ગણેશ વિસર્જન

           આજે ભાદરવા સુદ ચૌદસ [અનંત ચતુર્દશી] [આનંદ ચૌદસ]

આજનો સુવિચાર:- સ્વર્ગનાં સંબંધોને ધરતી પર સાચવવા અઘરા છે.

હેલ્થ ટીપ્સ– જમ્યા બાદ ઋતુ અનુસાર ફળ ખાશો તો જમ્યા બાદ ગળ્યુ ખાવાની આદત છૂટી જશે.

                                  ગણપતિ વિસર્જન

     આખા બ્રહ્માંડમાં શિવજીનો એકલો એક જ પરિવાર એવો છે જેનાં દરેક સભ્યનું પૂજન થાય છે. આખો શ્રાવણ મહિનો શિવજીનું પૂજન થાય છે. ભાદરવા ચોથથી અનંત ચતુર્થી સુધી એટલે કે દસ દિવસ સુધી ગણેશ મહોત્સવ જેમાં દસ દિવસ સુધી ગણેશ પૂજન થાય છે. ત્યાર બાદ નવરાત્રીમાં નવ દિવસ શક્તિ પૂજન થાય છે.

     મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ લોકમાન્ય ટિળકે પ્રચલિત કર્યો. ત્યારથી આજ સુધી આ ઉત્સવ ઉત્તરોત્તર વધતો જાય છે. ગણેશજીની ચતુર્થીને દિવસે ભક્તો વાજતે ગાજતે ઘરમાં પધરાવે છે. ભાવભીનું સ્વાગત કરી પ્રેમપૂર્વક તેમનું પૂજન કરે છે. ઘણા ગણેશજીને 11/2 દિવસે પધરાવે છે તો ઘણા 5 દિવસે તો ઘણા 7 દિવસે પધરાવતા હોય છે. મોટેભાગે લોકો 10મે દિવસે ગણેશજીને પધરાવતાં હોય છે. અનંત ચતુર્થીને દિવસે માનવ મહેરામણ ઊભરાતો જોવા મળે છે. હવે આ તહેવાર મહારષ્ટ્ર અને ગુજરાત પૂરતો નથી રહ્યો પણ ભારતનાં લગભગ દરેક રાજ્યમાં આ તહેવાર ઉજવાય છે.

      મુંબઈના સૌથી લાડલા ‘લાલબાગના રાજા’ છે. કહેવાય છે કે ઈચ્છાપૂરક છે. લોકો તેમની બાધા રાખે છે. અને બાધા પૂર્ણ થતા યોગ્ય શક્તિ મૂજબ ભેટ ધરતાં હોય છે. આ વર્ષે એક દંપતિએ રત્ન જડિત સોનાનો પટ્ટો ધરાવ્યો હતો તેમજ એક દંપતિએ 22 કિલો સોનાનો કમરબંધ ધરાવ્યો હતો.

      મુંબઈનું ગિરગામ ચોપાટી ગણેશ વિસર્જનનું મુખ્ય સ્થાન ગણાય છે. ‘લાલબાગ ચા રાજા’ને આ પચીસ કિલો મીટરની યાત્રા પૂરી કરતાં ત્રેવીસથી પચીસ કલાક લાગે છે. હું નાની હતી ત્યારે જ્યાં સુધી લાલ બાગનાં રાજા પસાર ન થાય ત્યાં સુધી રસ્તા પરથી હઠતી ન હતી અને જેવા પસાર થાય ત્યાર પછી રસ્તા પરનો માનવ મહેરામણ વિખરાવા માંડતો અને આજ સુધી આ પરંપરા ચાલતી આવી છે. ચોપાટી પર એક બાજુ દરિયો લહેરાતો હોય છે અને બીજી બાજુ માનવ દરિયો જોવા મળતો હોય છે. ખૂબ જોવા જેવું દૃશ્ય અને મ્હાલવા જેવું દૃશ્ય હોય છે.

લોકો ભાવપૂર્વક બોલતા હોય છે 
 

ગણેશ ગેલે ગાઁવા લા
ચેન પડે ના આમા લા

ગણપતિ બાપ્પા મોરિયા
પુઢચા વર્ષી લૌકર યા.

                                 ૐ ગઁ ગણપતયે નમઃ