ગણેશજીનાં વિવિધ રૂપો

                   આજે ભાદરવા સુદ તેરસ

આજનો સુવિચાર:- વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ
                                 નિર્વિઘ્ન કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા

હેલ્થ ટીપ્સ:- વાળને લાંબા અને ચમકદાર બનાવવા માટે અઠવાડિયામાં એક વખત માથામાં હુંફાળુ તેલ લગાડવું અને થોડા કલાક બાદ નવશેકા ગરમ પાણીમાં પલાડેલા માથા પર લપેટી સ્ટીમ આપવી.

                                    શ્રી ગણેશનાં વિવિધ રૂપ

      હિંદુ ધર્મમાં ગણેશજીનું સ્થાન સૌથી મોખરે છે. કોઈપણ શુભકાર્યના આરંભમાં ગણેશજીની પૂજા થાય છે. સમગ્ર દેવોમાં ગણપતિ અગ્રપૂજ્ય હોવાથી તેઓ વિનાયક કહેવાય છે. આવા દૂંદાળા બુદ્ધિવર્ધક, વિઘ્નહર્તા, મંગલકર્તાનાં પુરાણોમાં વિવિધ રૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે.

1] બાળ ગણપતિ

       બાળ ગણપતિ ચતુર્ભુજ સ્વરૂપે છે. તેમના ચાર હાથમાં કેળા, આંબા, કંટોળા, શેરડી તથા સૂંઢમાં મોદક હોય છે. શાસ્ત્રીય માન્યતા મુજબ આ લાલ આભાયુક્ત ગણેશજીની નિઃસંતાન દંપતિ આરાધના કરે તો તેમને સંતાન પ્રાપ્તી થાય છે.

2] તરૂણ ગણપતિ

       આ અષ્ટભૂજા ગણપતિ છે. તેમના હાથમાં પાશ, અંકુશ, કપિત્ય ફળ, જાંબુ, તૂટેલો હાથી દાંત, ચોખાના ડૂંડા, આસમાની રંગના કુમુદ અને શેરડી છે. રતાશ પડતા આ ગણપતિની લગ્નોત્સુક યુવક યુવતીઓ આરાધના કરે છે.
 

3] ઊર્ધ્વ ગણપતિ

      અષ્ટભૂજાવાળા આ ગણપતિજીના હાથમાં ફૂલ, નીલોત્પલ, ચોખાનાં ડૂંડા, કમળ, શેરડી, ધનુષ, બાણ, હાથી દાંત તથા ગદા ધારણ કરી હોય છે. તેમની જમણી બાજુ લીલા રંગથી સુશોભિત દેવી બિરાજમાન છે. ભક્તિપૂર્વક આમની ઉપાસના કરનારને પોતાની સિદ્ધી પ્રાપ્ત થાય છે.

4] ભક્ત ગણપતિ

      ચતુર્ભુજ આ ગણપતિના હાથમાં નારીયેળ, આંબો, કેળું અને ખીરનું સુશોભિત કળશ છે. પૂર્ણિમા સમાન શ્વેત વર્ણિય ગણપતિની આરાધના ઈચ્છિત ફળ આપનારી છે.

5] વીર ગણપતિ

     સોળભૂજાવાળા આ ગણપતિનો દેખાવ થોડોક ક્રોધિત છે. શત્રુનાશાને સંરક્ષણ માટે આમની પૂજા ફળદાયક છે.

6] શક્તિ ગણપતિ

    આ મૂર્તિની ડાબી બાજુ સુલલિત ઋષિદેવી બિરાજમાન હોય છે જેમનો રંગ લીલો છે. સંધ્યાકાળની લાલિમા સમ ધૂમિળ વર્ણવાળા આ ગણપતિને બે ભૂજા છે. એમનું પૂજન સુખ સમૃદ્ધિ, ભરપૂર ખેતી તથા અન્ય શાંતીના કાર્યોમાં ફળ આપનારું છે.

7] હેરંબ ગણપતિ

       બાર ભૂજાવાળા ગણપતિનો જમણો હાથ અભય મુદ્રા અને ડાબો હાથ વરદ મુદ્રા દર્શિત કરે છે. હેરંબ ગણપતિ સિંહ પર સવાર કરે છે. તેમના દેહનો વર્ણ શ્વેત છે. સંકટમોચન તથા વિઘ્નનાશ માટે તેમનું પૂજન થાય છે.

8] લક્ષ્મી ગણપતિ

     ગણપતિની આ પ્રતિમાની બંને પડખે રિદ્ધિ-સિદ્ધિ બિરાજમાન છે. રિદ્ધિ-સિદ્ધિના હાથમાં આસમાની રંગની કુમુદિનીના ફૂલ છે. સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ માટે આ ગણપતિનુ પૂજન પ્રસિદ્ધ છે.

9] મહાગણપતિ

     બાર ભૂજાવાળા આ મહાગણપતિ અતિસુંદર છે. સુખ, કીર્તિ, પ્રદાન કરનારા આ મહાગણપતિનું સ્વરૂપ ભક્તોની ઈચ્છાપૂર્તિ માટે પ્રસિદ્ધ છે.

10] વિજય ગણપતિ

     અરુણ વર્ણ સૂર્યકાંતિવાળા ચતુર્ભૂજવાળા આ વિજય ગણપતિનું પૂજન કોઈપણ મંગલ પ્રયાસમાં વિજયની પ્રાપ્તિ માટે ફળદાયક છે.

11] વિઘ્નરાજ અથવા ભુવનેશ ગણપતિ

        બારભુજાવાળા આ ગણપતિનું પૂજન કોઈપણ શુભકાર્યના પ્રારંભમાં કરવું અત્યંત લાભદાયક નીવડે છે.

                                       ૐ ગં ગણપતયે નમઃ