ડંફાસિયો ચકલો

                     આજે જેઠ સુદ આઠમ

આજનો સુવિચાર:- ‘મન ચંગા તો કથરોટમેં ગંગા’ આ કહેવત સાર્થક કરવી હોય તો મન પર અંકુશમાં રાખતા શીખો.— રામકૃષ્ણ પરમહંસ

હેલ્થ ટીપ્સ:- છાશમાં એક ચમચી સૂંઠ ભેળવી પીવાથી ઝાડા [અતિસાર] પર રાહત રહે છે.

                                 ડંફાસિયો ચકલો

[rockyou id=74239151&w=324&h=243]

એક હતો મોર.

પંખીઓનો રાજા. મોરનાં પીછાં બહુ લાંબાં. એવાં સુંદર અને રંગબેરંગી.

મોર ઘરડો થયો એટલે એનાથી લાંબાં પીછાં ઊચકાય નહીં. પીછાં ઊંચકાય નહી તો મોર ચાલે કેમ? એટલે મોરે ચકલાને નોકરીએ રાખ્યો. મોર ચાલે ત્યારે પાછળ પાછળ ચકલો મોરનાં પીછાં ઊચકીને ચાલે. એમ બંને જણા બધે ચાલતાં ચાલતાં જાય.

એક દિવસ એક કાબર ચકલાને મળી. કાબરે પૂછ્યું:”કેમ ચકલાભાઈ, મોરનાં પીંછાં ઊંચકો છો?”

ચકલાભાઈ ડંફાસિયા હતા. ચકલાએ કાબરને કહ્યું:” કાબરબેન, કાબરબેન, હું કાંઈ પીંછાં નથી ઊંચકતો. આતો મોરથી જરાયે ચલાતું નથી એટલએ હું મોરને પાછળથી ધક્કા મારું છું ત્યારે માંડ માંડ ડગુમગુ ડગુમગુ ચાલે છે.”

કાબરબેન હતાં બહુ બોલકાં. આખો દિવસ કલબલ કલબલ કરે. કાબરબેને ખિસકોલીને કાનમાં કહ્યું:”ખિસકોલીબેન, ખિસકોલીબેન આમોર છે તે એનાથી જરાયે ચલાતું નથી. પેલો ચકલો એને જોરજોરથી ધક્કા મારે છે ત્યારે મોર ડગુમગુ ચાલે છે.”

ખિસકોલીને આખો દિવસ કર્ર્ર્ર્ર્ર કર્ર્ર્ર્ર્ર્ર્ર કરવાની ટેવ. તેના પેટમાં આ વાત રહી નહીં. તેણે કાગડાને જઈને કહ્યું:”કોઈને કહેતા ના. આમોરથી ચલાતું નથી. પેલો ચકલો પાછળથી ધક્કો મારે છે ત્યારે જ મોર ડગુમગુ ચાલે છે.”

કાગડો તો હતો ચાડિયો. કા કા કા કરતો કાગડો મોર પાસે પહોંચ્યો. પછી મોરને આ વાત કહી દીધી. મોર બહુ ગુસ્સે થઈ ગયો.

એક દિવસ સવારના મોઅ ઊઠ્યો. ઊઠીને ખૂબ શીરો ખાધો. પછી પીંછાંની સાફસૂફી કરી. શીરો ખાધો અને કસરત કરી એટલે મોરમાં તાકાત આવી ગઈ. પછી મોરે ચકલાને કહ્યું:”ચાલ ચક્લા, આજે બજારમાં જવાનું છે.”

ચકલો મોરનાં પીંછાં ઊંચકી મોરની પાછળ પાછળ ચાલવા માંડ્યો. મોર અને ચકલો બજારમાંથી જતાં હતા. બજારમાં બીજાં ઘણાં પંખીઓ બેઠાં હતાં. બરોબર બજારની વચમાં આવ્યા એટલે મોરે બધાં પીંછાં ઊંચાં કર્યાં. પછી કકલાને એવી ઝાપટ મારી કે ચકલો ત્યાંનો ત્યાં પડી ગયો. એનો પગ ભાંગી ગયો. હવે રોજ બજારમાં ચકલો ડગુમગુ ડગુમગુ ચાલતો જાય છે.

                                         ૐ નમઃ શિવાય