ્વાર પર વ્યાઘ્રચર્મ પર ગણેશજીની મૂર્તિ કંડારેલી છે. તેમના ગળામાં રુદ્રાક્ષમાળા અને સર્પ જોવા મળે છે.
ઈરાનમાં ગણેશજી શૂરવીર યોદ્ધાના સ્વરૂપે જોવામાં આવે છે. તેઓ શંકર ભગવાનના ગણના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે. તેમને દાઢી પણ છે. ચીનમાં ગણેશજી ગૂઢ વિદ્યાના દેવતા ગણાય છે. અફઘનીસ્તાનમાં ઈજિપ્ત સંસ્કૃતિ પ્રમાણે તૈયાર કરેલી સાતમી કે આઠમી સદીની ગણેશજીની મૂર્તિ જોવા મળે છે. બૉર્નિયામાં જટાધારી અને ગળામાં સર્પોના હાર સહિત ગણેશજીની મૂર્તિ જોવા મળે છે. ઉત્તર વિયેટનામમાં ગણેશજીના ચહેરા પર એક આખો અને બીજો અડધો દાંત જોવા મળે છે.

નેપાળમાં સૂર્યવિનાયક, શ્રીલંકામાં યોગાયોગ વિંદા શ્રી ગણેશ, મધ્ય એશિયામાં ગણેશ, કમ્બોડિયામાં મહારાજ લીલા મુદ્રા શ્રી ગણેશ, બ્રહ્મદેશમાં મહાપિચેન, કામ્પુચિયામાં શ્રી ગણેશ ખમેર તરીકે ઓળખાય છે.

આમ દેશ-વિદેશમાં ગણપતિબાપ્પા એક યા બીજા સ્વરૂપે પૂજાય છે, આરાધ્યાય છે, શ્રદ્ધા રાખીને સ્થાપિત કરી પૂજે છે, ભજન કરે છે.

— સૌજન્ય :- જન્મભૂમિ

ગણપતિ બાપ્પા મોરિયા
પુઢચા વર્ષી લવકર યા
અર્થાત
હે ગણપતિ બાપા
આગલે વર્ષે જલ્દી આવજો,

                                          ૐ નમઃ શિવાય

5 comments on “ગણેશજીના વિવિધ રૂપો

Leave a comment